You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં આવનારા દિવસોમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ ભારતના અનેક વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ઠંડી પડી રહી છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.
કચ્છના નલિયામાં સૌથી વધારે ઠંડી પડી રહી છે અને ત્યાંનું લઘુતમ તાપમાન નીચે જઈને છેલ્લા 24 કલાકમાં 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીની સાથેસાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે અને તે બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે?
ઉત્તર ભારત પર એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેના કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સાથે સાથે 28 જાન્યુઆરીની આસપાસ વરસાદ થવાની શક્યતા છે.
જોકે, આ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. શિયાળામાં આ સમયે થતો વરસાદ ચણા, જીરું, ધાણા, રાયડા સહિતના રવી પાકને નુકસાન કરે તેવી શક્યતા છે.
ઉત્તર ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચવાની છે અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે પૂર્વ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ક્યાં પડશે વધારે ઠંડી
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજી એકાદ-બે દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની શક્યતા છે. એટલે કે અહીં ભારે ઠંડી પડવાની શક્યતા છે.
જોકે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે.
કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વધારે ઠંડી પડવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાનવિભાગે આગાહી કરી છે કે 28 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. એટલે આ સમય દરમિયાન માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
દરિયાકિનારે લગભગ પ્રતિકલાકના 40થી 45 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને તે વધીને પ્રતિકલાકના 55 કિલોમિટર સુધી પહોંચવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં ઠંડીનો કેર, ગુજરાત પર અસર
ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે અને હિમાલયના પહાડી વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ છે.
હવામાનવિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો સહિત કેરળ અને માહેમાં પણ વરસાદ પડ્યો છે.
આ સાથે જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં 6થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડીનો પારો નીચે ગયો હતો.
હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે ધુમ્મસ પણ જોવા મળી હતી.
આ વર્ષે ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ હતી પરંતુ તે બાદ અનેક વિસ્તારોમાં ભારે ઠંડી જોવા મળી હતી. હવે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.