You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તણાવ આપણા માટે ઉપયોગી કેવી રીતે સાબિત થઈ શકે, પણ સતત ટેન્શન કેટલું નુકસાન કરે છે?
- લેેખક, આર્મેન નાર્સિસિયસ
મોટાભાગના પુખ્ત વયના લોકો વારંવાર તણાવ અનુભવે છે. તેમને માથાના દુખાવાથી લઈને ચિંતા સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ભલે થોડો તણાવ આપણા માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ જો તે તણાવ લાંબા સમય સુધી રહે તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે વધુ પડતો તણાવ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
આ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને જીવનને વધુ મુશ્કેલ અને ઓછું આનંદપ્રદ બનાવી શકે છે.
જોકે, તણાવને નિયંત્રિત કરવો અને તેને તમારા ફાયદામાં ફેરવવો શક્ય છે.
તણાવ એ શરીરની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરવાની રીત છે.
સતત તણાવ રહેતો હોય તો શરીરને તેની હાનિકારક અસરોથી કેવી રીતે બચાવવું? તણાવથી બચવા માટે શું કરવું જોઈએ? સમજીએ આ અહેવાલમાં...
જ્યારે તમે તણાવ અનુભવો છો, ત્યારે તમારું શરીર એવા હોર્મોન્સ મુક્ત કરે છે જે તમને આવનારી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૂંકા ગાળામાં, આ તણાવ મદદરૂપ થઈ શકે છે કારણ કે તે તમને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર કરે છે અને તમારી કાર્ય કરવાની રીતમાં સુધારો કરે છે.
જોકે, અમેરિકન સાયકોલૉજિકલ ઍસોસિએશન અનુસાર, લાંબા ગાળાના તણાવથી તમારા શરીરમાં ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જેમ કે ચિંતા, હૃદય રોગ અને નબળી રોગપ્રતિકારક શક્તિ.
કામ, પૈસા અને અંગત સંબંધો એ કેટલાંક પરિબળો છે જે ઘણીવાર તણાવનું કારણ બને છે અને તેને અવગણી શકાય નહીં. પરંતુ મહત્ત્વનું પાસું એ છે કે તણાવ કેટલો સમય ચાલે છે.
તીવ્ર તણાવનો સમયગાળો ટૂંકો હોય છે અને તે ફાયદાકારક પણ હોઈ શકે છે. પરંતુ ક્રૉનિક સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે છે અને શરીર પર ખરાબ અસર કરે છે.
મનોચિકિત્સક અને બ્રિટિશ ઍસોસિએશન ઑફ કાઉન્સેલિંગ ઍન્ડ સાયકોથેરાપી (BACP) ના સભ્ય રિશેલ વોરા ઍક્યુટ સ્ટ્રેસ એ કેટલાક કિસ્સાઓમાં ફાયદાકારક હોવાનું કહે છે.
"તણાવ ઍડ્રેનાલિન અને કૉર્ટિસોલ મુક્ત કરીને ફાઇટ પ્રતિક્રિયાને સક્રિય કરે છે. તે આપણું ધ્યાન વધારે છે અને થોડા સમય માટે આપણું પાચન પણ સુધારે છે."
ઍક્યુટ સ્ટ્રેસથી કોઈ નુકસાન થતું નથી પરંતુ પડકારોનો સામનો કરવામાં મદદ મળે છે.
પરંતુ ક્રૉનિક સ્ટ્રેસ એટલે કે કાયમી તણાવ આપણા શરીર પર ખરાબ અસર કરે છે.
વોરા કહે છે કે ક્રૉનિક સ્ટ્રેસ આપણા હોર્મોન્સને અસર કરે છે. આનાથી હૃદય રોગનું જોખમ વધે છે અને પાચનતંત્ર નબળું પડે છે. આનાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ પણ થઈ શકે છે.
ક્રૉનિક સ્ટ્રેસ પણ ચિંતા અને હતાશા સાથે જોડાયેલો છે. આ સ્ટ્રેસને કારણે વ્યકિતને ઊંઘમાં તકલીફ પડે છે અને વ્યક્તિ જલ્દી વૃદ્ધ થઈ જાય છે.
વોરાના મતે, ક્રૉનિક સ્ટ્રેસ આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે.
યુકે નૅશનલ હૅલ્થ સર્વિસ (NHS) અનુસાર, તણાવને કારણે આપણા શરીરમાં ઘણી પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. આમાં તણાવ હોર્મોન્સ, કોર્ટિસૉલ અને ઍડ્રેનલિનનું રિલીઝ થવું શામેલ છે.
આનાથી આપણા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધે છે, અને ઑક્સિજનથી ભરપૂર લોહી આપણા સ્નાયુઓ સુધી વધુ ઝડપથી પહોંચે છે.
બ્લડ સુગર લેવલ વધવાથી તાત્કાલિક ઊર્જા મળે છે.
પરંતુ આ પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, કારણ કે શરીર તાત્કાલિક ઊર્જાથી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.
લાંબા સમય સુધી તણાવમાં રહેવું નુકસાનકારક છે. લાંબા સમય સુધી તણાવ વજનમાં વધારો કરે છે. ખાસ કરીને પેટની આસપાસ વધારે વજન વધે છે.
સ્ટ્રેસ હોર્મોન્સ યાદશક્તિને અસર કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.
નૅશનલ હૅલ્થ સર્વિસ ચેતવણી આપે છે કે લાંબા ગાળાના તણાવથી હૃદય રોગ, પાચન સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ થઈ શકે છે.
"સ્થિતિસ્થાપકતા( રેસલિએન્સ) એક કૌશલ્ય છે જે સમય જતાં વિકસિત થાય છે," કેલિફોર્નિયા યુનિવર્સિટીના સહાયક સંશોધન પ્રોફેસર ગોલનાઝ તાબિબનિયા કહે છે.
"પડકારોને અવગણવાને બદલે તેમનો સામનો કરવાથી સ્થિતિસ્થાપકતા વધે છે."
ડૉ. તાબિબનિયા કહે છે કે, ''માનસિકતામાં થોડો ફેરફાર ચિંતા ઘટાડી શકે છે. તાણને અવગણવાને બદલે તેનો સતત સામનો કરવાથી મગજને ભવિષ્યમાં આવનારા તણાવનો સામનો કરવા માટે મદદ મળે છે. તે જિમમાં જવા જેવું છે જ્યાં ભારે વજન ઉપાડવું મુશ્કેલ છે, પરંતુ તે તમને મજબૂત બનાવે છે"
ચિંતા અને તણાવ વચ્ચેનો તફાવત સમજવા માટે બીબીસીએ એન્ઝાયટી સ્ટ્રેસ સંસ્થા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે તણાવ એ કામની સમયમર્યાદા, ડ્રાઇવિંગ ટેસ્ટ અથવા કોઈપણ પરીક્ષા જેવી બાહ્ય સમસ્યાઓથી આવે છે.
પરંતુ ચિંતા કોઈપણ સમસ્યા વિના પણ ચાલુ રહી શકે છે. ચિંતા લાગણીઓને સામાન્ય બનાવવામાં મદદ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓ માટે તમને સજાગ રાખે છે. પરંતુ જ્યારે તે ખૂબ વધારે હોય છે ત્યારે તમારા દિવસનું આખું કામ બગડી શકે છે.
તણાવ અને ચિંતા બંને આપણા નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જે શરીરની લડવાની ક્ષમતા માટે જરૂરી છે. આ શરીરને સતર્ક કરે છે અને સમસ્યાનો સામનો કરવા માટે ઊર્જા આપે છે.
આનો અર્થ એ થયો કે બંને હૃદયના ધબકારા વધવા, પરસેવો થવો અને ધ્રુજારી જેવાં લક્ષણોનું કારણ બને છે. પરંતુ ચિંતા લાંબા સમય સુધી ચાલે છે અને વધુ ઊંડી હોય છે.
એન્ઝાયટી યુકે ચિંતાનો સામનો કરવા માટે શ્વાસ લેવાની કસરતોની ભલામણ કરે છે.
આ એક સરળ પણ અસરકારક તકનીક છે. આમાં, શ્વાસ લેવા કરતાં શ્વાસ બહાર કાઢવામાં વધુ સમય પસાર થાય છે, જે શરીરને આરામ કરવાનો સંકેત આપે છે અને નર્વસ સિસ્ટમ શાંત થાય છે.
શૈક્ષણિક સંશોધન મુજબ, બિહેવિયર ચેન્જ પ્રેક્ટિસ તણાવથી શરીરને થતા નુકસાનને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
શારીરિક કસરત પણ તણાવ હોર્મોન્સ ઘટાડે છે અને મૂડ સુધારે છે. ધ્યાન મનને શાંત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
સંશોધનપ્રમાણે સામાજિક સમર્થન ભાવનાત્મક શક્તિ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડૉ. તાબિબનિયા દયાળુ બનવાના અને કસરત કરવા, બહાર સમય પસાર કરવો, લોકો સાથે જોડાવાનો અને પરિવાર સાથે સમય વિતાવવો જેવી વિજ્ઞાન આધારિત ઉપાય સૂચવે છે જે ચિંતામાં ઘટાડો કરે છે.
લંડનમાં માઇન્ડફુલનેસ કોચ અને સેવન બ્રેથ્સના સ્થાપક યુકી, વ્યાપક હૃષ્ટિકોણ પર ભાર મૂકે છે.
તેઓ સમજાવે છે, " સ્ટ્રેસ મેેનેજમેન્ટ ફક્ત આરામ કરવા વિશે નથી. તે એવી જીવનશૈલી વિશે છે કે જે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખે છે. જ્યારે તમે તમારા સ્વાસ્થ્યને મહત્ત્વ આપો છો, ત્યારે તણાવને નિયંત્રિત કરવાનું સરળ બને છે."
તે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં માઇન્ડફુલનેસ, ઊંઘ, હલનચલન અને પોષણને મહત્ત્વપૂર્ણ પરિબળો માને છે.
તેઓ કહે છે, "તમારા આંતરડાના માઇક્રોબાયોમ તણાવને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વસ્થ ખોરાકની પસંદગી તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે."
યુકીના મતે, સ્ટ્રેસ મેનેજમેન્ટ એવી વસ્તુ નથી જેને તમે ઝડપથી સુધારી શકો. તે દૈનિક ટેવો અંગે છે જે સ્થિતિસ્થાપકતાને ટેકો આપે છે.
નિષ્ણાતો કહે છે કે તણાવ જીવનનો એક ભાગ છે, પરંતુ તેનાથી થતી પીડાને આપણે ટાળી શકીએ છીએ.
અભ્યાસોએ દર્શાવ્યું છે કે જે લોકો માને છે કે તણાવ અસ્તિત્વમાં છે તેઓ તેનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. તેઓ ઓછો થાક અનુભવે છે અને તેમની ઇમોશનલ હેલ્થ પણ સારી રહે છે.
હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના સંશોધન મુજબ, તણાવને ખતરાને બદલે પડકાર તરીકે જોવાથી શરીર પર તેની અસરોમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.
ડૉ. તાબિબનિયા કહે છે, "જ્યારે લોકો તણાવને ખતરાને બદલે મદદ તરીકે જુએ છે, ત્યારે તેમનો માનસિક તણાવ ઓછો થાય છે."
"તણાવ પ્રત્યેના વલણને બદલીને, વ્યક્તિ પડકારોને વ્યક્તિગત વિકાસની તકોમાં ફેરવી શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન