નેતન્યાહૂની ધરપકડનું વૉરંટ કાઢનાર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કેવી રીતે કામ કરે છે?

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઇઝરાયલ, આઇસીસી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) એ એક વૈશ્વિક અદાલત છે જે નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુના અને યુદ્ધ અપરાધો સામે કાર્યવાહી કરવાની સત્તા ધરાવે છે.

નવેમ્બર મહિનામાં આઈસીસીએ ઇઝરાયલના વડા પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી તથા હમાસના લશ્કરી કમાન્ડર સામે ધરપકડનાં વૉરંટ જારી કર્યાં હતાં.

આઈસીસી શું કરે છે?

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઇઝરાયલ, આઇસીસી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનુું હૅગમાં આવેલું વડું મથક

નૅધરલૅન્ડ્સના ધ હેગ શહેર ખાતે 2002માં આ અદાલત સ્થપાઈ હતી. અત્યાચાર કરનારા બદમાશ નેતાઓને જવાબદાર ઠેરવવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી.

યુગોસ્લાવ યુદ્ધો અને રવાન્ડાના નરસંહારને પગલે વિશ્વના નેતાઓએ આઈસીસીની રચના માટે આગ્રહ કર્યો હતો.

કોઈ ઉપાય ન હોય ત્યારે છેલ્લે આ અદાલતમાં આવે છે. રાષ્ટ્રીય સત્તાવાળાઓ કાર્યવાહી કરી ન શકે, અથવા કાર્યવાહી કરવી ન હોય ત્યારે જ આઈસીસી હસ્તક્ષેપ કરે છે.

આઈસીસી ફક્ત 1 જુલાઈ, 2002 પછી કરવામાં આવેલા ગુના માટે જ કાર્યવાહી કરી શકે છે. આ દિવસે કોર્ટની સ્થાપના કરનાર રોમ સ્ટેચ્યુટ અમલમાં આવ્યો હતો.

રોમ સ્ટેચ્યુટને 124 દેશો દ્વારા બહાલી આપવામાં આવી છે. વધુ 34 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે અને ભવિષ્યમાં તેને બહાલી આપી શકે છે.

જોકે, ઇઝરાયલ તેનું સભ્ય નથી અને અમેરિકા પણ તેમાં ગેરહાજર હોય એવો મહત્ત્વનો દેશ છે.

આઈસીસીએ કયા કેસમાં કાર્યવાહી કરી છે?

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઇઝરાયલ, આઇસીસી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા બધા મહત્ત્વના દેશો આઈસીસીના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માર્ચ 2012માં કોર્ટનો પ્રથમ ચુકાદો આવ્યો હતો જે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં મિલિટરી નેતા થૉમસ લુબાંગા વિરુદ્ધ હતો.

તેમને કૉંગોમાં સંઘર્ષ દરમિયાન બાળકોના ઉપયોગને લગતા યુદ્ધ અપરાધો માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને જુલાઈમાં તેમને 14 વર્ષની સજા ફટકારાઈ હતી.

આઈસીસીમાં લાવવામાં આવ્યા હોય તેવી સૌથી હાઈ પ્રોફાઇલ વ્યક્તિ આઇવરી કોસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ લોરેન્ટ ગ્બાગ્બો હતા. તેમના પર 2011માં હત્યા, બળાત્કાર, ઉત્પીડન અને "અન્ય અમાનવીય કૃત્યો" કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અંતમાં તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આઈસીસી દ્વારા કેટલાક લોકો વૉન્ટેડ જાહેર કરાયા છે, જેમાં યુગાન્ડાના બળવાખોરોની ચળવળ લૉર્ડ્સ રેઝિસ્ટન્સ આર્મીના નેતા જોસેફ કોની સામેલ છે. તેમની સામે હજારો બાળકોનાં અપહરણ સહિત માનવતા વિરુદ્ધના અનેક ગુના અને યુદ્ધ અપરાધોના આરોપ છે.

કોર્ટે સુદાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીર સામે નરસંહાર, યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુના બદલ ધરપકડનાં વૉરંટ પણ કાઢ્યાં હતાં.

આઈસીસીની ઘણી વખત ટીકા પણ કરવામાં આવે છે. ખાસ કરીને આફ્રિકન દેશો પર કેન્દ્રિત હોવાનો આરોપ લગાવીને આફ્રિકન યુનિયને ટીકા કરી છે. જોકે, આઈસીસી કોઈ પણ પક્ષપાતનો ઇનકાર કરે છે. તેનું કહેવું છે કે કેટલાક કેસોને અસરગ્રસ્ત દેશ દ્વારા જ રિફર કરવામાં આવ્યા હતા અથવા યુએન દ્વારા તેને રિફર કરાયા હતા.

2023માં આઈસીસીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ધરપકડનું વૉરંટ કાઢ્યું હતું. કોર્ટનો આરોપ છે કે પુતિન યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે અને તેમણે યુક્રેનમાંથી બાળકોને ગેરકાયદે રશિયામાં મોકલ્યાં છે.

આરોપીઓ સામે આઈસીસી કઈ રીતે કેસ ચલાવે છે?

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઇઝરાયલ, આઇસીસી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવેમ્બર મહિનામાં આઈસીસીએ ઇઝરાયલના વડા પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી તથા હમાસના લશ્કરી કમાન્ડર સામે ધરપકડનાં વૉરંટ જારી કર્યાં હતાં

આઈસીસી પાસે શકમંદોને શોધી કાઢવા અને તેમની ધરપકડ કરવા માટે પોતાની કોઈ પોલીસ ફોર્સ નથી.

તેના બદલે તેણે ધરપકડ કરવા અને હેગમાં તેમને ટ્રાન્સફર કરવા માટે હંમેશાં રાષ્ટ્રીય પોલીસ પર આધાર રાખવો પડે છે.

યુએન સિક્યૉરિટી કાઉન્સિલ દ્વારા અથવા બહાલી આપનારા દેશ દ્વારા કેસ સોંપવામાં આવે તો તેની તપાસ શરૂ થાય છે.

તે પોતાની જાતે સ્વતંત્ર કાર્યવાહી પણ કરી શકે છે, પરંતુ તેના માટે ન્યાયાધીશોની પૅનલ દ્વારા કાર્યવાહીની મંજૂરી મળવી જરૂરી છે.

આઈસીસીમાં ભાગ લેતા દેશો દ્વારા ફરિયાદ પક્ષ (પ્રૉસિક્યુટર) અને ન્યાયાધીશો બંનેની પસંદગી કરવામાં આવે છે.

કેસમાં જ્યારે કાર્યવાહી શરૂ થાય ત્યારે ફરિયાદ પક્ષે આરોપી દોષિત એવું સચોટ રીતે પુરવાર કરવું પડે છે. ત્રણ ન્યાયાધીશો તમામ પુરાવાને ધ્યાનમાં લીધા પછી ચુકાદો આપે છે. આરોપી દોષિત સાબિત થાય છે તો સજા સંભળાવાય છે.

અમેરિકા શા માટે આઈસીસીનું સભ્ય નથી?

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઇઝરાયલ, આઇસીસી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈસીસીમાં ભાગ લેતા દેશો દ્વારા ફરિયાદ પક્ષ (પ્રૉસિક્યુટર) અને ન્યાયાધીશો બંનેની પસંદગી કરવામાં આવે છે

આઈસીસીની સ્થાપના માટે વાટાઘાટ દરમિયાન અમેરિકાએ દલીલ કરી હતી કે તેના સૈનિકોને રાજકીય રીતે પ્રેરિત અથવા વ્યર્થ કાર્યવાહીનો ભોગ બનાવાય તેવી તેને બીક છે.

યુએન સિક્યૉરિટી કાઉન્સિલે જુલાઈ 2002માં એક ખૂબ જ ટીકા કરાયેલા નિર્ણયમાં એક સમાધાનકારી મત આપ્યો હતો. જેમાં અમેરિકન સૈનિકોને કાર્યવાહીમાંથી 12 મહિનાની મુક્તિ આપવામાં આવી હતી, જેને દર વર્ષે રિન્યૂ કરી શકાશે.

પરંતુ યુએનના તત્કાલીન સેક્રેટરી જનરલ કોફી અન્નાનના કહેવાથી સુરક્ષા પરિષદે જૂન 2004માં આ મુક્તિને રિન્યૂ કરવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકન સૈનિકો દ્વારા ઇરાકી કેદીઓ સાથે દુર્વ્યવહારની તસવીરોએ દુનિયાને ચોંકાવી દીધી, ત્યાર પછી આમ થયું હતું.

અમેરિકા સામેલ ન હોવાથી કોર્ટની કામગીરી નબળી પડી હોવાનું જોવામાં આવે છે.

જોકે, અમેરિકાએ કેટલાક ખાસ કેસમાં કોર્ટને સહકાર આપવાનો ઇનકાર નથી કર્યો.

રાષ્ટ્રપતિ જો બાઇડને યુએસ ગુપ્તચર એજન્સીઓને યુક્રેનમાં રશિયન યુદ્ધ અપરાધોના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અન્ય કયા દેશો આઈસીસીમાં નથી જોડાયા?

ઘણા બધા મહત્ત્વના દેશો આઈસીસીના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નથી.

ચીન, ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને તુર્કી સહિત કેટલાકે સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.

ઇઝરાયલ, ઇજિપ્ત, ઇરાન અને રશિયા સહિતના અન્ય દેશોએ સહી કરી છે, પરંતુ તેને બહાલી નથી આપી.

આઈસીસી દરેક દેશની અદાલતોને કેવી રીતે અસર કરે છે?

સંધિમાં સામેલ થતા દેશો એ સુનિશ્ચિત કરવા માગે છે કે તેઓ પોતે તેમાં આવરી લેવાતા તમામ ગુનાઓની કાર્યવાહી કરવા સક્ષમ છે. નહીંતર કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે.

કેટલીક સરકારોએ પોતાની ન્યાય પ્રણાલીમાં ફેરફાર કરવા માટે પહેલેથી જ કાયદા રજૂ કર્યા છે.

આઈસીસીનો ખર્ચ કોણ ઉપાડે છે?

જે દેશ તેનો હિસ્સો હોય તે ખર્ચ ભોગવે છે. યુએનમાં યોગદાનના જે નિયમો હોય તે અહીં પણ લાગુ થાય છે. સામાન્ય રીતે તે રાષ્ટ્રીય સંપત્તિ પર આધારિત હોય છે.

ખાસ કરીને અમેરિકાની ગેરહાજરીના કારણે આ કોર્ટનું ભંડોળ બીજા સભ્યો માટે ખર્ચાળ બની જાય છે.

યુકે, જાપાન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશો સૌથી વધુ ભંડોળ આપનારામાં સામેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.