You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશમાં LAC ખાતે ઘર્ષણ
અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે, આ ઘટના નવ ડિસેમ્બર 2022ના દિવસે થઈ હતી. ભારતીય સેનાએ બીબીસીને જણાવ્યું હતું કે, નવ ડિસેમ્બરે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ઘૂસ્યા, જેના જવાબમાં ભારતે વળતી કાર્યવાહી કરી. આ ઘર્ષણમાં બન્ને પક્ષોના કેટલાક સૈનિકોને ઇજા પહોંચી છે. ભારતીય સેના અનુસાર બન્ને દેશોના સૈનિકો તાત્કાલિક ઘટનાસ્થળેથી પાછળ હટી ગયા છે. ઘર્ષણ બાદ શાંતિ સ્થાપિત કરવા માટે વિસ્તારના કમાંડરે તેમના ચીની સમકક્ષ સાથે ફ્લૅગ સ્તરની વાતચીત કરી.
ભારતના એક પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ ભારતીય સંરક્ષણ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલા ઘર્ષણમાં ભારતીય સૈનિકોની સરખામણીએ ચીનના સૈનિકો મોટી સંખ્યામાં ઘાયલ થયા છે.
લદ્દાખની ગણવાન ખીણમાં 15 જૂન 2020ના રોજ બન્ને દેશોના સૈનિકોએ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આ પ્રકારની પ્રથમ ઘટના છે. એ વખતે ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાયને ઈજા પહોંચી હતી.
'ધ ટ્રિબ્યૂન' અખબાર લખે છે કે આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો પહેલાંથી જ આમને-સામને થતા રહે છે.
જોકે, હજુ સુધી ભારત સરકાર તરફથી આ મામલે કોઈ આધિકારિક ટિપ્પણી નથી આવી. પૂર્વ લદ્દાખમાં ઑગષ્ટ 2020 બાદ બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણનો આ પ્રથમ મામલો છે.
ચીન તરફથી પણ આ મામલે કોઈ આધિકારિક નિવેદન જાહેર કરાયું નથી.
વિરોધ પક્ષે ઘર્ષણના મુદ્દે મોદી સરકારને ઘેરી
તવાંગમાં ચીનના સૈનિકો સાથેના ઘર્ષણના સમાચાર પર કૉંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધીને ઢીલોપોચો અભિગમ છોડવા કહ્યું છે.
કૉંગ્રેસે કરેલા ટ્વીટમાં લખ્યું, “અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ઘર્ષણના સમાચાર છે. સમય આવી ગયો છે કે સરકાર ઢીલોપોચો અભિગમ છોડીને કડક રીતે ચીનને સમજાવે કે તેની આ હરકત સહન નહીં કરવામાં આવે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સંસદ સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ સરકારને પ્રશ્ન કર્યો છે કે, સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, સરકારે છતાં આટલા દિવસો સુધી ઘર્ષણ વિશેની માહિતી કેમ છુપાવી રાખી.
તેમણે લખ્યું, “અરુણાચલ પ્રદેશથી મળતા સમાચાર ચિંતાજનક છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મોટું ઘર્ષણ થયું છે અને સરકારે દેશને ઘણા દિવસો સુધી અંધારામાં રાખ્યો. જ્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તો સંસદને આ વિશે કેમ માહિતગાર કરવામાં નથી આવી?”
તેમણે એ પણ કહ્યું કે, આ ઘર્ષણની માહિતી સામે આવી રહી છે, તે સ્પષ્ટ નથી. ઓવૈસીએ પૂછ્યું, “ઘર્ષણનું કારણ શું હતું? શું ગોળીબાર થયો કે પછી ગલવાન જેવું ઘર્ષણ હતું? તેમની સ્થિતિ શું હતી? કેટલા સૈનિકો ઘાયલ થયા? સંસદ ચીનને કડક સંદેશ આપવા માટે પોતાના સૈનિકોનો સાથ કેમ ન આપી શકે?”
ઓવૈસીએ કહ્યું, “સેના ચીનને કોઈ પણ સમયે જબડાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. મોદીની આગેવાનીમાં એ નબળું નેતૃત્વ છે જેને લીધે ભારતે ચીન સામે અપમાનિત થવું પડી રહ્યું છે. સંસદમાં તેના પર તત્કાળ ચર્ચાની જરૂર છે. હું આવતીકાલે આ મુદ્દે સંસદમાં તાકીદની ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કરીશ.”
કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સંસદ સભ્ય જયરામ રમેશે કહ્યું છે કે મોદી સરકાર પોતાની રાજકીય છબી બચાવવા માટે ઘટનાને દબાવવાની કોશિશ કરી રહી છે.
તેમણે ટ્વીટ કર્યું, "ભારતીય સેનાના શૌર્ય પર અમને ગર્વ છે. સીમા પર ચીનની હરકતો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. છેલ્લાં બે વર્ષથી અમે વારંવાર સરકરાને જગાડવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજકીય છબીને બચાવવા માટે આ ઘટનાને દબાવવાની કોશિશ કરી રહી છે. એનાથી ચીનનું દુસ્સાહસ વધી રહ્યું છે."
જયરામ રમેશે એમ પણ કહ્યું કે, દેશથી મોટું કોઈ નથી પરંતુ મોદીજી પોતાની છબી બચાવવા માટે દેશને જોખમમાં મૂકી રહ્યા છે. કૉંગ્રેસના નેતાએ કહ્યું કે ઉત્તર લદ્દાખમાં ઘૂસણખોરી સ્થાનિક કરવાની કોશિશમાં ચીને ડેપસાંગમાં એલએસીની સીમામાં 15-18 કિલોમિટર અંદર 200 સ્થાયી રહેઠાણ બનાવી દીધાં, પણ સરકાર ચૂપ રહી.