માહિરા ખાનનો માનસિક બીમારી સામે જંગ, આ રોગનાં લક્ષણ અને ઇલાજ શું?

માહિરા ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માહિરા ખાન

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને ખુલાસો કર્યો છે કે તેઓ બાયપૉલર ડિસૉર્ડર સામે લડી રહ્યાં છે. યૂટ્યૂબ ચેનલ 'FWhy Podcast' પર એક ઇન્ટરવ્યૂમાં માહિરા ખાને પોતાની બીમારી વિશે માહિતી આપી હતી.

માહિરા ખાન અભિનેતા શાહરુખ ખાન સાથે ફિલ્મ 'રઈસ'માં જોવાં મળ્યાં હતાં. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

માહિરા ખાન આજે પણ બાયપૉલર ડિસૉર્ડર સામે લડી રહ્યાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.

માહિરાએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષે દવા લેવાનું બંધ કર્યું ત્યારે બાયપૉલર ડિસૉર્ડરનાં લક્ષણથી ખૂબ જ પરેશાન થઈ ગયાં હતાં. તેઓ છેલ્લાં છ-સાત વર્ષથી આ માનસિક બીમારી સામે લડી રહ્યાં છે.

બીબીસીએ બે વર્ષ પહેલાં એટલે કે 2020માં બાયપૉલર ડિસૉર્ડર વિશેનો એક લેખ પ્રકાશિત કર્યો હતો. માહિરા ખાનના નિવેદનને પગલે અમે એ લેખ ફરી પ્રકાશિત કરી રહ્યા છીએ, જે આ રોગ સામે લડતા લોકો અને દર્દીઓના સ્વજનો માટે માહિતીપ્રદ પુરવાર થશે.

અનિલ (નામ બદલ્યું છે) 11-12 વર્ષનો હતો ત્યારે કોઈ કારણસર તેને તેનાં માતા સાથે બોલાચાલી થઈ હતી. અનિલે ગુસ્સામાં માતા પર હાથ ઉપાડ્યો હતો.

અનિલનું વર્તન માતા માટે નવું ન હતું. એ પહેલાં પણ તે ગુસ્સે ભરાઈને વસ્તુઓ ફેંકતો હતો અને નાના ભાઈને ધક્કો મારીને પાડી દેતો હતો તથા તેને થપ્પડ મારતો હતો.

બાયપોલર વનમાં મેનિયાના ઝટકા તીવ્ર હોય છે

ઇમેજ સ્રોત, PM IMAGES

ઇમેજ કૅપ્શન, બાયપૉલર વનમાં મેનિયાના ઝટકા તીવ્ર હોય છે

એ સમયે અનિલ એટલો આક્રમક બની જતો હતો કે તેના કાબૂમાં રાખવો મુશ્કેલ હતો. શાળામાં અનિલ અન્ય બાળકો સાથે ઝઘડા અને મારપીટ કરતો હોવાની ફરિયાદ કાયમ આવતી હતી.

તેની સાથે અનિલના સ્વભાવનું એક અન્ય પાસું પણ જોવા મળતું હતું. ક્યારેક તે એકદમ ચૂપ થઈ જતો હતો. કોઈના સવાલનો જવાબ આપતો ન હતો. કોઈ કારણ વગર ઘણી વાર પડી પડતો હતો અને રૂમમાં પૂરાઈ જતો હતો.

અનિલના આવા વર્તનની તેનાં માતાએ શરૂઆતમાં અવગણના કરી હતી, કારણ તે નાનો હતો. માતા એવું માનતા હતા કે અનિલ મોટો થઈ રહ્યો હોવાથી આવું વર્તન કરે છે.

જોકે, બાદમાં માતાને સમજાયું હતું કે અનિલનું વર્તન વિચિત્ર છે. તેના સ્વભાવના ઉતાર-ચડાવમાં એક પૅટર્ન જોવા મળતી હતી. એવું કાયમ થતું હતું.

જે દિવસે અનિલે માતા પર હાથ ઉપાડ્યો ત્યારે માતાને ખબર પડી ગઈ હતી કે હવે હદ આવી ગઈ છે.

માતાને ડર હતો કે અનિલ આવેગમાં ખુદને જ નુકસાન કરશે. તેથી તેમણે ડૉક્ટરની સલાહ લેવાનો નિર્ણય કર્યો હતો.

મનોચિકિત્સક ડૉ. મનીષા સિંઘલ સાથે વાત કર્યા બાદ માતાને ખબર પડી હતી કે અનિલને બાયપૉલર ડિસૉર્ડર છે.

ગ્રે લાઇન

બાયપૉલર ડિસૉર્ડર શું છે?

100માંથી લગભગ ત્રણથી પાંચ ટકા લોકોમાં બાયપોલર ડિસોર્ડરના લક્ષણો જોવા મળે છે

ઇમેજ સ્રોત, DIMITRI OTIS

ઇમેજ કૅપ્શન, 100માંથી લગભગ ત્રણથી પાંચ ટકા લોકોમાં બાયપૉલર ડિસૉર્ડરનાં લક્ષણો જોવા મળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાયપૉલર ડિસૉર્ડર એક માનસિક બીમારી છે. ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આપણા શરીરમાં ડોપમાઈન નામનું એક હોર્મોન હોય છે. તેની અસંતુલિત માત્રાને કારણે વ્યક્તિના મૂડમાં ચડાવ-ઉતાર જોવા મળે છે.

બાયપૉલર ડિસૉર્ડરથી પીડિત વ્યક્તિ મેનિયા અથવા ડિપ્રેશનનો અનુભવ કરે છે એટલે તેના મૂડમાં તીવ્ર કે નિમ્ન પ્રકારના ચડાવ-ઉતાર આવે છે.

બાયપૉલર વનમાં મેનિયાના ઝટકા તીવ્ર હોય છે. એ સ્થિતિમાં વ્યક્તિ મોટેથી બોલે છે. તે સતત કામ કરે છે. તે ઊંઘતી ન હોવા છતાં તેને થાક લાગતો નથી. આરામ કર્યા વિના પણ તે સતત ઉત્સાહિત જોવા મળે છે.

આ ડિસૉર્ડરથી પીડિત વ્યક્તિ જરૂર કરતાં વધારે ખર્ચ કરે છે. વગર વિચાર્યે મોટા નિર્ણય કરે છે. તેનું મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી.

આવી જ બીમારીથી પીડાતા એક દર્દીનો ઉલ્લેખ કરતાં મનોચિકિત્સક ડૉ. પૂજા શિવમ જેટલીએ કહ્યું હતું, “બાયપૉલર ડિસૉર્ડરથી પીડિત એ દર્દી ઉદ્યોગસાહસિક પરિવારનો સભ્ય હતો. તેણે તેના બિઝનેસમાં પણ એક પછી એક અનેક અતાર્કિક નિર્ણય લેવાનું શરૂ કર્યું હતું.”

“તેઓ મોટી-મોટી વાતો કરતા હતા. પ્રચંડ ખર્ચ કરતા હતા. તેમણે ઊંઘવાનું બંધ કરી દીધું હતું. તેઓ પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માનવા લાગ્યા હતા. એ ઉપરાંત જાતીય સમાગમની તેમની ઇચ્છામાં પણ વધારો થયો હતો.”

“આ બધા કારણસર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ત્યાં પણ લોકોને નોકરી આપવાની, પોતાની સંપત્તિ તેમના નામે ટ્રાન્સફર કરવાની વાતો શરૂ કરી હતી.”

ડૉ. જેટલીએ ઉમેર્યું હતું, “આવા લોકો વાસ્તવિકતાથી વાકેફ નથી હોતા. આવાં લક્ષણો બે સપ્તાહથી વધુ સમય સુધી જોવા મળતાં રહે તો તેને મેનિયા કહેવામાં આવે છે.”

ગ્રે લાઇન

ટાઈપ ટુ બાયપૉલર (હાયપોમેનિયા)

તેમાં ડિપ્રેશનના ઍટેક આવે છે. મન ઉદાસ થઈ જાય છે. કારણ વિના રડવાની ઇચ્છા થાય છે. કોઈ કામમાં મન પરોવાતું નથી. ઊંઘ ન આવતી હોય તો પણ પથારીમાં પડ્યા રહેવાની ઇચ્છા થાય છે. ક્યારેક અતિશય ઊંઘ અથવા અનિંદ્રાનાં લક્ષણ પણ જોવા મળે છે.

આવા લોકો સતત મૂરઝાયેલા જોવા મળે છે. તેઓ અન્ય લોકોને મળવાનું અને તેમની સાથે વાત કરવાનું પણ બંધ કરી દે છે.

નોંધ ક્યારે લેવી?

મનોચિકિત્સક ડો. મનીષા સિંઘલ
ઇમેજ કૅપ્શન, મનોચિકિત્સક ડૉ. મનીષા સિંઘલ

સામાન્ય રીતે આપણે પણ જીવનમાં આવા તબક્કામાંથી પસાર થતા હોઈએ છીએ, પરંતુ એ સ્થિતિમાંથી બે-ત્રણ સપ્તાહમાં બહાર આવી જઈએ છીએ. આવી સ્થિતિ સતત બે સપ્તાહ સુધી રહે તો તેને હાઈપોમેનિયા કહેવામાં આવે છે.

ડૉ. મનીષા સિઘલના જણાવ્યા મુજબ, “ઉપરનાં લક્ષણો એકાદ વખત પણ જોવા મળે તો તે વ્યક્તિને બાયપૉલર ડિસૉર્ડરની સમસ્યા હોવાનું નિદાન થાય છે.”

બાયપૉલર ડિસૉર્ડર કોઈ પણ વયે થઈ શકે છે, પરંતુ 20થી 30 વર્ષના વયજૂથમાં તે સૌથી સામાન્ય છે. આજકાલ તો 20 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં પણ અર્લી બાયપૉલર ડિસૉર્ડર હોવાનું નિદાન થઈ રહ્યું છે.

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં મનોચિકિત્સક તરીકે કાર્યરત ડૉ. રૂપાલી શિવલકરે કહ્યું હતું, “આ જૂની બીમારી છે, પરંતુ હવે તેની ઓળખ યોગ્ય રીતે થઈ રહી છે. આ બાબતે લોકો જાગૃત થયા છે. તેથી તે વધુ પ્રમાણમાં બહાર આવવા લાગ્યો છે. આજકાલ બાયપૉલર ડિસૉર્ડર બહુ સામાન્ય છે. 100માંથી લગભગ ત્રણથી પાંચ ટકા લોકોમાં બાયપૉલર ડિસૉર્ડરનાં લક્ષણો જોવા મળે છે.”

તેમણે ઉમેર્યું હતું, “કોઈ વ્યક્તિમાં 40 વર્ષની વય પછી આ પ્રકારની વિકૃતિ જોવા મળે તો તેનો સંબંધ મગજમાં થતા ફેરફાર સાથે હોઈ શકે છે. તેને ઑર્ગેનિક મૂડ ડિસૉર્ડર કહેવામાં આવે છે. તેથી વ્યક્તિના મગજની સંરચનામાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે.”

ગ્રે લાઇન

બાયપૉલર અને આત્મહત્યાના વિચાર

ડો. રૂપાલી શિવલકર
ઇમેજ કૅપ્શન, ડૉ. રૂપાલી શિવલકર

બાયપૉલર ડિસૉર્ડરના દર્દીઓને આત્મહત્યાના વિચારો આવતા હોવાથી સારવાર માટે આવે છે. તેઓ તેનાથી વાકેફ હોય છે, એવું ડો. જણાવતાં ડૉ. શિવલકરે ઉમેર્યું હતું, “બાયપૉલર એક આજીવન બીમારી છે. થાઇરોઇડ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને માનસિક બીમારી આ બધા બિન-ચેપી રોગ છે.”

ડૉ. સિંઘલના કહેવા મુજબ, “માનસિક બીમારી વારસાગત પણ હોઈ શકે છે. પરિવારમાં કોઈને આ પ્રકારની માનસિક બીમારી હોય તો ભવિષ્યમાં સંતાનોમાં પણ તેનાં લક્ષણો જોવા મળે તેવી શક્યતા હોય છે.”

“બાયપૉલર ડિસૉર્ડર એક માનસિક બીમારી છે. તે રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે અને દર્દી ફરીથી સામાન્ય જીવન જીવી શકે છે. આ બીમારી ભવિષ્યમાં ફરી માથું ઊંચકે તો તાત્કાલિક તબીબી સારવાર શરૂ કરાવવી જોઈએ.”

આ રોગની સારવાર માટે મૂડ સ્ટેબિલાઈઝર્સ અથવા મેમ્બ્રેન સ્ટેબિલાઈઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદ વડે મગજમાં ડોપામાઈનની માત્રા સંતુલિત રાખવામાં આવે છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેનો ઉપયોગ રોગને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવે છે.

ડૉ. પૂજાશિવમ જેટલી

ઇમેજ સ્રોત, bbc

ઇમેજ કૅપ્શન, ડૉ. પૂજાશિવમ જેટલી

ડૉક્ટરોના મતાનુસાર, બાયપૉલર ડિસૉર્ડરના દર્દીને સર્જનાત્મક પ્રવૃત્તિમાં સામેલ કરવાથી તેને લાભ થાય છે. આવા દર્દીઓને વધુ સારસંભાળ અને સ્નેહની જરૂર હોય છે. મેનિયાની સ્થિતિમાં લોકો ઘણી વખત ખરાબ નિર્ણય લેતા હોય છે, પરંતુ બાદમાં તેમને તેનો પસ્તાવો થાય છે.

એ સ્થિતિમાં તેમને શાંતિ અને પ્રેમથી સમજાવવાની જરૂર હોય છે. તેમનું દિમાગ શાંત રહે, મગજ પર તાણ ન વધે તેનું ધ્યાન રાખવું પડે છે. આવા દર્દીઓને લોકો સાથે હળવાભળવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.

સૂચનાઃ દવા અને થૅરપી વડે માનસિક બીમારીની સારવાર શક્ય છે. એ માટે મનોચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. તમારામાં કે તમારા પરિચિતોમાં આ પ્રકારની માનસિક બીમારીનાં લક્ષણ જોવા મળે તો નીચે આપેલા હેલ્પલાઈન નંબર્સ પર સંપર્ક સાધીને મદદ મેળવી શકો છો.

રેડ લાઇન
રેડ લાઇન