નૂરા અને અધિલા : કેરળનું લૅસ્બિયન કપલ વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં...

    • લેેખક, મૅરિલ સૅબાસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ, કોચી

“હવે આઝાદી છે, અમે અમારું સ્વપ્ન જીવી શકીએ છીએ.”

આ વર્ષની શરૂઆતમાં અધિલા નસરીન અને ફાતિમા નૂરા અહેવાલોમાં ચમક્યા હતા. જ્યારે કેરળમાં રહેતી આ બે યુવતીઓને તેમના પરિવારોએ બળજબરીપૂર્વક છૂટા પાડ્યા બાદ કોર્ટે તેમને સાથે રહેવા મંજૂરી આપી હતી.

તેમણે પોતાના પરિવારોના વિરોધ સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમનો વિજય થયો હતો.

ગયા મહિને તેઓ ફરી એક વખત અહેવાલોમાં ચમક્યાં. આ વખતે પોતાના વેડિંગ ફોટોશૂટના કારણે. જેમાં તેઓ બંને નવોઢાની જેમ તૈયાર થયાં હતાં.

ઘરેણાં અને પાનેતર પહેરીને તૈયાર થયેલી બંને યુવતીઓએ કેરળના એર્નાકુલમ જિલ્લામાં દરિયાકાંઠે એકબીજાને રિંગ પહેરાવીને ફોટોશૂટ કરાવ્યું હતું.

23 વર્ષીય ફાતિમાએ જ્યારે તસવીરો તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરી તો ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.

સાથે રહેવાની મંજૂરી પણ લગ્ન જેવા કોઈ અધિકાર નહીં

તેમણે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, “અમે ફોટોશૂટ કરાવ્યું કારણ કે અમને હતું કે આ વિચાર રસપ્રદ છે.”

તેઓ એવા સમલૈંગિક યુગલોમાંના એક છે, જેમણે આ પ્રકારના ફોટોશૂટમાં ભાગ લીધો હતો.

અધિલા નસરીન કહે છે, “અમે અત્યાર સુધી લગ્ન કર્યાં નથી. પણ આગળ જતાં અમારી ઇચ્છા છે.”

એલજીબીટીક્યૂ સમૂહો અને કાર્યકર્તાઓની એક દાયકા લાંબી કાયદાકીય લડત બાદ સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં સમલૈંગિક જાતીય સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર કર્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં એલજીબીટીક્યૂ સમુદાય વિશે જાગૃતતા વધી છે પણ તેના સભ્યો આજે પણ કલંક અને પૂર્ણ સ્વીકૃતિના પ્રતિરોધનો સામનો કરે છે.

ફાતિમા અને અધિલા તેનાથી સારી રીતે પરિચિત છે. તેમને ડર છે કે ફાતિમાનો પરિવાર તેમને અલગ કરી દેશે.

ભારતમાં સમલૈંગિક લગ્નોને કાયદેસરની માન્યતા નથી. પણ તે અંગેની અરજી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

આ દરમિયાન સમલૈંગિક યુગલો આ પ્રકારે ફોટોશૂટ કરતા અને ‘કમિટમૅન્ટ સૅરેમની’માં ભાગ લઈ રહ્યા છે.

ફાતિમા અને અધિલાને કેરળ હાઇકોર્ટે એકસાથે રહેવાની મંજૂરી આપી છે પણ તેમની પાસે એવા કોઈ અધિકાર નથી જે એક વિવાહિત યુગલ પાસે હોય.

નસરીન જણાવે છે, “અમે જ્યારે પણ કોઈ ફૉર્મ ભરીએ તો તેઓ પતિ, પત્ની કે પિતાનું નામ પૂછે છે. નોકરીના સ્થળે અને અન્ય કોઈ પણ જગ્યાએ અમારે આજે પણ અમારા પિતાના નામનો ઉપયોગ કરવો પડે છે. તાજેતરમાં જ અમે એક હૉસ્પિટલમાં હતા અને અમારે અમારા પિતાના નામનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે નિરાશાજનક હતું.”

આ વધુ મુશ્કેલ છે કારણ કે બંનેના પરિવાર સાથે સારા સંબંધ નથી.

પરિવાર અને સમાજનો સહકાર ન હોવાથી તેઓ ‘વનજા કલૅક્ટિવ’ જેવા એલજીબીટીક્યૂ સમૂહો પર આધાર રાખે છે. વનજા કલૅક્ટિવે જ તેમને એકસાથે રહેવાની લડતમાં મદદ કરી હતી.

 કેવી રીતે પાંગર્યો હતો પ્રેમ

ફાતિમા અને અધિલા સ્કૂલમાં મળ્યા હતા અને એકબીજાની નજીક આવ્યાં હતાં. સ્કૂલ બાદ કૉલેજ દરમિયાન તેઓ ત્રણ વર્ષ એકબીજાથી દૂર રહ્યાં હતાં.

આ સમય દરમિયાન તેઓ ક્યારેક-ક્યારેક એકબીજા સાથે ફોન અને મૅસેજ થકી વાત કરી લેતાં હતાં.

તેઓ જેટલાં પણ એલજીબીટીક્યૂ સમૂહો પાસે મદદ માટે ગયા, તમામે માત્ર એક જ વાત કહી, “પહેલા ભણવાનું પૂરું કરીને નોકરી શરૂ કરો.”

હવે તેમની મદદ માટે આવતા લોકોને પણ તે જ સલાહ આપે છે.

અધિલા કહે છે કે તેમને ખ્યાલ હતો જ કે ફાતિમા સાથે રહેવા માટે તેમના રૂઢિચુસ્ત પરિવારથી છૂટકારો મેળવવો સરળ નહીં હોય.

તેઓ કહે છે, “અમારા સમાજમાં ઘણા લોકો શિક્ષિત નથી. જ્યારે અમે તેમને નોકરી શોધી આપવામાં મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શિક્ષણની અછત એ મોટો અવરોધ બની જાય છે.”

તેથી જ તેઓ તમામ લોકોને પગભર થવાની સલાહ આપે છે.

ફાતિમા જણાવે છે, “રોજગારી હોવી એ સ્વતંત્રપણે જીવવા માટે ઘણી મહત્ત્વપૂર્ણ બાબત છે. આર્થિક સુરક્ષાનો અર્થ છે કે તમારે કોઈની દયા પર જીવવું નહીં પડે.”

કોર્ટના આદેશ બાદ બંનેનું કહેવું છે કે તેઓ પોતાના જૂના જીવનમાંથી કશું યાદ કરતા નથી.

તેઓ જે સ્વતંત્રતા અનુભવી રહ્યા છે, એ તેમના જીવનના એ ભાગો પરથી સ્પષ્ટ થાય છે, જેને તેઓ સોશિયલ મીડિયા પર શૅર કરે છે.

સમર્થન અને ટીકા

બંનેનું કહેવું છે કે લોકો તરફથી મળેલા સમર્થનથી તેઓ અત્યારે પણ પ્રભાવિત છે. તેમણે કેરળમાં એક લોકપ્રિય મહિલા પત્રિકા અને એક ટીવી શોમાં ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા છે. જ્યાં તેમની કહાણીને શક્તિ અને સાહસની કહાણીરૂપે રજૂ કરવામાં આવી હતી.

અધિલા કહે છે, “હવે માસ્ક અને ચશ્મા પહેર્યા હોય તો પણ લોકો અમને ઓળખી લે છે અને લોકો ઉમળકાભેર મળી રહ્યા છે.”

શુભચિંતકો સિવાય તેમના ટીકાકારોથી પણ બંને ખુશ છે. તેઓ ક્યારેક અહંકારી ટીકાકારોને રમૂજી રીતે સોશિયલ મીડિયા પર જવાબ પણ આપે છે.

તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું હતું કે આ તેમના જીવનનો એક તબક્કો હશે કારણ કે તેણે ક્યારેય 40 વર્ષથી મોટી ઉંમરના લૅસ્બિયન કપલ જોયાં નથી. તો બંનેએ જવાબ આપ્યો, “અમે 40 વર્ષના થઈએ તેની રાહ જુઓ.”