હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધવિરામની સમજૂતીમાં કોણ જીત્યું?

ઇમેજ સ્રોત, Getty Images
લેબનોનમાં ઈરાન સમર્થિત હથિયારધારી સમૂહ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે 27 નવેમ્બરે થયેલી યુદ્ધવિરામની સમજૂતીની મધ્ય-પૂર્વના સમાચાર માધ્યમોમાં ખૂબ ચર્ચા છે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ થઈ રહ્યું હતું. ઑક્ટોબર 2023માં ગાઝામાં જ્યારે ઇઝરાયલે હુમલો શરૂ કર્યો હતો ત્યારે હિઝબુલ્લાહે ઇઝરાયલ પર લેબનોન તરફથી રૉકેટમારો કર્યો હતો. હિઝબુલ્લાહ ખુલીને હમાસનું સમર્થન કરી રહ્યું હતું.
ઇઝરાયલના અંગ્રેજી અખબાર 'હારેત્ઝ'ના કટારલેખક રાવિત હેચ્ટે લખ્યું છે, “હમાસ અને હિઝબુલ્લાહના સંપર્કને તોડવો અ ઇઝરાયલની એક જીત છે. એ માટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાની પીઠ થપથપાવી શકે છે.”
26 નવેમ્બરે આ સમજૂતીની જાહેરાત કરતી વખતે નેતન્યાહૂએ કહ્યું હતું, “લેબનોનમાં થયેલી આ સમજૂતી બાદ હમાસ એકલું પડી ગયું છે. હિઝબુલ્લાહને હવે સમગ્ર મામલામાંથી દૂર કરી દેવામાં આવ્યું છે અને આ યુદ્ધમાં હવે માત્ર હમાસ જ રહી ગયું છે.”
ઇઝરાયલી મીડિયા શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી સમાચાર માધ્યમો કહી રહ્યાં છે કે હિઝબુલ્લાહ હવે નબળું પડી ગયું છે અને તેને ફરીથી તાકાત એકઠી કરવામાં સમય લાગશે. અને જ્યારે તેને મોકો આપશે ત્યારે જ હિઝબુલ્લાહ તાકાત મેળવી શકશે.
ઇઝરાયલની 'વાલા' ન્યૂઝ વેબસાઇટના રાજકીય સંવાદદાતા બરાક રૅવિડે લખ્યું છે, “આ હિઝબુલ્લાહની વ્યૂહાત્મક હાર નથી પરંતુ નિશ્ચિત રીતે ઉત્તરની સરહદ પર લડાઈ રહેલા યુદ્ધમાં આ ઇઝરાયલની જીત છે. હિઝબુલ્લાહ નષ્ટ નથી થયું પરંતુ નાટકીય રીતે કમજોર થઈ ગયું છે.”
જોકે, લેબનોનની સરહદ પર રહેતાં ઇઝરાયલના લોકોનું કહેવું છે કે હિઝબુલ્લાહ ધીમે-ધીમે પોતાને ફરી એકવાર ઊભું કરી લેશે. લેબનોન સાથે જોડાયેલી સરહદ પર આવેલું ઇઝરાયલના કિરયાત શમોના શહેરના મેયરે દક્ષિણપંથી અખબાર 'યિસ્રાએલ હાયોમ'માં એક કૉલમ લખી છે.
જેમાં તેમણે લખ્યું છે, “મને શંકા છે કે આ યુદ્ધવિરામ લાગૂ થઈ શકશે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલની સેનાએ એક બફર ઝોન બનાવવો જોઈએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેબનોનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રહેતાં ઇઝરાયલના લોકોનું કહેવું છે કે હિઝબુલ્લાહ દક્ષિમ લેબનોનનાં ગામોમાં ફરીથી પોતાનાં મૂળિયાં મજબૂત કરી લેશે.
હિઝબુલ્લાહ સાથે સમજૂતી થયા બાદ ગાઝામાં ચાલી રહેલી લડાઈ અને ઇઝરાયલના બંધકો બાબતે પણ સવાલો થઈ રહ્યા છે.
ગાઝામાં યુદ્ધવિરામ ક્યારે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યેડિયોટ હ્રોનોટમાં સિમા કદ્મોને પોતાની કૉલમમાં લખ્યું છે, “નેતન્યાહૂ ઇઝરાયલના લોકોને એ જણાવવામાં નિષ્ફળ રહ્યા છે કે જે કામ તેઓ લેબનોનમાં કરી રહ્યા છે, તે કામ ગાઝામાં કેમ નથી કરી શક્યા?”
“એનો જવાબ છે કે તેઓ આમ કરવા નથી ઇચ્છતા. નેતન્યાહૂ ગાઝાને બદલે લેબનોનને પ્રાથમિકતા આપી રહ્યા છે. હમાસને બદલે હિઝબુલ્લાહને પ્રાથમિકતા આપી રહ્યા છે અને બંધકોની મુક્તિને બદલે પોતાની સત્તાને પ્રાથમિકતા આપી રહ્યા છે.”
હારેત્ઝે પોતાના સંપાદકીય અગ્રલેખમાં લખ્યું છે કે નેતન્યાહૂને હમાસને એકલું પડી જવાની સ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ અને આ જ પ્રકારની સમજૂતી ગાઝામાં કરવી જોઈએ જેથી બંધકોને મુક્ત કરાવી શકાય.
બીજી બાજુ હિઝબુલ્લાહ સમર્થિત મીડિયામાં આ સમજૂતીને જીત તરીકે રજૂ કરવામાં આવી છે. અલ-મનારની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે, ”આ લેબનોનની જીત છે. ઇઝરાયલનાં દળોને ભારે નુકસાન થયું છે. દક્ષિણ લેબનોનના વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનાં ખિઆમ શહેર પર ઇઝરાયલના કબજાને નિષ્ફળ બનાવી દીધો.”
"ઇઝરાયલ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના ભાષણમાં યુદ્ધવિરામની જાહેરાત કરી તેનાથી ખ્યાલ આવે છે કે ઇઝરાયલની સેના કેટલી હદે લાચાર થઈ ગઈ હતી. ઇઝરાયલની સેનાને પ્રતીતિ થઈ ગઈ હતી કે તે યુદ્ધના મેદાનમાં વિજેતા નહીં બની શકે.”
ઈરાનની નબળાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
હિઝબુલ્લાહ સમર્થિત અલ-અખબાર દૈનિકે પણ કંઈક આ પ્રકારે જ લાઇન લખી છે. આ દૈનિકના પ્રથમ પાનાની હેડલાઇન છે – 'અડગ જીત.'
તેમાં કહેવામાં આવ્યું છે, “આપણા દુશ્મને એ બધું કર્યું જે તે કરી શકે છે. આ સંઘર્ષનો અંત 2006ના યુદ્ધની જેમ જ આવ્યો, જે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 1701 સાથે થયો હતો અને તેમાં પણ આ તમામ જોગવાઈઓ હતી.”
હિઝબુલ્લાહની વેબસાઇટ અલ-અહદે લખ્યું છે, “જ્યારે દુશ્મનને મુશ્કેલીઓ પડવા લાગી ત્યારે યુદ્ધવિરામ લાગૂ થયો. ઇઝરાયલને અહીં પ્રતિરોધનો અનુભવ થઈ ગયો હશે. હિઝબુલ્લાહે પાઠ ભણાવી દીધો છે. ઇઝરાયલ જે લક્ષ્ય મેળવવા માગતું હતું, તે કરી નથી શક્યું પરંતુ આપણી જીત થઈ છે. ઇઝરાયલની નબળાઈ અને ક્રૂરતા બન્ને ખુલ્લી પડી ગઈ છે.”
ઈરાનના અંગ્રેજી અખબાર તહેરાન ટાઇમ્સે હિઝબુલ્લાહના પ્રમુખ રહી ચૂકેલા સૈયદ હસન નસરલ્લાહના દીકરા મોહમ્મદ મેહદીનો એક વીડિયો શૅર કર્યો છે. મેહદી યુદ્ધવિરામને હિઝબુલ્લાહની જીત ગણાવી રહ્યા છે.
મેહદીએ યુદ્ધવિરામ વિશે કહ્યું, “આ અમારા સાહસ અને સમર્પણની જીત છે. એમણે આપણાં ઘરોને નષ્ટ કર્યાં અને લોકોને માર્યા પરંતુ અંતે વિજય આપણો થયો.”
તો બીજી તરફ લોકો આ યુદ્ધવિરામની સમજૂતીને ઈરાનના નબળા પડવા સાથે જોડી રહ્યા છે. ભારતમાં પાકિસ્તાનના હાઇકમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિત માને છે કે આ આ સોદો બતાવે છે કે ઈરાન હવે સંઘર્ષના મૂડમાં નથી પરંતુ હવે તેણે રક્ષણાત્મક અભિગમ અપનાવી લીધો છે.
અબ્દુલ બાસિતે યૂટ્યૂબ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, “ટ્રમ્પ આવ્યા બાદ હવે ઈરાન રક્ષણાત્મક બની ગયું છે. ઈરાને જ હિઝબુલ્લાહને કહ્યું હશે કે યુદ્ધવિરામની દિશામાં આગળ વધે. પહેલાં હિઝબુલ્લાહનું વલણ હતું કે ઇઝરાયલ ગાઝામાં હુમલા બંધ કરશે ત્યારે જ તે યુદ્ધવિરામ મામલે વાત કરશે.”
“જોકે હવે બાબતો ઝડપથી બદલાઈ રહી છે. ઈરાન પણ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલાં ઇચ્છે છે કે હિઝબુલ્લાહને હાલ બાજુમાં રાખવામાં આવે. ઈરાન હાલ ટ્રમ્પ સાથે સંઘર્ષ નથી ઇચ્છતું. આવી સ્થિતિમાં તે યુદ્ધવિરામ તરફ આગળ વધ્યું, જેથી યુરોપ સાથેનો સંબંધ સુધારી શકાય. અમેરિકા ઈરાનમાં સરકાર બદલાવવા અને પરમાણુ કાર્યક્રમને રોકવા ઇચ્છે છે. પરંતુ ઈરાન હાલ ઇચ્છે છે કે તે ટ્રમ્પને આ માટે ઉશ્કેરે નહીં અને એમ કરવાથી રોકે.”
અબ્દુલ બાસિત કહે છે, “રશિયા હજી યુક્રેન સાથે યુદ્ધમાં રોકાયેલું છે. પશ્ચિમના પ્રતિબંધોને કારણે રશિયા પણ આર્થિકરૂપે કમજોર થયું છે. ચીનનું ઈરાનમાં અબજો ડૉલરનું રોકાણ છે. ઈરાનને હાલ રશિયા તરફથી કોઈ મદદ નહીં મળે અને ચીન નહીં ઇચ્છે કે ઈરાન કોઈ યુદ્ધમાં ફસાઈ જાય. આમ પણ ચીન કોઈને સૈન્ય મદદ નથી કરતું. એવામાં ઈરાન પાસે ટ્રમ્પના મામલે સતર્ક રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












