You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શોલેના 'અંગ્રેજો કે જમાને કે જેલર' અસરાનીનું નિધન, ગુજરાતી ફિલ્મોમાં પણ કર્યું હતું કામ
અભિનેતા અસરાનીનું 84 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે નિધન થયું છે. અસરાનીના અંગત સચિવ બાબુભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું કે અસરાની પાછલા ચાર દિવસથી સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદને કારણે મુંબઈના જુહૂસ્થિત આરોગ્ય નિધિ હૉસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે બપોરે લગભગ 3થી 3.30 વાગ્યાની વચ્ચે તેમનું નિધન થયું.
મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારના શાસ્ત્રીનગરસ્થિત સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા, જ્યાં તેમના પરિવારના સભ્યો સહિત તમામ નિકટના લોકો હાજર હતા.
અસરાની 84 વર્ષના હતા. તેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું અને તેમનો જન્મ વર્ષ 1941માં જયપુર ખાતે થયો હતો.
મૃત્યુના અમુક કલાકો બાદ જ અસરાનીના અંતિમ સંસ્કાર કરવા અંગે પુછાયેલા સવાલના જવાબમાં અસરાનીના અંગત સચિવ બાબુભાઈએ બીબીસીને જણાવ્યું કે અસરાનીએ પોતાનાં પત્ની મંજૂને કહ્યું હતું કે તેઓ નહોતા ઇચ્છતા કે તેમના "મૃત્યુની વાત સમાચારોમાં છવાઈ જાય અને તેના પર વધુ ચર્ચા થાય અને આ જ કારણે અસરાની અંતિમ સંસ્કાર બાદ જ તેમનું મૃત્યુ થયું હોવાની વાત જાહેર કરાઈ."
અસરાનીના અંતિમ સંસ્કાર સમયે અત્યંત નિકટના લોકો સિવાય તેમનાં પત્ની મંજૂ, અસરાનીનાં બહેન અને ભત્રીજા હાજર હતાં.
હાલમાં જ તેમણે બીબીસીની ખાસ સિરીઝ 'કહાની જિંદગી કી...'માં પોતાની કારકિર્દી અને જીવન સાથે સંકળાયેલા અમુક કિસ્સા શૅર કર્યા હતા.
અસરાનીનું પ્રારંભિક જીવન
'કહાની જિંદગી કી'માં અસરાનીએ જણાવ્યું હતું કે તેમના પિતા જયપુરાં કાર્પેટ કંપનીના મૅનેજર હતા અને તેમનો જન્મ તેમજ સ્કૂલ-કૉલેજનું શિક્ષણ પણ જયપુરમાં જ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે મૅટ્રિક પાસ કર્યા બાદ જ તેમણે ફિલ્મોમાં જવાનો નિર્ધાર કરી લીધો હતો, પરંતુ પ્રારંભિક પ્રયાસો છતા તેમની ફિલ્મી સફરની શરૂઆત ન થઈ શકી. એ બાદ તેમણે નક્કી કર્યું કે તેઓ કૉલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ઍક્ટિંગ શીખશે.
તેમણે બે-ત્રણ વર્ષ આકાશવાણી, જયપુરમાં પણ કામ કર્યું અને એ બાદ પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો.
પુણેમાં અસરાનીને ખ્યાત ઍક્ટિંગ ટીચર રોશન તનેજાએ ભણાવ્યા. તેમના શબ્દોમાં, "ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા બાદ ખબર પડી કે ઍક્ટિંગ પાછળ મેથડ હોય છે. આ પ્રોફેશન વિજ્ઞાનની માફક છે. તમારે લૅબમાં જવું પડશે, પ્રયોગો કરવા પડશે."
તેમણે કહ્યું હતું કે તેમને એ વાતની સમજાઈ કે ઍક્ટિંગમાં આઉટર મૅક-અપ સિવાય ઇનર મૅક-અપ પણ ખૂબ જરૂરી છે.
અસરાનીએ ઇન્ટરવ્યૂમાં ઍક્ટિર મોતીલાલ પાસેથી મળેલી શીખને પણ યાદ કરી. તેમણે કહ્યું હતું, "એક વાર ઍક્ટર મોતીલાલ ગેસ્ટ તરીકે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા. મારી ઍક્ટિંગની નાનકડી ઍક્સરસાઇઝ જોઈને તેમણે મને પૂછ્યું, તું રાજેન્દ્રકુમારની ફિલ્મો ખૂબ જુએ છે કે શું? તેમની કૉપી કરી રહ્યો છે. આપણે ફિલ્મોમાં કૉપી નથી જોઈતી."
"આ એક ખૂબ મોટી શીખ હતી, મોતીલાલનો કહેવાનો અર્થ એ હતો કે તમારી અંદર જે કૌશલ્ય છે, તેને બહાર કાઢો."
ફિલ્મોમાં પ્રથમ તક
અસરાનીએ જણાવ્યું હતું કે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડિટિંગ શિખવાડવા માટે ડાયરેક્ટર ઋષિકેશ મુખરજી આવતા. એક દિવસ તેમણે ઋષિકેશ મુખરજી પાસે એક તક માગી, પરંતુ એ દિવસે વાત આગળ નહોતી વધી.
અમુક દિવસ બાદ ઋષિકેશ મુખરજી 'ગુડ્ડી' ફિલ્મમાં ગુડ્ડીની ભૂમિકા માટે એક છોકરીની શોધમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ આવ્યા. તેમણે અસરાનીને જયા ભાદુરી વિશે પૂછ્યું અને તેમને બોલાવવા કહ્યું. ઋષિકેશ મુખરજી સાથે એ દિવસે તેમની ટીમ પણ આવી હતી, જેમા રાઇટર ગુલઝાર પણ સામેલ હતા.
અસરાનીએ કહ્યું હતું, "ઋષિકેશ મુખરજી જયા ભાદુરી સાથે વાતો કરતાં કરતાં આગળ વધી ગયા, તો મેં ગુલઝારને પોતાના માટે કોઈ નાના-મોટા રોલની વાત કરી. ગુલજારે મને ગુડ્ડી ફિલ્મમાં જ એક નાનકડી ભૂમિકા વિશે જણાવ્યું. એ બાદ મેં ઋષિકેશ મુખરજી પાસેથી એ જ રોલ માગ્યો અને અંતે મને એ રોલ મળી ગયો."
તેઓ કહેતા હતા, "ફિલ્મ હિટ થઈ ગઈ. ત્યારે મનોજકુમારની મારા પર નજર પડી. તેમને લાગ્યું કે આને પણ લઈ શકીએ છીએ, આવું કરતાં કરતાં ચાર-પાંચ ફિલ્મો મળી ગઈ અને આવી રીતે મારી કારકિર્દી શરૂ થઈ."
'શોલે'ના જેલર અને હિટલરનું ઉદાહરણ
બીબીસી સાથેની વાતચીતમાં અસરાનીએ જણાવ્યું હતું કે ફિલ્મ શોલેમાં 'અંગ્રેજો કે જમાને કે જેલર'ની ભૂમિકા ભજવવા માટે તેમને હિટલરનું ઉદાહરણ અપાયું હતું.
તેમણે કહ્યું હતું કે રાઇટર સલીમ-જાવેદ અને ડાયરેક્ટર રમેશ સિપ્પીએ તેમને બોલાવ્યા હતા. ત્યારે તેમને શોલે કે જેલરની ભૂમિકા વિશે કોઈ જાણકારી નહોતી.
તેમણે કહ્યું હતં કે, "એક જેલરની ભૂમિકા છે, જે પોતાની જાતને ખૂબ હોશિયાર સમજે છે, પરંતુ એ એવો નથી, તેથી તેણે શોઑફ કરવો પડે છે કે એ ખૂબ સારો જેલર છે."
અસરાનીએ યાદ કરેલું કે, "તેમણે પૂછ્યું, 'આને કેવી રીતે કરશો?' મેં કહ્યું જેલરનાં કપડાં પહેરી લઈશું. તેમણે કહ્યું, 'નહીં.' તેમણે બીજા વિશ્વયુદ્ધનું પુસ્તક ખોલ્યુ, તેમાં હિટલરની નવ મુદ્રા હતી."
હિટલરની મુદ્રા જોઈને અસરાનીએ લાગ્યું હતું કે તેમણે હિટલરની ભૂમિકા ભજવવાની છે, એ બાદ સમજાવાયું કે તેમણે હિટલરની બોલવાની રીત પર ધ્યાન આપવાનું છે.
તેમણે કહ્યું હતું કે, "હિટલરનો અવાજ રેકૉર્ડેડ છે અને વિશ્વની તાલીમ શાળાઓ, ઍક્ટિંગના અભ્યાસક્રમોમાં દરેક વિદ્યાર્થીને એ અવાજ સંભળાવવામાં આવે છે."
તેમણે જણાવ્યું હતું કે હિટલરના અવાજના ઉતાર-ચઢાવને તેમણે શોલેમાં જેલરના સંવાદોમાં અપનાવ્યા.
'કહાની જિંદગી કી'માં અસરાનીએ કહેલું કે તેમને હંમેશાં પોતાની કૉમિક ભૂમિકાઓમાંથી મળેલી ઓળખ પર ગર્વ રહ્યો, પરંતુ તેઓ પોતાની જાતને માત્ર "કૉમેડિયન" નહોતા માનતા, બલકે "એક એવા કલાકાર માનતા જે દરેક ભૂમિકામાં સત્ય શોધે છે."
તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
વર્ષ 1974માં તેમણે પહેલી ગુજરાતી ફિલ્મ પણ ડાયરેક્ટ કરી. આ ફિલ્મનું નામ હતું 'અમદાવાદનો રિક્ષાવાળો.' આ ફિલ્મનું પ્રખ્યાત ગાયન 'હું અમદાવાદનો રિક્ષાવાળો' એ કિશોરકુમારે ગાયું હતું.
1982માં અસરાનીએ ગુજરાતી પ્રોડક્શન કંપની બનાવી હતી. તેમણે ગુજરાતી ફિલ્મો માટે રોકાણ કરવાનું પણ શરૂ કર્યું હતું. અમદાવાદનો રિક્ષાવાળો ઉપરાંત તેમણે 'સાત કેદી, સંસાર ચક્ર, પંખીનો માળો, જુગલ જોડી, માબાપ, છેલ છબિલો ગુજરાતી' જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ ઉપરાંત તેમણે 'મોટા ઘરની વહુ, પિયુ ગયો પરદેશ અને બાપ ધમાલ દિકરા કમાલ' ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં કામ કર્યું હતું.
(મુંબઈથી રવિ જૈનના ઇનપુટ સાથે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન