મેહરૌલીમાં '600 વર્ષ જૂની' મસ્જિદ તોડી પાડવામાં આવી અને અનાથ બાળકો બેઘર થયાં

    • લેેખક, ઝોયા મતીન
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ફવાદ કહે છે કે તેમનો લીલો રંગ પ્રિય છે.

12 વર્ષના ફવાદને રાજધાની નવી દિલ્હીમાં જ્યાં રહેતા હતા અને અભ્યાસ કરતા હતા તે મસ્જિદની આસપાસનાં ઘાસ, પાંદડા અને વૃક્ષો જોવા ગમતાં હતાં. તેમનાં માતા-પિતાનું અચાનક અવસાન થતાં તેઓ બે વર્ષ પહેલાં પાડોશી રાજ્યમાંથી અહીં આવ્યા હતા.

દિલ્હીમાંનું તેમનું ઘર એટલે કે કમસેકમ 600 વર્ષ જૂની અખૂંદજી મસ્જિદ અને તેની નજીકની મદરેસા પણ લીલા રંગના હતાં. તેની છતો, બીમ અને તોરણદ્વાર પણ એ જ રંગમાં રંગાયેલા હતાં.

નવા શહેરમાં પરિચિત રંગ જોઈને ફવાદને સલામતીનો અનુભવ થયો હતો, પરંતુ હવે તે કહે છે કે તેમને રડવું આવે છે.

સંઘ સરકાર સંચાલિત દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી(ડીડીએ)એ ગેરકાયદે નિર્માણનો આરોપ મૂકીને મસ્જિદ પર બુલડોઝર ફેરવી દીધું હતું. એ ઉપરાંત ફવાદ અને અન્ય 25 વિદ્યાર્થીઓ (જે પૈકીના મોટાભાગના અનાથ છે) રહેતા હતા. મસ્જિદ પરિસરની અંદરના એક કબ્રસ્તાન અને સુફી સંતની દરગાહને પણ તોડી નાખવામાં આવી હતી.

દિલ્હીના મધ્યયુગનાં સાત શહેરો પૈકીના એક મહેરૌલીમાં 784 એકરમાં ફેલાયેલા સંજય વનમાંનો આ વિસ્તાર ખંડેરો અને સ્મારકોથી ભરેલો છે, જે શહેરના સમૃદ્ધ ભૂતકાળની સાક્ષી આપે છે.

ડીડીએનું નિવેદન

ડીડીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મસ્જિદ 'ગેરકાયદે માળખું' હતી, જેને કોઈ 'અડચણ કે ગડબડ વિના' પાડવામાં આવી હતી.

જોકે, મસ્જિદના ઇમામ ઝાકિર હુસૈન અને તેમના વકીલ શમ્સ ખ્વાજાએ આ વાતનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આ પ્રૉપર્ટી દિલ્હી વક્ફ બોર્ડની છે, જે શહેરમાં ઇસ્લામી પ્રૉપર્ટીઝની સારસંભાળ માટે જવાબદાર છે.

હુસૈનનો દાવો છે કે માળખું તોડી પાડતા પહેલાં સત્તાવાળાઓએ તેમને લેખિત નોટિસ આપી ન હતી.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે કુરાનની કૉપીઓને પણ નુકસાન કરવામાં આવ્યું હતું, બાળકોને તેમનો સામાન બચાવી લેવા દેવાયો ન હતો અને મસ્જિદ ગેરકાયદે ન હોવાનું સાબિત કરતો રેકૉર્ડ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.

હુસૈને કહ્યું હતું, "અમને નિરાધાર છોડી દેવામાં આવ્યા હતા."

ડીડીએએ તમામ આરોપોનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે જે જમીન પર મસ્જિદ હતી એ તેની પ્રૉપર્ટી છે.

ડીડીએના બાગાયત વિભાગના પ્રિન્સિપલ કમિશનર રાજીવ કુમાર તિવારીએ બીબીસીને કહ્યું હતું, "સાઇટ ક્લિયર કરતી વખતે અમને કેટલાંક પુસ્તકો મળી આવ્યાં હતાં અને તે અમારી પાસેથી લઈ જવા મસ્જિદના સત્તાવાળાઓને જણાવ્યું હતું."

આ મેટરની સુનાવણી હાલ દિલ્હી હાઈ કોર્ટમાં ચાલી રહી છે. અદાલતે ગુરુવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં "પૂરતા પ્રમાણમાં માળખાં" છે અને તે શહેરનાં વનોને પુનઃસ્થાપિત કરવામાં આડા આવવા જોઈએ નહીં અદાલતે ઉમેર્યું હતું કે દેશનાં સ્મારકોના રખેવાળ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્મારકોને જ સુરક્ષિત રાખવામાં આવશે.

'અમે અમારું કામ કરીએ છીએ'

ડિમોલિશન પછીના દિવસોમાં સત્તાવાળાઓએ મહેરૌલીમાં કેટલીક વધુ ઐતિહાસિક ઇમારતો તોડી પાડી હતી. તેમાં એક દિલ્હીના પ્રથમ સૂફી સંતો પૈકીના એકની મઝાર પણ હોવાનું ઘણા લોકો માને છે.

રોષે ભરાયેલા સંરક્ષણવાદીઓ અને ઇતિહાસકારોએ આ પગલાંને સામૂહિક વારસાનો "વિવેકહીન" વિનાશ ગણાવ્યું હતું, જે શહેરના આત્મા પર પ્રહાર કરે છે.

દિલ્હીના ખૂણેખૂણામાં વિજય અને પરિવર્તનના મોંજાઓથી બચી ગયેલો ઇતિહાસ પથરાયેલો છે.

ભૂતકાળ અહીં વર્તમાન સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. તમે અપસ્કેલ પબ તથા રેસ્ટોરાં સાથેના આકર્ષક વિસ્તારમાં હો અને મોં ફેરવો તો બારમી સદીનું સ્મારક કે ગલીઓ વચ્ચે કબર જોવા મળી શકે.

ઇતિહાસકાર સોહેલ હાશ્મીએ કહ્યુ હતું, "દિલ્હીના અવિશ્વસનીય રીતે સમૃદ્ધ ભૂતકાળે એક અનન્ય શહેર તરીકે તેની ઉત્ક્રાંતિમાં મોટો ફાળો આપ્યો છે. તેને પ્રગતિ અથવા વિકાસ સામે ભીડવવું એ ખોટું દ્વિભાજન છે."

ટીકા કરતા લોકો સદીઓ જૂના, તેની આસપાસના વન અને રહેઠાણો કરતાં પણ જૂના માળખાંઓને, ગેરકાયદે ગણાવવાના તર્ક સામે સવાલ કરે છે. તેઓ આક્ષેપ પણ કરે છે કે આયોજિત ડિમોલિશનમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ડીડીએ દ્વારા સંજય વનમાંથી જે 20 ધાર્મિક સ્ટ્રક્ચર્સ હટાવવાનાં છે તેમાં 16 મુસ્લિમ મઝાર અને ચાર મંદિરનો સમાવેશ થાય છે.

હાશ્મીએ કહ્યું હતું, "સ્પષ્ટપણે એક પેટર્ન ઊભરી રહી છે અને તે તમામ ધર્મો સાથે સમાન વ્યવહાર કરતા દેશ માટે ભયજનક દાખલો બેસાડી રહી છે."

અલબત, તિવારીએ એમ જણાવ્યું હતું કે "સંપૂર્ણપણે કાયદેસર" પગલાંને બિનજરૂરી રીતે ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારી જમીન પરનાં મંદિરો સહિતના અતિક્રમણ સામે ડીડીએ અવારનવાર કાર્યવાહી કરે છે. ડીડીએએ તે દિવસે આજુબાજુના વિસ્તારમાંનાં પાંચ મંદિરો તોડી પાડ્યાં હતાં.

તેમણે કહ્યું હતું, "અમે માત્ર અમારું કામ કરીએ છીએ."

'અચાનક મસ્જિદ તોડી પડાઈ'

અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે મસ્જિદને અચાનક તોડી પાડવામાં આવી હતી. બીબીસીએ નવ બાળકો સાથે વાત કરી હતી. એ બાળકોએ જણાવ્યું હતું કે તેઓ સવારે પાંચ વાગ્યે પ્રાર્થના માટે જાગ્યા ત્યારે ગડગડાટ સાંભળ્યો હતો. એ પૈકીના એક બાળક ઓમરને ડઝનેક પોલીસ કર્મચારીઓ, થોડાક બુલડોઝર અને "અમને બહાર આવી જવા માટે બૂમો પાડતા કેટલાક ક્રોધિત લોકો" જોયા હોવાનું યાદ છે.

એ પછી ઇમામ હુસૈન દોડી આવ્યા હતા. તેમણે બૂમ પાડી હતી, "દોડો, દોડો. જે હાથમાં આવે તે લઈને દોડો."

ઓમર હાથમાં માત્ર સ્વેટર અને ચપ્પલ લઈને દોડ્યા હતા. તેનો દોસ્ત મુરીદ તો એવું પણ કરી શક્યો ન હતો. તે ઉઘાડા પગે દોડ્યો હતો. 10 વર્ષના અન્ય પાંચ બાળકોએ જણાવ્યું હતું કે તેઓ જૅકેટ કે જૂતાં વિના બહાર દોડી ગયાં હતાં.

ઝફરે કહ્યું હતું, "હું નસીબદાર હતો કે મારી પ્લેટ સાથે લાવી શક્યો. એ અને મારું પ્રિય બેટ."

માત્ર બાળકો જ નહીં, પરિવાર સાથે મસ્જિદ પાસે એક નાની ઇમારતમાં રહેતા ઇમામ હુસૈન પણ બેઘર થઈ ગયા છે. તેમના કહેવા મુજબ, તેઓ દરરોજ એ સ્થળે જાય છે. સ્થળનું રક્ષણ કરતા પોલીસ કર્મચારીઓ દ્વારા રોકવામાં આવે તે પહેલાં શક્ય તેટલા નજીક જાય છે.

મદરેસામાં અંગ્રેજી અને હિન્દી શીખવતા મુઝમ્મિલ સલમાનીએ જણાવ્યું હતું કે તેમના કાકાને મસ્જિદની બાજુના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. ડિમોલીશન પછી તેમને કબર પરની તકતીના કેટલાક તૂટેલા ટુકડા જ મળ્યા હતા.

તેમણે કહ્યું હતું, "લોકો સમજતા નથી. એ માત્ર જૂની મસ્જિદ, કબ્રસ્તાન કે મદરેસા ન હતાં. તે આશ્રયસ્થાન હતું."

મસ્જિદના ઇતિહાસ વિશે ખાસ કોઈ માહિતી નથી. કેટલાક કહે છે કે તે તેરમી સદીનાં રાજકુમારી રઝિયા સુલ્તાના દ્વારા બનાવવામાં આવી હતી. રઝિયા સુલ્તાનાને ભારતીય ઉપખંડની પ્રથમ મહિલા નેતા માનવામાં આવે છે. અન્ય લોકોના જણાવ્યા મુજબ, મસ્જિદ વધારે પુરાણી હોઈ શકે. હાશ્મીના કહેવા મુજબ, સ્ટ્રક્ચરમાં ગ્રે સ્ટોનનો ઉપયોગ સૂચવે છે કે તે લગભગ 600-700 વર્ષ પહેલાં સલ્તનતના સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હશે.

બહાદુરશાહ ઝફરના શાસનકાળમાં મસ્જિદનું સમારકામ

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનો રેકૉર્ડ દર્શાવે છે કે છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના શાસનકાળમાં 1853ની આસપાસ મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું હતું. ઇતિહાસકાર રાણા સફવીએ જણાવ્યું હતું કે તેમાં સમ્રાટ દ્વારા લખાયેલો એક શિલાલેખ પણ હતો.

રાણા સફવીના કહેવા મુજબ, મોટાભાગના માળખાનું આધુનિક પુનઃનિર્માણ થયું હતું, તેમ છતાં મસ્જિદ ઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ, સાચવવા લાયક હિસ્સો હતી. તેમણે કહ્યું હતું, "છેલ્લા મુઘલ સમ્રાટ માટે મહત્ત્વની હતી તે મસ્જિદ આખરે નગણ્ય કેવી રીતે હોઈ શકે?"

જોકે, ડીડીએએ જણાવ્યું હતું કે તેની પાસે મસ્જિદનો કોઈ રેકૉર્ડ નથી. તિવારીએ કહ્યું હતું, "તોડી પાડવામાં આવ્યા પછી ઇતિહાસકારો દાવો કરી રહ્યા હોવાની ખબર મને પડી હતી. સંરચના આધુનિક દેખાતી હતી અને તે બિલકુલ જૂની ન હતી."

તેમણે કહ્યું હતું, "રાષ્ટ્રીય મહત્ત્વના જાહેર કરવામાં આવેલાં સ્મારકોની જાળવણી અમે એક ડગલું આગળ વધીને કરીએ છીએ, પરંતુ આ સ્ટ્રક્ચર એવા કોઈ રેકૉર્ડનો હિસ્સો નથી."

ઉસામાએ જણાવ્યું હતું કે મહેરૌલીના લોકો માટે મસ્જિદ એક સામાજિક જીવનરેખા, એક અભયારણ્ય અને શાંતિ મેળવવાનું સ્થળ હતી.

ફાજલ સમયમાં આ વિસ્તારના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરતા આર્કિટેક્ટ ઉસામાને મસ્જિદમાં બાળકો સાથે તહેવારોની ઉજવણીનો સમય અને મસ્જિદમાં પ્રાર્થના કરવા આવતા દેશભરના લોકો સાથેની મુલાકાતો સાંભરે છે.

તેમણે કહ્યું હતું, "જંગલની અંદર હોવા છતાં આ જગ્યા મહત્પૂર્ણ સામુદાયિક કેન્દ્ર હતી. ત્યાં તમામ પ્રકારના લોકો એકઠા થતા હતા. તેમના માટે મસ્જિદનું મૂલ્ય માત્ર ઐતિહાસિક નહીં, વ્યવહારુ પણ હતું."

ડીડીએના સત્તાવાળાઓની દલીલ છે કે જંગલની કિંમતી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવ્યું હોવાને કારણે તે સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું.

ઇતિહાસકારો શું કહે છે?

1990ના દાયકામાં શહેરીકરણની વધતી જતી ચિંતા વચ્ચે શહેરના છેલ્લા હરિયાણા પ્રદેશ સંજય વનને સંરક્ષિત વનનો દરજ્જો મળ્યો હતો. ડીડીએએ આ વિસ્તારમાંથી અતિક્રમણ હટાવવાના પ્રયાસ છેલ્લા કેટલાક સમયથી શરૂ કર્યા છે.

ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, સંજય વનને સંરક્ષિત દરજ્જો મળ્યો એ પહેલાંથી તે મસ્જિદનું અસ્તિત્વ હતું. તેથી તેને અતિક્રમણ ગણી શકાય નહીં.

તેમને ચિંતા છે કે આ પગલાંને લીધે મહેરૌલીમાંના અન્ય સ્ટ્રક્ચર્સ પર પણ જોખમ છે. એ સ્ટ્રક્ચર્સની જાળવણી બહુ જરૂરી છે.

હાશ્મીએ કહ્યું હતું, "જંગલ મહત્ત્વપૂર્ણ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ જંગલ અને તેની અંદરના ઐતિહાસિક સ્ટ્રક્ચર્સ વચ્ચે કોઈ ટકરાવ ન હોવો જોઈએ. બન્નેની જાળવણી જરૂરી છે."

ડીડીએએ 2023માં હાઈકોર્ટ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મહેરૌલીમાંની દિલ્હી વક્ફ બોર્ડની માલિકીની મસ્જિદો, કબરો અને કાયદેસરની અન્ય મિલકતોને તોડી પાડવામાં આવશે નહીં, કારણ કે તે બોર્ડના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ છે.

ડીડીએએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે આ પ્રકારના કેસોની તપાસ કરવા માટે રચાયેલી ધાર્મિક સમિતિએ મસ્જિદના ડિમોલીશનને મંજૂરી આપી હતી. મસ્જિદના સત્તાવાળાઓએ આ વાતને અદાલતમાં પડકારી હતી અને આક્ષેપ કર્યો હતો કે સત્તાવાળાઓએ અદાલતના 2022ના એક ચુકાદાનો અનાદર કર્યો છે. તે ચુકાદામાં ડીડીએને કોઈ ડિમોલીશન હાથ ધરતાં પહેલાં વક્ફ બોર્ડની માલિકીની જમીન આઈડેન્ટિફાય કરવા અને તેનું સીમાંકન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ કેસમાં હાલના કાયદાઓ મનસ્વી રીતે લાગુ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે, એમ જણાવતાં વકીલ અને કર્મશીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું, "ડીડીએ વન કાયદાને આધારે કાર્યવાહી હાથ ધરી રહી હોય તો પહેલાં તેણે એ વિસ્તારમાં રહેતા લોકોના અધિકારો નક્કી કરવા જોઈએ."

જોકે, તિવારીએ જણાવ્યું હતું કે આ જમીન મૂળભૂત રીતે ડીડીએની હતી. તેથી આ કેસમાં "આવા કાયદા લાગુ પડતા નથી."

વિવાદથી દૂર ફવાદ તેના દોસ્તો સાથે અન્ય મસ્જિદમાંના તેના નવા ઘરના આંગણામાં ક્રિકેટ રમે છે.

ફવાદનું કહેવું છે કે તે આ સ્થળને ધિક્કારતો નથી, પરંતુ અહીં લીલા રંગની ઈમારતો ઓછી છે અને તેના વિના આ જગ્યા "નવી અને અલગ" લાગે છે.

તેણે કહ્યું હતું, "કદાચ, મને કોઈ નવો ફેવરિટ કલર મળી જશે."

(બાળકોની ઓળખના રક્ષણાર્થે તેમનાં નામ બદલવામાં આવ્યાં છે)