પ્રસૂતિ પછી મહિલાઓ પર પહેલાં જેવા દેખાવનું દબાણ કેટલું રહે છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઘણી મહિલાઓને પ્રસૂતિ પછી કેટલીય વાર સાંભળવું પડે છે કે ‘હવે જલદી પહેલાં જેવી હતી એવી દેખાતી થઈ જાય.’

ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસૂતિ પછી એક મહિલાના શરીરમાં કેટલાંય પરિવર્તનો આવે છે. પછી તે શારીરિક હોય કે માનસિક.

2012માં પોતાની પહેલી પુત્રીને જન્મ આપ્યા પછી તરત જ શ્રેયાસિંહ (નામ બદલેલું છે)ને તેમના સંબંધીઓ કહેવા લાગ્યા કે ‘વધારે ના ખાઈશ, વજન વધી જશે.’

પ્રસૂતિ પછી તેમનું વજન ગર્ભાવસ્થા અગાઉના વજન કરતાં 25 કિલો વધી ગયું હતું.

શ્રેયા બે બાળકની માતા છે. તેમની પહેલી દીકરીનો જન્મ 2012માં થયો અને બીજી દીકરીનો જન્મ 2021માં થયો. તેમની બંને પ્રસૂતિ નૉર્મલ જ હતી.

'વધારે ના ખાવ, વજન વધી જશે'

બીબીસી સંવાદદાતા પાયલ ભુયન સાથે વાત કરતાં શ્રેયા જણાવે છે કે તેમની પહેલી દીકરીના જન્મ પછી શારીરિક રીતે તેમને ઘણી તકલીફો શરૂ થઈ ગઈ હતી.

તેઓ કહે છે, ''જો તમે મને જુઓ તો તમને હું બિલકુલ સામાન્ય જ લાગું. પણ એવું નહોતું. પ્રસૂતિ સમયે મને 'થર્ડ ડિગ્રી વજાઇનલ ટિયર' થઈ ગયું હતું, જેને ઠીક થતાં ઘણો સમય લાગ્યો. સાથે જ આ સમયે મને ફિશરની તકલીફ પણ થઈ હતી. એ વધારે તકલીફદાયક હતું. મારી સ્થિતિ એવી હતી કે હું બાથરૂમ જવાના વિચારથી પણ ધ્રૂજતી હતી.''

શ્રેયા કહે છે કે આ બધી તકલીફો વચ્ચે કમરની નીચેના ભાગમાં પણ ઘણો દુખાવો રહેતો હતો. તેઓ જણાવે છે કે આવી બધી તકલીફો વચ્ચે જ્યારે લોકો કહેતા કે વધારે ના ખા, વજન ઉતારી લે ત્યારે ઘણી વાર નહોતું સમજાતું કે હું આનો જવાબ શું આપું.

જોકે શ્રેયાને બીજી દીકરી વખતની પ્રસૂતિમાં એટલી તકલીફ નહોતી થઈ જેટલી પહેલી દીકરીના જન્મ સમયે થઈ હતી. બીજી વાર તેઓ માનસિક રીતે વધારે તૈયાર હતાં.

શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

ઘણી મહિલાને પ્રસૂતિ પછી આવી તકલીફો નથી થતી, પણ ગર્ભાવસ્થા સમયે અને પછી શરીરમાં ઘણા ફેરફારો તો થાય જ છે. મતલબ ઘણા હોર્મોનલ ફેરફાર થાય છે જે તમારા શરીરને કહે છે કે તે ચરબી સંગ્રહિત કરી રાખે.

તમારા પેલ્વિક ફ્લોરમાં ખેંચાણ રહે છે, સ્તનપાન કરાવતી મહિલાઓના શરીરમાંથી દૂધ મારફતે પોષકતત્ત્વો શિશુને મળે છે. આ બધાનો અર્થ છે કે પ્રસૂતિ પછી કોઈ પણ મહિલાને સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગે છે.

બીબીસી સંવાદદાતા પાયલ ભુયન સાથ વાતચીતમાં નોઇડામાં આવેલી મધરહૂડ હૉસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર કર્નિકા તિવારી જણાવે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસૂતિ પછી કેટલીયે તકલીફોનો મહિલાઓએ સામનો કરવો પડે છે.

તેઓ કહે છે, ''ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભમાં વધી રહેલા ભ્રૂણ માટે જગ્યા બનાવવા બ્લૅડર પર દબાણ આવે છે. ગર્ભાશય આગળ મૂત્રાશય (બ્લૅડર) હોય છે અને પાછળ આંતરડાં. કેટલાય કિસ્સામાં જ્યારે આગળ મૂત્રાશય પર દબાણ પડે છે ત્યારે પેશાબ પર નિયંત્રણ નથી રહેતું અને ઘણી વાર મસાની તકલીફ પણ થઈ શકે છે.''

''તો ગર્ભાશય પાછળ આંતરડા પર દબાણ આવે છે ત્યારે કાંતો ઍસિડિટી વધારે થાય છે અથવા કબજિયાત થઈ શકે છે.''

  • ડૉક્ટર કર્નિકા તિવારી આગળ કહે છે કે બાળકના જન્મ પછી-
  • ગર્ભાશયને પોતાના સામાન્ય આકારમાં આવતા છથી આઠ અઠવાડિયાનો સમય લાગે છે. આ દરમ્યાન ઘણી વાર પેટમાં દુખાવો થાય છે.
  • ઘણી મહિલાઓમાં શક્તિ ખૂબ ઓછી હોય છે, તેમને બહુ જલદી થાક લાગવા લાગે છે.
  • ગર્ભાવસ્થા સમયે શરીરમાં હાડકાંની સ્થિતિ બદલાય છે. પ્રસૂતિ પછી ધીરે ધીરે હાડકાં પોતાની યથાસ્થિતિમાં આવવાં લાગે છે. આનાથી ઘણી મહિલાઓને કમરમાં દુખાવો થતો રહે છે. કેટલાક કિસ્સામાં આ દુખાવો આજીવન રહેતો હોય છે.

'અરે વાહ! તું તો પહેલાં જેવી જ દેખાય છે હવે'

બીબીસી ફ્યૂચર સાથે વાત કરતા બ્રિટનના યૉર્કશાયરમાં રહેતાં શૅરન ઓકલે જણાવે છે, “2018માં મારી પ્રસૂતિ પછી લોકો મને કેટલાક મહિનામાં જ કહેવા લાગ્યા હતા. અરે વાહ! તું તો પહેલાં જેવી જ દેખાવા લાગી છે.”

ભલે દેખાવે શૅરન બરાબર દેખાતાં હોય પણ હકીકત તો કંઈક અલગ જ હતી. પ્રસૂતિ પછી વજન તો ઓછું થઈ જ ગયું હતું. શારીરિક રીતે તેઓ ઘણી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતાં.

કૅનેડાનાં શૅરનની પ્રસૂતિના છ મહિના પછી દીકરાને સ્ટ્રૉલરમાં લઈને તે જૉગિંગ કરવા નીકળી જતાં હતાં. દરમિયાન તેમને યુરિન લીક (પેશાબ પર નિયંત્રણ ન રહેવું) તકલીફ વધી ગઈ.

શૅરન કહે છે, ''આ આપણા સમાજની વિચારધારાનો એક ખૂબ જ વિચિત્ર ભાગ છે કે એક મહિલા જે પ્રસૂતિ પછીના સમયમાંથી પસાર થતી હોય છે એનું મૂલ્યાંકન સમયે આપણે તે મહિલા કેવું અનુભવે છે તેના બદલે કેવી દેખાય છે તેના આધારે કરીએ છીએ. હું બરાબર દેખાતી હતી. પણ પ્રસૂતિ પછી મારા શરીરને જે ઘસારો પહોંચ્યો અથવા એમ કહો કે જે આંતરિક ફેરફારો થયા છે તેની સામે હું આજ સુધી લડી રહી છું.”

કેટલાય મહિનાઓ સુધી થયેલા ટેસ્ટ્સ અને ડૉક્ટરની સલાહ પછી એ સ્પષ્ટ થયું કે પ્રસૂતિ પછી શૅરનના પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ ઘણા નબળા પડી ગયા છે અને તેના સામાન્ય સ્થાન પર ન હતા, જેના કારણે બ્લૅડર લીક (પેશાબ પર કાબૂ નહીં રાખી શકવો)ની સમસ્યા થઈ રહી છે.

હાલ પાંચ વર્ષે તેઓ સારું અનુભવે છે. જોકે હજુ પણ એમને ઘણી વાર યુરિન લીકની સમસ્યા થઈ જાય છે. આ માટે તેઓ પોતાની સાથે વધારાનાં આંતરવસ્ત્રો હંમેશાં રાખે છે. આ કારણે તેમને ઘણી વાર નોકરી છોડી દેવાનો પણ વિચાર આવ્યો.

ખૂલીને નથી થતી વાત

ભલે આ તકલીફો વિશે ખૂલીને વાત ના કરાતી હોય પણ શ્રેયા અને શૅરન જેવી મહિલાની કહાણીઓ આપણી આસપાસ બહુ સરળતાથી મળી જશે.

જરૂરી નથી કે જે મહિલાઓ પ્રસૂતિ પછીની આવી સમસ્યાઓનો સામનો કરતી હોય તેના કોઈ લક્ષણો દેખાતાં હોય. પણ પ્રસૂતિ પછી પેલ્વિક ઑર્ગન પ્રોલૅપ્સની સમસ્યા 90 ટકા મહિલાઓને થાય છે.

જ્યારે એક તૃતીયાંશ મહિલાઓને યૂર્નરી ઇનકૉન્ટિનેન્સ એટલે કે પેશાબ પર કાબૂ નહીં રાખી શકવાની સમસ્યા થાય છે.

આની પાછળનું કારણ પેલ્વિક ભાગમાં ખેંચાણ, કોઈ સ્નાયુઓમાં ઘા વગેરે સહિતનાં કારણો હોઈ શકે છે.

ત્યાં જ ડાયાસ્ટેસિસ રેક્ટાઇ એટલે કે ઍબ્ડોમિનલ સેપરેશન 60 ટકા મહિલાઓમાં જોવા મળે છે. આ સ્થિતિમાં ગર્ભાવસ્થા દરમ્યાન વધતા ભ્રૂણ માટે જગ્યા બનાવવા માટે ઍબ્ડૉમિનલ મસલ્સમાં ખેંચાણ થાય છે અને તે દૂર થઈ જાય છે અને બાદમાં પાછા તેની જગ્યા પર નથી આવી શકતા.

એવામાં ઘણા લાંબા સમય સુધી પ્રસૂતિ પછી મહિલાનું પેટ બહાર નીકળેલું દેખાય છે. ચાલવા, ફરવા અને વજન ઊંચકવામાં પણ તકલીફ થાય છે.

પહેલાં જેવું જ શરીર પાછું મેળવવાનું દબાણ

બીબીસી સંવાદદાતા પાયલ ભુયન સાથ વાત કરતાં દિલ્હીના ફોર્ટિસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સિનિયર ક્લિનિકલ ઍન્ડ ચાઇલ્ડ સાઇકૉલૉજિસ્ટ ડૉક્ટર ભાવના બાર્મી કહે છે કે નવી માતા બની હોય તેવી મહિલા પાસે એ આશા રાખવી કે તે જલદી જ પહેલી જેવી દેખાવા લાગે તે તેમના માનસિક સ્વાસ્થ્યને બહુ અસર કરે છે.

  • સ્ત્રી પર પ્રતિકૂળ ભાવનાત્મક અસર થઈ શકે છે. જે નિરાશા, આત્મવિશ્વાસ ગુમાવવા, ઉદાસી અને પ્રસૂતિ પછીના ડિપ્રેશન તરફ દોરી શકે છે.
  • ઘણી વાર સ્ત્રીઓ પ્રસૂતિ અગાઉ જેવું હતું તેવું શરીર મેળવવા ખૂબ જ ડાયેટિંગ કરવાનું શરૂ કરે છે. વધુ કસરત કરવાનું શરૂ કરે છે. આ બધું શરીરને સાજા કરવાની ક્ષમતાને અસર કરે છે. જે માતા અને બાળક બંનેને અસર કરી શકે છે.
  • આ દબાણને લીધે મહિલા ઘણી વાર પોતાને સમાજથી અલગ કરી લે છે. તે પોતાનું શરીર જોઈને શરમ અનુભવે છે. આ સ્થિતિમાં મહિલામાં એકલતા વધે છે.

ડૉક્ટર ભાવના બાર્મી કહે છે, “જલદી પ્રી પ્રેગનન્સી બૉડીમાં આવવાનું દબાણ નવી માતાઓમાં તણાવ પેદા કરી શકે છે. આપણે એ સમજવું પડશે કે દરેક મહિલાનું શરીર અન્ય મહિલાથી અલગ છે અને તેને સાજા થવાની ગતિ પણ અન્યથી અલગ છે.”

મહિલાએ શું કરવું જોઈએ?

સવાલ એ છે કે પ્રી પ્રેગનન્સી બૉડીના દબાણમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ.

આ સવાલ પર ડૉક્ટર કર્નિકા તિવારી કહે છે, “તમને કોઈ પણ પ્રકારની શંકા હોય તો ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. ખાનપાનમાં ધ્યાન રાખવું, અને સક્રિય જીવનશૈલી અપનાવવી.”

ડૉક્ટર ભાવના બાર્મી સલાહ આપે છે કે મહિલાઓએ ખુદ પોતાની લિમીટ નક્કી કરે. પોતાના તાકત જાણે. પુસ્તકો વાંચે, ખુદને જાગરૂક કરે, એકલી ન રહે, પોતાનું સપોટ નેટવર્ક વદારે અને શરીરમાં થતા બદલાવ સ્વીકારે.

મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.