You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાન આજે ફરી સામસામે ટકરાશે, એકબીજા સાથે 'હાથ ન મિલાવવાનું' કારણ શું હશે?
ભારતમાં ક્રિકેટ અંગે ભારે ક્રૅઝ જોવા મળે છે, પરંતુ આ રમત પણ રાજકારણથી સંપૂર્ણપણે અલગ નથી રહી. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે જો તમને ક્રિકેટમાં રસ ન હોય તો પણ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મૅચ સાથે સંકળાયેલા વિવાદે અખબારો, ટીવી અને સોશિયલ મીડિયા મારફતે તમારું ધ્યાન જરૂર ખેંચ્યું હશે.
રવિવારે ફરી સુપર-4 મુકાબલામાં ભારત-પાકિસ્તાનની ટીમ સામસામે હશે, પરંતુ હાલ વાત કરીએ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલ મૅચની, જેમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું.
ભારતીય ક્રિકેટપ્રેમીઓએ આ જીતની ખૂબ ઉજવણી કરી, પરંતુ સાથે જ એક વિવાદ પણ સામે આવ્યો.
ક્રિકેટની રમતમાં ટૉસ અને મૅચ ખતમ થયા બાદ ખેલાડીઓ વચ્ચે હાથ મિલાવવાની પરંપરા રહી છે, પરંતુ આ વખત ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતને ખેલદિલીની ભાવનાથી વિરુદ્ધ ગણાવતા નારાજગી વ્યક્ત કરી.
ભારત તરફથી કહેવાયું કે આ પગલું 'આતંકવાદ'ના પીડિતો સાથે એકતા દેખાડવા માટે લેવાયું હતું, પરંતુ 'હૅન્ડશેક વિવાદ' અહીં સુધી જ સીમિત ન રહ્યો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) અને મૅચ રેફરીની ભૂમિકા પર પણ સવાલ ઊઠ્યા કે શું તેમણે સ્થિતિને યોગ્ય રીતે સંભાળી કે નહીં.
આ ઘટનાઓથી ઘણા સવાલ ઊભા થાય છે. શું જે થયું, એ નહોતું થવું જોઈતું? શું ખેલાડી રાજકીય વિવાદોમાં ઘસાય છે કે દેશની ભાવનાઓની સાથે તેમની ભાવનાઓનું પણ સન્માન થવું જોઈએ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલ એવો પણ છે કે શું ક્રિકેટમાં સ્પૉન્સર્સ અને પૈસાનો સવાલ ખૂબ મોટો થઈ ચૂક્યો છે, આ વિવાદમાં ભારતીય અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ભૂમિકાને કેવી રીતે જોવી જોઈએ?
બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ, 'ધ લેન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝ્મ મુકેશ શર્માએ આ જ બધા મુદ્દા પર ચર્ચા કરી.
આ સવાલો પર ચર્ચા માટે વરિષ્ઠ પત્રકાર પ્રદીપ મૅગેઝિન, પૂર્વ ક્રિકેટર અને કોચ વિજય દહિયા, વરિષ્ઠ પત્રકાર અયાઝ મેમણ અને નીરુ ભાટિયા સામેલ થયાં.
'નો હૅન્ડશેક વિવાદ' : પરંપરા કે નિયમ?
રવિવાર (14 સપ્ટેમ્બર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ શરૂ થઈ અને એ બાદ બંને ખેલાડીઓએ હાથ નહોતો મિલાવ્યો.
ટૉસ સમયે પણ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા વચ્ચે પરંપરાગત 'હૅન્ડશેક' નહોતું થયું.
પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે મૅચ રેફરી ઍન્ડી પાઇક્રૉફ્ટે ટૉસ દરમિયાન ટીમના કૅપ્ટનોએ હાથ ન મિલાવવા કહ્યું હતું. પાકિસ્તાને આવી ફરિયાદ આઇસીસીને પણ કરી હતી.
સાથે જ પાકિસ્તાને પણ એવી પણ ધમકી આપી હતી કે જો મૅચ રેફરીને ન હઠાવાયા તો તેઓ યુએઇ વિરુદ્ધ મૅચ નહીં રમે. એ જ કારણ હતું કે એશિયા કપમાં બુધવારે થનારી પાકિસ્તાન અને યુએઇ વચ્ચેની નૉકઆઉટ મૅચ મોડેથી શરૂ થઈ. આ મૅચમાં પાકિસ્તાને 41 રને જીત મેળવી હતી.
આ અંગે પૂર્વ ક્રિકેટર અને કોચ વિજય દહિયાએ કહ્યું, "પરંપરા અને નિયમમાં ફરક હોય છે. જ્યાં સુધી મૅચ રેફરીની વાત છે તો જો કોઈ નિયમને નથી માનતું તો ત્યાં મૅચ રેફરીની ભૂમિકા આવે છે. મૅચ ખતમ થયા બાદ તમે એકમેક સાથે હાથ મિલાવો છો,જે કંઈ પણ વસ્તુ હોય છે એ નિયમ નથી. જો તમે જુઓ તો પહેલાં પણ આવાં ઘણાં ઉદાહરણો જોવાં મળ્યાં છે. આવાં ઘણાં બધાં ઉદાહરણો બીજી ટીમો વચ્ચે પણ થઈ ચૂક્યાં છે."
વિજય દહિયાનું માનવું છે કે આ મુદ્દાને એટલો એટલા માટે ઉઠાવાયો, કારણ કે મૅચ રેફરીએ ઇન્ટરવ્યૂ ન કર્યું કે તેમણે કંઈ ન કર્યું.
તેમણે મૅચ રેફરીની ભૂમિકાને સ્પષ્ટ કરતાં કહ્યું, "મૅચ રેફરી ત્યારે જ તસવીરમાં આવે છે, જ્યારે એ બાબતનો નિયમ હોય."
બીજી તરફ આ અંગે વરિષ્ઠ પત્રકાર પ્રદીપ મૅગેઝિનનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન સાથે મૅચ રમવા માટે જે સંમતિ વ્યક્ત કરી છે, તેના મોટી બબાલ થઈ છે.
તેમણે કહ્યું, "એક તરફ તમે પાકિસ્તાન સાથે આતંકવાદ માટે લડવાની વાત કરી રહ્યા છો અને બીજી તરફ તમે ક્રિકેટ કેમ રમી રહ્યા છો. 'ઑપરેશન સિંદૂર' બાદ રમત માટે સંમત થવું એ આશ્ચર્યચકિત કરનારું છે."
તેમણે કહ્યું, "તમે એક સ્પૉર્ટ્સ ઇવેન્ટમાં રમી રહ્યા છો અને જો તમે સંમત જ ન હો તો વાત ખતમ થઈ જાય છે, પરંતુ શું તમારે સંમતિ વ્યક્ત કર્યા બાદ આવું કરવું જોઈતું હતું? આ મોટો સવાલ છે."
શું ભારતીય ખેલાડીઓ પર દબાણ હતું?
જાણકારોનું માનવું છે કે ભારતીય ખેલાડીઓએ એ મૅચ દમિયાન જે કર્યું કે જે કહ્યું તેના માટે તેમના પર દબાણ પણ હતું, પરંતુ સાથે જ જાણકારોનું એવું પણ કહેવું છે કે એક વ્યક્તિની પોતાની એક ફીલિંગ હોય છે અને એને એ વ્યક્ત કરી શકે છે.
'હૅન્ડશેક વિવાદ' અંગે વરિષ્ઠ પત્રકાર નીરુ ભાટિયાનું માનવું છે કે ભારત અને પાકિસ્તાનના આ વિવાદમાં ભારતીય ખેલાડી 'અટવાયેલા' હતા. તેમણે કહ્યું કે સરકારના નિર્દેશ હતા કે જાઓ અને રમો, તેથી તેઓ રમવા ગયા.
નીરુ ભાટિયાએ કહ્યું, "ભારતીય ખેલાડીઓ ઉપર દબાણ હતું કે પાકિસ્તાન ટીમ સાથે કોઈ ઝાઝી મિત્રતા ન દેખાડે. સામાન્ય રીતે જે બીજી ટુર્નામેન્ટ્સ હોય છે કે સારા માહોલમાં રમાતી હોય છે ત્યારે ભારત-પાકિસ્તાનના ખેલાડી હાથ પણ મિલાવે છે અને વાતચીત પણ કરે છે."
આ અંગે પત્રકાર અયાઝ મેમણે કહ્યું, "મારું માનવું છે કે તમે ગયા, ત્યાં રમ્યાં, સારી વાત છે. તમે મૅચ જીતી ગયા, એ પણ ખૂબ સારી વાત છે. મૅચની તરત બાદ તમે નિવેદન પણ આપ્યું. નિવેદન આપ્યા બાદ હાથ ન મિલાવવા, મારા મતે સૌથી વધુ ખેલાડીઓનું અપમાન છે, કારણ કે ખેલાડીઓએ શું કર્યું હતું? ના ભારતના ખેલાડી અને ના પાકિસ્તાનના ખેલાડી, આ વિવાદ રાજકીય છે, જેમાં તેમની કોઈ ભૂમિકા નથી. જો તમે હાથ મિલાવી લીધા હોત તો તમારી સ્થિતિમાં કોઈ ફેરફાર નહોતો થવાનો."
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે કેમ સવાલ ઊઠ્યા?
એશિયા કપમાં બુધવારે સાંજે જ્યારે નિર્ધારિત સમય સુધી પાકિસ્તાનની ટીમ સ્ટેડિયમ ન પહોંચી ત્યારે ઘણી બધી આશંકા થવા લાગી. કેટલીક ન્યૂઝ ચૅનલોએ જણાવ્યું કે પાકિસ્તાન આ મૅચનો બહિષ્કાર કરશે.
એ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રવક્તા આમિર મીરે પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે બોર્ડ અને આઇસીસી અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેની મૅચ એક કલાક માટે સ્થગિત કરી દેવાઈ છે.
યુએઇ વિરુદ્ધ મૅચમાં વિલંબ અને રેફરી અંગે થયેલા વિવાદો અંગે વરિષ્ઠ પત્રકાર નીરુ ભાટિયાનું માનવું છે કે આ બધું એટલા માટે થયું કે પાકિસ્તાન ભારત સાથે મૅચ હારી ગયું અને તેના પર પડદો નાખવા માટે આવું કરાયું.
આ અંગે વરિષ્ઠ પત્રકાર પ્રદીપ મૅગેઝિનનું કહેવું છે કે ભારત રમવા માટે તૈયાર થયું તો પાકિસ્તાન પણ રમવા માટે રાજી થયું છે.
તેમણે ભારતના સંદર્ભમાં કહ્યું, "રમતમાં હાથ ન મિલાવવાનો અર્થ થાય છે કે તમે તમારો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે."
પ્રદીપ મૅગેઝિને કહ્યું, "પાકિસ્તાને જે ફરિયાદ કરવાની હતી એ તેણે કરી. તમે એક મૅચ શરૂ કરવામાં મોડું કર્યું, અમને ન્યૂઝ ચૅનલો પાસેથી ખબર પડી કે પાકિસ્તાન આ મૅચને બૉયકૉટ કરશે, પરંતુ આધિકારિક બ્રૉડકાસ્ટરે મૅચમાં એક કલાકનું મોડું થયું એનું કોઈ કારણ ન જણાવ્યું."
તેમણે કહ્યું, "આ ટુર્નામેન્ટ એવી સ્થિતિમાં રમાઈ રહી છે જેનાથી એવું નથી સમજાઈ રહ્યું કે આ લોકો યુદ્ધ લડવા ગયા છે કે મૅચ રમવા."
આ મુદ્દે પૂર્વ ક્રિકેટર અને કોચ વિજય દહિયાએ કહ્યું, "ઘણી વાર એવી બાબતો બને છે જે પહેલી વાર થઈ હોય છે. તો એ બાદ પણ ઘણા બધા નિયમ બને છે."
તેમણે કહ્યું, "આઇસીસી કે એસીસીએ નીમેલા અધિકારીઓ વિરુદ્ધ જો કોઈ પણ ફરિયાદ કરાઈ હતી તો તેમણે એ બાબતો જરૂર જોઈ હશે અને તેને જોતાં તેમનું એવું જ માનવું હતું કે નિમાયેલા મૅચ રેફરી પોતાની જગ્યાએ બિલકુલ ઠીક છે."
વિજય દહિયાએ કહ્યું, "કોઈને કોઈની સાથે હાથ મિલાવવાનું કહેવાની જવાબદારી રેફરીની નથી."
તેમણે કહ્યું, "મૅચ રેફરી વિરુદ્ધ કરાયેલી ફરિયાદમાં પીસીબીએ વધુ કેટલીક બાબતો જોડી દીધી. તેઓ જે કેસ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા, એ મજબૂત બનવાને સ્થાને વધુ નબળો પડી ગયો."
શું ક્રિકેટને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યું છે?
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ મૅગેઝિનનું માનવું છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો ક્રિકેટનો ઉપયોગ કરી રહી છે.
વરિષ્ઠ પત્રકાર નીરુ ભાટિયાનું કહેવું છે કે ક્રિકેટની સામે બીજી રમતોમાં સરકારની દખલ એટલી વધુ નથી. તેમના પ્રમાણે, "ક્રિકેટમાં પૈસા પણ છે અને રાજકારણીઓ પણ. તેથી અહીં મામલો થોડો જટિલ બની જાય છે."
આ મુદ્દે પ્રદીપ મૅગેઝિનનું કહેવું છે કે, "આની ખેલાડીઓ પર ખૂબ વધુ અસર પડે છે, કારણ કે એક પ્રકારે તમે તેમનો શાંતિ અને યુદ્ધ માટે એક હથિયારની માફક ઉપયોગ કરી રહ્યા છો. શાંતિ માટે તમે તેમને કહો છો કે તમે ભેટીને આવો અને યુદ્ધ કરવું હોય તો કહો કે થપ્પડ મારીને આવો. તેથી આ રમતને રાજકારણથી દૂર રાખવું એ ખૂબ મુશ્કેલ કામ છે. બની શકે કે ભવિષ્યમાં લોકો એકમેક સાથે રમવા જ ન માગે."
તેમણે કહ્યું, "જો આ મૅચમાં પાકિસ્તાનને જીત મળી હોત અને તેમણે આવી વાતો કહી હોત, તો ઇન્ડિયાની પ્રતિક્રિયા કેવી હોત. આથી આ પ્રશ્ન ભારતીય પ્રશંસકોએ પણ પોતાના મગજમાં રાખવો જોઈએ કે રમતને રમત રહેવા દેવાય. જો રાજકારણ સાથે ભેળવશો તો આવું જ થશે."
વરિષ્ઠ પત્રકાર અયાઝ મેમણે ચિંતા વ્યક્ત કરી કે આગામી સમયમાં એશિયા કપ થશે કે નહીં અને જો થશે તો કેવી રીતે થશે. તેમણે કહ્યું, "જો ભારત વિ. પાકિસ્તાન જેવી શ્રેષ્ઠ મૅચ જ ખતરામાં છે તો એશિયા કપના આયોજનનો કોઈ અર્થ ખરો?"
મેમણે આગામી ટી20 વર્લ્ડકપનો ઉલ્લેખ કરતાં કહ્યું, "આ સિવાય આગામી સમયમાં ટી20 વર્લ્ડકપ યોજવાનો છે, જે ભારતમાં રમાશે. ત્યાં પાકિસ્તાનની ટીમેય આવશે, ભારતનું વર્તન ત્યાં કેવું રહેશે, કેવો માહોલ બનશે, એ જોવું રહ્યું."
તેમણે કેટલાક પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો પર આરોપ લગાવ્યો કે તેઓ સોશિયલ મીડિયા પર વિવાદને વધુ ભડકાવી રહ્યા છે.
તેમણે કહ્યું, "સોશિયલ મીડિયા પર મેં જોયું કે ભારત અને પાકિસ્તાનની વાતમાં, ખાસ કરીને નિવૃત્ત ક્રિકેટરો કાં તો મીઠું ભભરાવી રહ્યા છે કાં તો આગમાં ઘી હોમી રહ્યા છે."
વિજય દહિયાનું કહેવું છે કે "ક્રિકેટ સમાજનો ભાગ છે, સમાજ ક્રિકેટનો ભાગ નથી."
તેમનું માનવું છે કે કોઈ પણ ખેલાડી જ્યારે મેદાન પર ઊતરે છે તો તેમના મગજમાં માત્ર એટલું જ હોય છે કે એ ગત મૅચ કરતાં સારું પ્રદર્શન કઈ રીતે કરી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન