અદીના મસ્જિદ કે જૈનોનું આદિનાથ મંદિર, યુસુફ પઠાણની તસવીરોથી સોશિયલ મીડિયા પર વિવાદ, ઇતિહાસકારો શું કહે છે?

બીબીસી ગુજરાતી અદીના મસ્જિદ યુસુફ પઠાણ સોશિયલ મીડિયા પશ્ચિમ બંગાળ ભાજપ જૈન આદિનાથ મંદિર

ઇમેજ સ્રોત, @iamyusufpathan

ઇમેજ કૅપ્શન, યુસુફ પઠાણે 16 ઑક્ટોબરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીર શૅર કરી હતી જેને કારણે સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે.
    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી ઉર્દૂ, નવી દિલ્હી

ભારતના પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના હાલના સાંસદ યુસુફ પઠાણે તાજેતરમાં પશ્ચિમ બંગાળ રાજ્યના માલદા જિલ્લાની એક મસ્જિદની તસવીરો પોસ્ટ કરી હતી. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

ભારતમાં સોશિયલ મીડિયા પર હોબાળો થયા પછી પાકિસ્તાનમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પણ યુસુફ પઠાણને ટ્રોલ કરી રહ્યા છે.

16 ઑક્ટોબરે યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર 14મી સદીમાં બનેલી મસ્જિદના પ્રાંગણમાંથી પોતાની ચાર તસવીરો પોસ્ટ કરી હતી. તેની સાથે સાથે તેમણે મસ્જિદના ઐતિહાસિક મહત્ત્વની માહિતી પણ આપી હતી.

તેમણે આને 'ઐતિહાસિક અદીના મસ્જિદ' ગણાવી હતી. આ પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી.

યુસુફ પઠાણે પોસ્ટમાં લખ્યું હતું, "પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી અદીના મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદ છે, જેને 14મી સદીમાં ઇલિયાસ શાહી વંશના બીજા શાસક સુલ્તાન સિકંદર શાહે બનાવી હતી. તેને ઇસ. 1373-1375માં બનાવવામાં આવી હતી અને પોતાના સમયમાં ઉપમહાદ્વીપની સૌથી મોટી મસ્જિદ હતી, જે ક્ષેત્રની વાસ્તુકળા દર્શાવે છે."

આ પોસ્ટના જવાબમાં પશ્ચિમ બંગાળ ભાજપના ઍક્સ હૅન્ડલ પરથી જવાબ અપાયો કે "સુધારો : આ આદિનાથ મંદિર છે."

જોકે, ભાજપની પોસ્ટમાં આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા અપાયા ન હતા.

ત્યાર પછી સોશિયલ મીડિયા પર 'મંદિર-મસ્જિદ' વિશે આકરી ચર્ચા શરૂ થઈ અને ફરી એક વખત વિવાદાસ્પદ ઇમારતોનો મુદ્દો ચગી ગયો.

કેટલાક યુઝર્સે ઇલોન મસ્કના એઆઈ પ્લૅટફૉર્મ 'ગ્રોક'ને પણ પૂછ્યું કે શું આ મંદિર છે કે મસ્જિદ, અને યુસુફ પઠાણે જે કહ્યું કે સત્ય છે કે નહી?

એઆઈ પ્લૅટફૉર્મ 'ગ્રોકે' શું કહ્યું?

બીબીસી ગુજરાતી અદીના મસ્જિદ યુસુફ પઠાણ સોશિયલ મીડિયા પશ્ચિમ બંગાળ ભાજપ

ઇમેજ સ્રોત, X/Arani Aranyak

ઇમેજ કૅપ્શન, મસ્જિદની દીવાલોની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલાક ઍક્સ યુઝર્સે કથિત રીતે મસ્જિદની દીવાલોના ફોટા શૅર કર્યા છે જેના પર મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. તેની સાથે દાવો કરવામાં આવ્યો કે અસલમાં આ એક મંદિર હતું, જેને "મુસ્લિમ આક્રમણકારીઓ"એ તોડી પાડ્યું હતું.

એક યુઝરે જ્યારે ગ્રોકને આ દાવાની પુષ્ટિ કરવા કહ્યું, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત ગ્રોક ચૅટબૉટે લખ્યું કે, "આ એ જ મદીના મસ્જિદ છે જેને સુલ્તાન સિકંદર શાહે 1373માં ઉપખંડની સૌથી મોટી મસ્જિદ તરીકે બનાવી હતી. તેમાં ફારસી અને સ્થાનિક બંગાળી શૈલીના ટેરાકોટાના નકશા એકબીજા સાથે મેળ ખાય છે. સાથે સાથે હાથી અને નર્તકીઓનું નકશીકામ અને સજાવટ પણ છે. ઐતિહાસિક રેકૉર્ડ અને ભારતીય પુરાતત્ત્વ વિભાગ (એએસઆઈ) તેને એક નવનિર્મિત ઇસ્લામીક માળખા તરીકે ગણાવે છે."

તેમાં આગળ જણાવાયું હતું કે આ મસ્જિદ એ આદિનાથ મંદિર હોવાના દાવાના સમર્થનમાં કોઈ સીધા પુરાવા નથી.

બીબીસીએ આ વિશે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મધ્યકાલીન ઇતિહાસના પ્રોફેસર સૈયદ અલી નદીમ રિઝવી સાથે વાત કરી. તેમણે કહ્યું કે "આ કોઈ વિવાદાસ્પદ માળખું નથી, પરંતુ પશ્ચિમ બંગાળની જાણીતી જામા મસ્જિદ છે."

તેમના કહેવા પ્રમાણે પોતાના સમયમાં આ સાઉથ એશિયાની સૌથી મોટી મસ્જિદ હતી. ત્યાર પછી તેના કરતાં પણ વધારે મોટી અને ભવ્ય મસ્જિદો બનાવવામાં આવી, પરંતુ પોતાની વાસ્તુકળાના કારણે આ મસ્જિદ આજે પણ અલગ તરી આવે છે.

ઇતિહાસકાર નસીમ અહમદ બેનર્જીએ આ મસ્જિદ અને તેની વાસ્તુકળા પર સંશોધન કર્યું છે જે 2002માં પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે આ મસ્જિદને પોતાના યુગમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી મસ્જિદ ગણાવી છે.

તેમણે લખ્યું કે, "તેમની લંબાઈ-પહોળાઈ અને જૂનવાણી ઢબની ડિઝાઈન ઉપરાંત તેનું આર્કિટેક્ચર એવા પ્રકારનું છે જે બધાનું ધ્યાન ખેંચે છે. તેનું કારણ તેની બૌદ્ધ, હિંદુ અને ઇસ્લામના મિશ્રણની સજાવટ છે. તેની કૅલિગ્રાફી અને 'કમાનની અંદર દીવડા'ના નકશીકામ પરથી તે જાણી શકાય છે.

જ્યારે પ્રોફેસર ખલીક અહમદ નિઝામી લખે છે કે "મોટાં શહેરોની જગ્યાએ ગ્રામીણ વિસ્તારમાં આવી મોટી મસ્જિદ ત્યાંના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. તેમાં સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખવામાં આવી હતી."

તેઓ કહે છે કે આ જગ્યા સૂફી શિક્ષણ માટે કેન્દ્ર સમાન હતી.

મસ્જિદને જ્યારે બંધ કરવી પડી

બીબીસી ગુજરાતી અદીના મસ્જિદ યુસુફ પઠાણ સોશિયલ મીડિયા પશ્ચિમ બંગાળ ભાજપ

ઇમેજ સ્રોત, @iamyusufpathan

ઇમેજ કૅપ્શન, યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરો

બીબીસીએ પ્રોફેસર અલી નદીમ રિઝવીને ભાજપના દાવા વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે "આ મસ્જિદ ક્યારેય વિવાદાસ્પદ નથી રહી. બાદમાંં કોઈએ તેના પર કબજો કર્યો હોય અને તેને બદલી નાખવાની કોશિશ કરી હોય, તેનાથી તેનું મૂળ મહત્ત્વ ખતમ નથી થતું."

તેમણે કહ્યું કે "આજકાલ તો તાજમહેલ પણ મંદિર હોવાનો દાવો થાય છે, તો પછી બાકી શું રહી જાય છે."

બીબીસીએ આ વિશે અલીગઢના ઇતિહાસના પ્રોફેસર મોહમ્મદ સજ્જાદને પૂછ્યું, તો તેમણે કહ્યું કે આ પ્રકારનો કોઈ વિવાદ તેમના ધ્યાને નથી આવ્યો.

તેમણે કહ્યું કે "આજકાલ લોકો કોઈ પણ ચીજ પર પોતાનું નૅરેટિવ ઘડવામાં લાગી જાય છે, તો પછી આનો જવાબ શું હોઈ શકે."

દરમિયાન, એનડીટીવીના એક રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે હિંદુ પૂજારીઓના એક જૂથે મસ્જિદની અંદર પૂજા-પાઠનું આયોજન કર્યું હતું.

તેમાંના એક પૂજારી અને વૃંદાવનમાં વિશ્વવિદ્યાલય ટ્રસ્ટના અધ્યક્ષ હીરનમૉય ગોસ્વામીએ ત્યાં હિંદુ દેવી-દેવતાઓની તસવીરો જોઈને દાવો કર્યો કે આ મસ્જિદને એક હિંદુ મંદિર પર બનાવવામાં આવી હતી.

ગોસ્વામીએ બીજા પૂજારીઓ સાથે મળીને પૂજા-પાઠનું આયોજન કર્યું. જોકે, સ્થાનિક લોકોએ પોલીસને આ વિશે જાણ કરી તો પોલીસે પૂજા-પાઠ અટકાવી દીધા. ત્યાર પછી પુરાતત્ત્વ વિભાગે ગોસ્વામી સામે કેસ દાખલ કર્યો.

આ ઘટના પછી તેને એક રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું અને મસ્જિદને બંધ કરવામાં આવી. અહીં દરેક જગ્યાએ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા અને નજીકમાં એક પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે.

અદીના મસ્જિદની વાસ્તુકળા

બીબીસી ગુજરાતી અદીના મસ્જિદ યુસુફ પઠાણ સોશિયલ મીડિયા પશ્ચિમ બંગાળ ભાજપ

ઇમેજ સ્રોત, X/x_Aliwayzz01

ઇમેજ કૅપ્શન, મસ્જિદની દીવાલો

આ મસ્જિદની ખાસ વાત એ છે કે તેમાં બાંગ્લા, અરબી, ફારસી અને બાઇઝેન્ટાઇન વાસ્તુકળાનું મિશ્રણ જોવા મળે છે. બંગાળ સલ્તનતની રાજધાની પંડુઆમાં તેને બનાવવામાં આવી હતી.

ઇતિહાસના અભ્યાસ પરથી જાણવા મળે છે કે બંગાળ સલ્તનતે દિલ્હી સલ્તનતને બે વખત પરાજય આપ્યો તેની ઉજવણી માટે આ ઇમારત બનાવાઈ હતી.

તેની વાસ્તુકળા વ્યાપક રીતે દમાસ્કસના ઉમય્યદ કાળ સાથે મળતી આવે છે જેણે નવા ક્ષેત્રમાં ઇસ્લામનું પ્રતિનિધિત્વ કર્યું છે.

એએસઆઈનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતી અદીના મસ્જિદ યુસુફ પઠાણ સોશિયલ મીડિયા પશ્ચિમ બંગાળ ભાજપ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કેટલાક લોકોએ દાવો કર્યો કે તાજમહલ પણ એક હિંદુ મંદિર તોડીને બનાવવામાં આવ્યું છે

કોલકાતામાં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પર એ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે આ મસ્જિદને કોઈ મંદિર તોડીને બનાવીને બનાવવામાં આવી હતી કે નહીં.

આ વેબસાઇટ પર જણાવાયું છે કે "આ બહુ મોટી મસ્જિદ સિકંદર શાહ (1358-1390) દ્વારા 1369માં બનાવવામાં આવી હતી જે તે સમયની મુસ્લિમ સ્થાપત્ય કળાનો સૌથી નોંધપાત્ર નમૂનો છે."

સોશિયલ મીડિયા પર ટિપ્પણી

બીબીસી ગુજરાતી અદીના મસ્જિદ યુસુફ પઠાણ સોશિયલ મીડિયા પશ્ચિમ બંગાળ ભાજપ

ઇમેજ સ્રોત, X/x_Aliwayzz01

ઇમેજ કૅપ્શન, મસ્જિદની દીવાલો

પ્લાન એચ. નામના એક ઍક્સ યુઝરે લખ્યું કે, "યુસુફ પઠાણ, તમે જ્યાં ઊભા છો તે આદિનાથ મંદિર છે જેને મુસ્લિમ આક્રમણકારીઓએ નષ્ટ અને બરબાદ કરી નાખ્યું હતું."

તેની સાથે તેમણે પુરાવા તરીકે કેટલીક તસવીરો શૅર કરી હતી.

હસીબ શાહિદ નામના એક યુઝરે કટાક્ષના સૂરમાં મહમદઅલી ઝીણાનો આભાર માનતા લખ્યું, "ભારતના સૌથી મોટા ક્રિકેટરે મસ્જિદની શૅર કરવામાં આવેલી પોસ્ટ પર જે રીતે નફરત દર્શાવવામાં આવે છે, તેના પરથી તેમની હેસિયત સ્પષ્ટ છે. ટિપ્પણીઓમાં બહુ વધારે નફરત છે. થેંક યુ, મહમદઅલી ઝીણા."

સદ્દામ શાહ નામના એક યુઝરે લખ્યું કે, "મહમદઅલી ઝીણા એકદમ ખરા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનો વિરોધ કરનારા મુસલમાનો આજીવન પોતાની વફાદારી સાબિત કરતા રહી જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન