IPLમાં દિલ્હીની જીતના હીરો અક્ષર પટેલે કેમ કહ્યું 'કૉફી છોડીને બૅટિંગ કરવા આવવું પડ્યું'

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલની વધુ એક રોમાંચક મૅચમાં દિલ્હી કૅપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને તેમના હોમ ગ્રાઉન્ડમાં સાત રનથી હરાવ્યું હતું.

દિલ્હીનr આ સતત બીજી જીત છે પરંતુ હજુ પણ તેઓ પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને હૈદરાબાદ પૉઇન્ટ ટેબલમાં આગળ છે.

આ એક લો-સ્કોરિંગ મૅચ હતી. જેમાં બૉલર્સનો દબદબો રહ્યો.

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિલ્હીના કૅપ્ટન ડેવિડ વૉર્નરે ટૉસ જીતીને પહેલાં બેટિંગની પસંદગી કરી.

તે જ સમયે વૉર્નરે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો કે તેમની ટીમ સ્કોર ડિફેન્ડ કરી લેશે.

જોકે, દિલ્હીની ટીમ મેદાનમાં બેટિંગ માટે આવી તો પ્રથમ ઓવરથી જ તેમની હાલત ખરાબ દેખાઈ. વૉર્નરની ટીમે જેમતેમ કરીને નવ વિકેટના નુકસાને 144 રન બનાવ્યા.

જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મજબૂત શરૂઆત કરી. એવું લાગી રહ્યું હતું કે હૈદરાબાદ સરળતાથી જીતી જશે. પરંતુ દિલ્હીએ છેલ્લી ઓવર પોતાના 'ઇમ્પૅક્ટ પ્લેયર'ને આપી અને એ ઓવરમાં હૈદરાબાદ 13 રન પણ પૂરા ન કરી શક્યું અને સાત રનથી હારી ગયું.

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

બંને ટીમોના બૅટ્સમેનોને રન બનાવવામાં તકલીફ પડી. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને નટરાજને શરૂઆતથી જ દિલ્હીના બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા અને બાદમાં ઑફ સ્પિનર વૉશિંગ્ટન સુંદરે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને દિલ્હીને પરસેવો પાડી દીધો.

દિલ્હીને અક્ષર પટેલ અને મનીષ પાંડેએ લડવાલાયક સ્કોર સુધી પહોંચાડ્યું. હૈદરાબાદની શરૂઆત ધીમી રહી પરંતુ તેઓ ધીરેધીરે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતા.

11મી ઓવર સુધીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર એક વિકેટના નુકસાન પર 67 રન બનાવી લીધા હતા.

પરંતુ ત્યારે જ અક્ષર પટેલ ફરી એક વખત દિલ્હી માટે આશાનું કિરણ બનીને આવ્યા હતા. તેમણે મયંક અગ્રવાલની વિકેટ લીધી, જે અડધી સદીથી માત્ર એક રન દૂર હતા.

ત્યાર પછીની ઓવરમાં અક્ષરે હૈદરાબાદના કપ્તાન ઍડન માર્ક્રમને પણ પેવેલિયનભેગા કર્યા. 15મી ઓવર સુધીમાં હૈદરાબાદની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી અને બેટિંગ તેમજ બૉલિંગ બંનેમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ અક્ષર પટેલને 'પ્લેયર ઓફ ધ મૅચ'નો ખિતાબ આપવામાં આવ્યો.

જીતની સાથે બે પૉઇન્ટ મળ્યા બાદ કૅપ્ટન વૉર્નરે દબાણમાં છેલ્લી ઓવર નાખનારા 'ઇમ્પૅક્ટ પ્લેયર' મુકેશ કુમાર અને બંને અનુભવી સ્પિનરોનાં વખાણ કર્યાં.

ગ્રે લાઇન

'મેં તો કૉફી ઑર્ડર કરી હતી, એ છોડીને આવવું પડ્યું'

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હી કૅપિટલ્સે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરીને પૃથ્વી શૉને બહાર બેસાડ્યા અને તેમના સ્થાને ફિલ સૉલ્ટ કૅપ્ટન ડેવિડ વૉર્નર સાથે ઓપનિંગમાં ઊતર્યાં.

પંરતુ આ ફેરફાર દિલ્હી માટે ફાયદાકારક ન રહ્યા અને ફિલ સૉલ્ટ પ્રથમ ઓવરમાં જ શૂન્યના સ્કોર પર સરળ કૅચ આપીને પેવેલિયનભેગા થયા.

સાતમી ઓવરમાં દિલ્હીનો સ્કોર બે વિકેટના નુકસાને 57 રન હતો. ત્યારે જ વૉશિંગ્ટન સુંદર પોતાની બીજી ઓવર નાખવા માટે આવ્યા, જેમાં તેમણે કૅપ્ટન ડેવિડ વૉર્નર, સરફરાઝ ખાન અને અમન ખાનની વિકેટ લીધી.

ખુદ અક્ષર પટેલે પોસ્ટ મૅચ સૅરેમનીમાં હળવાશમાં તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે "મેં તો કૉફી ઑર્ડર કરી હતી. એ છોડીને આવવું પડ્યું. મને ખબર પડી કે ટીમે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે."

મનીષ પાંડે અને અક્ષર પટેલે ઘણું સંભાળીને બેટિંગ કરી અને બંને ખેલાડીઓ વચ્ચે 60 બૉલમાં મહત્ત્વપૂર્ણ 69 રનની ભાગીદારી નોંધાઈ.

અક્ષર પટેલે રનની ગતિ વધારીને મયંક માર્કંડેયની 17મી ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાં કુલ 15 રન બન્યા.

અક્ષરે ચાર ચોગ્ગાની મદદથી કુલ 34 રન બનાવ્યા.

જોકે, ભુવનેશ્વર કુમારે ત્યાર પછીની ઓવરમાં જ અક્ષર પટેલને બોલ્ડ કર્યા અને એ પછી મનીષ પાંડે પણ 34 રન બનાવીને આઉટ થઈ ગયા.

રન બનાવવાના દબાણમાં દિલ્હીના કુલ ત્રણ બૅટ્સમેન 19મી અને 20મી ઓવરમાં રન-આઉટ થયા.

દિલ્હીએ પોતાની ઇનિંગ નવ વિકેટના નુકસાન પર 144 રન બનાવીને પૂરી કરી.

ગ્રે લાઇન

કેવી રહી હૈદરાબાદની ઇનિંગ?

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

145 રનોનો લક્ષ્યાંક પાર પાડવા માટે ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી મયંક અગ્રવાલ અને હૅરી બ્રૂક્સ સંયમ સાથે શરૂઆત કરી હતી.

દિલ્હીને હૈદરાબાદ સામે પ્રથમ સફળતા છઠ્ઠી ઓવરમાં મળી. જ્યારે ઍનરિક નાર્ખિયાએ હૅરી બ્રૂક્સને આઉટ કર્યા.

બીજી બાજુ ઓપનર મયંક અગ્રવાલ પીચ પર ટકીને રહ્યા અને ધીરેધીરે હૈદરાબાદને એક સરળ જીત તરફ લઈ ગયા.

જોકે, અડધી સદીથી માત્ર એક રન પહેલાં તેઓ અક્ષર પટેલના બૉલ પર આઉટ થઈ ગયા.

મયંક આઉટ થયા બાદ પણ હૈદરાબાદ મજબૂત સ્થિતિમાં હતું કારણ કે ટીમે આઠ ઓવરમાં 76 રન બનાવવાના હતા અને ટીમ પાસે આઠ વિકેટ હતી.

ત્યાર પછી સતત વિકેટોનો મારો ચાલુ રહ્યો અને 15મી ઓવરમાં હૈદરાબાદના કૅપ્ટન માર્ક્રમ આઉટ થયા બાદ હૈદરાબાદની ઇનિંગ પડી ભાંગી.

અડધી ટીમ પેવેલિયનભેગી થયા બાદ પણ હૅનરિક ક્લાસન અને વૉશિંગ્ટન સુંદર પાસેથી હૈદરાબાદને આશા હતી.

19 બૉલમાં 31 રન ફટકારનારા ક્લાસન જ્યાં સુધી પીચ પર હતા, ત્યાં સુધી દિલ્હી દબાણમાં હતું. પરંતુ 19મી ઓવરમાં ક્લાસન આઉટ થયા અને પછી તમામ જવાબદારી વૉશિંગ્ટન સુંદર પર આવી.

આઈપીએલ 2023

અંતિમ ઓવરનો રોમાંચ

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

હૈદરાબાદને જીતવા માટે છ બૉલમાં 13 રન બનાવવાના હતા. દિલ્હીએ બૉલિંગની જવાબદરી પોતાના ઇમ્પૅક્ટ પ્લેયર મુકેશ કુમારને સોંપી.

પ્રથમ બૉલ પર વૉશિંગ્ટન સુંદરે બે રન લીધા. બીજા બૉલ પર એક પણ રન ન આવ્યો.

ત્રીજા બૉલ પર સુંદર એક રન ભાગ્યા અને સ્ટ્રાઇક પર આવ્યા યૉન્સન. તેમણે એક રન લીધો અને હવે પાછા ક્રીસ પર આવ્યા વૉશિંગ્ટન સુંદર.

અહીં ટીમને જીતવા માટે બે બૉલમાં નવ રનની જરૂર હતી.

સુંદરે પાંચમા બૉલ પર પ્રયાસ કર્યો, પણ તેઓ માત્ર એક જ રન લઈ શક્યા અને દિલ્હીની જીત લગભગ નક્કી જ થઈ ગઈ હતી.

અંતિમ બૉલ પર યૉન્સને કોઈ રન ન લીધો અને દિલ્હી કૅપિટલ્સ સાત રનથી મૅચ જીતી ગયું.

એકંદરે અક્ષર પટેલનું બેટિંગ અને બૉલિંગમાં શાનદાર પ્રદર્શન અને ટીમ દ્વારા કરાયેલી ઈમ્પૅક્ટ પ્લેયરની પસંદગીએ દિલ્હીને સતત બીજી જીત અપાવી.

રેડ લાઇન
રેડ લાઇન