ભારતમાં પથારીવશ પતિની સેવાચાકરી માટે આવનારી વિદેશી પત્નીની કહાણી

ઇમેજ સ્રોત, HARPAL SINGH
- લેેખક, સરબજિતસિંહ ધાલિવાલ
- પદ, બીબીસી સંવાદદાતા
રોપરના હરપાલસિંહે વર્ષ 2019માં તેમની કોલંબિયન ગર્લફ્રેન્ડ ઍની સાથે લગ્ન કર્યાં હતાં. માર્ચ- 2021 સુધી તેઓ સુખેથી જીવન જીવી રહ્યાં હતાં.
તેઓ કોલંબિયામાં પત્નીને મળવા જવાની તૈયારી કરી રહ્યા હતા. ઍનીનું આખું નામ ઍની ટૉરસ છે. કોલંબિયા એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે.
વ્યવસાયે પ્લંબર એવા હરપાલસિંહ ખેતી પણ કરતા હતા.
તેઓ દિલ્હી બૉર્ડર પર ખેડૂતઆંદોલનમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે 5 માર્ચે ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતે તેમનું આખું જીવન બદલી નાખ્યું.
આ અકસ્માત ચંડીગઢ કુરાલી બાયપાસ પર થયો હતો.
આ અકસ્માતમાં તેમની ગરદન અને કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું અને તેમના શરીરમાં નીચેના ભાગમાં હલનચલન બંધ થઈ ગયું હતું.
હજારો કિલોમીટર દૂર રહેતાં તેમનાં પત્ની ઍનીને જ્યારે હરપાલના અકસ્માતની જાણ થઈ ત્યારે તેઓ કોલંબિયાથી ભારત આવ્યાં અને હરપાલની સારવારની સાથોસાથ તેમની કાળજી લેવામાં જોતરાઈ ગયાં.
ઍની ટૉરસ રોજિંદા કામ, સારવાર અને કસરતમાં હરપાલનો સાથ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરપાલના અકસ્માતને ત્રણ વર્ષ થયાં ગયાં છે. હવે હરપાલ અને ઍની બંને હિંમત અને પ્રેમનાં ઉદાહરણ બની ગયાં છે.
ઍની માત્ર સ્પેનિશ ભાષા બોલી શકે છે.
હરપાલ ચંડીગઢની પીજીઆઈ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઍની હરપાલ સાથે મોહાલી નજીક ભાડાના મકાનમાં રહે છે. હરપાલ રોપરના રાવલી ગામના છે.
ઍની સાથે કેવી રીતે થઈ મુલાકાત?

ઇમેજ સ્રોત, HARPAL SINGH
બીબીસી સાથે વાત કરતા હરપાલસિંહે કહ્યું કે તેઓ ફેસબુક મારફતે ઍનીના સંપર્કમાં આવ્યા હતા.
"ઍની સ્પેનિશ બોલતી હતી, અમે વાત કરવામાં સારો એવો સમય પસાર કર્યો અને અમે એકબીજાના સારાં મિત્રો બની ગયાં."
તેમણે કહ્યું કે બંને વચ્ચે એક વર્ષ સુધી વાતચીત ચાલી અને ત્યાર બાદ ઍની ભારત આવ્યાં અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંનેએ 29 ઓગસ્ટ 2019ના રોજ લગ્ન કર્યાં હતાં.
ઍની અને હરપાલ બંને એકબીજા સાથે માત્ર સ્પેનિશમાં જ વાતચીત કરે છે.
લગ્ન પછી બંને થોડા મહિના સાથે રહ્યાં હતાં. એ પછી ઍની કોલંબિયા પરત ફર્યાં હતાં. હરપાલ પણ ઍની સાથે રહેવા કોલંબિયા ગયા હતા.

તે જ સમયે કોરોના વાઇરસની મહામારીને કારણે લૉકડાઉન થયું હતું, જેના કારણે હરપાલની કોલંબિયા જવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
ઍની કહે છે, "મેં જ તેમને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, તેઓ આ સવાલ પર વિશ્વાસ ન કરી શક્યા, પછી તેમણે હા પાડી."
તેઓ કહે છે કે હરપાલ તેમના પરિવારને ખૂબ પસંદ કરતા હતા.
ઍનીએ કહ્યું, "તેમની પાસે એવા બધા ગુણો હતા, જે સ્ત્રીને પુરુષમાં ગમે છે,"
તેમણે કહ્યું કે તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
હરપાલના મોટા ભાઈ સેનામાં નોકરી કરે છે.
'અકસ્માતે સપનાં તોડી નાખ્યાં'

ઇમેજ સ્રોત, HARPAL SINGH
ઍની તેમની પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે, “આ ખૂબ જ મુશ્કેલ સમય છે.”
તેમણે કહ્યું, "જ્યારે મને અકસ્માતની ખબર પડી ત્યારે મારી પાસે ભારત પરત ફરવા માટે પૈસા નહોતા. મેં મિત્રો પાસેથી ઉછીઉધાર કરી પૈસા ભેગા કર્યા. બધું જ છોડી દીધું અને જીવનની તમામ યોજનાઓ છોડીને હું અહીં આવી ગઈ."
ઍની અનુસાર તેમણે અને હરપાલસિંહે એક ઘર પણ ખરીદ્યું હતું.
તેમણે કહ્યું, "જ્યારે હું અહીં પહોંચી ત્યારે મારી મદદ કરવાવાળું કોઈ નહોતું, મારે એકલીએ જ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે મારા જીવનનો ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સમય હતો."
હરપાલનાં માતાપિતા વૃદ્ધ છે અને ઍની તેમની સંભાળ-સારવારમાં તેમને મદદ કરી રહ્યાં છે.
હરપાલ કહે છે, "મારા હાથ- પગ કામ નથી કરતા, છતાં હું નસીબદાર છું કે મારી પત્નીનો સાથ મળ્યો. જો તે મારા જીવનમાં ન આવી હોત તો હું આ દુનિયામાં ન હોત."
શરીરે સાથ છોડ્યો પરંતુ મનોબળ મક્કમ

ઇમેજ સ્રોત, HARPAL SINGH
હરપાલસિંહનું કહેવું છે કે તેમને ખબર નથી કે તેમના જીવનમાં આગળ શું થશે.
તેઓ કહે છે કે, તેમણે ઍનીને તેમના દેશ કોલંબિયા પાછા જવા કહ્યું, પરંતુ ઍનીએ ના પાડી અને જીવનભર તેમની સાથે રહેવાનું વચન આપ્યું છે.
હરપાલસિંહ ખુદનું મનોબળ મજબૂત રાખવા કવિતા લખે છે અને તેની યૂટ્યૂબ ચેનલ પર તેના વીડિયો પણ અપલોડ કરે છે.
હરપાલસિંહનું કહેવું છે કે તે કોલંબિયા જઈને પોતાની સારવાર કરાવવા માંગે છે.
તેઓ કહે છે કે તેઓ કોઈ રીતે પૈસા બચાવીને સારી સારવાર સાથે તેમના જીવનને પાટે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.














