You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુર્શિદાબાદ હિંસાઃ બાંગ્લાદેશ અને બીએસએફને કેમ જવાબદાર ગણે છે મમતા બેનરજી?
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગયા અઠવાડિયે વકફ સુધારા કાયદાના વિરોધમાં મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી કોમી હિંસા તથા આગજનીની ઘટનાઓ માટે બાંગ્લાદેશના ગુનેગારો સામે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે બીએસએફ અને ભાજપ સામે પણ નિશાન તાક્યું છે.
મમતાએ બુધવારે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં મુસ્લિમ ધર્મગુરુઓ સાથેની એક બેઠકમાં આ આરોપ લગાવ્યાં છે. હિંસા શરૂ થઈ તે પહેલાંથી આ બેઠક નક્કી હતી.
આમ છતાં એવો અંદાજ બાંધવામાં આવતો હતો કે મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને ગયા શનિવારે તેના સાંપ્રદાયિક રૂપ અંગે મુખ્ય મંત્રી ચોક્કસ ટિપ્પણી કરશે.
આ બેઠકમાં મમતા બેનરજીએ આ કોમી હિંસાને 'પૂર્વ નિયોજિત તોફાનો' ગણાવ્યાં અને ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે પોતાનું મોટા ભાગનું ભાષણ હિંદીમાં આપ્યું હતું.
તેના પરથી લાગતું હતું કે તેમણે બિનબંગાળી મુસ્લિમોને ધ્યાનમાં રાખીને આ વાતો કહી છે.
આ ટિપ્પણીના જવાબમાં ભાજપે કહ્યું કે સરકારે એ પણ જણાવવું જોઈએ કે મુર્શિદાબાદની હિંસામાં સામેલ થવાના આરોપમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી કેટલા બાંગ્લાદેશી નાગરિક છે.
કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપની સાથે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કહ્યું છે કે બીએસએફ માટે આવી ટિપ્પણી કરવા બદલ મુખ્ય મંત્રી સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.
મમતા બેનરજીએ બાંગ્લાદેશ વિશે શું કહ્યું?
મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને સંબોધતાં કહ્યું કે "શું તમને બાંગ્લાદેશની સ્થિતિ વિશે જાણકારી નથી? ત્યાંની વચગાળાની સરકારના વડા સાથે ગુપ્ત બેઠક અને સમજૂતી કરો. દેશની ભલાઈ થાય તો મને આનંદ થશે. પરંતુ તમારી યોજના શું છે? કોઈ એજન્સી મારફત ત્યાંના લોકોને લાવીને અહીં તોફાનો કરાવવા છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમતાના આ ભાષણને તેમના સત્તાવાર ફેસબૂક પેજ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.
મમતા બેનરજીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા ઍક્સ પર એક પોસ્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે "મેં ગઈકાલે એએનઆઈની પોસ્ટ જોઈ છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે હિંસા પાછળ બાંગ્લાદેશનો હાથ છે."
તેમણે બીએસએફની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું, "જો આ હિંસામાં બાંગ્લાદેશનો હાથ હોય તો તેની જવાબદારી કેન્દ્ર સરકાર પર આવે છે. સરહદોના રક્ષણની જવાબદારી બીએસએફની છે. આ મામલામાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી."
મુખ્ય મંત્રીએ પોતાના ભાષણના અંતમાં મુર્શિદાબાદની હિંસામાં બાંગ્લાદેશનો હાથ હોવાની તથા બીએસએફની જવાબદારીની વાત દોહરાવી હતી.
તેમણે સવાલ કર્યો કે "તમને આની છૂટ કોણે આપી? ભાજપના લોકો કઈ રીતે બહારથી આવીને અશાંતિ ફેલાવીને ભાગી ગયા?"
મમતાએ બુધવારે પોતાના ભાષણમાં ઘણી વખત કહ્યું કે મુર્શિદાબાદની કોમી હિંસા 'ભાજપની યોજના'નું પરિણામ હતી.
તેમણે કહ્યું કે, "આ સંપૂર્ણપણે સુનિયોજિત રમખાણ હતાં. મને પણ સામાન્ય લોકો તરફથી આ અંગે ઘણી માહિતી મળી રહી છે. ભાજપે બહારથી ગુંડા લાવવાની યોજના બનાવી હતી. અગાઉ તેમની યોજના રામનવમીના દિવસે આવું કરવાની હતી. પરંતુ તમે લોકોએ તે યોજનાને નિષ્ફળ બનાવી દીધી."
કોલકાતાની બેઠકમાં મમતાએ મુસ્લિમ ધર્મગુરુઓને કહ્યું, "તમે લોકો શાંત રહો. ભાજપની વાતમાં ન આવી જાવ. આ મામલામાં ઇમામોએ સકારાત્મક ભૂમિકા ભજવવી પડશે. હું જાણીને રહીશ કે બીએસએફે કોનો-કોનો ઉપયોગ કર્યો છે, કઈ રીતે કેટલાક છોકરાઓને પાંચ-છ હજાર રૂપિયા આપીને પથ્થરમારો કરાવ્યો છે."
'સરકાર જણાવે કે કેટલા બાંગ્લાદેશી પકડાયા છે'
મુર્શિદાબાદની હિંસામાં બાંગ્લાદેશી નાગરિકો સામેલ હોવાના મુખ્ય મંત્રીના આરોપ પર હવે ભાજપે પણ નિવેદન આપ્યું છે.
ભાજપે સવાલ કર્યો કે તે હિંસામાં સામેલ થવા બદલ પોલીસે જે આરોપીઓને પકડ્યા તેમાં કેટલા લોકો બાંગ્લાદેશી છે?
રાજ્યમાં પાર્ટીનાં પ્રવક્તા કેયા ઘોષે બીબીસીને જણાવ્યું કે, "પોલીસે આ ઘટનામાં સામેલ હોવાના આરોપસર 200થી વધુ લોકોને પકડ્યા છે. હવે મુખ્ય મંત્રી જણાવે કે તેમાંથી કેટલા બાંગ્લાદેશી નાગરિકો છે."
તેમણે કહ્યું કે "આ હિંસામાં બે હિંદુઓની હત્યા થઈ છે. તેઓ પિતા-પુત્ર હતા. તેમની હત્યાના આરોપમાં પોલીસે જે બે ભાઈઓને પકડ્યા છે તેઓ સ્થાનિક જ છે. તેમાં બાંગ્લાદેશી એંગલ ક્યાંથી આવી ગયો? પરંતુ મને જાણવા મળ્યું છે કે ઘણા અજાણ્યા ચહેરા પણ હિંસામાં સામેલ હતા. તેમને મુર્શિદાબાદમાં એકથી બીજા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા જેથી સ્થાનિક લોકો તેમને ઓળખી ન શકે."
કેયા ઘોષનું કહેવું છે કે મમતાએ બુધવારની બેઠકમાં બીએસએફ સામે જે આરોપો લગાવ્યા છે તે અત્યંત વાંધાજનક છે.
તેઓ કહે છે, "મુખ્યમંત્રીએ આપણી સરહદોને સુરક્ષિત રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સૈનિકો સામે આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. મને લાગે છે કે બીએસએફએ તેમની (મમતા બેનરજી) સામે કડક કાયદાકિય કાર્યવાહી કરવી જોઈએ."
કેયાનો પ્રશ્ન એ છે કે મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી ત્યારે કોણે તાત્કાલિક બીએસએફને બોલાવી હતી?
તેઓ કહે છે, "જિલ્લા પ્રશાસકે જ બીએસએફને સ્થળ પર ઊતારી હતી. જો આવું થયું ન હોત, તો પોલીસ માટે પરિસ્થિતિને કાબૂમાં લેવી શક્ય ન હતી. જિલ્લા વહીવટીતંત્રે યોગ્ય પગલાં લીધાં હતાં. પરંતુ મુખ્ય મંત્રી હવે બીએસએફ પર ખોટા આરોપો લગાવી રહ્યાં છે."
વહીવટી નિષ્ફળતાને છુપાવવા બાંગ્લાદેશ અને બીએસએફ પર આરોપ?
મુર્શિદાબાદ જિલ્લાના તૃણમૂલ કૉંગ્રેસના પ્રતિનિધિ પણ હવે જાહેરમાં કહે છે કે પ્રાથમિક ધોરણે ત્યાં થયેલી હિંસાને કાબૂમાં રાખવામાં પોલીસતંત્ર નિષ્ફળ રહ્યું હતું.
જોકે, હિંસા શરૂ થયાના કેટલાક દિવસો પછી જ રાજ્યના પોલીસ મહાનિદેશક રાજીવકુમાર સહિત તમામ ટોચના અધિકારી મુર્શિદાબાદ પહોંચ્યા હતા અને ઝડપથી ધરપકડો શરૂ કરવામાં આવી હતી.
પરંતુ તૃણમૂલ કૉંગ્રેસના જ ધારાસભ્યોની ફરિયાદ છે કે શરૂઆતમાં પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ હતી.
રાજકીય વિશ્લેષક શુભાશીષ મૈત્રએ બીબીસીને જણાવ્યું કે "વકફ કાયદા વિરુદ્ધ થનારું વિરોધ પ્રદર્શન આટલી ઝડપથી હિંસક બની જશે તેનો પહેલેથી કેમ અંદાજ ન હતો?"
તેમણે કહ્યું, "તેને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા ગણવામાં આવશે. અગાઉ સંશોધિત નાગરિકતા કાયદાના મુદ્દે પણ આ વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. પરંતુ આ વખતે ગુપ્તચર એજન્સીઓને તેની અગાઉથી માહિતી કેમ નહોતી મળી?"
તેઓ કહે છે,"હાલમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાદળોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પરંતુ એવું લાગે છે કે અગાઉથી માહિતી ન હોવાના કારણે અને પહેલા દિવસથી જ પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જવાના કારણે આ મામલાએ કોમી રંગ ધારણ કરી લીધું હતું."
તેમના કહેવા મુજબ હાલમાં તમામ રાજકીય પક્ષો સાંપ્રદાયિક હિંસાની આગમાં પોતાના રોટલા શેકવામાં લાગી ગયા છે.
તેમણે કહ્યું કે, "રાજ્યમાં આગલા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેનાથી અગાઉ મતદારોનું ધાર્મિક ધ્રુવીકરણ કરવાના પ્રયાસ થશે તે નક્કી છે. એક તરફ ભાજપ હિંદુ મતદારોને એકજૂથ કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ મમતા બેનરજી પોતાના લઘુમતી મતદારો પર પકડ જાળવવાનો પ્રયાસ કરશે."
અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે વકફ કાયદાના વિરોધમાં દેશનાં વિવિધ રાજ્યોની સાથે પશ્ચિમ બંગાળના અલગ અલગ જિલ્લામાં પણ કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન જારી છે. કોલકાતામાં પણ પ્રદર્શનો થયાં છે.
ગયા અઠવાડિયે મંગળવાર અને બુધવારે મુર્શિદાબાદ જિલ્લાના રઘુનાથપુર અને સુતી થાણા વિસ્તારમાં હિંસક તોફાનો થયાની માહિતી મળી હતી.
અનેક લઘુમતી સંગઠનોના વિરોધ બાદ આ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી, અને પાંચ કે તેનાથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વહીવટીતંત્રે ઇન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ એક દિવસ પછી શુક્રવારે વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું.
ત્યાર પછી, શનિવારે પોલીસે મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે બીએસએફને સ્થળ પર તહેનાત કરવામાં આવી હતી.
એક જાહેર હિતની અરજીના આધારે કલકત્તા હાઇકોર્ટે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન