You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડા : 'જીરા સોડા પીધા બાદ ત્રણ લોકોનાં મોત થયાં'નો મામલો હત્યાકાંડ હોવાનું કેવી રીતે બહાર આવ્યું?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
થોડા દિવસ પહેલાં ખેડા જિલ્લાના નડિયાદમાં શંકાસ્પદ પીણું પીધા બાદ થોડી જ વારમાં ત્રણ લોકોનાં મોતના સમાચાર વહેતા થયા હતા. શરૂઆતમાં કેટલાક લોકો 'ઝેરી દારૂ' પીવાના કારણે મૃત્યુ થયાની શંકા વ્યક્ત કરી રહ્યા હતા.
જોકે, હવે આ કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું છે અને આ મામલામાં એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
ગત 9 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી. શરૂઆતમાં આ કેસ ઝેરી દારૂની અસરને કારણે મૃત્યુનો લાગી રહ્યો હતો, પરંતુ તેનો ભેદ ઉકેલાયો ત્યારે તે એક સાથે ત્રણ-ત્રણ વ્યક્તિની હત્યાનો કેસ બની ગયો.
ઘટના એવી હતી કે નડિયાદના જવાહરનગર રેલવે ફાટક નજીક જીરા સોડાની બૉટલ ગટગટાવ્યા પછી ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં એક મૂકબધિર વ્યક્તિ પણ હતી. કિશોર ચૌહાણ, રવીન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહ નામની વ્યક્તિનાં આ ઘટનામાં મોત થયાં હતાં. મૃતકોની ઉંમર 45થી 54 વર્ષ સુધી હતી.
આ ઘટનામાં એફએસએલ રિપોર્ટ અને બીજી તપાસ પરથી જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ મૃતકોને સોડિયમ નાઈટ્રેટયુક્ત પીણું આપ્યું હતું અને તેના કારણે આ ઘટના બની હતી.
સ્થાનિક પોલીસે ટેકનિકલ ઍનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે કેસ ઉકેલ્યો છે અને હરિકિશન મકવાણા નામની વ્યક્તિની ધરપકડ કરી છે.
તપાસમાં ખબર પડી છે કે હરિકિશનને આપઘાતના વિચારો આવતા હતા અને તેમણે આ હેતુ માટે સોડિયમ નાઇટ્રેટ મેળવ્યું હતું. પરંતુ આ પદાર્થ પીવાથી કેવી અસર થાય છે તે જાણવા તેમણે પોતાના એક મૂકબધિર પડોશીને પીણું આપ્યું હતું અને આ પીણું પીવાથી જોતજોતામાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
આ કેસ અને પોલીસે કરેલી તપાસ અંગે વધુ વિગતવાર જાણકારી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ સંબંધિત અધિકારીઓ અને મૃતકોના પરિવારજનો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
ખેડા : ત્રણ લોકોનો જીવ લેનારી ઘટના શું હતી ?
9 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડા જિલ્લાના નડિયાદમાં જવાહરનગર રેલવે ફાટક પાસે જીરા સોડા પીધા બાદ ત્રણ લોકોનાં ટપોટપ મોત થયાં હતાં.
આ ત્રણેયનાં મોતનું કારણ રહસ્યમય હતું. મૃતકોને દારૂ પીવાની ટેવ હતી અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
સૌપ્રથમ આ ત્રણેના મૃતદેહનાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યાં, તેમજ તેમના બ્લડ સૅમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. આ બ્લડ સૅમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નહોતી મળી આવી. આથી પોલીસે 'લઠ્ઠાકાંડ'ની વાતને નકારી હતી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ મૃત્યુનું સંભવિત કારણ 'કાર્ડિયાક રેસ્પિરેટરી એરેસ્ટ' હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે મોતનું ચોક્કસ કારણ મેળવવા મૃતકોના વિસેરા રિપોર્ટ તૈયાર કરી એફએસએલમાં મોકલી આપ્યો હતો.
ખેડામાં ઝેરી રસાયણ પિવડાવી હત્યા કરનાર આરોપી કેમ આપઘાત કરવા માગતો હતો?
ટેકનિકલ ઍનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ આરોપી હરિકિશન મકવાણા સુધી પહોંચી, જેઓ એક સરકારી શાળામાં 20 વર્ષથી શિક્ષક હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર હરિકિશન અગાઉ કચ્છ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2018થી તેઓ ખેડા જિલ્લાના સણાલી ગામમા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
હરિકિશનની સામે પહેલેથી એક કેસ હોવાના કારણે તેમને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા, પરંતુ આત્મહત્યાથી મોત થશે તો વીમા કંપની વીમો મંજૂર નહીં કરે એવું વિચારીને તેઓ આત્મહત્યા માટે એવા કોઈ રસ્તાની શોધમાં હતો જેથી મોતનું કારણ કુદરતી લાગે.
ખેડા જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રાજેશ ગઢિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હરિકિશનને આત્મહત્યાના વિચારો આવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, "આરોપીએ કબૂલાત કરી છે કે તેની સામે પાટણ જિલ્લામાં વર્ષ 2013માં ફરિયાદ દાખલ થઈ હતી. જે અંગે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. હરિકિશનનાં બાળકો મોટાં થઈ રહ્યાં છે એટલે એ સતત દબાણમાં રહેતો હતો કે જો આ કેસમાં તેમને સજા પડશે તો બાળકોના ભવિષ્ય પર તેની માઠી અસર પડશે. તેને છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના વિચાર આવતા હતા."
આરોપીએ હત્યા કેમ કરી તે અંગે પોલીસે જણાવ્યું કે "એ પોતે આત્મહત્યા કરવા માંગતો હતો. પરંતુ આમ કરે તો વીમા કંપની તેને દાવાના રૂપિયા નહીં ચૂકવે તેવી તેને બીક હતી. તેથી તેને એવી રીતે મરવું હતું જેથી તેના મોતનું કારણ કુદરતી જણાઈ આવે."
પોલીસતપાસમાં બહાર આવ્યુ કે હરિકિશન આત્મહત્યાના કેમ કરવી તે અંગે અલગ અલગ માધ્યમોમાં આવતા સમાચારો પણ વાંચતા રહેતા હતા.
ખેડા : આરોપીએ મૂકબધિરને ઝેરી પીણું પિવડાવવાનું કેમ નક્કી કર્યું?
ખેડાના એસપી રાજેશ ગઢિયાએ આ કેસની તપાસ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, "થોડા સમય અગાઉ સરખેજમાં એક ભૂવાએ સોડિયમ નાઇટ્રેટથી લોકોની હત્યા કરી હતી તે વિશે આરોપીએ વાંચ્યું હતું. સોડિયમ નાઇટ્રેટથી મોત થાય તો પૉસ્ટમોર્ટમ વખતે મૃત્યુના કારણ તરીકે કાર્ડિયાક રેસ્પિરેટરી એરેસ્ટ આવે છે એવું તે માનતો હતો."
"ત્યાર પછી હરિકિશને ઓનલાઇન શોપિંગ પ્લૅટફૉર્મ એમેઝોન પરથી 500 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ મગાવ્યું. તે આ દ્રાવણ કોઈને પિવડાવીને મરણના રિપોર્ટમાં શું આવે છે તે જોવા માંગતો હતો. જેથી તેને પોતાના મૂકબધિર પડોશી કિશોર ચૌહાણને ટાર્ગેટ બનાવ્યા હતા."
પોલીસતપાસમાં ખબર પડી છે કે આરોપી દ્વારા કિશોર ચૌહાણને નિશાન બનાવવાનું કારણ એ હતું કે તેઓ બોલી કે સાંભળી શકતા ન હોવાથી તેમને પીણું પીવાથી કંઈ થશે તો પણ બીજાને જણાવી નહીં શકે. તેથી તેમણે કિશોરભાઈના જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવ્યું હતું.
એસપી ગઢિયાએ જણાવ્યું કે, "આરોપીનો કિશોરભાઈ સિવાયના બે મૃતક સાથે કોઈ સંબંધ નથી. પરંતુ કિશોર ચૌહાણે તેમના બે મિત્રોને જીરા સોડા પિવડાવી હતી."
ખેડા : પોલીસે હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો?
પોલીસે જણાવ્યા પ્રમાણે મૂકબધિર મૃતક કિશોર ચૌહાણ પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા અને નડિયાદના જવાહરનગર રેલવે ફાટક પાસે વજનકાંટો લઈને બેસતા હતા.
આરોપી હરિકિશન તેમના પડોશી હતા, તેથી હરિકિશને સોડિયમ નાઇટ્રેટયુક્ત જીરા સોડાની બૉટલ તેમને આપી હતી. કિશોર ચૌહાણે નજીકમાં રમતા એક બાળકને પણ જીરા સોડાની ઑફર કરી પણ તે બાળકે ના પાડી તેથી તે બચી ગયું.
આ દરમિયાન તેમણે પોતાના બે મિત્રોને જીરા સોડા આપી હતી અને તેમણે ઝેરી બની ગયેલા આ સોડાના ઘૂંટડા ભર્યા હતા.
કિશોર ચૌહાણ અને મિત્રોની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કરાયા હતા.
એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે કિશોર ચૌહાણને હૉસ્પિટલે લઈ જવામાં પણ હરિકિશન સાથે જ હતા.
તેમને જોવું હતું કે સોડિયમ નાઇટ્રેટ પીવાથી મોત થાય તે બાદ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું આવે છે.
પોલીસના જણાવ્યાનુસાર હરિકિશને સોડિયમ નાઇટ્રેટથી આત્મહત્યા કરવાના વિચાર વિશે પત્નીને પણ વાત કરી હતી અને પત્નીએ તેમને આત્મહત્યા ન કરવા સમજાવ્યા હતા. તેથી તેમણે સોડિયમ નાઇટ્રેટનો ટૉઇલેટમાં ફ્લશ કરીને તેનો નિકાલ કર્યો હતો. પરંતુ આરોપીએ પહેલેથી થોડા પ્રમાણમાં આ રસાયણ અલગ જગ્યાએ રાખી દીધું હતું અને હત્યા કરવામાં તેનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકોના વિસેરા રિપોર્ટ તૈયાર કરી એફએસએલમાં મોકલી આપ્યો હતો. જેમાં મૃતકોએ પીધેલા સોડાની બૉટલ ઉપરાંત એ જ કંપનીના સોડાની અન્ય બૉટલો, મૃતકના ઘટના સમયનાં કપડાં, ઊલટીના નમૂના તપાસ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળે હાજર લોકોનાં નિવેદન લેવાયાં હતાં.
ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, "અમારી ટીમે ઇ-કૉમર્સ વેબસાઇટ પર સોડિયમ નાઇટ્રેટ મગાવનાર અંગે માહિતી માંગી હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે એમેઝોન પરથી 21 જાન્યુઆરીએ આરોપી હરિકિશનના ઘરે સોડિયમ નાઇટ્રેટનું પાર્સલ પહોંચાડવામાં આવ્યું હતું."
તેમણે કહ્યું કે, "પોલીસે જીરા સોડા ખરીદનારા લોકો અંગે પૂછપરછ કરી અને અંતે હરિકિશન સુધી પહોંચી હતી. પૂછપરછ દરમિયાન હરિકિશને ગુનાની કબૂલાત કરી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન