મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત બાદ હાર્દિક પંડ્યાની તુલના ધોની સાથે કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
“હું હંમેશાં પરિસ્થિતિને જોઈને નિર્ણય લઈ રહ્યો છું. પહેલાંથી કોઈ યોજના બનાવીને નથી આવતો, કારણ કે આ ટી20 મજાની હોય છે. તમે નથી જાણતા કે શું થશે, તમને થાય કે હવે આને લઈ આવીએ પણ અમુક છગ્ગાઓ વાગવા લાગે તો થાય કે હવે આને લઈ આવીએ. કપ્તાનીની વાત કરું તો હું હંમેશાં મારા ઇન્સ્ટિંક્ટ અનુસાર નિર્ણય લઉં છું. જે અત્યાર સુધી તો સાચા ઠર્યા છે.”
મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ પોતાની કપ્તાની વિશે આ વાત કહી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મંગળવારે આઈપીએલ 2023ની 35મી મૅચ રમાઈ હતી જેમાં ગત વર્ષની આઈપીએલ વિજેતા ગુજરાત ટાઇટન્સ અને સૌથી વધુ આઈપીએલ જીતનારી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામસામે હતી.
આ મૅચને ગુજરાત ટાઇટન્સે 55 રને જીતી લીધી હતી.
પરંતુ આ મૅચ પતી કે તરત જ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની કપ્તાનીની સખત ચર્ચા થવા લાગી હતી. એની પાછળનું કારણ શું હતું એ જાણીએ.

- મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતી પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો
- ગુજરાત ટાઇટન્સે ટૉસ હારવા છતાં 6 વિકેટ ગુમાવી 120 બૉલમાં 207 રન નોંધાવ્યા
- મુંબઈ ઇન્ડિયન્સ 120 બૉલમાં માત્ર 152 રન નોંધાવી શકી અને 9 વિકેટ પણ ગુમાવી
- ગુજરાત ટાઇટન્સે 55 રને આ મૅચ જીતી
- ગુજરાત ટાઇટન્સ તરફથી વિસ્ફોટક બેટિંગ કરનાર અભિનવ મનોહર પ્લેયર ઑફ ધ મૅચ રહ્યા
- શુભમન ગીલે ગુજરાત ટાઇટન્સ તરફથી બેટિંગ કરતા 34 બૉલમાં 54 રન નોંધાવ્યા
- મિલર, મનોહર અને તિવેટિયાએ મળીને ગુજરાત માટે જીતનો પાયો નાખ્યો

આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ કપ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી આઈપીએલ 2023ના ટેબલમાં સાતમાંથી પાંચ મૅચ જીતી બીજા નંબરે સ્થાન મેળવી લીધું છે અને તેની આગળ માત્ર ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ પહેલા નંબરે છે.
પરંતુ કપ્તાન હાર્દિક પંડ્યાએ આ મૅચ બાદ ધોનીને પણ પાછળ છોડી દીધા છે અને આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સફળ કપ્તાન તરીકે રેકૉર્ડ લિસ્ટમાં હાલ પૂરતું નામ નોંધાવી દીધું છે.
ખરેખર વાત એવી છે કે હાર્દિક પંડ્યા મંગળવારે જ્યારે અમાદાવાદના મેદાનમાં ઊતર્યા ત્યારે કપ્તાન તરીકે તેઓ 21મી મૅચ રમી રહ્યા હતા અને આ મૅચ જીત્યા બાદ હવે તેઓએ કપ્તાન તરીકે 16 મૅચ જીતી છે જ્યારે પાંચ મૅચમાં હારનો સામનો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ રીતે તેમની કપ્તાન તરીકે જીતની ટકાવારી 76.1 ટકાએ પહોંચી છે અને જે પણ કપ્તાને આઈપીએલમાં 20થી વધુ મૅચમાં કપ્તાની કરી હોય એ યાદીમાં હાર્દિક પંડ્યાની જીતની ટીકાવારી સૌથી વધુ છે અને ધોની પણ તેમાં પાછળ રહી ગયા છે.
આ સિવાય રોહિત શર્માની કપ્તાન તરીકે જીતની ટકાવારી 54.36 ટકા, જ્યારે વિરાટ કોહલીની જીતની ટકાવારી 46.48 ટકા છે જે આઈપીએલના પહેલા દસ સફળ કપ્તાનોની યાદીમાં સામેલ નથી.

હાર્દિક પંડ્યાની કપ્તાનીની સરખામણી ધોની સાથે કરવી કેટલી યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
ખેલ પત્રકાર ચિંતન બુચનું કહેવું છે કે, “હાર્દિક પંડ્યાએ ઘણી વખત કહ્યું છે કે ધોની તેમના માર્ગદર્શક છે એને ગત વર્ષે તેઓ મૅચ પહેલાં બે ત્રણ દિવસ ધોની સાથે ગાળવા રાંચી પણ ગયા હતા. હાર્દિક પંડ્યા ધોનીની જેમ કપ્તાન તરીકે પોતાના ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપે છે અને ખેલાડી સારો દેખાવ કરે કે ન કરે જો તેનામાં ક્ષમતા છે તો તેને પૂરો સાથે આપે છે.”
હાર્દિક પંડ્યાએ કપ્તાન તરીકે કઈ વાતની કાળજી રાખવી પડશે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વધુમાં ખેલ પત્રકાર ચિંતન બુચ કહે છે કે, “સીએસકે અને ગુજરાત ટાઇટન્સ બન્નેના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ લગભગ સરખું છે. મંગળવારની મૅચમાં પણ અભિનવ મનોહરને અવસર આપી તેને પાછળથી બેટિંગ ક્રમમાં ઉતાર્યો જ્યારે પોતે કપ્તાન હાર્દિક પંડ્યા વન-ડાઉન આવ્યા એટલે પોતાના ક્રમને લઈને પણ તે ફ્લેક્સિબલ છે. સાથે જ ધોનીની જેમ ગમે તે પરિસ્થિતિમાં મેદાનમાં તે કૂલ દેખાતા હોય છે અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લે છે.”
તો બીજી બાજુ મંગળવારની મૅચ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પણ હાર્દિક પંડ્યાની સાથે વાત કરતા પહેલાં તેમને જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા જે રીતે પોતાની ટીમના બૉલર્સ પછી એ રાશિદ ખાનને ચાર ઓવર આપવાની વાત હોય કે પછી નૂરને બોલિંગ આપવાની વાત હોય કે પછી મોહિત શર્માનો ડેથ-ઓવરમાં ઉપયોગ કરવાની વાત હોય- આ તમામ નિર્ણય રસપ્રદ રહે છે.
એટલું જ નહીં જ્યારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મૅચ ચાલી રહી હતી ત્યારે પણ જે રીતે હાર્દિક પંડ્યા મેદાન પર નિર્ણય લઈ રહ્યા હતા તે જોઈને કૉમેન્ટેટર્સ પણ હાર્દિકની કપ્તાનીનાં વખાણ કરી રહ્યા હતા.
અને આ પ્રકારના ચોંકાવનારા નિર્ણયો ધોનીએ પોતાની કપ્તાની દરમિયાન અનેક વખત લીધા છે જેણે ક્રિકેટના નિષ્ણાતો હોય કે પૂર્વ ક્રિકેટર તમામના અંદાજને ખોટા પાડ્યા છે. એટલે આ દૃષ્ટિએ પણ હાર્દિક પંડ્યાની કપ્તાનીની સરખામણી સીધી ધોની સાથે થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ધોનીએ આઈપીએલમાં 200થી વધુ મૅચમાં કપ્તાની કરી છે, જ્યારે હાર્દિક પંડ્યાએ 113 મૅચમાંથી હજી સુધી 21 મૅચમાં જ કપ્તાની કરી છે.
એવામાં ક્રિકેટ નિષ્ણાત ખેલ પત્રકાર ચિંતન બુચનું માનવું છે કે હાર્દિક પંડ્યા અને ધોનીની સીધી સરખામણી કરવી એ થોડી ઉતાવળ કરવા જેવું હશે, કારણ કે, “કપ્તાની એવી વસ્તુ છે કે એમાં હાર્દિકે સતત શીખતા રહેવું પડશે. જો એ ઓવર-કૉન્ફિડન્સમાં આવી જશે તો એ તેની કપ્તાની પર ભારે પડી શકે છે. ધોની આજે પણ પોતાની રમતમાં સતત સામેલ રહે છે. એટલે એ રીતે હાર્દિકે પણ આ પ્રક્રિયાને ચાલુ રાખવી પડશે. સાથે જ હાર્દિકે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી કામ કરવું પડશે અને એનાથી જ આગળ એ કેવો દેખાવ કરશે તેનો આધાર રહેશે.”














