IPL 2024 હરાજી : ક્યા ખેલાડીઓએ ચોંકાવ્યા, કોને કોઈ લેવાલ ન મળ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 2024ની ઇન્ડિયન પ્રીમીયર લીગ- આઈપીએલ માટે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

ઑસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. તેઓ અત્યાર સુધીના આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે.

મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘા ખેલાડી બન્યા તેની થોડી વાર પહેલાં જ ઑસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિજેતા કૅપ્ટન પૅટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલને રૂ. 11.75 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યા છે.

દુબઈમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં લીડ ઑક્શનરની જવાબદારી આ વખતે પહેલીવાર મલ્લિકા સાગરે નિભાવી હતી. વીમેન્સ પ્રીમીયર લીગની શરૂઆતની બે સિઝનમાં પણ તેમણે જ હરાજી કરી હતી.

આ હરાજીમાં 332 ખેલાડીઓની હરાજી થઈ હતી. કુલ 8 ટીમોએ મહત્તમ 25 ખેલાડીઓની ખરીદી કરી છે. જ્યારે બે ટીમોએ 23 ખેલાડીઓની ખરીદી કરી છે.

આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી વધુ 12 ખેલાડીઓની જગ્યા ખાલી હતી. તો ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા હરાજી માટે ઉપલબ્ધ હતા. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી ઓછા 13.15 કરોડ રૂપિયા ઉપલબ્ધ હતા.

ક્યા ખેલાડીઓને સૌથી વધુ રકમ મળી?

આઇપીએલ 2024ની હરાજીએ અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે.

આ હરાજીમાં મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ અનુક્રમે 24.75 કરોડ અને 20.50 કરોડ મેળવીને સૌથી મોંઘા ખેલાડીઓ બન્યા છે.

આ સિવાય આઇપીએલ-2024ના મોંઘા ખેલાડીઓ:

ડેરેલ મિચેલ - ચેન્નઈ સુપર કિંગ્સ- 14 કરોડ

હર્ષલ પટેલ - પંજાબ કિંગ્સ - 11.75 કરોડ

અલ્ઝારી જોસેફ - રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર - 11.50 કરોડ

સ્પૅન્સર જ્હોન્સન - ગુજરાત ટાઇટન્સ - 10 કરોડ

સમીર રિઝવી - ચેન્નઈ સુપર કિંગ્સ - 8.40 કરોડ

રોવમન પૉવેલ - રાજસ્થાન રૉયલ્સ -7.40 કરોડ

શાહરૂખ ખાન - ગુજરાત ટાઇટન્સ - 7.40 કરોડ

કુમાર કુશાગ્ર - દિલ્હી કૅપિટલ્સ - 7.2 કરોડ

આ હરાજીમાં અનકૅપ્ડ પ્લૅયર્સ એવા સમીર રિઝવી, શાહરૂખ ખાન અને કુમાર કુશાગ્રે મોટી રકમ મેળવીને સૌને ચોંકાવ્યા છે.

આ સ્ટાર ખેલાડીઓને કોઇએ ન ખરીદ્યા

અહીં અમે તમને એવા કેટલાક પ્રખ્યાત ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમના માટે બોલી લગાવવામાં આવી ન હતી.

આ ખેલાડીઓ છે -

સ્ટીવ સ્મિથ

મંગળવારે દુબઈમાં યોજાયેલી હરાજી દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેમની બૅઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. પરંતુ આ હરાજી દરમિયાન તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.

જૉશ હેઝલવુડ

ઑસ્ટ્રેલિયન ખેલાડી જૉશ હેઝલવુડને પણ આ હરાજી દરમિયાન કોઈ ટીમે ખરીદ્યા ન હતા. તેમની બૅઝ પ્રાઇઝ પણ 2 કરોડ રૂપિયા હતી.

રેસી વાન ડર ડ્યુસેન

આ સમયગાળા દરમિયાન, દક્ષિણ આફ્રિકાના ખેલાડી રેસી વાન ડર ડ્યુસેન પણ નિરાશ થયા. તેમની બૅઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.

કાઇલી જેમિસન

વિશ્વના સૌથી ઊંચા કદના ફાસ્ટ બૉલરોમાં જેની ગણતરી થાય છે તેવા ન્યૂૃઝીલૅન્ડના કાઈલી જેમિસનને પણ આ હરાજી દરમિયાન નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેમની બૅઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.

આઈપીએલમાં આ વર્ષે અગત્યની બાબતો

ફિટનેસ અને ઇન્ટરનેશનલ મૅચ પર ધ્યાન આપવાને કારણે આ વખતે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ આઈપીએલમાં થોડા સમય માટે જ ઉપલબ્ધ રહેશે.

હાર્દિક પંડ્યા આઈપીએલ અગાઉથી જ ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન બની ચૂક્યા છે. રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે કે કેમ તેની ચાહકોને ઇંતેજારી છે.

આ વર્ષે ક્રિકેટચાહકોની નજર મિચેલ સ્ટાર્ક, રચિન રવીન્દ્ર, પૅટ કમિન્સ, ટ્રાવિસ હૅડ અને ડેરેલ મિચેલ જેવા ખેલાડીઓ પર છે.

ઑસ્ટ્રેલિયાના બૉલર મિચેલ સ્ટાર્ક નવ વર્ષના લાંબા સમય બાદ આઈપીએલમાં પુનરાગમન કરી રહ્યા છે.

ગત વર્ષે પંજાબ કિંગ્સે સેમ કરનને રૂ. 18.5 કરોડમાં ખરીદ્યા હતા અને તેઓ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા.