શિવ મંદિર કેવી રીતે બન્યું થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચેની લડાઈનું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
થાઇલૅન્ડ-કંબોડિયા સીમા પર ચાલી રહેલી સૈન્ય અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
થાઇલૅન્ડ-કંબોડિયા સીમા પર ગુરુવાર સવારથી બંને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબારી થઈ રહી છે. થાઇલૅન્ડે જણાવ્યું છે કે તેણે કંબોડિયાના સૈન્ય ઠેકાણાંઓ પર હવાઈ બૉમ્બમારો કર્યો છે.
આ વિવાદની મૂળભૂત કારણો સો વર્ષથી પણ વધુ જૂનાં છે, જ્યારે ફ્રેન્ચ કબજા બાદ કંબોડિયાની સીમાઓ નક્કી કરવામાં આવી હતી.
પરિસ્થિતિ 2008માં ત્યારે તણાવપૂર્ણ બની ગઈ હતી, જ્યારે કંબોડિયાએ વિવાદિત વિસ્તારમાં આવેલા 11મી સદીના મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો.
થાઇલૅન્ડે આનો તીવ્ર વિરોધ કર્યો હતો.
આ પછી બંને દેશો વચ્ચે અનેક વખત અથડામણ થઈ, જેમાં સૈનિકો અને સામાન્ય નાગરિકોનાં મોત થયાં.
મે મહિનામાં એક અથડામણ દરમિયાન કંબોડિયાઈ સૈનિકના મોત પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો.
આ ઘટનાને પગલે, છેલ્લા દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા બે મહિનામાં બંને દેશોએ એકબીજા પર સીમા સંબંધિત પ્રતિબંધો લગાવ્યા છે.
કંબોડિયાએ થાઇલૅન્ડથી ફળો અને શાકભાજી જેવી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ લેવી પણ બંધ કરી દીધી છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં બંને દેશોએ સીમા પર સૈનિકોની તહેનાતી પણ વધારી છે.
મંદિરનો ઇતિહાસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુનેસ્કો અનુસાર, કંબોડિયાના મેદાન પર ઊંચા પથારના કિનારે આવેલું પ્રેહ વિહેયર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં અનેક ધાર્મિક નિર્માણો થયાં છે.
મંદિરનું મુખ્ય નિર્માણ કાર્ય 11મી સદીમાં થયું હતું, જોકે તેની જટિલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ 9મી સદી સુધી જાય છે, જ્યારે અહીં એક તપસ્વી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.
આ સ્થળ સારી રીતે સંરક્ષિત છે અને દુર્ગમ સ્થાન પર આવેલું છે.
મંદિર તેની ઉત્તમ વાસ્તુકળા માટે જાણીતું છે. તેને નકશીદાર પથ્થરો વડે શોભાવાયું છે, જે ખૂબ જ સુંદર માનવામાં આવે છે.
પ્રેહ વિહેયર મંદિર વિવાદ પર ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) એ 15 જૂન 1962ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો.
કંબોડિયાએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ફરિયાદ કરી હતી કે થાઇલૅન્ડે મંદિરનાં ખંડેરોથી ઘેરાયેલા તેના વિસ્તારમાંથી એક ભાગ પર કબજો કરી લીધો છે.
આ સ્થળ કંબોડિયાઈ નાગરિકો માટે ધર્મ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
કંબોડિયાએ ન્યાયાલયને વિનંતી કરી હતી કે તે મંદિર પર અધિકારનો ચુકાદો તેને આપે અને થાઇલૅન્ડને 1954થી ત્યાં તહેનાત સૈનિકોને હટાવવાનો આદેશ આપે.
થાઇલૅન્ડે શરૂઆતમાં કોર્ટના અધિકારક્ષેત્ર પર આક્ષેપ કર્યા, જેને 26 મે 1961ના રોજ ન્યાયાલયે નકારી કાઢ્યા.
15 જૂન 1962ના અંતિમ ચુકાદામાં ન્યાયાલયે જણાવ્યું કે 1904ની ફ્રેન્કો-સાયામી સંધિમાં વિવાદિત વિસ્તારને વૉટરશેડ લાઇન અનુસાર નક્કી કરવામાં આવ્યો હતો અને સંયુક્ત સીમા-નિર્ધારણ કમિશન દ્વારા બનાવવામાં આવેલા નકશામાં મંદિર કંબોડિયાની સીમામાં દર્શાવવામાં આવ્યું હતું.
થાઇલૅન્ડે દલીલ આપી હતી કે આ નકશાને માનવો જરૂરી નથી, અને તેણે આ નકશાને ક્યારેય સ્વીકાર્યો નથી, અથવા તો જો સ્વીકાર્યો હોય તો ખોટી સમજણમાં કર્યું હતું.
જોકે, ન્યાયાલયે નિષ્કર્ષ આપ્યો કે થાઇલૅન્ડે ખરેખર આ નકશાને સ્વીકાર્યો હતો અને આથી મંદિર કંબોડિયાના વિસ્તારમાં આવેલું છે.
કોર્ટએ આ પણ કહ્યું કે થાઇલૅન્ડે ત્યાં તહેનાત પોતાની સૈન્ય અથવા પોલીસ ટુકડીઓને હટાવવી પડશે અને 1954 પછી મંદિરમાંથી જે કંઈ પણ હટાવાયું છે તે કંબોડિયાને પાછું આપવું પડશે.
થાઇલૅન્ડે કેમ આપી ચેતવણી?

ઇમેજ સ્રોત, Getty Images
થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે તાજેતરના તણાવની શરૂઆત એ સમયે થઈ હતી,
જ્યારે એક દિવસ પહેલાં સીમા પર લૅન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના પછી થાઇલૅન્ડે કંબોડિયામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા.
તે પછી ગુરુવારે થાઇલૅન્ડ અને કંબોડિયાએ એકબીજા પર પહેલા ગોળીબાર શરૂ કરવાનો આરોપ મૂક્યો છે.
થાઇલૅન્ડનો દાવો છે કે આ સંઘર્ષ કંબોડિયાની સેનાએ સીમા નજીક થાઈ સૈનિકોની નજરદારી માટે ડ્રોન તહેનાત કર્યા પછી શરૂ થયો હતો.
થાઇલૅન્ડે ચેતવણી આપી છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ 'યુદ્ધ તરફ જઈ શકે છે.'
આ સંઘર્ષના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
થાઇલૅન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયાચાઈએ જણાવ્યું કે હવે લડાઈમાં ભારે હથિયારો પણ સામેલ થઈ ગયાં છે.
આ લડાઈ બંને દેશોની સીમા પર 12 વિસ્તારો સુધી ફેલાઈ ગઈ છે.
થાઇલૅન્ડે કંબોડિયા પર નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કરવાનો પણ આરોપ મૂક્યો છે અને તેના રૉકેટોની રેન્જમાં આવતાં તમામ ગામોને ખાલી કરાવી દીધાં છે.
કંબોડિયાએ પણ થાઇલૅન્ડ પર ક્લસ્ટર હથિયારોના ઉપયોગનો આરોપ મૂક્યો છે.
સામાન્ય નાગરિકો પર તેના અસરને કારણે દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં ક્લસ્ટર હથિયારો પર પ્રતિબંધ છે.
જોકે, થાઇલૅન્ડે આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
દુનિયામાંથી શાંતિની અપીલ
અમેરિકાએ બંને દેશોને 'શત્રુતા તાત્કાલિક સમાપ્ત કરવા, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ' માટે અપીલ કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટૉમી પિગોટે એક નિયમિત મીડિયા બ્રીફિંગમાં કહ્યું,
"અમે થાઇલૅન્ડ-કંબોડિયા સીમા પર વધતી હિંસા અંગે ખૂબ ચિંતિત છીએ અને નાગરિકોને નુકસાન થવાની ખબરોથી દુઃખી છીએ."
ચીનના કંબોડિયા અને થાઇલૅન્ડ સાથે રાજકીય અને વ્યૂહાત્મક સંબંધો છે અને તેણે જણાવ્યું છે કે તે આ સંઘર્ષ અંગે 'ઘેરી ચિંતા'માં છે.
ચીને આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષો વાતચીત અને પરામર્શ દ્વારા મુદ્દાઓ ઉકેલી લેશે.
ઑસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને ફ્રાન્સે પણ બંને દેશોને શાંતિ માટે અપીલ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












