પાણીની બૉટલ વ્યવસ્થિત સાફ ન કરો તો કેવી બીમારીઓ થઈ શકે?

    • લેેખક, જેસિકા બ્રાઉન

જ્યારે પણ તમે તમારી પાણીની બૉટલમાંથી એક ઘૂંટડો પીવો લો છો ત્યારે તમે તમારી અંદર બૅક્ટેરિયા ભેગા કરી રહ્યા હોવ છો અને દિવસનાં અંતે તેની સંખ્યા લાખો સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિકો આના વિશે શું કહી શકે છે તે જાણીએ.

કાર્લ બેહનકે હંમેશાં વિચારતા કે ફરીથી વાપરી શકાય તેવી તેમની પાણીની બૉટલ કેટલી સ્વચ્છ છે. જ્યારે તેણે બૉટલની અંદર કાગળનો ટુવાલ ભર્યા અને તેની ચારે બાજુ ફેરવ્યા ત્યારે તેઓ ચોંકી ગયા.

"જ્યાં સુધી મેં આ કાગળનાં ટુવાલ બહાર કાઢ્યા ત્યાં સુધી તે સફેદ હતા," અમેરિકાના ઇન્ડિયાનામાં પરડ્યુ યુનિવર્સિટીમાં ફૂડ સેફ્ટીના નિષ્ણાત બેહનકે કહે છે. "મને સમજાયું કે બૉટલના અંદરની સપાટી પર લપસણી લાગતી હતી તે બૉટલ જે મટિરિયલની બની હતી તેના લીધે નહીં પરંતુ ત્યાં ભેગા થયેલા બૅક્ટેરિયાના કારણે બની હતી."

તેમનું આગળનું પગલું એક અભ્યાસનો પાયો નાખવાનું હતું. બેહનકે અને તેમના સાથીઓએ પરડ્યુ ખાતે એક કૉરિડોરમાં પસાર થતા લોકોને રોક્યા અને પૂછ્યું કે શું તેઓ તેમના સંશોધનના ભાગ બનશે. અને તેઓ તેમની પાણીની બૉટલો ઉધાર આપશે. જેથી તે કેટલી સ્વચ્છ છે તે જાણી શકાય.

"આ પ્રોજેક્ટમાંથી એક વાત એવી બની કે એવા ઘણાં લોકો હતા જે પરિણામો જાણવા માંગતા ન હતા," બેહનકે યાદ કરે છે. "મૂળભૂત રીતે તેઓ જાણતા જ હતા કે તેમની સફાઈની આદતો નહીંવત્ છે. જેને પાછળથી ડેટા દ્વારા પુષ્ટિ પણ મળી." આ અભ્યાસનાં પરિણામોએ પુષ્ટિ આપી કે આ બૉટલો બૅક્ટેરિયાથી ભરપૂર હતી.

2024 માં વૈશ્વિક ફરીથી વાપરી શકાય તેવી પાણીની બૉટલોનું બજાર લગભગ 10 બિલિયન ડૉલરનું હતું. ઇટાલિયન સ્વાસ્થ્ય કાર્યકરો પરના એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે તેમનામાંથી અડધો અડધે ફરીથી વાપરી શકાય તેવી બૉટલોનો ઉપયોગ કરતા હતા. જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અંગેનું સંશોધન સૂચવે છે કે 50 ટકા થી 81 ટકા સહભાગીઓ આ પ્રકારનાં જ પાણી પીવાની બૉટલોનો ઉપયોગ કરતા હતા.

પાણીની બૉટલો લોકોને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. નિયમિતપણે પાણીની બૉટલોમાંથી પાણી પીવું અને આપણે જ્યાં પણ જઈએ ત્યાં તેને સાથે લઈ જવું તે સ્વાસ્થ્ય માટે જોખમી પણ બની શકે છે. તો, શું આપણે તેને ત્યજી દેવી જોઈએ કે પછી આ જોખમોને દરકાર કરી ટાળી શકાય ?

સામાન્ય રીતે આ પાણી પીવા માટે સલામત હોય છે પરંતુ આપણા રસોડાના નળમાંથી નીકળતું પાણી સૂક્ષ્મજીવાણુઓથી મુક્ત નથી હોતું.

યુકેમાં લેસ્ટર યુનિવર્સિટીમાં ક્લિનિકલ માઇક્રોબાયોલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર પ્રિમરોઝ ફ્રીસ્ટોન કહે છે કે, "આ જ કારણ છે કે જેનાથી થોડા દિવસો માટે બૉટલમાં પાણી રાખી મૂકવાથી તેમાં રહેલા બૅક્ટેરિયાને વિકાસમાં પ્રોત્સાહન મળે છે."

ફ્રીસ્ટોન કહે છે કે ચેપનું કારણ બની શકે તેવા બૅક્ટેરિયા લગભગ 37 સેલ્સિયસ તાપમાને પનપતા હોય છે, પરંતુ તે આપણાં ઓરડાના 20 સેલ્સિયસ તાપમાને પણ વધી શકે છે.

તે કહે છે, "બૉટલમાં પાણીને ઓરડાના તાપમાને જેટલો લાંબો સમય રાખવામાં આવશે તેટલા વધુ બેક્ટેરિયા વધશે."

સિંગાપોરમાં ઉકાળેલા નળનાં પાણીનો ઉપયોગ કરીને કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાણીની બૉટલોમાં બૅક્ટેરિયાની વસ્તી ઝડપથી વધી શકે છે કારણ કે તેનો ઉપયોગ સરેરાશ આખા દિવસ દરમિયાન થાય છે. હકીકતમાં આ બધા બૅક્ટેરિયાનો નાશ થવો જોઈતો હતો.

તેમણે અભ્યાસમાં જોયું કે પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ફરીથી વાપરી શકાય તેવી બૉટલોમાં સવારે પ્રતિ મિલીલીટર લગભગ 75,000 બૅક્ટેરિયા હતા, જે 24 કલાક દરમિયાન વધીને એક-બે મિલિયન પ્રતિ મિલીલીટરથી જેટલા થઈ ગયા હતા.

ફ્રીસ્ટોન કહે છે કે બૅક્ટેરિયાના વિકાસને ધીમો કરવાનો એક રસ્તો એ છે કે તમારી બૉટલને પાણી પીધા બાદ વચ્ચે વચ્ચે ફ્રિજમાં રાખો, જોકે તેનાથી પણ બૅક્ટેરિયા સંપૂર્ણપણે વધતા અટકાવી નથી શકાતા.

પરંતુ પાણીની બૉટલની કેટલીક બેક્ટેરિયા પ્રવૃત્તિ પાણીમાંથી જ આવે છે, પરંતુ મોટાભાગનું દૂષણ વાસ્તવમાં પીનાર દ્વારા જ કરવામાં છે. તમે તમારી બૉટલને કામ પર લઈ જાઓ, જિમમાં લઈ જાઓ, અથવા તેને ઘરમાં રાખો, તમારી બૉટલની બહાર ઘણા સૂક્ષ્મજીવાણુઓ હશે.

ફ્રીસ્ટોન કહે છે કે, "અને આ સૂક્ષ્મજીવાણુઓ બૉટલની સામગ્રીમાં સરળતાથી ભળી જાય છે. અને દર વખતે જ્યારે તમે એક ઘૂંટડી ભરો છો ત્યારે તમારા મોંમાંથી બૅક્ટેરિયા પણ તેમાં જાય છે."

ફ્રીસ્ટોન કહે છે કે પાણીની બૉટલનો ઉપયોગ કરનારાઓ જે નિયમિતપણે હાથ ધોતા નથી તેમને એ પણ ખબર પડશે કે તેમની બૉટલોમાં ઇ. કોલાઈ જેવા બૅક્ટેરિયા પણ હોઈ શકે છે.

તેઓ કહે છે કે, "જો આપણે શૌચાલયની સ્વચ્છતામાં સારા ન હોઈએ તો ઈ. કોલાઈ જેવા મળને સંબંધિત બૅક્ટેરિયા આપણા હાથમાંથી આવી શકે છે અને તે આપણા હોઠ સુધી પહોંચી શકે છે."

અને આપણે બીજાની સાથે પાણીની બૉટલો શેર કરીને વાયરસનો ચેપ લગાડી શકીએ છે અથવા તો ભોગ બની શકીએ છીએ. આ રીતે નોરોવાયરસ જેવા રોગો સરળતાથી ફેલાય છે.

ફ્રીસ્ટોન કહે છે કે લોકોનાં મોંમાં સામાન્ય રીતે 500 થી 600 વિવિધ પ્રકારના બેક્ટેરિયા રહે છે.

તેઓ ઉમેરે છે, "જે તમારા માટે રોગકારક નથી પરંતુ હંમેશા બીજાઓ માટે આમ નથી હોતું. આપણે ચેપ લઈને જ ચાલતા હોઈએ છીએ જેનો ખ્યાલ પણ આપણને નહીં આવે. કારણ કે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણું રક્ષણ કરવામાં ખૂબ સારી હોય છે."

તમારી બૉટલમાં બૅક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપવાની બીજી રીત એ છે કે તેમાં તાજા પાણી સિવાય બીજું કંઈપણ ઉમેરો.

ફ્રીસ્ટોન કહે છે કે જે પીણાં તમને પોષણ આપે છે તે સૂક્ષ્મજીવાણુઓને પણ પોષણ આપે છે - તેથી ખાંડ ધરાવતા કોઈપણ પીણાં તમારી બૉટલમાં હાજર કોઈ પણ બૅક્ટેરિયા અથવા ફૂગના વિકાસને ઉત્તેજિત કરી શકે છે.

તેઓ કહે છે કે, "પાણી સિવાય બીજું કંઈ પણ બૅક્ટેરિયા અને ફૂગ માટે સ્વર્ગ સમાન છે, ખાસ કરીને પ્રોટીન શેક."

આપણે બધા માટી, હવા અને આપણા શરીરમાં રહેલા બૅક્ટેરિયાથી ઘેરાયેલા હોઈએ છીએ, પરંતુ એ યાદ રાખવું યોગ્ય છે કે મોટાભાગના બૅક્ટેરિયા બિનહાનિકારક અથવા તો ક્યારેક ફાયદાકારક પણ હોય છે.

ઇ. કોલાઈ જેવા બૅક્ટેરિયાથી દૂષિત પાણી ઝાડા અને ઊલટીનું કારણ બની શકે છે, પરંતુ હંમેશાં આમ નથી હોતું. ઈ. કોલાઈ એ બૅક્ટેરિયાનો એક મોટો સમૂહ છે જે પર્યાવરણમાં કુદરતી રીતે જોવા મળે છે પરંતુ તે માનવ આંતરડાના સામાન્ય કુદરતી રહેવાસીઓ પણ છે. જ્યારે બૅક્ટેરિયા રોગકારક બને છે - બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ચોક્કસ લક્ષણો અપનાવે છે જે તેમને હાનિકારક બનાવે છે - ત્યારે જ તેઓ લોકોને બીમાર બનાવે છે.

ફ્રીસ્ટોન કહે છે કે મોટાભાગના સૂક્ષ્મજીવાણુઓ મનુષ્યો માટે હાનિકારક નથી, પરંતુ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તેમને ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.

ઉપરાંત, પેટના જંતુથી બીમાર થવાથી કેટલાક કિસ્સાઓમાં આંતરડામાં લાંબા ગાળાના ફેરફારો થઈ શકે છે.

ફ્રીસ્ટોન કહે છે કે, "આપણા આંતરડા હંમેશાં બદલાતા રહે છે, પરંતુ આંતરડામાં 1,000 થી વધુ પ્રજાતિઓ હાજર હોય છે તેથી સંરચનાની દૃષ્ટિએ તેમાં ફેરફાર કરવો મુશ્કેલ છે."

"આમ કહેવા માટે ઘણાં બધાં પરિબળો છે, પરંતુ પાણીની બૉટલમાં રહેલા બૅક્ટેરિયાથી ફૂડ પૉઇઝનિંગ થવાથી ક્યારેય સકારાત્મક પરિવર્તન આવશે નહીં."

જે લોકોએ હાલમાં ઍન્ટિબાયોટિક્સ લીધી છે જે તેમના આંતરડાના માઇક્રોબાયોમને અસર કરી શકે છે.

તેઓ પણ એવા ફેરફારોનો અનુભવ કરી શકે છે જે તેમને અન્ય ચેપ માટે વધુ સંવેદનશીલ બનાવે છે.

યુકેમાં એક અખબારની ઑફિસમાં લેવામાં આવેલી ફરીથી વાપરી શકાય તેવી પાણીની બૉટલના સ્વેબથી એ પણ જાણવા મળ્યું કે આ બૉટલો એન્ટિબાયોટિક-પ્રતિરોધક બૅક્ટેરિયાના ઊભરતા જાતોનું સંવર્ધન સ્થળ બની શકે છે.

પાણીની બૉટલમાંથી લેવામાં આવેલાં નમૂનામાં, સંશોધકોએ ક્લેબસિએલા ગ્રિમોન્ટી નામનો બૅક્ટેરિયમ શોધી કાઢ્યો - જે અન્યથા જંતુરહિત સપાટી પર બાયોફિલ્મ્સ બનાવવા માટે સક્ષમ છે. જ્યારે તે જઠરાંત્રિય માર્ગના સામાન્ય માઇક્રોફ્લોરાના ભાગરૂપે મળી શકે છે.

તે એવા લોકોમાં પણ ગંભીર ઝાડાનું કારણ બની શકે છે જેમણે તાજેતરમાં ઍન્ટિબાયોટિક્સ લીધી છે.

જોકે, એ નોંધવું યોગ્ય છે કે વૈજ્ઞાનિક સાહિત્યમાં ફરીથી વાપરી શકાય તેવી પાણીની બૉટલોમાંથી ગંભીર બીમારીનાં કોઈ ઉદાહરણો મળ્યાં નથી.

બેહનકેને એ વાતનો અહેસાસ હતો કે તેઓ કદાચ પોતાની પાણીની બૉટલને વધુ સારી રીતે સાફ કરી રહ્યા હશે. જેના કારણે તેમણે તેની અંદર શું હોઈ શકે છે તે નજીકથી જોયું. તે ફિલ્ટર કરેલી પાણીની બૉટલનો ઉપયોગ કરતા હતા અને તેમણે ધ્યાન આપવાનું શરૂ કર્યું કે તેઓ જે પાણી પી રહ્યા હતા તેનો સ્વાદ ખરાબ હતો.

તેઓ કહે છે, "હું ક્યારેક ક્યારેક તેને ગરમ પાણીથી ફ્લશ કરતો હતો. પરંતુ આનાથી વધારે ક્યારેય કંઈ કર્યું નહીં."

પેપર ટુવાલ આધારિત તપાસમાં તેમની પાણીની બૉટલ કેટલી ખરાબ હતી તે બહાર આવ્યું પછી, તેમણે અને તેમના સાથીઓએ જે અભ્યાસ હાથ ધર્યો તેમાં લોકોની પાણીની બૉટલની આદતોનો વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો.

બેહનકે શોધી કાઢ્યું કે સંશોધન દરમિયાન સર્વે કરાયેલા 90 સહભાગીઓમાંથી અડધાથી વધુ લોકોએ કહ્યું કે તેઓ તેમની બૉટલ અન્ય લોકો સાથે શેર કરે છે. 15 ટકા લોકોએ કહ્યું કે તેમણે ક્યારેય તેમની બૉટલ સાફ કરી નથી. જોકે બેહનકેને જાણવા મળ્યું કે તેઓ બૉટલ કેટલી વાર સાફ કરે છે અથવા તેઓ તેને કેવી રીતે સાફ કરે છે. તેનાથી કન્ટેનર કેટલાં દૂષિત છે તેના પર કોઈ ખાસ અસર પડતી નથી.

જે લોકો બ્રશ જેવાં સાધનોથી બૉટલ ધોતા હતા અથવા ડિશવૉશરનો ઉપયોગ કરતા હતા તેમની અંદર બૅક્ટેરિયાની સંખ્યા સૌથી ઓછી હતી. બેહનકે અને તેમના સાથીદારો એવું પણ સૂચવે છે કે સેનિટાઇઝેશન ચક્ર સાથે ડિશવૉશરનો ઉપયોગ કરવો એ સૌથી અસરકારક અભિગમ હોઈ શકે છે.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ચા, કૉફી અથવા જ્યુસ ધરાવતી બૉટલો ફક્ત પાણી ધરાવતી બૉટલો કરતાં વધુ દૂષિત હતી.

આપણી પાણીની બૉટલોને નિયમિત અને યોગ્ય રીતે સાફ કરવાથી જ ખાતરી થાય છે કે તમે પાણીની સાથે હાનિકારક બૅક્ટેરિયાનું સેવન નથી કરી રહ્યા.

ફ્રીસ્ટોન કહે છે કે જો અંદરનું પાણી જંતુરહિત હોય તો પણ, તમારી લાળ બૉટલમાં જ રહેશે, સાથે પોષક તત્ત્વોના અંશ પણ રહેશે, જેને બૅક્ટેરિયા ખુશીથી ખાય છે.

ફ્રીસ્ટોન કહે છે કે તમારી બૉટલને ઠંડા પાણીથી ધોઈ નાખવી પૂરતી નથી કારણ કે આનાથી બાયોફિલ્મ્સથી છુટકારો મેળશે નહીં. આ બૅક્ટેરિયાનું પાતળું સ્તર છે જે તમારી બૉટલની અંદરની સપાટી પર જમા થઈ શકે અને બૅક્ટેરિયાને વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે.

ફ્રીસ્ટોન ફરીથી વાપરી શકાય તેવી બૉટલોને ગરમ પાણીથી સાફ કરવાની ભલામણ કરે છે( કારણ કે 60 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન મોટાભાગના રોગકારક જીવાણુઓને મારી નાખે છે. વૉશિંગ-અપ લિક્વિડનો ઉપયોગ કરો અને ગરમ પાણીથી સારી રીતે ધોતાં પહેલાં બૉટલને 10 મિનિટ માટે મૂકી રાખવાની ભલામણ કરે છે.

પછી બૉટલને હવામાં સૂકવવાથી તેમાં બૅક્ટેરિયાનાં સંચયને ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે સુક્ષ્મસજીવો ભેજવાળા વાતાવરણને પસંદ કરે છે.

ફ્રીસ્ટોન કહે છે કે દરેક ઉપયોગ પછી તમારે તમારી બૉટલને આ રીતે જ સાફ કરવી જોઈએ - અથવા ઓછામાં ઓછું અઠવાડિયામાં ઘણી વાર. તે ચેતવણી આપે છે કે દુર્ગંધ આવવા લાગે ત્યાં સુધી રાહ ન જુઓ

તેઓ કહે છે, "જો તમારી બૉટલમાંથી ગંધ આવવા લાગે તો તમે એવા તબક્કે પહોંચી ગયા છો જ્યારે તમારે તેને ફેંકી દેવી જોઈએ."

ફ્રીસ્ટોન ઉમેરે છે કે એકવાર તમારી પાસે એક સરસ, સ્વચ્છ બૉટલ હોય તો તેને સ્પર્શ કરતા પહેલાં તમારા હાથ ધોવાનું યાદ રાખો.

સૌથી વધુ સ્વચ્છ બૉટલો એવી હોય છે જે સાફ કરવામાં સૌથી સરળ હોય છે.

બેહનકે ઉદાહરણ તરીકે હવે પાણીની બૉટલનો સુધારેલો વપરાશકર્તા છે. તે દર અઠવાડિયે બ્લીચ સ્પ્રે અને બૉટલ બ્રશનો ઉપયોગ કરીને તેની બૉટલ ધોવે છે અને હવામાં સૂકવે છે. જેનો ઉપયોગ તે સ્પાઉટ અથવા નોઝલ અને અન્ય નાની સપાટીઓને સાફ કરવા માટે કરે છે.

જોકે કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકની બૉટલોમાં બૅક્ટેરિયાનું પ્રમાણ સ્ટેનલેસ સ્ટીલની બૉટલો કરતા વધારે હોઈ શકે છે. પરંતુ ઉપયોગમાં લેવાતી સફાઈ વ્યૂહરચના આમાં ઘણો મોટો ફરક લાવી શકે છે.

ફ્રીસ્ટોન કહે છે કે સૌથી વધુ સ્વચ્છ બૉટલો ફક્ત એ જ હોય છે જે સાફ કરવામાં સૌથી સરળ હોય છે. તે ઉમેરે છે કે પાણીની બોટલના દરેક ભાગને સાફ કરવો મહત્ત્વપૂર્ણ છે. જેમાં બહારનો ભાગ, ઢાંકણ અને જો તેમાં સ્ટ્રો હોય તો તેનો પણ સમાવેશ થાય છે.

જોકે, પ્લાસ્ટિક કરતાં ધાતુની બૉટલ પસંદ કરવાનું બીજું એક કારણ હોઈ શકે છે.

કતારમાં વેઇલ કૉર્નેલ મેડિસિનના ક્લિનિકલ પૉપ્યુલેશન હૅલ્થ સાયન્સના સહાયક પ્રોફેસર અમિત અબ્રાહમ કહે છે કે, "પ્લાસ્ટિકમાં સામાન્ય રીતે રાસાયણિક ઉમેરણો હોય છે જે કીટાણુંને ફાયદા આપે છે: તેમની લવચીકતા, ટકાઉપણું, ગરમી-પ્રતિરોધકતા અને તે તેની હળવાશ."

અબ્રાહમ કહે છે, "આ ઉમેરણો ભૌતિક રીતે પ્લાસ્ટિક સાથે જોડાયેલા છે જેનો અર્થ એ છે કે તે પાણીમાં ભળી શકે છે."

કેટલાંક સંશોધનો સૂચવે છે કે આ ઉમેરણો જેમ કે BPA આપણા હોર્મોનના કાર્યમાં દખલ આપી શકે છે. આ હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને અન્ય ક્રૉનિક રોગોના જોખમના વધારા સાથે સંકળાયેલા હોઈ શકે છે.

અબ્રાહમ કહે છે તે પાણીમાં ભળી જાય છે ભલે બૉટલ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની ફરીથી વાપરી શકાય તેવી હોય. ઉપરાંત પ્લાસ્ટિક સામગ્રી પોતે જ તૂટી શકે છે, જેનાથી બૉટલબંધ પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક્સની સાંદ્રતા વધી શકે છે. કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલની બનેલી બૉટલો વધુ સુરક્ષિત વિકલ્પો હોઈ શકે છે.

તમે કોઈ પણ પાણીની બૉટલ પસંદ કરો પરંતુ સારી સ્વચ્છતાની આદતોથી ખાતરી કરો કે તમે જે પાણી પીઓ છો તે હાનિકારક બૅક્ટેરિયાથી ભરેલું ન હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.