વેણુગોપાલ ધૂત : ઘરેઘરે કલર ટીવી પહોંચાડનારા બિઝનેસમૅનની જેલ સુધીની સફરની કહાણી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વેણુગોપાલ ધૂતનો જન્મ 30મી સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો.
  • વેણુગોપાલના નાનાભાઈ રાજકુમાર વર્ષ 2002થી 2020 સુધી સળંગ ત્રણ ટર્મ માટે શિવસેનાની ટિકિટ ઉપર રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા.
  • 1985માં (બિઝનેસ ટુડે, 16 ડિસેમ્બર-2007, 280) વેણુગોપાલ ધૂતે ભારતમાં ટીવી બનાવવાનું શરૂ કર્યું.
  • વેણુગોપાલ ધૂતે વર્ષ 1984માં વીડિયોકોન ઇન્ટરનેશનલની સ્થાપના કરી હતી.
  • સીબીઆઈએ વીડિયોકોન જૂથના સીઈઓ વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી છે. 'લાંચ સાટે લોન'ના પ્રકરણમાં આ ધરપકડ કરવામાં આવી છે.

આઈસીઆઈસીઆઈ બૅન્કના પૂર્વ ચૅરપર્સન ચંદા કોચર, તેમના પતિ દીપક બાદ હવે સીબીઆઈએ વીડિયોકોન જૂથના સીઈઓ વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરી છે. 'લાંચ સાટે લોન'ના પ્રકરણમાં આ ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈનો આરોપ છે કે ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બૅન્કનાં વડાં હતાં, ત્યારે તેમણે નિયમોને નેવે મૂકીને વીડિયોકોનની લોનને મંજૂર કરી હતી, તેના સાટે વેણુગોપાલ ધુતે કોચરના પતિની (નુપાવર રિન્યુએબલ્સ) કંપનીમાં રોકાણ કર્યું હતું.

વેણુગોપાલના નાનાભાઈ શિવસેનાની ટિકિટ ઉપર રાજ્યસભામાં 18 વર્ષ સુધી સંસદસભ્ય રહ્યા.

નંદલાલના ત્રણ 'લાલ'

કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, વીડિયોકોન જૂથના પાયામાં નંદલાલ ધૂત છે. જેમણે અહમદનગર અને પુનામાં અભ્યાસ કર્યા બાદ શેરડી અને કપાસની ખેતી શરૂ કરી હતી. 1955માં તેમણે વ્યવસાયિક બનવાનું નક્કી કર્યું અને તેમણે યુરોપમાંથી મશીનરી મંગાવીને 'ગંગાપુર સાખર કારખાના'ની સ્થાપના કરી.

એ સમયે ગામડામાં વીજળી પણ મુશ્કેલીથી ઉપલબ્ધ રહેતી, ત્યારે આ નિર્ણય જોખમી જણાય. 1980ના દાયકામાં તેમના ત્રણેય દીકરા વેણુગોપાલ, રાજકુમાર અને પ્રદીપ પણ વ્યવસાયમાં જોડાયા.

પૂર્વ ડિપ્લૉમેટ અને જેડીયુના પૂર્વ સંસદસભ્ય પવન વર્મા તેમના પુસ્તક 'બિઇંગ ઇન્ડિયન'માં (પૃષ્ઠ ક્રમાંક 79) લખે છે : 'વેણુગોપાલ ધૂતે જ્યારે વર્ષ 1984માં વીડિયોકોન ઇન્ટરનેશનલની સ્થાપના કરી, ત્યારે તેમણે એમબીએ કરી રહેલા નાના ભાઈને બોલાવી લીધા અને તેમને પોતાની કલર ટીવીની ફેકટરીમાં કામે લગાડી દીધા.....(વેણુગોપાલ) ધૂતે પરિવારનો ખાંડ-કપાસનો ધંધો કરતી વેળાએ જ ખુદને વીડિયોકોન માટે તૈયાર કર્યા હતા.'

'તેઓ જોખમ લેવા માટે તૈયાર હતા અને ધંધાની ક્ષિતિજો વિસ્તારવા માટે તત્પર હતા. તેમના સમકાલીન મોટા પરિવારના અનેક ઉદ્યોગપતિઓએ જૂનાં કામકાજ ચાલુ રાખ્યાં હતાં. લાઇસન્સ-રાજમાં સ્પર્ધા ન હતી અને પડકાર વિનાની ઈજારાશાહી દ્વારા સહેલાઈથી પૈસા બનાવી રહ્યા હતા.'

જાપાનની તોશિબા કંપનીના સહયોગથી વીડિયોકોનની શરૂઆત થઈ હતી, જે આગળ જતાં અનેક વ્હાઇટ્ ગુડ્સ બનાવનાર હતી.

વાંસળી વગાડતા વેણુ

વેણુગોપાલનો જન્મ 30મી સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. ઇલેક્ટ્રૉનિકસમાં એંજિનિયરિંગ કરનારા વેણુગોપાલ વાંસળી વગાડવામાં નિષ્ણાત છે. મીડિયા સાથેની વાતચીતમાં તેઓ કહી ચૂક્યા છે કે 'વાંસળી વગાડીને પણ હું મારું ગુજરાન ચલાવી શકું તેમ છું.'

રાજ્યસભાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, વેણુગોપાલના નાનાભાઈ રાજકુમાર વર્ષ 2002થી 2020 સુધી સળંગ ત્રણ ટર્મ માટે શિવસેનાની ટિકિટ ઉપર રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા. વેણુગોપાલ અને રાજકુમાર ઍસોચેમના (ઍસોસિયેટેડ ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી) વડા રહી ચૂક્યા છે.

નાનાભાઈ પ્રદીપ સ્થાપના સમયથી વીડિયોકોનના ઊર્જાવ્યવસાયના આંતરરાષ્ટ્રીય પ્રકલ્પો સાથે જોડાયેલા છે, જેનું મુખ્યમથક દુબઈમાં છે. વેણુગોપાલના દીકરા અનિરૂદ્ધ તથા પ્રદીપના દીકરા સૌરભ પણ કંપનીમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

જોકે ધુત પરિવાર તેમના પરંપરાગત વ્યવસાયને ટકાવી શક્યો ન હતો અને નંદલાલ દ્વારા સ્થાપિત ખાંડનું કારખાનું બંધ થઈ ગયું હતું. જેને શરૂ કરવા માટે સ્થાનિકો તથા રાજનેતાઓ દ્વારા સમયાંતરે પ્રયાસ કરવામાં આવ્યો છે.

ટેલિકોમ, કનેક્શન, ડિસ્કનેક્શન

જાન્યુઆરી-2008માં તત્કાલીન સરકાર દ્વારા 11 કંપનીને 122 ટેલિકોમ લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં. આ હરાજીમાં ભાગ લેનારી કેટલીક કંપનીઓએ ફાળવણીની પદ્ધતિ સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે તેના કારણે સરકારની તિજોરીને રૂ. એક લાખ 76 હજાર કરોડનું નુકસાન થયું હતું. જે કંપનીઓને આ મનસ્વી ફાળવણીનો લાભ થયો હતો, તેમાં ધુતની કંપની પણ સામેલ હતી.

ટીએન નિનાન તેમના પુસ્તક 'ધ ટર્ન ઑફ ધ ટૉરટઇસ' (પેજ નંબર 144)માં જણાવે છે કે જ્યારે વિવાદાસ્પદ ફાળવણી થઈ રહી હતી ત્યારે વેણુગોપાલ ધૂત તથા તેમના સંસદસભ્ય ભાઈ રાજકુમાર પણ ત્યાં 'સંચાર ભવન'માં જ હાજર હતા. મહેન્દ્ર નહાટા નામના અરજદારની અરજીને ત્રુટિપૂર્ણ ગણાવીને નકારી કાઢવામાં આવી હતી. આથી, તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બુમરાણ મચાવી હતી, તેમને ખેંચીને બહાર લઈ જવામાં આવ્યા હતા.

એક તબક્કે નહાટાની ડેટાકોમમાં ધુત ભાગીદાર હતા, જે ટેલિકોમ લાઇસન્સ ધરાવતી હતી, પરંતુ પાછળથી બંને ભાગીદાર છૂટા પડી ગયા હતા.

2012માં સર્વોચ્ચ અદાલતે આ કંપનીઓનાં લાઇસન્સ રદ કરી દીધાં હતાં અને તેની પુનઃફાળવણી કરવાના નિર્દેશ આપ્યા હતા. ફેરહરાજીમાં ગુજરાત, હરિયાણા સહિતના મહત્ત્વપૂર્ણ સર્કલમાં ફરીથી લાઇસન્સ મેળવ્યાં હતાં.

માર્ચ-2016માં ભારતી ઍરટેલે તેની હરીફ કંપની વીડિયોકોન પાસેથી રૂ. ચાર હજાર 428 કરોડમાં ગુજરાત, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ (પૂર્વ), ઉત્તર પ્રદેશના (પશ્ચિમ) લાઇસન્સ ખરીદી લીધાં હતાં, જે વર્ષ 2032 સુધી માન્ય છે. એ સમયે મુકેશ અંબાણીની માલિકીનું જિયો બજારમાં આવી રહ્યું હતું, એટલે સ્પર્ધામાં ટકી રહેવા માટે સુનિલ મિત્તલના નેતૃત્વવાળી કંપનીએ આ નિર્ણય લીધો હતો.

સફળતા અને નિષ્ફળતા

1992માં 'બિગ બૂલ' હર્ષદ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર જે કંપનીના શૅરના ભાવોમાં કૃત્રિમ ઉછાળ લાવવાનો આરોપ લાગ્યો હતો, તેમાં વીડિયોકોનનો પણ સમાવેશ થતો હતો. વર્ષ 2001માં જ્યુડિશિલ કસ્ટડીમાં મહેતાનું મૃત્યુ થયું, તે વર્ષે જ વીડિયોકોન ઉપર ત્રણ વર્ષ માટે નાણાબજારમાંથી ભંડોળ ઊભું કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. (ઇન્ડિયાઝ ગ્લોબલ વેલ્થ ક્લબ, જિયોફ હિસકોક, પેજ નં. 175-177)

1985માં (બિઝનેસ ટુડે, 16 ડિસેમ્બર-2007, 280) વેણુગોપાલ ધૂતે ભારતમાં ટીવી બનાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય કંપની થૉમસન પાસેથી ટ્યૂબ ખરીદતા. એ વર્ષે તેમણે થૉમસનનું વીડિયોકલર ડિવિઝન ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. 20 વર્ષ પછી વર્ષ 2005માં ધુતે થૉમસનનો વીડિયોકલરનો વેપાર રૂ. એક હજાર 300 કરોડમાં હસ્તગત કરી લીધો.

આ ખરીદીને કારણે ઘણાને આશ્ચર્ય થયું હતું, કારણ કે CRTના (જૂના ટ્યૂબવાળાં મોટાં ટીવી) દિવસો સમાપ્ત થઈ રહ્યા હતા અને પ્લાઝમા તથા એલસીડી ટીવી બજારમાં આવવાં લાગ્યાં હતાં. ધૂતને હતું કે ભારત, ચીન અને મૅક્સિકો જેવી 'પ્રાઇઝ સેન્સિટિવ બજાર'માં તેમને સફળતા મળશે, પરંતુ એવું નહોતું બન્યું અને LCDના આગમન પછી CRT પ્રૌદ્યોગિકી લગભગ નામશેષ જ થઈ ગઈ.

અકાઈ અને સેનસૂઈ જેવી બ્રાન્ડોના ભારતમાં અધિકાર ધૂતની કંપની પાસે હતા, પરંતુ તેઓ તેનો પૂરતો લાભ લઈ શક્યા ન હતા. એજ વર્ષે તેમણે સ્વીડનની વ્હાઇટ ગુડ્સ બનાવતી કંપની ઇલેક્ટ્રૉલક્સનો ભારતીય વેપાર રૂ. 400 કરોડમાં હસ્તગત કરી લીધો.

એક તબક્કે ધૂતે યુકેસ્થિત બુરેન ઍનર્જીને પણ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. જ્યારે કોરિયાની દેવુ ઇલેક્ટ્રોનિક્સ દેવામાં ડૂબી ત્યારે ધુતે તેને પણ હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથના મ્યુઝિક રિટેલ ચેઇન પ્લાનેટ-એમને વીડિયોકન જૂથે વર્ષ 2013માં અધિગ્રહિત કરી હતી.

આ સિવાય ટેલિવિઝિન ચેનલ્સ લાવવાની અને વિદ્યુતઉત્પાદનમાં ઝંપલાવવાની યોજનામાં ધુત પરિવારને નિષ્ફળતા મળી હતી. કંપનીએ તેનો ડાયરેક્ટ-ટુ-હોમનો વ્યવસાય ઝી ટીવીના ઉપક્રમ ડીશ ટીવી સાથે મર્જ કરી દીધો હતો.

સુદાન, મોઝામ્બિક, ઇસ્ટ તિમોર વગેરે જેવા દેશોમાં પશ્ચિમી દેશોની પેટ્રોલિયમ કંપનીઓ રોકાણ કરવામાં ખચકાતી હતી, ત્યારે ધૂતના નેતૃત્વમાં વીડિયોકોને ત્યાં રોકાણ કર્યું હતું. આ સિવાય ઇન્ડોનેશિયા, બ્રાઝીલ અને ઑસ્ટ્રેલિયામાં પણ તેનાં પેટ્રોલિયમક્ષેત્રે હિત સંકળાયેલાં છે.

 2013ના બીજા છ-માસિક ગાળા દરમિયાન અઢી અબજ ડોલરના ખર્ચે ઓએનજીસીએ મોઝામ્બિક ખાતેના વીડિયોકોનના ઑઈલ ઍક્સ્પ્લોરેશનના અધિકાર ખરીદ્યા હતા. સીબીઆઈએ આ ડીલમાં આર્થિક બાબતની પણ તપાસ હાથ ધરી છે.

ઑગસ્ટ-2019માં ધુતની 13 કંપની સામે રૂ. 65 હજાર કરોડ જેટલાં લેણાં સ્વીકારવામાં આવ્યાં હતાં. ધૂત પરિવારે રૂ. 30 હજાર કરોડનું ચૂકવણું કરીને પતાવટ કરવાની ઓફર કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. ધૂતની સામે મની લૉન્ડ્રિંગનો કેસ પણ ચાલી રહ્યો છે.

ધૂત પરિવારના વેવાઈ સિંગલ પરિવાર (ભૂષણ સ્ટીલ અને બીપીસીએલવાળા) સામે પણ લોન લઈનેમાં ચૂકવણું નહીં કરવાનો કેસ એનસીએલટીમાં ચાલી રહ્યો છે.

'બિઝનેસ ટુડે' તેના અહેવાલમાં લખે છે કે ઊંચા ખર્ચે દેવું કરીને વિસ્તાર કરવાના કારણે મોટાભાગની કંપનીઓ નિષ્ફળ રહી છે. આ સિવાય પોતાની નિપુણતા ન હોય તેવા ક્ષેત્રોમાં પગપેસારો કરવામાં તેમને નિષ્ફળતા સાંપડી છે. બજાર જોઈને સમયસર વિસ્તાર કરવામાં આવે અને વ્યવસાયને સફળ બનાવવા માટે ટેકનૉલૉજીની સમજ હોવી જરૂરી છે. વિસ્તાર માટે દેવું જરૂરી છે, પરંતુ જો તેના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો કંપની ટકી નથી શકતી.