ગદર-2: તારાસિંહની ટ્રક બૉક્સ ઑફિસ પર ફરી વળી, તમામ રેકૉર્ડ તોડ્યા

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દિગ્દર્શક અનિલ શર્માની ‘ગદર-2’ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરન મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મે 12 દિવસમાં મબલક કમાણી કરીને એક નવો રેકૉર્ડ સર્જ્યો છે.

12 જ દિવસમાં ફિલ્મ રૂ. 400.70 કરોડનો આંક પાર કરી ચૂકી છે. ફિલ્મને મળી રહેલા પ્રેમને જોઈને સની દેઓલ ભાવુક થઈ ગયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે “તમારો બધાનો આભાર. તમને ગદર-2 ફિલ્મ આટલી બધી ગમશે એ મેં ક્યારેય વિચાર્યું ન હતું. તમારા બધાના પ્રેમને કારણે અમે 400 કરોડનો આંકડો પાર કર્યો છે. આ બધું તમારા લીધે થયું છે. તમને ફિલ્મ ગમી, તારા-સકીના અને આખો પરિવાર ગમ્યો. તમારા બધાનો ખૂભ આભાર.”

સૌથી વધુ કમાણી કરનાર ટોચની 10 હિન્દી ફિલ્મોની યાદીમાં સામેલ થયેલી ‘ગદર-2’એ પઠાણ, આરઆરઆર, બાહુબલી-2, કેજીએફ-2, રજનીકાંતની 2.0, બાહુબલી, દંગલ, સંજુ અને પીકે જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

ટૉપ ફાઇવની રેસમાં સૌથી આગળ

બૉક્સ ઑફિસ પર ઘણી વાર એવું જોવા મળે છે કે રજૂઆતના પહેલા સપ્તાહમાં તો ફિલ્મ સારી કમાણી કરે છે, પરંતુ એવી જ કમાણી બીજા સપ્તાહમાં પણ કરે તો તે હિટ સાબિત થાય છે.

જાણીતા ફિલ્મ વિવેચક તરણ આદર્શે હિન્દી ફિલ્મોની બીજા સપ્તાહની કમાણીનો ઉલ્લેખ કરતાં તાજેતરમાં ટ્વિટર પર એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગદર-2એ રૂ. 90.47 કરોડ, પઠાણે રૂ. 63.50 કરોડ, બાહુબલી-2એ રૂ. 80.75 કરોડ, કેજીએફ-2એ રૂ. 52.59 કરોડ, દંગલે રૂ. 73.70 કરોડ અને સંજુએ રૂ. 62.97 કરોડની કમાણી કરી હતી. આ આંકડા દર્શાવે છે કે કમાણીની સ્પર્ધામાં ગદર-2ના તારાસિંહની ટ્રક બધાને પાછળ છોડીને આગળ નીકળી ગઈ છે.

22 વર્ષ પહેલાં ‘ગદર’ના ટ્રેલરની થઈ હતી ટીકા

એંગ્રી યંગમૅન તારાસિંહના પાત્રને દર્શકો બહુ વખાણી રહ્યા છે એટલું જ નહીં, ફિલ્મોદ્યોગના લોકો પણ આ ફિલ્મની વ્યાપક ચર્ચા કરી રહ્યા છે.

વિવેચકોથી માંડીને ફિલ્મોદ્યોગ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આ ફિલ્મનાં પારાવાર વખાણ કરી રહી છે, પરંતુ 22 વર્ષ પહેલાં ‘ગદર’ની રિલીઝ પહેલાં તેણે ઘણા લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

સની દેઓલે થોડા મહિના પહેલાં બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે 22 વર્ષ પહેલાં ગદર ફિલ્મ થિયેટરમાં પ્રદર્શિત થવાની હતી ત્યારે વિવેચકો અને ફિલ્મોદ્યોગના લોકોએ તેનું ટ્રેલર જોઈને કહ્યું હતું કે કેટલી બકવાસ ફિલ્મ બનાવી છે. ટીકા કરતા લેખો લખવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ હિન્દી ઓછી અને પંજાબી વધારે લાગે છે. જોકે, એ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે એક ઇતિહાસ રચાયો હતો અને આજ સુધી લોકો તેની ચર્ચા કરી રહ્યા છે.

ઇતિહાસ રચવાની વાત શા માટે?

ફિલ્મ ટ્રેડ એનલિસ્ટ અને વિવેચક ગિરીશ વાનખેડેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "ગદર-2 રિલીઝ થઈ ત્યારે પહેલા સપ્તાહમાં કમાણીના સંદર્ભમાં ટોચની પાંચ ફિલ્મોમાં સામેલ રહી હતી. એ લિસ્ટમાં બાહુબલી, કેજીએફ, આરઆરઆર અને રજનીકાંતની 2.0 હતી, પરંતુ ગદર-2એ બીજા સપ્તાહમાં ઝડપભેર પાંચમાથી પહેલા સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો છે."

"આવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કે બાકીની ફિલ્મોનું બજેટ બહુ મોટું હતું, જ્યારે ગદર-2 માત્ર રૂ. 80 કરોડમાં બની હતી. તેમ છતાં તેણે રૂ. 400 કરોડની કમાણી કરી છે, જે વખાણવાલાયક વાત છે. ગદર-2ની કમાણી અહીં અટકવાની નથી. તે વધુ ધમાલ મચાવીને રૂ. 500 કરોડનો આંકડો પણ પાર કરશે."

ગદર-2 પછી 80 અને 90ના દાયકાની આ ફિલ્મો પ્રદર્શિત થશે

ગદર-2ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે અને આ ફિલ્મે 80 અને 90ના દાયકાના કળાકારોને એક નવો જન્મ આપ્યો છે. સની દેઓલ હિન્દી ફિલ્મોમાં 40 વર્ષથી કામ કરી રહ્યા છે.

આ 40 વર્ષમાં તેમની ઘણી ફિલ્મો સફળ થઈ હતી અને કેટલીક નિષ્ફળ રહી હતી. સની દેઓલે છેલ્લાં 22 વર્ષમાં 33 ફિલ્મો કરી હતી. તેમાંથી માત્ર ‘યમલા પગલા દીવાના’ હિટ થઈ હતી, જ્યારે દેઓલ પરિવારની ‘અપને’ તથા ‘ચૂપ’ એવરેજ રહી હતી.

બાકીની બધી ફિલ્મો ફ્લૉપ થઈ હતી. તેનો અર્થ એ થાય કે તેમની 30 ફિલ્મો ફ્લૉપ થઈ હતી. હવે સની દેઓલનો સમય હવે આવ્યો છે.

ગદર-2 ફિલ્મને પગલે 90ના દાયકાની ફિલ્મોને જાણે કે નવું જોમ મળ્યું છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માની પાછલી તમામ ફિલ્મો ફ્લૉપ રહી હતી, પરંતુ તેમને હવે સફળતા મળી છે.

ફિલ્મોદ્યોગના લોકો ફરી એક વાર સની દેઓલને યાદ કરવા લાગ્યા છે. માત્ર સની જ નહીં, 90ના દાયકાની ફિલ્મોની પણ ફરી ચર્ચા થઈ રહી છે.

‘બૉર્ડર-2’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, સુભાષ ઘઈની ‘કર્મા’ની સિક્વલ બનાવવાની વાતો પણ થઈ રહી છે. તેની સાથે સુભાષ ઘઈની 30 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘ખલનાયક’ની સિક્વલ પણ બનાવવામાં આવશે.

એ સિક્વલમાં 64 વર્ષના સંજય દત્ત ફરી એક વાર જોવા મળશે. જૂના લોકોને અચ્છે દિન ફરી શરૂ થયા છે.

રાજેશ ખન્ના અને અમિતાભમાં જોવા ન મળ્યું તે આ કલાકારોમાં જોવા મળે છે

પોતાની વાત આગળ વધારતાં ગિરીશ વાનખેડેએ જણાવ્યું હતું કે "જૂના લોકોના અચ્છે દિનનો અર્થ એ થાય કે પાછલા બે મહિનામાં કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’, રજનીકાંતની ‘જેલર’, અને પંકજ ત્રિપાઠી તથા અક્ષયકુમારની ‘ઓહ માય ગોડ-2’ આ બધી ફિલ્મો સફળ થઈ છે. બધી ફિલ્મોએ સારી કમાણી કરી છે. આ ફિલ્મોની સફળતા દર્શાવે છે કે દર્શકો ફરી એક વાર થિયેટર્સમાં આવી રહ્યા છે."

"આ પરિવર્તને ફિલ્મોદ્યોગને નવી ઊર્જા આપી છે. આપણે જેને હિસ્ટોરિકલ ફિલ્મો ગણીએ છીએ તે જૂની ફિલ્મોની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. એ ફિલ્મો રીક્રીએટ કરવાની વાતો થઈ રહી છે."

તેઓ કહે છે કે આપણે ટ્રેન્ડ ફૉલોઅર્સ છીએ. કોઈ ચીજ હિટ થઈ જાય કે તરત જ આપણે તેની પાછળ દોડવા લાગીએ છીએ, એવું ઘણી વાર જોવા મળ્યું છે. આ આપણા ફિલ્મોદ્યોગની જૂની ફૉર્મ્યૂલા છે. દક્ષિણની ફિલ્મો હિટ થવા લાગી ત્યારે તેની ફિલ્મોની રીમેક બનવા લાગી હતી અને હવે 90ના દાયકાની ફિલ્મો તથા હીરો ફરી ચલણી બન્યા છે એટલે તેનું અનુસરણ થશે.

"એક રીતે જોઈએ તો હકારાત્મક દૃષ્ટિકોણ સાથે 90ના દાયકાના સુપરસ્ટાર પણ એકમેકને વખાણી રહ્યા છે. સલમાન ખાન, શાહરુખ ખાન, અક્ષયકુમાર અને અજય દેવગણ બધાએ સની દેઓલને અભિનંદન આપતાં તેમનાં વખાણ કર્યાં છે. સની તો આવું કાયમ કરતા રહ્યા છે. સલમાન અને શાહરુખે એકમેકની ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકાઓ પણ કરી છે."

"આવું બધું 60ના દાયકાની ફિલ્મોમાં જોવા મળતું હતું. દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ વચ્ચે એકમેકની ફિલ્મોનાં વખાણ કરવાં, તેને પ્રમોટ કરવી તે સામાન્ય વાત હતી. બીજી તરફ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને શત્રુઘ્નસિંહા વચ્ચે એવું ક્યારેય જોવા મળ્યું ન હતું. 80 અને 90ના દાયકામાં તો ક્યારેય જોવા મળ્યું ન હતું. હવે અક્ષયકુમાર, શાહરુખ ખાન કે સલમાન ખાન એકમેકની સાથે જોવા મળે છે તથા હકારાત્મક ઊર્જા લાવી રહ્યા છે તે બહુ સારી વાત છે."

આયુષ્માનની ‘ડ્રીમ ગર્લ 2’ તથા શાહરુખની ‘જવાન’ પર નજર

દર્શકો ફરી થિયેટરમાં આવી રહ્યા છે એ સંદર્ભમાં ગિરીશ વાનખેડેએ જણાવ્યું હતું કે તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મોની સફળતાથી ફિલ્મોદ્યોગમાં નવું જોશ આવ્યું છે. દક્ષિણની ફિલ્મોની રિમેક અને ઓટીટીથી દર્શકો કંટાળી ગયા હતા, પરંતુ ‘ગદર-2’ અને ‘ઓહ માય ગોડ-2’એ ફિલ્મોદ્યોગમાં નવા પ્રાણ પૂર્યા છે. લોકો ફરીથી દમદાર સ્ક્રિપ્ટ અને સ્ટોરી ધરાવતી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. ‘ગદર 2’ વધુ ધમાલ મચાવશે એટલે જ લોકો થિયેટરમાં પાછા જઈ રહ્યા છે.

"થિયેટર્સ ખતમ થઈ જવાનાં છે, એવું ઓટીટીના આગમન પહેલાં જે લોકો કહેતા હતા તેઓ ખોટા સાબિત થયા છે. ‘ગદર-2’ પછી આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ-2’ અને શાહરુખ ખાનની ‘જવાન’ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મો બાબતે પણ દર્શકો ઉત્સાહિત છે. ‘પઠાણ’ પછી શાહરુખની ‘જવાન’ની ચર્ચા તો પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી. હવે લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હું માનું છું કે લોકો સારી ફિલ્મો થિયેટરમાં નિહાળીને જ ઉજવણી કરવા ઇચ્છે છે."

સની દેઓલ અને અમીષા પટેલની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ગદર’ની સિક્વલ ‘ગદર-2’ 11 ઑગસ્ટે સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા, સીમરનકોર અને મનીષ વાધવા પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.