'મધ્યમ વર્ગની ચાંદી' બની રહેલ જર્મન સિલ્વરની લોકપ્રિયતા શા માટે વધી રહી છે?

- લેેખક, લક્કોજૂ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
હાલમાં ચાંદીના ભાવમાં જે તોતિંગ વધારો જોવા મળ્યો છે, તેને પગલે બજારમાં ચાંદીના સસ્તા અને સચોટ વિકલ્પ તરીકે 'જર્મન સિલ્વર'ની ભારે ચર્ચા થઈ રહી છે. નામમાં ભલે 'સિલ્વર' શબ્દ હોય, પરંતુ હકીકત એ છે કે આ ધાતુમાં ચાંદીનો અંશ સુદ્ધાં હોતો નથી. તેમ છતાં, તેની ચાંદી જેવી જ આબેહૂબ ચમકને કારણે તે ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યું છે.
શું જર્મન સિલ્વર ખરેખર ચાંદી છે? અસલી ચાંદી અને જર્મન સિલ્વર વચ્ચે શો તફાવત છે? તેની કિંમત અને બજારમાં તેની માંગ વિશે નિષ્ણાતો શું કહે છે? ચાલો વિગતે સમજીએ.
જર્મન સિલ્વર શું છે?

આંધ્ર યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના માનદ પ્રોફેસર જી. નાગેશ્વર રાવના જણાવ્યા અનુસાર, "જર્મન સિલ્વર એ વાસ્તવમાં એક મિશ્રધાતુ છે. જેમાં આશરે 60 ટકા તાંબું, 20 ટકા નિકલ અને 20 ટકા ઝિંક (જસત)નો ઉપયોગ થાય છે. આ મિશ્રણને કારણે તે અસલી ચાંદી જેવી જ ધાતુમય ચમક આપે છે."
આ ધાતુનો સૌપ્રથમ વિકાસ જર્મનીમાં થયો હોવાથી તેને 'જર્મન સિલ્વર' તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ધાતુ વિજ્ઞાનની પરિભાષામાં 'નિકલ સિલ્વર' કહેવાય છે.
ચાંદી અને જર્મન સિલ્વર વચ્ચેનો ફરક
વેપારીઓના મતે, અસલી ચાંદીના ભાવ આસમાને હોવાથી મધ્યમ વર્ગના ગ્રાહકો હવે જર્મન સિલ્વર તરફ વળ્યા છે.
વિશાખાપટ્ટનમના વેપારી અમિત શર્મા કહે છે, "દેખાવ અને ચમકની દૃષ્ટિએ સામાન્ય વ્યક્તિ માટે બંને વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ છે, પરંતુ આંતરિક ગુણધર્મોમાં મોટો તફાવત છે."
કિંમતની સરખામણી:
- ચાંદી: એક કિલો ચાંદીના કુંડની કિંમત આશરે બે લાખ રૂપિયા હોઈ શકે છે.
- જર્મન સિલ્વર: તેવી જ ડિઝાઇનનો જર્મન સિલ્વરનો કુંડ માત્ર 15,000 રૂપિયામાં ઉપલબ્ધ છે.
- બજાર ભાવ: અત્યારે અસલી ચાંદી પ્રતિ કિલો 2.40 લાખની આસપાસ છે, જ્યારે સ્ટાન્ડર્ડ જર્મન સિલ્વર 6,000 રૂપિયે કિલો અને સિલ્વર-પ્લેટેડ જર્મન સિલ્વર માત્ર 1,500 રૂપિયે કિલો મળી રહે છે.
જર્મન સિલ્વરનો ઉપયોગ ક્યાં-ક્યાં થાય છે?

જર્મન સિલ્વરનો બહોળો ઉપયોગ ઘરના સુશોભન, પૂજાની સામગ્રી, નકલી ઘરેણાં (ઇમિટેશન જ્વેલરી) અને ગિફ્ટ આર્ટિકલ્સમાં થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસર રાવ ઉમેરે છે કે, તેની ઉચ્ચ મજબૂતાઈને કારણે ઑટોમોબીલ પાર્ટ્સ, વૈજ્ઞાનિક ઉપકરણો અને ઇલેક્ટ્રિક કનેક્ટર્સના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ખાસ કરીને યુવાવર્ગમાં આદિવાસી કળા શૈલીનાં જર્મન સિલ્વર ઘરેણાંનો ક્રેઝ વધ્યો છે.
જર્મન સિલ્વર અને અસલી ચાંદી વચ્ચે ભેદ કેવી રીતે પારખવો?
ગ્રાહકો ઘણીવાર છેતરાતા હોય છે, પરંતુ અમુક સાદી રીતોથી ભેદ જાણી શકાય છે:
1. આંતરિક રંગ: જો પાત્રનું ઢાંકણું ખોલતા અંદરની સપાટી પીળાશ પડતી (તાંબા જેવી) દેખાય, તો તે જર્મન સિલ્વર છે. અસલી ચાંદીનો રંગ બધે એકસમાન રહે છે.
2. રી-સેલ વેલ્યુ: અસલી ચાંદી એ રોકાણ છે, જ્યારે જર્મન સિલ્વરની કોઈ પુનઃવેચાણ કિંમત હોતી નથી.
3. હોલમાર્ક: અસલી ચાંદી પર '925' કે 'BIS' હોલમાર્ક હોય છે, જ્યારે જર્મન સિલ્વર પર આવાં કોઈ સત્તાવાર ચિહ્નો હોતાં નથી.
'મધ્યમ વર્ગની ચાંદી' બની રહ્યું છે જર્મન સિલ્વર

વિશાખાપટ્ટનમમાં રહેતાં રામલક્ષ્મીએ જણાવ્યું હતું કે ચાંદીની કિંમતમાં થયેલા વધારાને કારણે તેમના જેવા મધ્યમવર્ગીય પરિવારો પોતાની જરૂરિયાત માટે જર્મન સિલ્વરનો વિચાર એક વિકલ્પ તરીકે કરી રહ્યા છે.
રામલક્ષ્મીએ કહ્યું હતું, "જર્મન સિલ્વર ઓછી કિંમતે મળે છે, ધાતુ ચાંદી જેવી દેખાય છે અને ભેટ તરીકે આપવા માટે પણ સારી છે." તેમણે જણાવ્યું હતું કે અગાઉ તેઓ ચાંદી ખરીદતાં હતાં, પરંતુ ભાવમાં મોટો વધારો થવાને કારણે તેમણે વિકલ્પ તરીકે જર્મન સિલ્વરની વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું છે.
'કેટલાક લોકો માટે તો એ ચાંદી સમાન જ છે' જર્મન સિલ્વરના વેપારી કલ્યાણીના કહેવા મુજબ, લોકો જર્મન સિલ્વર તરફ આકર્ષાય છે, કારણ કે તે નરમ હોય છે, ઓછી કિંમતે ઉપલબ્ધ છે અને આ ધાતુ બિલકુલ ચાંદી જેવું દેખાય છે.
તેમણે કહ્યું હતું, "કેટલાક ગ્રાહકો જાણતા નથી કે જર્મન સિલ્વર અસલી ચાંદી નથી. જર્મન સિલ્વરની કિંમત અને સત્તાવાર સ્વીકૃતિ અસલી ચાંદી સમાન નથી, તે હકીકતથી ગ્રાહકોને માહિતગાર કરવા જોઈએ."
જર્મન સિલ્વર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?

પ્રોફેસર નાગેશ્વર રાવ ચેતવણી આપે છે કે જર્મન સિલ્વરમાં નિકલ હોય છે, જે સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોમાં ઍલર્જી પેદા કરી શકે છે.
વધુમાં, આ ધાતુ ઍસિડ સાથે પ્રતિક્રિયા આપતી હોવાથી તેમાં ખાટી વસ્તુઓ કે ઍસિડિક ખોરાકનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. રસોઈ માટે આ ધાતુનાં વાસણો વાપરવાં હિતાવહ નથી.
જર્મન સિલ્વર અસલી ચાંદી નથી, તેથી તે બી.એસ.આઈ. પ્રમાણપત્ર અને હોલમાર્કિંગને આધીન નથી. સરકાર તેનું મોનિટરિંગ પણ કરતી નથી.
અમિત શર્માએ કહ્યું હતું, "બજારમાં છેતરપિંડી રોકવા માટે વેપારીઓએ જર્મન સિલ્વરની સામગ્રી પર સ્ટેમ્પ લગાવવો જોઈએ. અસલી ચાંદી માટે '925 સિલ્વર', 'સ્ટર્લિંગ સિલ્વર', 'હોલમાર્ક' અને 'બી.એસ.આઈ.' જેવાં ચિહ્નો અવશ્ય ધ્યાનમાં રાખવાં જોઈએ."
જર્મન સિલ્વર ભલે અસલી ચાંદીની જગ્યા ન લઈ શકે, પરંતુ આજના મોંઘવારીના યુગમાં તે ભેટ આપવા માટે અને ઘરની સજાવટ માટે ચોક્કસપણે એક આર્થિક અને સુંદર વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.
જોકે, ગ્રાહકોએ માત્ર તેને અસલી ચાંદી સમજીને છેતરાવવું ન જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












