You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : પોલીસ તરીકે ઓળખ આપી 'મહિલાઓને લગ્નની લાલચ બતાવી લૂંટવાનો' આરોપી કેવી રીતે પકડાયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના અમદાવાદના એક ટેકનૉસેવી યુવાનની થોડા દિવસ પહેલાં ગત શુક્રવારે 26 વર્ષીય યુવાન હિમાંશુ પંચાલની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
આ યુવાન પર કેન્દ્ર સરકારમાં સાઇબર સિક્યૉરિટી અધિકારીની ઓળખ આપી લગ્નવાંછુ યુવતીને ફસાવી, લગ્નની લાલચ આપી, શારીરિક શોષણ કરી અને રૂપિયા તેમજ ઘરેણાં પડાવવાનો આરોપ છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર હિમાંશુ પંચાલ લગ્નવિષયક વેબસાઇટ પર પોતાની 'ફેક પ્રોફાઇલ બનાવી લગ્ન કરવા ઇચ્છુક છોકરીઓ સાથે છેતરપિંડી કરતો હતો'.
પોલીસ અનુસાર હિમાંશુ ટૅકનૉલૉજીનો આશરો લઈને 'યુવતીઓને છેતરતો' હતો. પરંતુ હિમાંશુને મુંબઈની એક છોકરી ભારે પડી, હિમાંશુએ કથિતપણે આ છોકરીનું લગ્નના નામે શારીરિક શોષણ કરી, રૂપિયા પડાવ્યા હતા.
તેમણે કરેલી પોલીસ ફરિયાદના આધારે મુંબઈ પોલીસે ભારે જહેમત બાદ અમદાવાદથી એની ધરપકડ કરી છે .
પોલીસે આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) અને 318(4) અંતર્ગત બિનજામીનપાત્ર ગુનો નોંધ્યો છે.
પોલીસને વિશ્વાસ છે કે કથિતપણે હિમાંશુની 'છેતરપિંડીનો ભોગ બનેલી' વધુ યુવતીઓ આગામી દિવસોમાં સામે આવશે.
શું હતો સમગ્ર મામલો?
મુંબઈના વાલીવ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ નામનાં વર્ષા પાટીલ (નામ બદલ્યું છે) નામક એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈના વસઈમાં રહેતાં વર્ષાએ પોતાની પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, "થોડા સમય પહેલાં મેં એક મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. એક દિવસ હિમાંશુ પંચાલ નામના યુવકે ભારત સરકારમાં સાઇબર સિક્યૉરિટી ઍક્સપર્ટ તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કરતો પૂછપરછ માટેનો મેઇલ કર્યો. મેં આઇડી માગી, અને મને એની વાતો પરથી તેના પર વિશ્વાસ બેસી ગયો."
વર્ષા પોતાની ફરિયાદમાં આગળ લખાવે છે કે, "એ બાદ અમે એકબીજાના ફોન નંબરની આપલે કરી, એ ઘણી વાર મુંબઈ આવતો. એણે વિશ્વાસમાં લેવા માટે મને હીરાના દાગીનાની ભેટ પણ આપી હતી."
"લગ્ન કરવા માટે અમે અલગ અલગ રિસોર્ટ, હોટલ જોવાનું શરૂ કર્યું. મારો ભરોસો જીતીને ટૂંક સમયમાં લગ્ન થવાનાં જ છે એવું જણાવી મારી ઇચ્છા વિરુદ્ધ ટૂંક સમયમાં લગ્ન કરવાનું કહી શારીરિક સંબંધ બાંધ્યા. થોડા સમય પછી એણે કૌટુંબિક કારણોસર પૈસાની જરૂર હોવાનું કહી પૈસા અને હીરાના દાગીના લઈ આવવા કહ્યું. તેણે થોડા સમયમાં પૈસા આપી દેવાનો વાયદો કર્યો હતો અને બદલામાં ખાનદાની હીરાના દાગીના આપી ગયો. પ્રેમમાં આંધળી બનેલી મેં વ્યાજે ઉધાર પૈસા લઈ મોટી રકમ એને આપી."
વર્ષાની ફરિયાદ છે કે પૈસા લીધા બાદ હિમાંશુનો ફોન બંધ થઈ ગયો, સતત પ્રયાસ છતાં સંપર્ક ન થતાં તેઓ હીરાના દાગીના લઈ સોની પાસે ગયાં, ત્યારે ખબર પડી કે આ હીરા નકલી હતા.
આ બાદ પોતે છેતરાયાનો અહેસાસ થતાં વર્ષાએ વાલીવ પોલીસ સ્ટેશનમાં હિમાંશુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
મુંબઈ પોલીસ હિમાંશુનું પગેરું દાબતાં અમદાવાદ કેવી રીતે પહોંચી?
વાલીવ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિશ્વરાવ બાબરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વર્ષાની પોલીસ ફરિયાદ બાદ પોલીસે કરેલી કામગીરી અંગે વિગતવાર જણાવ્યું.
તેમણે કહ્યું, "અમારી પાસે જયારે ફરિયાદ આવી ત્યારે અમે પહેલાં ટૅકનિકલ ઍનાલિસિસ કર્યું. તો ખબર પડી કે હિમાંશુનો ફોન નંબર બંધ હતો. એના કૉલ ડિટેઇલ રેકૉર્ડ પરથી પણ કોઈ વિગતો ન મળી. વૉટ્સઍપ પર એના આઇડીમાં દિલ્હીના સાઇબર સિક્યૉરિટી ઑફિસર એવું લખેલું હતું. થોડી તપાસ બાદ અમે સમજી ગયા કે આ માણસ ટેકનૉસેવી હોવો જોઈએ."
બાબર કહે છે કે, "એ પછી અમે અમારી તપાસની દિશા બદલી, અને એનો ફોટો મેટ્રિમોનિયલ સાઇટ પરથી લીધો. અમે મેટ્રિમોનિયલ વેબસાઇટ પરથી થયેલા ચેટિંગ જોયા, તો ખબર પડી કે ચાર અલગ અલગ આઇપી ઍડ્રેસ પરથી ચેટિંગ થયું હતું. થોડી ઊંડાણપૂર્વક તપાસ બાદ ખબર પડી કે આ અમદાવાદનું ઍડ્રેસ હતું. આ વિગતો પરથી અમદાવાદના એ ફોન નંબર ક્યાંથી ઇશ્યુ થયા હતા એની ખબર પડી."
વિશ્વરાવ કહે છે કે આ ઍૅડ્રેસ અમદાવાદના આરટીઓ પાસેના વિસ્તારના સીટી સીમોર ઍપાર્ટમેન્ટનું હતું. તેઓ તાત્કાલિક એક ટીમ લઈને અમદાવાદ પોલીસની મદદથી સ્થળે પહોંચ્યા અને આરોપીના ઘરેથી તેની ધરપકડ કરી તેમજ ચાર સીમ કાર્ડ અને મોબાઇલ પણ જપ્ત કર્યાં.
પોલીસે આપેલી વિગતો અનુસાર મુંબઈ પોલીસ સમક્ષ હિમાંશુએ રિમાન્ડ દરમિયાન આ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રની 15 છોકરીઓ સાથે કથિત 'છેતરપિંડી' કરી હતી.
પોલીસનો દાવો છે કે હિમાંશુના સિમ કાર્ડના ડેટામાં સંખ્યાબંધ છોકરીઓના ફોટો પણ જોવા મળ્યા છે.
બાબર કહે છે કે, અમે ભોગ બનેલી દરેક છોકરીઓનો સંપર્ક સાધ્યો છે. પણ એમાંથી કેટલીક ફરિયાદ કરવા આગળ આવી નથી, પણ બીજી છોકરીઓને એમની માહિતી ગુપ્ત રહેવાની ખાતરી આપી છે, એટલે બીજી કેટલીક પીડિતાઓ પણ ટૂંક સમયમાં ફરિયાદ કરવા બહાર આવશે. આ ઉપરાંત હિમાંશુના ફોનમાંથી મળેલા બીજી છોકરીઓના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છીએ, જેના આધારે અમે વધુ પીડિતાઓને ન્યાય અપાવી શકીશું."
શું કહે છે હિમાંશુનાં પાડોશીઓ?
સીટી સીમોર ઍપાર્ટમેન્ટમાં રહેતા જયવદન મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હિમાંશુ અને તેની રહેણીકરણ અંગે વધુ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, "કોરોના પહેલાં હિમાંશુ પાસે સારાં કપડાં નહોતાં, પણ છેલ્લાં બે વર્ષથી અચાનક એની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હતી, મોંઘાં કપડાં પહેરવાં, મોટા સલૂનમાં હેર સ્ટાઇલ બનાવવી, ઉપરાંત તેની પાસે મોંઘા ફોન જોવા મળતા હતા."
"એણે બે વર્ષથી સોસાયટીમાં લોકો સાથે સંબંધ રાખવાનું બંધ કરી દીધું હતું, પણ સોસાયટીમાં કોરોના સમયે એક મહિલા સામે અશ્લીલ ચાળા કરવા બાબતે તેનો ઝઘડો થયો હતો. ત્યાર બાદ એ સોસાયટીમાં ઓછો દેખાતો હતો. પોતે મોટી નોકરી કરતો હોવાથી દિલ્હી રહેતો હોવાની વાત કરતો, પણ ક્યાં નોકરી કરે છે એની કોઈને ખબર નથી."
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલામાં હિમાંશુના પરિવારનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હિમાંશુની ધરપકડ બાદ પરિવાર ઘર છોડીને જતો રહ્યો છે.
સોસાયટીમાં મોટા ભાગના લોકોને ખબર નથી કે હિમાંશુની પોલીસે ધરપકડ કરી છે.
આ પ્રકારની છેતરપિંડીથી બચવા શું કરવું જોઈએ?
અમદાવાદમાં મૅ્રેજ બ્યૂરો ચલાવતાં કલ્પના શેઠે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હાલ લોકો વેબસાઇટ પર પ્રોફાઇલ જોઈ અંજાઈ જઈને સીધો સંપર્ક કરે છે.
"આવા કિસ્સા ન બને એ માટે અમે અમારી મૅરેજ બ્યૂરોમાં નામ નોંધાવનારને એકબીજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવાની સલાહ આપીએ છીએ. આ સિવાય એક બીજાની ફ્રેન્ડ લિસ્ટ વગેરે જોવા જોઈએ, અમે દરેક સભ્યને સલાહ આપીએ છીએ કે કોઈ પણ સંબંધમાં જોડાતા પહેલાં કુટુંબની જાણકારી મેળવો, જેથી છેતરપિંડીથી બચી શકાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન