પેટ્રોલ પમ્પ પર મળતા પેટ્રોલમાં હવે 20 ટકા ઇથેનોલ કેમ ભેળવાય છે, આનો ફાયદો કોને થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સરકારે તેના ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંતર્ગત પેટ્રોલમાં 20 ટકા જેટલું ઇથેનોલ મિશ્રિત કરવાનો ટાર્ગેટ વર્ષ 2030ના બદલે પાંચ વર્ષ વહેલો એટલે કે 2025માં જ સિદ્ધ કરી લીધો છે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નૅચરલ ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગત 23 જુલાઈએ આ મામલે જાહેરાત કરી.
ભારત સરકારે 2018માં નિર્ણય કર્યો હતો કે દેશમાં વેચાતા પેટ્રોલમાં 2030 સુધી 20 ટકા જેટલું ઇથેનોલ ભેળવવું અને તે રીતે પર્યાવરણનું જતન કરવું, ક્રૂડ ઑઇલ એટલે કે કાચા ખનીજ તેલની આયાત કરવા માટે વપરાતા વિદેશી હૂંડિયામણની બચત કરવી, વાહનોમાં વપરાતા ફ્યુઅલ એટલે કે બળતણોની બાબતમાં સ્વનિર્ભરતા વધારવી અને દેશના ખેડૂતોની આવક વધારવી.
પરંતુ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે દેશમાં ઇથેનોલનું ઉત્પાદન ઝડપથી વધારવામાં સફળતા મળતા આ ટાર્ગેટ 2025માં જ પૂરો કરવામાં સફળતા મળી છે.
મંત્રી હરદીપસિંહ પુરીની જાહેરાતનો સીધો અર્થ એ થયો કે આપણે આપણાં સ્કૂટર, મોટરસાઇકલ કે કારમાં જે પેટ્રોલ પુરાવીએ છીએ તેમાં 20 ટકા ઇથેનૉલ હોય છે.
એટલે કે જો આપણે એક લીટર પેટ્રોલ પુરાવીએ તો તેમાં 200 મિલીલીટર જેટલું તો ઇથેનોલ હોય છે.
ઇથેનોલ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહૉલ છે. તેનું બીજું નામ ઇથાઇલ આલ્કોહૉલ છે.
ઘણી વનસ્પતિનાં ફળ, દાણા કે છોડમાં સુક્રોઝ નામનો ગળ્યો પદાર્થ કે સ્ટાર્ચ જેવા કાર્બોહાઇડ્રેટ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુક્રોઝને આપણે સામાન્ય રીતે ખાંડ તરીકે ઓળખીએ છીએ. યીસ્ટ નામની ફૂગ આ સુક્રોઝનું અને સ્ટાર્ચનું વિઘટન કરી તેનું આલ્કોહૉલમાં રૂપાંતર કરે છે.
આ પ્રક્રિયા ફર્મેન્ટેશન (આથો આણવો)ના નામે ઓળખાય છે.
આ રીતે બનેલા આલ્કોહૉલને નિસ્યંદનની પ્રક્રિયા એટલે કે પ્રવાહીને ગરમ કરી તેમાં રહેલું પાણી દૂર કરી વધારે શુદ્ધ બનાવાય છે.
આ પ્રક્રિયાને અંગ્રેજીમાં ડિસ્ટિલેશન કહેવાય છે અને જે પ્લાન્ટમાં આ પ્રક્રિયા થાય તેને ડિસ્ટિલરી કહેવાય છે.
ડિસ્ટિલરીમાં 94 ટકા સુધી શુદ્ધ કરાયેલું આલ્કોહૉલ રંગ રસાયણો બનાવવા માટે વપરાતો ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહૉલ છે.
95 ટકા સુધી શુદ્ધ કરાયેલ ઇથાઇલ આલ્કોહૉલ એટલે માણસો પી શકે કે ખાદ્યપદાર્થોમાં વાપરી શકાય તેવો દારૂ.
ઇથાઇલ આલ્કોહૉલને 99.9 ટકા સુધી શુદ્ધ કરતા તે પેટ્રોલ જેટલો જ જ્વલનશીલ બની જાય છે. તેમાં નાની માત્રામાં મિથાઇલ આલ્કોહૉલ જેવાં અન્ય ઝેરી રસાયણો ઉમેરવાથી તે માણસો માટે પીવાલાયક રહેતો નથી. આ પ્રકારનો ઇથાઇલ આલ્કોહૉલ એ જ ઇથેનોલ.
ભારત પેટ્રોલમાં ઇથેનોલ કેમ ભેળવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયામાં અત્યારે જમીન પર ચાલતા મોટાં ભાગનાં વાહનો ક્રૂડ ઑઇલ એટલે કે કાચા ખનીજ તેલમાંથી ડિસ્ટિલેશનની પ્રક્રિયાથી મેળવાયેલા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે નેપ્થાથી ચાલે છે.
દુનિયામાં ક્રૂડ ઑઇલનો સૌથી વધારે વપરાશ કરતા દેશોમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા નંબરે આવે છે.
ભારત દૈનિક ધોરણે 159 લિટરનું એક એવાં 47 લાખથી 48 લાખ બેરલ (પીપડા) ક્રૂડ ઑઇલનો વપરાશ કરે છે.
પરંતુ ભારતમાં ખનીજ તેલના ભંડાર બહુ સીમિત છે.
પરિણામે, ભારત વિદેશોમાંથી આયાત થતા ક્રૂડ ઑઇલ પર નિર્ભર છે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઑઇલ આયાત કરે છે.
ભારત સરકારના સત્તાવાર આંકડા અનુસાર ભારતે 2024-25ના વર્ષમાં 24.32 કરોડ ટન એટલે કે 1.78 અબજ બેરલ ક્રૂડ ઑઇલ આયાત કર્યું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ભારતે 2024-25ના વર્ષમાં ક્રૂડ ઑઇલની આયાત કરવા 143 અબજ અમેરિકન ડૉલર એટલે કે 11,800 અબજ કરતા પણ વધારે રૂપિયા ખર્ચ્યા હતા.
ઇથેનોલ શેરડી, મકાઈ, ચોખા, જુવાર-બાજરો તેમ જ વનસ્પતિઓના બંધારણનું તત્ત્વ એવું લિગ્નોસેલ્યુલોઝ વગેરેમાંથી બનાવી શકાય છે.
વળી, શેરડી અને ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે આવે છે અને મકાઈના ઉત્પાદનમાં છઠ્ઠા નંબરે આવે છે.
આમ ઇથેનોલ બનાવવા માટે ભારત પાસે કાચો માલ ઉપલબ્ધ છે. તેથી, સરકાર પેટ્રોલમાં ઇથેનોલને મિશ્રિત કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ઇથનોલ મિશ્રિત કરવાથી ભારતે 1.36 લાખ કરોડ એટલે કે 1360 અબજ રૂપિયાની બચત કરી છે.
સરકારે 2025ના ઑક્ટોબર મહિના સુધી ચાલનારા સુગર વર્ષ 2024-25 માટે શેરડીમાંથી ખાંડ બનાવતી વખતે ઉપપેદાશ તરીકે મળતાં સી-હેવીમોલાસિસમાંથી બનાવેલા ઇથનોલનો ભાવ 57.97 રૂપિયા પ્રતિ લીટર અને બી-હેવી મોલાસિસમાંથી બનાવેલા ઇથેનોલનો ભાવ રૂપિયા 60.73 રૂપિયા નક્કી કર્યો છે.
ખાંડ, જ્યુસ કે સિરપમાંથી બનાવેલા ઇથેનોલનો ભાવ 65 .61 રૂપિયા છે. જોકે પેટ્રોલના છૂટક ભાવ ગુજરાતમાં 95 રૂપિયાની આજુબાજુ છે.
ભારત ઉપરાંત બ્રાઝીલ, અમેરિકા વગેરે જેવા દેશો પણ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવે છે.
ભારતમાં ઇથેનોલ કઈ રીતે બનાવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો શેરડીના રસમાંથી સીધું જ ઇથેનોલ બનાવી શકાય છે. પરંતુ, મોટા ભાગે તેવું થતું નથી કારણ કે ખાંડ પણ કિંમતી ચીજ છે અને ઇથેનોલ શેરડીના રસમાંથી ખાંડ બનાવ્યા બાદ મળતી મોલાસિસ નામની ઉપપેદાશમાંથી પણ બનાવી શકાય છે.
શેરડીમાંથી ખાંડ બનાવવા માટે શેરડીના સાંઠામાંથી રસ કાઢી, ગાળી તેમાંથી રંગ અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવા ચૂનો અને સલ્ફર ડાઇઑક્સાઇડ ઉમેરવામાં આવે છે. પછી તેને ગરમ કરી તેમાંથી ભેજની માત્રા ઓછી કરાય છે અને તે રીતે તૈયાર કરેલા ઘાટા રસને સિરપ કહેવાય છે.
તેને ગરમ કરી તેમાં અગાઉથી તૈયાર કરેલા ખાંડના બારીક દાણા ઉમેરવાથી સિરપમાં રહેલ સુક્રોઝ તે દાણાઓની આજુબાજુ જામવાની પ્રક્રિયા થાય છે અને તે રીતે ખાંડના દાણામાં રૂપાંતરિત થાય છે.
સિરપને ઠંડું પાડ્યા બાદ તેને સેન્ટ્રિફ્યૂઝ એટલે કે ઊંચી ગતિથી ફરતા કાણાંવાળા નળાકાર પાત્રમાં નાખી ગોળ ગોળ ફેરવતા દાણામાં રૂપાંતર પામેલ ખાંડના દાણા મોટા અને વજનમાં ભારે હોવાથી પાત્રની અંદર રહી જાય છે જયારે બાકીની પ્રવાહી સ્વરૂપમાં રહી ગયેલી ખાંડ અને અન્ય હલકા અર્ધ-પ્રવાહી પદાર્થો બહાર ફેંકાય છે.
આ રીતે બહાર ફેંકાયેલા પદાર્થોને એ-હેવીમોલાસિસ કહે છે.
તેમાં સુક્રોઝનું પ્રમાણ ઊંચું હોય છે. તેમાંથી ખાંડ છૂટી પાડવા તેને ફરી ગરમ અને સેન્ટ્રિફ્યુઝ કરાય છે.
તેથી, ખાંડ અને બી-હેવીમોલાસિસ તરીકે ઓળખાતી અશુદ્ધિઓ છૂટી પડે. બી-હેવીમોલાસિસ પર પણ એ જ પ્રક્રિયા કરતા ખાંડ અને સી-હેવીમોલાસિસ છૂટા પડે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બી-હેવી કે સી-હેવી મોલાસિસમાં અનુક્રમે 50 ટકાથી વધારે અને 40 થી 45 ટકા ખાંડ રહી જાય છે.
સી-હેવી મોલાસિસમાં રહેલી આવી ખાંડનું દાણામાં રૂપાંતર થઈ શકતું નથી. પરંતુ આથા દ્વારા તેનું વિઘટન કરી આલ્કોહૉલમાં રૂપાંતર કરી શકાય છે.
મોલાસિસમાં ગળપણ હોવાને કારણે આલ્કોહૉલમાં ઉત્પાદન ઉપરાંત તેનો ઉપયોગ પશુઓના દાણ વગેરે બનાવવામાં પણ થાય છે.
આ ઉપરાંત ભારતમાં મકાઈ, ચોખા અને અન્ય ધાન્યોમાંથી પણ ઇથેનોલ બનાવાય છે.
તે માટે પહેલાં આવાં ધાન્યોને ઝીણા દળી નાખવામાં આવે છે. પછી પાણીમાં પલાળી તેમાં આથો લેવાય છે અને ત્યાર બાદ ડિસ્ટિલરીમાં તેનું ડિસ્ટિલેશન કરી ઇથેનોલ બનાવાય છે.
આથો આવી ગયેલા મિશ્રણમાંથી આલ્કોહૉલ અને પાણી છૂટા પાડ્યા પછી વધતો લોટ પશુઓ માટે ખાણદાણ અને પાલતું મરઘાં-બતક તેમ જ ઝીંગા, માછલીઓ વગેરે માટેનો ખોરાક બનાવવામાં વપરાય છે.
ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન કેટલું છે?

ઇમેજ સ્રોત, Sayan Vibhag Sahkari Khand Udyog Mandali
ભારતમાં ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ 2001માં નાના પાયે શરૂ થયો હતો અને 2018થી તેને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
મંત્રી પુરીએ જણાવ્યા અનુસાર ભારતમાં 2013-14માં ભારતમાં ઇથેનોલનું વાર્ષિક ઉત્પાદન 38 કરોડ લીટર હતું અને પેટ્રોલમાં માત્ર 1.5 ટકા જ મિશ્રણ થઈ શકતું હતું. જૂન 2025માં ઉત્પાદન વધીને 661.1 કરોડ લીટર (6.61 અબજ લીટર) થઈ ગયું છે અને મિશ્રણનું પ્રમાણ 20 ટકાએ પહોંચ્યું છે.
મંત્રીએ જણાવ્યું કે 6.61 અબજ લીટર ઇથેનોલમાંથી 40.3 ટકા એટલે કે લગભગ 2.65 અબજ લીટર ઇથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવ્યું હતું. તેમાંથી 27 ટકા એટલે કે 1.78 અબજ લીટર શેરડીના રસમાંથી અને 13.3 ટકા એટલે કે લગભગ 87.92 કરોડ લીટર બી-હેવીમોલાસિસમાંથી બનાવવામાં આવ્યું હતું.
અન્ય 40 ટકા (2.64 અબજ લીટર) મકાઈમાંથી બનાવવા આવ્યું હતું.
તે હિસાબે ભારતમાં વેચાતા કુલ 33 અબજ લીટરમાં શેરડીમાંથી બનેલા ઇથેનોલનું પ્રમાણ 12.47 ટકા થાય. એટલે કે પ્રતિ એક લીટર પેટ્રોલમાં શેરડીમાંથી બનાવેલું 124 મિલીગ્રામ જેટલું ઇથેનોલ ભેળવેલું હોય છે.
શેરડી, મકાઈમાં ઇથેનોલનું પ્રમાણ કેટલું હોય?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન શ્યુગર ઍન્ડ બાયો-એનર્જી મૅન્યુફેકચર્સ ઍસોસિએશન (ઇસ્મા) એટલે કે ભારતીય ખાંડ અને જૈવિક ઊર્જા ઉત્પાદક ઍસોસિએશનની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતમાં શેરડીમાં ટોટલ ફર્મેન્ટેબલ શ્યુગર (ટીએફએસ) એટલે કે કુલ આથવી શકાય તેવી ખાંડનું પ્રમાણ 14 ટકા હોય છે.
એટલે કે 100 કિલો શેરડીમાંથી આ પ્રકારની 14 કિલો ખાંડ મળી શકે. તેમાંથી ખાંડ મિલો સરેરાશ 11.5 ટકા એટલે કે 11.5 કિલો જેટલી ખાંડનું ખાંડના દાણામાં રૂપાંતર કરી શકે છે. બાકીની 2.5 ટકા ખાંડનું દાણામાં રૂપાંતર કરી શકાતું નથી અને તેથી તે સી-હેવી મોલાસિસમાં જાય છે.
100 કિલો શેરડીમાંથી 11.5 કિલો ખાંડ મળે તો સરેરાશ 4.5 કિલો સી-હેવીમોલાસિસનું ઉત્પાદન થાય.
આ મોલાસિસમાં સરેરાશ 1.8 કિલો ટીએસએફ હોય છે. આવા 4.5 કિલો મોલાસિસમાંથી સરેરાશ 1 લીટર ઇથેનોલ બનાવી શકાય. પરંતુ ખાંડ બનાવવાની પ્રક્રિયા કર્યા વગર શેરડીના રસને જો સીધો જ આથવામાં આવે તો તેમાંથી 8.4 લીટર જેટલું ઇથેનોલ બનાવી શકાય.
તે જ રીતે જો 100 કિલો શેરડીમાંથી રસ કાઢી ખાંડના દાણા છૂટા પાડવાનો ત્રીજો તબક્કો હાથ ધરવામાં ન આવે અને બીજા તબક્કમાં બનેલા 50 ટકા ટીએસએફ ધરાવતા બી-હેવી મોલાસિસને આથવણ કરી આલ્કોહૉલ બનાવવાની પ્રક્રિયા કરાય તો કુલ 9.5 કિલો ખાંડ અને 2.18 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી શકાય.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ્સના અન્ય એક અહેવાલ અનુસાર શેરડીની સરખામણીએ ચોખા, મકાઈ અને જુવાર-બાજરી જેવાં અનાજમાંથી વધારે માત્રામાં ઇથેનૉલ બનાવી શકાય કારણ કે આ દાણાઓમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે.
100 કિલો ચોખામાંથી 45થી 48 લીટર ઇથેનોલ બનાવી શકાય. તે જ રીતે 100 કિલો મકાઈ, જુવાર અને બાજરીમાંથી અનુક્રમે 38 થી 40 લીટર, 38.5થી 40 લીટર અને 36.5થી 38 લીટર ઇથેનોલ બનાવી શકાય.
પરંતુ આ ધાન્યોમાંથી ઇથેનોલ બનાવવામાં સમય વધારે લાગે છે કારણ કે આવા દાણાને પ્રથમ દળીને લોટ કરી, તેમાં પાણી ઉમેરી તેમાં રહેલ સ્ટાર્ચનું પ્રથમ સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રૂકટોઝ વગેરેમાં રૂપાંતર કરવું પડે છે. એવું રૂપાંતર થયા પછી આથવણ કરી શકાય છે અને ત્યાર બાદ આલ્કોહૉલ બને છે.
તો ખેડૂતોને શું ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ઇથેનોલ મિશ્રણ પ્રોગ્રામ થકી 1.18 લાખ કરોડ (1180 અબજ) રૂપિયા ખેડૂતોને ચૂકવાયા છે.
ઇસ્માના ડાઈરેક્ટર જનરલ (ડીજી) દીપક બલ્લાની કહે છે કે ભારતમાં શેરડીની ખેતી સાથે સંકળાયેલા અંદાજે 5.5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારોને ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો સીધો ફાયદો થયો છે.
તેઓ કહે છે કે જયારે આ પ્રોગ્રામ ન હતો ત્યારે મિલો પાસે શેરડીમાંથી ખાંડ અને થોડીક માત્રામાં પોટેબલ આલ્કોહૉલ બનાવવવા સિવાય ત્રીજો વિકલ્પ ન હતો કારણ કે ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહૉલની માંગ બહુ મોટી નથી.
તેઓ કહે છે કે ખેડૂતોના હિતો જળવાય તે ઉદ્દેશથી ભારત સરકાર દેશના ખાંડ ઉદ્યોગનું નિયમન કરે છે.
ખાંડ મિલોએ શેરડી ખરીદતી વખતે ખેડૂતોને આપવાના લઘુતમ પોષણક્ષમ ભાવ સરકાર નક્કી કરે છે.
સરકાર એ પણ નક્કી કરે છે કે કઈ મિલ દર મહિને કેટલી ખાંડ વેચી શકશે. તે ઉપરાંત ખાંડની લઘુતમ વેચાણ કિંમત પણ સરકાર નક્કી કરે છે અને મિલો તે કિંમતોથી ઓછી કિંમતે ખાંડ વેચી શકતી નથી.
ભારત તેની જરૂરિયાત કરતા વધારે ખાંડનું ઉત્પાદન કરે છે પરંતુ ખાંડની નિકાસ પર પણ સરકારી નિયંત્રણો છે.
ડીજી દીપક બલ્લાની કહે છે કે, "પરિણામે, ઘણી વાર સ્થિતિ એવી થતી કે મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદી ખાંડ બનાવતી પરંતુ ખાંડનું વેચાણ ન થતા ખાંડનો ભરાવો થતો અને મિલોનાં નાણાં રોકાઈ જતાં. તેથી, રોકડની તંગી રહેતી. પરિણામે, ખેડૂતોને લઘુતમ પોષણક્ષમ ભાવ ઉપરાંત મિલને નફો થાય તો તે નફામાંથી ખેડૂતોને ચુકવવાની થતી એરીયરની રકમ સમયસર ચૂકવી શકાતી ન હતી. "

ઇમેજ સ્રોત, Getty Images
બલ્લાની ઉમેરે છે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને વેગ મળતા છેલ્લાં આઠેક વર્ષથી આ પરિસ્થિતિ ભૂતકાળ થઈ ગઈ છે.
તેઓ કહે છે કે, "મિલોને શેરડીમાંથી ઇથેનોલનું મોટા પાયે ઉત્પાદન કરવાનો વિકલ્પ મળ્યો છે. વળી, સરકાર જ આ ઇથેનોલ ખરીદી લેતી હોવાથી મિલોને ઇથેનોલનું એક નિશ્ચિત માર્કેટ મળી ગયું છે. તે ઉપરાંત, સરકાર ઇથેનોલના પૈસા મિલોને 21 દિવસમાં ચૂકવી દે છે. તેથી, રોકડની તંગી રહેતી નથી. આનું પરિણામ એ આવ્યું છે કે આપણે જરૂર પૂરતી જ ખાંડ બનાવીએ છીએ અને વધારાની શેરડીમાંથી ઇથેનોલ બનાવીએ છીએ. તેથી, મિલો ખેડૂતોને સમયસર લઘુતમ પોષણક્ષમ ભાવ અને એરીયર ચૂકવી શકે છે. પરિણામે, તમે છેલ્લાં આઠેક વર્ષ દરમિયાન શેરડીની ખેતી કરતા ખેડૂતોના આંદોલનના સમાચાર સાંભળ્યા નહીં હોય. ઊલટાનું, સારા ભાવ મળતા ખેડૂતો વધારે શેરડી વાવવા પ્રેરાય છે."
ઇસ્માનો અંદાજ છે કે 2025-26માં ભારતમાં 350 લાખ ટન (35 અબજ કિલો) ખાંડનું ઉત્પાદન થશે અને વપરાશ 285 લાખ ટન (28.5 અબજ કિલો) રહેશે. બાકી વધતી ખાંડમાંથી 45 લાખ ટન (4.5 અબજ કિલો) ઇથેનોલ બનાવવામાં વપરાશે અને 20 લાખ ટન (બે અબજ કિલો) નિકાસ થશે.
બલ્લાનીએ કહ્યું ભારતમાં આશરે 311 જેટલી ડિસ્ટીલરીઓ આવેલી છે અને તેમની ક્ષમતા વાર્ષિક 850 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવાની છે.
તેમણે ઉમેર્યું કે, "ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામના કારણે થોડાંક જ વર્ષોમાં નવી ડિસ્ટલરીઓ બનાવવામાં અને હયાત ડિસ્ટીલરીઓની ક્ષમતા વધારવા અને સુધારા-વધારા કરવા 40,000 કરોડ (400 અબજ) રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે."
કયાં રાજ્યોના ખેડૂતોને ફાયદો થયો?

ઇમેજ સ્રોત, Sayan Vibhag Sahkari Khand Udyog Mandali
ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ગુજરાતનો ચોથો નંબર આવે છે.
તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોની સહકારી સંસ્થાઓ દ્વારા ખાંડ મિલો અને ડિસ્ટીલરીઓ ચલાવાય છે જયારે બાકીનાં રાજ્યોમાં પ્રાઇવેટ મિલોનું વર્ચસ્વ છે.
ગુજરાતમાં શેરડીનું વાવેતર અને ખાંડનું ઉત્પાદન હાલ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી વગેરે જિલ્લાઓ પૂરતું સીમિત થઈ ગયું છે.
ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘમાં હાલ 22 મિલો સભ્ય છે. તેમાંથી નવ મિલોની ડિસ્ટિલરીઓએ 2024-25ના વર્ષમાં 4.98 કરોડ લીટર ઇથેનૉલનું ઉત્પાદન કર્યું હતું.
તેમાંથી 2.66 કરોડ લીટર સરકારી ઑઇલ કંપનીઓને અને નાયરા ઍનર્જી નામની પ્રાઇવેટ ઑઇલ કંપનીને વેચ્યું હતું.
સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ડાઈરેક્ટર દર્શન નાયક કહે છે: "ખાંડ મિલોને આડપેદાશોનાં રૂપિયા મળે છે તેનો લાભ ખેડૂતોને થાય છે. પરંતુ ઇથેનોલ મિશ્રણની યોજનાનો લાભ પ્રાઇવેટ મિલોને વધારે થયો છે કારણ કે તેઓ ડિસ્ટિલરીઓ સ્થાપી શકી છે કે હયાત ડિસ્ટિલરીઓની ક્ષમતામાં વધારો કરી શકી છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ પાસે આ પ્રકારનું રોકાણ કરવાની ક્ષમતા નથી. તેથી, જો સરકાર મૂડી રોકાણમાં સહાય કરે તો ખેડૂતોને વધારે લાભ થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












