ગર્ભમાંનાં જોડિયાં બાળકોમાંથી એકનું ગર્ભપાત માતા માટે કેટલું ખતરનાક હોઈ શકે?

ઇમેજ સ્રોત, JOHN FEDELE/GETTYIMAGES
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા

- બૉમ્બે હાઇકોર્ટમાં એક મહિલાએ પોતાના ગર્ભમાં રહેલા બે ભ્રૂણ પૈકી એકનો ગર્ભપાત કરાવવાની મંજૂરી માગતી અરજી કરી છે
- આવી પરિસ્થિતિમાં શું બીજા બાળકના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે?
- આખરે કેમ મહિલા પોતાના ગર્ભમાં રહેલ જોડિયાં બાળકોમાંથી એકનો ગર્ભપાત કરાવવા માગે છે?
- આ અંગે શું છે ભારતીય કાયદા પ્રમાણેની જોગવાઈઓ?

એક મહિલાએ તેના ગર્ભમાં પાંગરી રહેલાં જોડિયાં બાળકો પૈકીના એકનું ગર્ભપાત અથવા ખતમ કરવા માટે પરવાનગી માગતી અરજી બૉમ્બે હાઇકોર્ટમાં કરી છે.
ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (સંશોધિત) ઍક્ટ 2021 હેઠળ સ્ત્રીને 24 સપ્તાહ સુધીના ભ્રૂણનો ગર્ભપાત કરવાની છૂટ છે.
વાસ્તવમાં ચોક્કસ પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવવાની મર્યાદા 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવા 1971ના મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો.
અરજદાર મહિલાના ગર્ભને 25 સપ્તાહથી વધુ સમય થઈ ચૂક્યો છે.
અરજદાર સ્ત્રીનાં વકીલ અદિતિ સક્સેના કહે છે કે, “આ કેસમાં બૉમ્બે હાઇકોર્ટે એક મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો છે અને 25 સપ્તાહનો ગર્ભ ધરાવતી મહિલાનું ફીટલ રિડક્શન એટલે કે બેમાંથી એક ભ્રૂણને હઠાવી શકાય કે કેમ તથા તેવું કરવાથી માતા તથા ગર્ભમાંના બીજા ભ્રૂણ પર કેવી અસર થશે તે જાણવાનું કામ એ બોર્ડને સોંપ્યું છે.”
અદિતિના જણાવ્યા મુજબ, આ ભારતમાં આવો બીજો કેસ છે અને બન્નેમાં સમાનતા પણ છે.
તેઓ કહે છે કે, “પહેલો કેસ 2020માં આવ્યો હતો. બન્નેમાં સમાનતા એ છે કે બે પૈકીના એક ભ્રૂણમાં ખામી છે, જ્યારે બીજો સ્વસ્થ છે. પહેલા કેસમાં સ્વસ્થ ભ્રૂણને બચાવવા અને બીજાના ફીટલ રિડક્શન માટે અરજી કરવામાં આવી હતી. પહેલા કેસમાં બૉમ્બે હાઇકોર્ટે પરવાનગી આપી ન હતી. એ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સર્વોચ્ચ અદાલતે ફીટલ રિડક્શનની પરવાનગી આપી હતી.”
પ્રસ્તુત કેસ બાબતે માહિતી આપતાં અદિતિ જણાવે છે કે કોર્ટના આદેશ અનુસાર, મુંબઈની જે જે હૉસ્પિટલના ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. તે બોર્ડે અદાલતને જણાવ્યું છે કે એક ભ્રૂણમાં ખામી છે અને તેનું ફીટલ રિડક્શન કરાવી શકાય, પરંતુ એ ફીટલ રિડક્શન હાલ નહીં, થોડા સમય પછી કરવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, ANKIT SAH/GETTYIMGAES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈમાં રહેતાં અરજદાર મહિલા આઇવીએફ ટેકનિક મારફત ગર્ભવતી થયાં હતાં. આઇવીએફમાં અંડાણુ તથા શુક્રાણુને લૅબોરેટરીમાં ટેસ્ટ ટ્યૂબમાં ભેળવવામાં આવે છે અને તેમાંથી બનેલા ભ્રૂણનું માતાના ગર્ભાશયમાં આરોપણ કરાય છે.
આ મહિલાના પતિ અમેરિકામાં રહે છે. આઇવીએફ પછી મહિલા અમેરિકા પાછાં ફર્યાં હતાં. ઑગસ્ટમાં મહિલાને ખબર પડી હતી કે તેઓ જોડિયાં સંતાનનાં માતા બનવાનાં છે.
મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે નવેમ્બરમાં તેમણે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે બે પૈકીના ભ્રૂણમાં આનુવંશિક ખામી છે.
પ્રત્યેક બાળકમાં અડધા જનીન માતાના અને અડધા પિતાના હોય છે. આમ દરેકમાં રંગસૂત્રોની કુલ સંખ્યા 46 હોય છે. આ જનીન કે રંગસૂત્રોમાં કોઈ વિકૃતિ હોય તો તેને તબીબી ભાષામાં જેનેટિક ક્રોમોસોમલ અનોમલી એટલે કે રંગસૂત્રોમાં ખામી કહેવામાં આવે છે.
આ માહિતી મળ્યા પછી દંપતીએ ડૉક્ટરની સલાહ લીધી હતી અને ડૉક્ટરે તેમને ફીટલ રિડક્શનની સલાહ આપી હતી. ગર્ભધારણને 25 સપ્તાહ થઈ ગયાં હોવાથી દંપતીએ બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અદિતિ સક્સેનાનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં મેડિકલ બોર્ડ ન હોવાથી આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો. અદાલતે જેજે હૉસ્પિટલને મેડિકલ બોર્ડની રચના કરવાનો અને તેમાં ફીટલ ઍક્સપર્ટને સામેલ કરવાનો આદેશ આપ્યો હતો.
ગર્ભપાત માતા તથા બીજા બાળક માટે સલામત છે કે કેમ અને તે ક્યારે કરાવવો જોઈએ, એ જણાવવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
આ કેસની આગામી સુનાવણી 16 જાન્યુઆરીએ થવાની છે.

આ વિકારની અસર શું હોઈ શકે?

ઇમેજ સ્રોત, ANAND FERNANDO / EYEEM
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ગર્ભમાં વિકસી રહેલા ભ્રૂણમાં આવો વિકાર હોવાની ખબર પડે તે બાળકને ડાઉન સિન્ડ્રોમ, હૃદયની બીમારી, ક્લેફ્ટ લિપ ઍન્ડ પેલેટ એટલે કે ખાંચાવાળા હોઠ તથા તાળવાની તકલીફ, વિચારવા-સમજવાની સમસ્યા થઈ શકે છે.
એ ઉપરાંત તેના લોહીમાં કેલ્શિયમની ઊણપ, સાંભળવામાં તકલીફ અને કિડનીની ઓછી કાર્યક્ષમતા વગેરે જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.

ફીટલ રિડક્શન એટલે શું?

ઇમેજ સ્રોત, ANINDAM GHOSH / EYEEM
એશિયન સેફ ઍબૉર્શન પાર્ટનરશિપ નામના નેટવર્કનાં સંયોજક ડૉ. સુચિત્રા દળવી કહે છે કે “24 સપ્તાહનું ફીટલ રિડક્શન સામાન્ય બાબત નથી. તેમાં ફીટસ એટલે કે ભ્રૂણ મોટું હોય છે. તેથી રિડક્શન વખતે સમસ્યા સર્જાઈ શકે છે.”
તેઓ ઉમેરે છે કે, “ઘણી વખત એકથી વધુ ભ્રૂણ એક જ થેલીમાં હોય છે. તે સ્થિતિમાં રિડક્શન વધારે મુશ્કેલ બની જાય છે, કેમ કે તેવું કરવાની અસર સ્વસ્થ ભ્રૂણ પર પણ થઈ શકે છે. અલબત્ત, આ કેસમાં બન્ને ભ્રૂણ અલગ-અલગ થેલીમાં હોવાનું જાણવા મળ્યું છે.”
ગુજરાતના આણંદમાં વર્ષોથી આઇવીએફ ક્લિનિક ચલાવતાં ડૉ. નયના પટેલે બીબીસી સાથે ફોન મારફત વાત કરતાં જણાવ્યું હતું કે ઇનફર્ટિલિટીની સારવાર દરમિયાન એક મહિલાના ગર્ભમાં એકથી વધારે ભ્રૂણ આકાર પામતા હોય છે.
તેમના કહેવા મુજબ, “આઇવીએફની પ્રક્રિયા દરમિયાન એક મહિલામાં ઘણી વાર ત્રણ કે ચાર ભ્રૂણ બની જતા હોય છે. તેથી ફીટલ રિડક્શન કરવું પડે છે. ઘણાં દંપતીને એક બાળક હોય છે અને તેઓ આઇવીએફ મારફત બીજું સંતાન ઇચ્છતાં હોય તેવા કિસ્સામાં મહિલામાં બે ભ્રૂણ આકાર પામે તો પણ ફીટલ રિડક્શન કરવું પડતું હોય છે.”
ફીટલ રિડક્શનની પ્રક્રિયા
ફીટલ રિડક્શનની પ્રક્રિયા સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે પોટેશિયમ ક્લોરાઈડનું ઇન્જેકશન માતાના પેટમાંથી બાળકના હૃદયમાં આપવામાં આવે છે. તેથી બાળકના હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. આ માટેની સોય લાંબી હોય છે. એ પછી મહિલાને 24 સપ્તાહ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ઇન્જેકશન બાદ ભ્રૂણનો વિકાસ અટકી જાય છે અને તે એમ્નીઓટિક ફ્લૂઈડ્ઝમાં એબ્સોર્બ થઈ જાય છે.
ભ્રૂણને સાત કે આઠ સપ્તાહ થયાં હોય તો તેને વજાઇનલ સક્શન નિડલ મારફત પણ બહાર કાઢી શકાય છે.
25 સપ્તાહથી વધુની પ્રેગ્નન્સીમાં પ્રસૂતિ થઈ શકે કે કેમ, એવા સવાલના જવાબમાં ડૉ. સુચિત્રા દળવી કહે છે કે, “ઘણી વાર બાળકનો નિર્ધારિત સમય પહેલાં પ્રસવ થતો હોય છે અને તેનાં ઘણાં કારણ હોઈ શકે.”
અલબત્ત, એવાં બાળકો હવામાંથી શ્વાસ લઈ શકે તેવી ક્ષમતા તેમનાં ફેંફસામાં હોતી નથી, કારણ કે તેમનાં ફેંફસાં પૂર્ણપણે વિકસેલાં હોતાં નથી. તેથી બાળકને એનઆઈસીયુમાં ઓક્સિજન આપવામાં આવે છે.
બાળકમાં ઓક્સિજનની માત્રા ઓછી કે વધારે હોય અને તેને સંતુલિત પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો તેના આઈક્યૂ કે આંખની રોશની પર પણ અસર થઈ શકે છે.
તેમના જણાવ્યા મુજબ, નિર્ધારિત સમય પહેલાંની પ્રસૂતિ બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આવા કિસ્સામાં ડૉક્ટર શું કરે છે તે જોવું જરૂરી છે, કારણ કે તે એક અસાધારણ કેસ હોય છે.














