મહાકુંભમાં નાસભાગ પર તંત્રે મૌન તોડ્યું : કહ્યું કે 30નાં મૃત્યુ થયાં, દુર્ઘટનાનું કારણ જણાવ્યું

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોડી રાત્રે સંગમ નોઝ પર મચેલી નાસભાગને કારણે 30 લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત પ્રશાસને સ્વીકારી છે. આ ઘટનામાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ડીઆઈજી, મહાકુંભ નગર મેલા ક્ષેત્ર વૈભવ કૃષ્ણે સાંજે મીડિયાને જણાવ્યું કે, "મહાકુંભમાં થયેલી નાસભાગમાં 30 લોકોનું મૃત્યુ થયું છે જેમાં 25 લોકોની ઓળખ થઈ છે. 60 લોકોની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે."
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના સ્નાન માટે જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો હતો.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો માટે 25-25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
મહાકુંભમાં ભાગદોડ કેમ થઈ, પોલીસે શું કારણ જણાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે આ ઘટનાનું કારણ જણાવતા કહ્યું કે, "અખાડા ક્ષેત્રમાં બૅરિકેડ્સ લાગેલાં હતાં. તેમાંથી કેટલાંક બૅરિકેડ્સ તૂટી ગયાં. કેટલાક શ્રદ્ધાળુઓ જે બ્રહ્મ મુહૂર્તની રાહ જોતાં ઘાટ પર જ સૂઈ ગયા ત્યારે બીજા શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી ગયા. તેઓ જોઈ ન શક્યા કે કોણ સૂઈ રહ્યું છે અને આવી ઘટના થઈ ગઈ."
વહીવટીતંત્રે કડક નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ વીઆઈપી પ્રોટોકૉલ નહીં થાય અને બુધવારના કોઈ વીઆઈપી પ્રોટોકૉલ નથી થયો.
પ્રશાસનનો દાવો છે કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને મહાકુંભમાં સ્નાનવિધિ થઈ રહી છે. જોકે, હાલ લોકોની ભારે ભીડ છે.
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણએ સાંજે મીડિયાને આ જાણકારી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "30 મૃતકો પૈકી 25ની ઓળખ થઈ ગઈ છે. પાંચની ઓળખ બાકી છે."
યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શું કહ્યું

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં થયેલી નાસભાગ વિશે કહ્યું કે, "ઘટના બની તેની થોડી જ વારમાં રાહત કાર્યો માટે ગ્રીન કૉરિડોર બનાવાયો અને પોલીસ, એનડીઆરએફ તથા એસડીઆરએફે બધાને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. દુર્ભાગ્યે આ મોત થયાં છે. સ્વાભાવિક રૂપથી આ બધા મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા થશે."
તેમણે કહ્યું કે, "સારવાર પછી જે ઈજાગ્રસ્તોને ડિસ્ચાર્જ કર્યા છે તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે નીકળી ગયા છે. બાકી લોકોની સારવાર ચાલી રહી છે."
યોગી આદિત્યનાથે કહ્યું કે, "આ કુંભનું મુખ્ય સ્નાન હતું અને પ્રયાગરાજમાં (મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓના) ભારે દબાણને કારણે બધા રૂટ ભરાયેલા હતા. રાતથી જ વહીવટીતંત્રે બધા રૂટ ખાલી કરાવવાનો પ્રયત્નો કર્યા હતા."
"આ ઘટના બાદ, અખાડાઓએ મેળાના પ્રશાસનની વિનંતી પર અમૃત સ્નાન મોકૂફ રાખ્યું હતું, જે સવારે ચાર વાગ્યે શરૂ થવાનું હતું. અમૃત સ્નાન બપોરે શરૂ થયું હતું જેમાં બધા અખાડાઓ અને તમામ સંસ્થાઓ ભાગ લીધો હતો."
"પ્રયાગરાજમાં આજે આઠ કરોડથી વધારે શ્રદ્ધાળુઓનું દબાણ હતું. આજુબાજુના જિલ્લાઓમાં મિર્ઝાપુર, ભદોહી, ફતેહપુર, પ્રતાપગઢ અને કૌશાંબીમાં હોર્ડિંગ એરિયામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા હતા. જ્યારે તમામ અખાડાઓએ અમૃત સ્નાન કરી લીધું ત્યારે તેમને ત્યાંથી રિલીઝ કરવામાં આવ્યા છે."
નાસભાગના થોડા કલાકોમાં સ્નાન શરૂ થઈ ગયું હતું

ઇમેજ સ્રોત, Reuters
પ્રયાગરાજમાં મહાકુંભમાં જ્યાં નાસભાગ થઈ તે સંગમ નોઝથી દૂર અન્ય ઘાટો પર મૌની અમાવસ્યાનું સ્નાન ચાલી રહ્યું છે.
પ્રયાગરાજમાં હાજર બીબીસી સંવાદદાતા વિકાસ પાંડે અનુસાર સંગમ નોઝ પર થયેલી નાસભાગ બાદ લોકો હવે ત્યાંથી બે કિલોમીટર દૂર ગંગા નદીમાં ડૂબકી મારી રહ્યા છે.
નાસભાગને 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે હજારો લોક હજુ પણ પ્રયાગરાજ આવી રહ્યા છે.
નાસભાગને કારણે સવારે શરૂ થનાર શાહી સ્નાન સ્થગિત કરવામાં આવ્યું હતું. થોડા કલાકોના વિલંબ બાદ સંગમમાં શાહી સ્નાન ફરીથી શરૂ થઈ ગયું છે. અમૃત સ્નાન માટે જનારા અખાડાઓએ ભવ્ય સરઘસ નથી કાઢ્યા અને શાંતિપૂર્વક સ્નાન માટે જઈ રહ્યા છે.

મહાકુંભ ભાગદોડ : અત્યાર સુધીની લાઇવ અપડેટ્સ :
- કુંભમેળામાં બુધવારે રાત્રે લગભગ દોઢ વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી
- મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે નાસભાગમાં 30 લોકોનાં મોત થયાં છે.
- જોકે, ઘટનામાં મૃતકોના આંકડા અંગે હજુ સુધી કોઈ આધિકારિક માહિતી પ્રાપ્ત થઈ શકી નથી
- મૌની અમાસના અવસરે અમૃત સ્નાન થવાનું હતું, જે અગાઉ આ ઘટના બની હતી
- મહાકુંભમાં થયેલી ભાગદોડ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે
- નજરે જોનારા લોકો પ્રમાણે અચાનક ભીડ બૅરિયર તોડીને આગળ રહેલા લોકો પર ચઢી ગઈ હતી
- સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથ સાથે ટેલિફોન પર વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો
- આ ઘટના બાદ યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અફવાઓ પર ધ્યાન ન આપી, સંગમ નોજ ન જવાની સલાહ આપી
- અખિલ ભારતીય અખાડા પરિષદના રવીન્દ્ર પુરીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે
- રવીન્દ્ર પુરીએ કહ્યં કે જનહિતમાં અખાડાઓએ આજે સ્નાન ન કરવાનો નિર્ણય કર્યો છે
- કુંભમાં મચેલી ભાગદોડને કારણે ત્યાંની વ્યવસ્થા અંગે શ્રદ્ધાળુઓ ગંભીર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે
- કુંભમેળા ક્ષેત્રમાં બનેલી હૉસ્પિટલમાં પણ ઈજાગ્રસ્તોને દાખલ કરાયા છે


ઇમેજ સ્રોત, Getty Images
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં ભાગદોડ થઈ છે, મૌની અમાસના સ્નાન માટે લાખો લોકો સંગમસ્થાને એકઠા થયા હતા અને તેમાં આ ઘટના બની છે.
પ્રત્યક્ષદર્શીઓ અને હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કુંભમેળામાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે. કેટલા લોકો ઘાયલ થયા અને કેટલા લોકોનાં મોત થયાં એની કોઈ સત્તાવાર માહિતી નથી મળી.
ઓળખ ન જાહેર કરવાની શરતે સ્વાસ્થ્યકર્મીએ જણાવ્યું કે તેમણે ઘટનાસ્થળ પર અનેક મૃતદેહો જોયા છે.
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં બુધવારે રાત્રે લગભગ દોઢ વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થવાની માહિતી મળી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભીડનું દબાણ વધુ છે અને અંદાજે ત્રણ કરોડ લોકોએ સ્નાન કર્યું છે.
યોગીએ કહ્યું કે કોઈ પણ નકારાત્મક વાતો ન ફેલાવો, કેમ કે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. મુખ્ય મંત્રીએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ પણ આ મામલે મૌન તોડ્યું છે, પરંતુ ઈજાગ્રસ્તો અને ઘટનાના મૃતકાંક અંગે જાણકારી આપી નથી.
મુખ્ય મંત્રીએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર એક પોસ્ટમાં કહ્યું છે, "મહાકુંભમાં, પ્રયાગરાજ આવેલા પ્રિય શ્રદ્ધાળુઓ, મા ગંગાના જે ઘાટની નજીક આપ હો, ત્યાં જ સ્નાન કરો, સંગમ નોજ તરફ જવાનો પ્રયાસ ન કરો. આપ સૌ પ્રશાસનના નિર્દેશોનું પાલન કરો, વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરો. સંગમના તમામ ઘાટો પર શાંતિપૂર્વક સ્નાન થઈ રહ્યું છે. કોઈ પણ અફવા પર બિલકુલ ધ્યાન ન આપો."
મહાકુંભમાં થયેલી ભાગદોડ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. આમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારજનોને ખોયા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલ જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોની તમામ મદદમાં જોડાયેલું છે. આ સંદર્ભમાં મેં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે."
તો રાહુલ ગાંધીએ આ ઘટના પર કહ્યું કે "આ દુ:ખદ ઘટના માટે ગેરવહીવટ, અવ્યવસ્થા અને સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ VIP મૂવમેન્ટ પર વહીવટીતંત્રનું વિશેષ ધ્યાન હોવું જવાબદાર છે. VIP કલ્ચર પર અંકુશ મૂકવો જોઈએ અને સરકારે સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા વધારે સારી વ્યવસ્થા કરવી જોઈએ."
સંરક્ષણમંત્રી રાજનાથસિંહને કુંભની ભાગદોડમાં મરાયેલા લોકોએ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
રાજનાથસિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. આ ઘટનામાં જેમણે સ્વજનોને ગુમાવ્યા છે, એ શોકાકુલ પરિવારો પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું."
આ પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ કુંભમાં થયેલા મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરી ચૂક્યાં છે.
'લોકો બેરિકેડ તોડીને એકબીજા પર ચડી ગયા'

ઇમેજ સ્રોત, Getty Images
મૌની અમાસના દિવસે લગભગ દસ કરોડ લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે તેવી શક્યતા હતી. જેના લીધે કુંભમેળાની જગ્યા અને પ્રયાગરાજ બંનેમાં ભારે ભીડ છે.
વહેલી સવારથી જ અહીં અત્યંત ભીડ હોવાને કારણે અને કુંભમેળામાં ભાગદોડના કારણે હાલ પૂરતું શાહી સ્નાન મોકૂફ રાખવામાં આવ્યું છે.
IANS સમાચાર એજન્સીને એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે ભક્તોની ભીડ વધારે હોવાને કારણે શાહી સ્નાન તેના નક્કી કરેલા સમય કરતાં મોડું શરૂ થશે.
જોકે, તંત્રે હજુ સુધી મૃતકોના આંકડા અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
બુધવારે મૌની અમાસના અવસરે અમૃત સ્નાન થવાનું હતું, જે અગાઉ આ ઘટના થઈ છે. નજરે જોનારાનું કહેવું છે કે અચાનક ભીડ બૅરિયર તોડીને લોકો પર ચઢી ગઈ.
પ્રયાગરાજ મેળા ઑથૉરિટીના ઓએસડી આકાંક્ષા રાણાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે કેટલાંક સ્થળે બૅરિયર તૂટવાના સમાચાર છે, જેના કારણે ભાગદોડની સ્થિતિ બની ગઈ હતી અને ઘણી ગંભીર સ્થિતિ નથી.
તેમણે કહ્યું કે ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.
તેમજ ઉત્તર પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
આ પોસ્ટમાં લખ્યું છે, "પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડથી શ્રદ્ધાળુઓના હતાહત થવાની સૂચના હૃદયવિદારક છે. ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે, ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના છે."
આ સાથે જ સમાજવાદી પાર્ટીએ સરકારને રાહત અને બચાવકાર્ય ઝડપથી ચલાવવાની માગ કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી પીટીઆઇએ સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અરાઇલની સબ-સેન્ટ્રલ હૉસ્પિટલ સૅક્ટર 24માં ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે.
તેમજ આ ઘટના બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે તમામ અખાડાએ મૌની અમાસનું સ્નાન રદ કરી દીધું છે.
રવીન્દ્ર પુરીએ કહ્યું, "તમે જોયું હશે કે સવાર જે કંઈ થયું છે, તેને જોતાં નિર્ણય લેવાયો છે કે મૌની અમાસનું સ્નાન નહીં યોજાય. બધા સાધુસંત મૌની અમાસે સ્નાન માટે તૈયાર હતા, પરંતુ જે ઘટના બની, તેને જોતાં જનહિતમાં મૌની અમાસ પર સ્નાન નહીં કરવાનો નિર્ણય લેવાયો."
ઘટનાના સાક્ષીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી આઇએએનએસ સાથેની વાતચીતમાં ભાગદોડમાં ઘેરાયેલાં એક મહિલાએ દાવો કર્યો છે કે તેમણે સુરક્ષાકર્મીઓને પોતાને બચાવી લેવાની અપીલ કરી, પરંતુ તંત્રમાંથી તેમને કોઈ બચાવવા ન આવ્યું.
ઘટનાનાં સાક્ષી એવાં એક મહિલાએ સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાતચીત કરી હતી.
તેમણે ઘટના દરમિયાન શું બન્યું હતું એ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ત્યાં અચાનક જ ભાગદોડ મચી ગઈ. લોકો અચાનક ફસાઈ ગયા હતા. એ સમયે અવરજવરનો રસ્તો નહોતો મળી રહ્યો. "
તેમણે કહ્યું કે તંત્રને તેમણે મદદની અપીલ કરી હતી, પરંતુ પ્રશાસન સાથે જોડાયેલા લોકો 'હસી રહ્યા હતા.'
"અમે લોકો એમને અમારાં બાળકો માટે ભીખ માગી રહ્યા હતા, પરંતુ તેઓ હસીને જઈ રહ્યા હતા."
"મારું એક બાળક ગંભીર છે."
તેમજ મધ્ય પ્રદેશના છતરપુરથી આવેલી એક વ્યક્તિએ ઘટનાનું વિવરણ આપતાં કહ્યું કે ત્યાં ન તો પોલીસવ્યવસ્થા હતી અને ના કોઈ મદદ માટે આવ્યું, આ ઘટનામાં ઘણા ઘાયલ થયા છે.
વ્યક્તિએ જણાવ્યું કે તેમનાં માતા જીવતાં છે કે તેમનું મૃત્યુ થયું છે એ વિશે તેમને કંઈ ખબર નથી.
શાહી સ્નાનના અગાઉ કેવો માહોલ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા આર્જવ પારેખના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજના મહાકુંભ મેળામાં મૌની અમાસના અવસરે શાહી સ્નાનનું આયોજન હતું, પરંતુ એ પહેલાં જ આ શાહી સ્નાનમાં ભીડ કાબૂ બહાર થઈ જતા નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ હતી.
તમામ અખાડાઓએ અમાસનું સ્નાન રદ્દ કરી દેવાનો નિર્ણય લીધો છે.
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી પ્રયાગરાજમાં સતત શ્રદ્ધાળુઓના ધાડેધાડા ઊતરી રહ્યા હતા. શહેરમાં લોકોને રહેવા માટે પણ જગ્યા મળી રહી ન હતી. શાહી સ્નાનના એક દિવસ અગાઉ કુંભમેળાના ક્ષેત્રમાં એવો માહોલ હતો કે ક્યાંક પગ મૂકવાની પણ જગ્યા ન હતી એવું કહી શકાય.
વધતી ભીડ, તથા વીઆઈપીને મળતી સુવિધાને કારણે લોકો ગુસ્સામાં હતા અને એવું પ્રતીત થઈ રહ્યું હતું કે ભીડ કાબૂ બહાર જઈ રહી છે.
જોકે, અખાડાઓએ પોતાના શાહી સ્નાનની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી હતી. રથ શણગારીને તૈયાર કરી દેવામાં આવ્યા હતા.
શ્રદ્ધાળુઓએ જ્યાં જગ્યા મળે ત્યાં રાત વિતાવવાનું નક્કી કર્યું હતું અને અનેક અખાડાઓના પંડાલની અંદર અને બહાર લોકો પોતાના સામાન સાથે ખુલ્લામાં જ રાત વિતાવી હતી.
શાહી સ્નાનના બે દિવસ અગાઉથી જ કુંભમેળા ક્ષેત્રમાં ચાર પૈડાનાં વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સતત રસ્તાની બંને બાજુ લોકોનો અવિરત પ્રવાહ સંગમ ઘાટ સુધી જતો હતો.
પરિસ્થિતિ એવી હતી કે ભીડને કારણે રિક્ષા જેવાં વાહનો પણ ઉપલબ્ધ ન હતાં અને લોકો 15-20 કિલોમીટર ચાલીને જઈ રહ્યા હતા. લોકો માટે ચાલવું એ જ એકમાત્ર વિકલ્પ હતો.
આઠ-દસ કરોડ લોકો આવવાનું અનુમાન

તંત્રે એવું અનુમાન કર્યું હતું કે મૌની અમાસે શાહી સ્નાનના અવસરે આઠથી દસ કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજમાં રહેશે.
કુંભમેળા પોલીસે મંગળવારે અડધી રાત્રે સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરીને મૌની અમાસના અવસરે શ્રદ્ધાળુઓને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ કુંભમેળામાં આવનારા તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા અંગે કહ્યું હતું કે પોલીસ એકમો સક્રિય છે.
13 જાન્યુઆરીથી શરૂ થયેલા કુંભમેળામાં છ શાહી સ્નાન થવાનાં છે, જેમાંથી બે થઈ ચૂક્યાં છે, જ્યારે ત્રીજું શાહી સ્નાન બુધવારે છે.
ચોથું શાહી સ્નાન 3 ફેબ્રુઆરી, પાંચમું શાહી સ્નાન 12 ફેબ્રુઆરી અને છઠ્ઠું અને અંતિમ શાહી સ્નાન 26 ફેબ્રુઆરીએ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












