You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિપુર પોલીસ વિરુદ્ધ આસામ રાઇફલ્સનો વિવાદ કેમ વકર્યો?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી જાતીય હિંસા વચ્ચે રાજ્યમાં તહેનાત સુરક્ષાદળો વચ્ચે જમીની સ્તર પર થઈ રહેલા મતભેદ અને તણાવ હવે ખૂલીને સામે આવ્યા છે.
હાલના ઘટનાક્રમમાં મણિપુર પોલીસે ભારતીય સેનાના સંચાલન હેઠળ આવતા અર્ધ સૈનિકબળ આસામ રાઇફલ્સના સૈનિકોની સામે કામમાં અવરોધ પેદા કરવાનો, ઈજા પહોંચાડવાની ધમકી આપવાનો અને ખોટી રીતે અટકાવવાના મામલે એફઆઈઆર નોંધાવી છે.
આસામ રાઇફલ્સના સૈનિકો સામે અલગઅલગ આઈપીસી કલમો હેઠળ એફઆઈઆર નોધવામાં આવી છે.
આસામ રાઇફલ્સની નવમી બટાલિયનના સુરક્ષાકર્મીઓ સામે આ એફઆઈઆર વિષ્ણુપુર જિલ્લાના ફોઉગાકચાઓ શાખા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આસામ રાઇફલ્સના સૈનિકોએ મણિપુર પોલીસના કર્મીઓને પોતાનું કામ કરતા રોક્યા અને કથિત કુકી ઉગ્રવાદીઓને સુરક્ષિત ક્ષેત્રમાં ભાગવાની તક આપી.
આસામ રાઇફલ્સ એક કેન્દ્રીય અર્ધ સૈનિકદળ છે જે મુખ્ય રૂપે ભારત-મ્યાનમાર સીમા પર તહેનાત છે.
આસામ રાઇફલ્સ ભારતીય સેનાના ઑપરેશનલ નિયંત્રણ હેઠળ કામ કરે છે.
ભારતીય સેનાએ આસામ રાઇફલ્સની ભૂમિકા પર કરવામાં આવેલા આરોપોને ફગાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય સેનાનું કહેવું છે, "જમીની પરિસ્થિતિની જટિલતાને કારણે વિભિન્ન સુરક્ષાદળો વચ્ચે વ્યૂહાત્મક સ્તરે ક્યારેક મતભેદો ઊભરી આવે છે. પરંતુ તેનો નિકાલ સંયુક્ત પ્રણાલી અંતર્ગત તરત જ કરવામાં આવે છે."
આ મામલે ભારતીય સેનાનું કહેવું છે કે આસામ રાઇફલ્સ હિંસા રોકવા માટે કુકી અને મૈતેઈ ક્ષેત્રો વચ્ચે બનાવવામાં આવેલા બફર ઝોનને સુનિશ્ચિત કરવા માટે કમાન્ડ મુખ્યાલય દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહી હતી.
શું છે મામલો?
આસામ રાઇફલ્સ સામે દાખલ કરાયેલી એફઆઈઆરમાં મણિપુર પોલીસે આરોપ લગાવ્યો છે કે પાંચ ઑગસ્ટના રોજ સવારે સાડા છ વાગ્યે રાજ્ય પોલીસની ટીમ ક્વાક્તા વૉર્ડ નંબર આઠ પાસે ફોલ્જાંગ રોડ વિસ્તારમાં આરોપી કુકી ઉગ્રવાદીઓની ભાળ મેળવવા પહોંચી.
થોડા કલાકો પહેલાં જ દિવસે સાડા ત્રણ વાગ્યે ક્વાક્તામાં હથિયારબંધ ગુનેગારોએ સૂતેલા ત્રણ મૈતેઈ લોકોની હત્યા કરી નાખી. મરનારા પૈકી બે પિતા-પુત્ર હતા.
મણિપુર પોલીસને શંકા હતી કે આ હત્યાકાંડમાં કુકી વિદ્રોહીઓનો હાથ છે અને તેમણે આ વિસ્તારમાં શરણ લીધું છે.
મણિપુર પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમની ટીમ કુતુબવાળી મસ્જિદમાં પહોંચી તો આસામ રાઇફલ્સની 9મી બટાલિયનના કર્મીઓએ ક્વાક્તા ફોલ્જાંગ રોડ વચ્ચે પોતાની બખ્તરબંધ કેસ્પર ગાડીઓ મૂકીને તેમને આગળ જતા અટકાવ્યા, જેને કારણે કુકી ઉગ્રવાદીઓને ભાગવાની તક મળી ગઈ.
આ ઘટના સાથે જોડાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો.
આ વીડિયોમાં મણિપુર પોલીસ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલતી હોય તેવું દેખાય છે.
આ વીડિયોમાં મણિપુર પોલીસના એક જવાનને આસામ રાઇફલ્સ પર હથિયારબંધ ગુનેગારોની સાથે મળેલા હોવાનો આરોપ લગાવતા પણ જોઈ શકાય છે.
આ પહેલાં પણ થઈ હતી બંને વચ્ચે તકરાર
મણિપુર પોલીસ અને આસામ રાઇફલ્સ આમનેસામને હોય તેવો આ પહેલો બનાવ નથી.
તારીખ બીજી જૂને એક વીડિયો વાઇરલ થયો, જેમાં દેખાતું હતું કે આસામ રાઇફલ્સની 37મી બટાલિયનના કર્મીઓએ સુગનુ પોલીસ સ્ટેશનના દરવાજા પર એક બખ્તરબંધ કેસ્પર ગાડી લગાવીને તેનો રસ્તો રોકી દીધો હતો.
આ વીડિયોમાં એમ પણ દેખાતું હતું કે સુગનુ પોલીસ સ્ટેશનની સામેના રસ્તા પર બંને તરફ કેસ્પર ગાડીઓ લગાવીને પોલીસ સ્ટેશન પહોંચવાનો રસ્તો બ્લૉક કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાના વીડિયોમાં પણ મણિપુર પોલીસના જવાનો અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ઉગ્ર ચર્ચા થતી હોય તેવું દેખાય છે.
જુલાઈ મહિનામાં જ્યારે બીબીસીની ટીમ સુગનુ પોલીસ સ્ટેશન પર પહોંચી હતી ત્યારે ત્યાં તહેનાત મણિપુર પોલીસના કર્મીઓએ નામ ન પ્રકાશિત કરવાની શરતે કહ્યું કે આસામ રાઇફલ્સની 37 બટાલિયન સામે કેસ દાખલ કરી દીધો છે.
એફઆઈઆર બતાવીને એક અધિકારીએ કહ્યું કે આસામ રાઇફલ્સના જવાનો પર કામમાં દખલ દેવાનો, ઈજા પહોંચાડવાની ધમકી આપવાનો અને અયોગ્ય રીતે કામ કરતા અટકાવવાના મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
એફઆઈઆરમાં એમ પણ નોંધવામાં આવ્યું હતું કે આસામ રાઇફલ્સનો ઇરાદો મણિપુર પોલીસના મથક પર હુમલો કરવાનો હતો.
અમે સુગનુ પોલીસ સ્ટેશન પર તહેનાત જવાનો પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો કે આ ઘટના કેમ થઈ?
તો આ જવાન પૈકી એકે કહ્યું, "અમને ખબર નથી કે તેઓ શું કરવા ઇચ્છતા હતા. પણ આ બહુ ચોકાવનારું હતું."
ભારતીય સેના આસામ રાઇફલ્સના બચાવમાં
આસામ રાઇફલ્સ પર લાગી રહેલા આરોપોને ભારતીય સેનાએ ફગાવ્યા છે.
ટ્વિટર પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક વિરોધી તત્ત્વોએ તારીખ ત્રીજી મેના રોજ મણિપુરમાં લોકોનો જીવ બચાવવાની અને શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરતી આસામ રાઇફલ્સની ભૂમિકા પર સવાલ ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ વારંવાર કર્યો છે.
ભારતીય સેનાએ એમ પણ કહ્યું, "એ સમજવું જોઈએ કે મણિપુરમાં જમીની પરિસ્થિતિની જટિલ પ્રકૃતિને કારણે વિભિન્ન સુરક્ષાદળો વચ્ચે વ્યૂહાત્મક સ્તરે ક્યારેક મતભેદો થઈ જાય છે. જોકે કાર્યાત્મક સ્તર પર આવી ભૂલને મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં તાલમેલ બેસાડવા માટે સંયુક્ત તંત્ર મારફતે ઉકેલવામાં આવે છે."
ભારતીય સેનાએ કહ્યું, "આસામ રાઇફલ્સને બદનામ કરવાના ઉદ્દેશ્યના છેલ્લા 24 કલાકમાં બે મામલા સામે આવ્યા છે."
"પહેલા મામલામાં આસામ રાઇફલ્સ બટાલિયને બે સમુદાય વચ્ચે હિંસા રોકવાના ઉદ્દેશ્યથી બફર ઝોન અંગેના દિશાનિર્દેશોને કડકપણે લાગુ કરવાના આદેશ પ્રમાણે કામ કર્યું છે.
બીજો મામલો આસામ રાઇફલ્સને એક એવા ક્ષેત્રમાંથી બહાર લઈ જવાનો છે જેનો તેની સાથે કોઈ સબંધ નથી.”
જે બીજા મામલાની વાત કરવામાં આવી રહી છે તે એક વીડિયો સાથે પણ જોડાયેલો છે. જેમાં મહિલાઓ સૈન્ય ગણવેશમાં રહેલા એક અધિકારીના પગે પડીને રડતી-કરગરતી નજરે પડે છે.
આ વીડિયો મારફતે એવો દાવો કરાઈ રહ્યો છે કે આ મહિલાઓ કુકી સમુદાયની છે જે પોતાના વિસ્તારમાંથી આસામ રાઇફલ્સને હઠાવીને અન્ય જગ્યાએ તહેનાત કરવાની યોજનાનો વિરોધ કરી રહી છે. તે રડતી-રડતી વિનંતી કરતી નજરે પડે છે કે આસામ રાઇફલ્સ ત્યાંથી ન જાય.
ભારતીય સેનાનું કહેવું છે કે મે મહિનાથી મણિપુરમાં સંકટ પેદા થયું છે ત્યારથી સેનાની એક ઇન્ફેંટ્રી બટાલિયન આ વિસ્તારમાં તહેનાત છે. જ્યાંથી આસામ રાઇફલ્સને હઠાવવાની કહાણી બનાવવામાં આવી છે.
ભારતીય સેનાએ એમ પણ કહ્યું છે કે તે અને આસામ રાઇફલ્સ મણિપુરના લોકોને આશ્વાસન આપે છે કે પહેલાંથી જ અસ્થિર માહોલને બગાડવાનો અને હિંસા ફેલાવવાનો કોઈ પણ પ્રયાસને રોકવા માટે તેમના જવાનો દૃઢ છે.
આસામ રાઇફલ્સ સામે વધી રહી છે નારાજગી
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી જાતીય હિંસામાં અત્યાર સુધી 152 લોકોના જીવ ગયા છે.
લગભગ 60 હજાર લોકો વિસ્થાપિત બન્યા છે. કેટલાક રાજ્ય છોડીને ભાગી ગયા છે. હજારો લોકો રાહતશિબિરમાં રહેવા મજબૂર છે.
મણિપુરમાં હજારોની સંખ્યામાં સેનાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. પરંતુ આસામ રાઇફલ્સ એવું દળ છે જે વર્ષોથી મણિપુરના ઘણા વિસ્તાર જેવા કે પહાડી અને મ્યાનમાર સરહદના વિસ્તારોમાં તહેનાત છે.
પહાડી અને સરહદ પાસેના વિસ્તારો કુકી બહુલ વિસ્તાર છે. આ બાબતને આધાર બનાવીને વારંવાર આ આરોપો લગાવવામાં આવે છે કે આસામ રાઇફલ્સ અને કુકી સમુદાય વચ્ચે ઘનિષ્ઠતા છે.
11 જુલાઈના રોજ મણિપુરના 31 ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે આસામ રાઇફલ્સની 9મી, 22મી અને 37મી બટાલિયન્સને રાજ્યમાંથી હઠાવી દેવામાં આવે.
તેમની જગ્યા પર એવાં કેન્દ્રીય સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવે જે રાજ્યની એકતા વધારવા ઇચ્છુક હોય.
આ ધારાસભ્યોનો એ પણ આરોપ હતો કે આસામ રાઇફલ્સની કેટલીક બટાલિયનો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા અંગે તમની ચિંતા વધી છે અને તે હાલની પરિસ્થિતિમાં એકતા માટે ખતરો છે.
સાત ઑગસ્ટના રોજ મણિપુર ભાજપના એકમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા એક આવેદનપત્રમાં લખ્યું હતું કે રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે આસામ રાઇફલ્સની ભૂમિકાની ટીકા કરવામાં આવી રહી છે તેની સામે સાર્વજનિક રીતે ભયંકર રોષ પ્રવર્તી રહ્યો છે.
આ આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે આસામ રાઇફલ્સ નિષ્પક્ષતા જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે અને જનતાનો આરોપ છે કે તેમની ભૂમિકા પક્ષપાતપૂર્ણ છે જેમાં તેઓ એક સમુદાયનું સમર્થન કરે છે.
મણિપુર ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અનુરોધ કર્યો છે કે જનહિતમાં રાજ્યમાંથી આસામ રાઇફલ્સને હઠાવીને અન્ય અર્ધ સૈનિકદળને સ્થાયી રૂપે તહેનાત કરવામાં આવે.