ભેંસના દૂધનું રાયતું ખાધા બાદ ડરેલા ગામલોકોએ દવાખાને લાઇનો કેમ લગાવી?

    • લેેખક, સૈયદ મોઝીઝ ઈમામ
    • પદ, લખનૌથી બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં લગભગ 200 લોકોએ તેરમાના જમણવારમાં રાયતું ખાધા બાદ હડકવાવિરોધી રસી લીધી છે.

વાત એમ છે કે પીપરૌલ ગામમાં તેરમાના જમણવારમાં લોકોને રાયતું પીરસવામાં આવ્યું હતું. જે ખાધા બાદ ગામના લોકોને જાણવા મળ્યું રાયતા બનાવવા માટે વપરાયેલું દૂધ દેનાર એક ભેંસ મરી ગઈ હતી.

મરનારી ભેંસને કૂતરું કરડ્યું હતું અને તેનામાં હડકવાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જમણવાર પૂરો થઈ ગયો એ પછી તેમને ખબર પડી કે એક ભેંસને કૂતરું કરડ્યું હતું.

તે ભેંસને થોડા સમય માટે અલગ રખાઈ હતી, પણ તેનું દૂધ રાયતું બનાવવા માટે ઉપયોગમાં લેવાયું હતું. 26મી ડિસેમ્બર, 2025ના રોજ તે ભેંસ મરી ગઈ અને તેનામાં હડકવાનાં લક્ષણો પણ જોવા મળ્યાં હતાં.

સમગ્ર મામલો શું છે?

ગ્રામજનોના જણાવ્યા મુજબ, 23મી ડિસેમ્બર, 2025ના રોજ એક વ્યક્તિના તેરમા નિમિત્તે ગામમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વળી, બીજાં ગામો તથા શહેરોમાંથી પણ સંબંધીઓ અને પરિચિતો આવ્યા હતા. જમણવારમાં ભોજનની સાથે રાયતું પણ પીરસવામાં આવ્યું હતું.

તે પછી 27મી ડિસેમ્બરે ગ્રામજનો હૉસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે હડકવાવિરોધી રસી લીધી હતી.

રસી લેવા માટે ઉઝહાનીની સરકારી હૉસ્પિટલ જનારા કૌશલ કુમાર જણાવે છે, "જે ભેંસનું દહીં આરોગ્યું હતું, તે 26મી ડિસેમ્બરના રોજ મરી ગઈ હતી. પછીથી મને જાણવા મળ્યું કે તે ભેંસને કૂતરું કરડ્યું હતું, આથી હું રસી લેવા અહીં આવ્યો છું."

ગામના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, તેમને સૌને હડકવાની બીમારીમાં સપડાઈ જવાનો ફફડાટ પેસી ગયો હતો.

ડોક્ટરની સલાહને પગલે તકેદારીનાં પગલાંરૂપે રસી લેવાનો નિર્ણય લેવાયો હતો

ડૉક્ટરની સલાહને પગલે તકેદારીના પગલાંરૂપે રસી લેવાનો નિર્ણય લેવાયો હતો.

લખનૌસ્થિત ડૉક્ટર બાકર રઝા કહે છે, "સંક્રમિત પશુ કે ઢોરના દૂધ કે માંસનું સેવન કર્યા પછી હડકવાવિરોધી રસી લેવી જરૂરી છે."

"એક વખત હડકવા થઈ ગયા પછી તેની સારવાર કરવી ઘણી મુશ્કેલ છે, આથી તકેદારીના પગલારૂપે રસી લઈ લેવી હિતાવહ છે," તેમ બદાયુંના ચીફ મેડિકલ ઑફિસર (સીએમઓ) રામેશ્વર મિશ્રાએ જણાવ્યું હતું.

ભેંસે જીવ ગુમાવ્યાની જાણ થયા બાદ કેટલાક લોકોએ સૌપ્રથમ ઉઝહાનીના સામુદાયિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધ્યો હતો.

ડૉક્ટરોની સલાહ લીધા પછી લોકોએ તકેદારી સ્વરૂપે હડકવા વિરોધી રસી લેવાનું નક્કી કર્યું હતું. તે પછી સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હૉસ્પિટલોમાં ગામના લોકોની ભીડ જામવા માંડી હતી.

તેરમાનું જમણ આરોગનાર ધર્માએ કહ્યું હતું, "મને ઇન્ફેક્શન થવાનો ડર લાગતાં હું ઇન્જેક્શન લેવા અહીં આવ્યો છું."

તેરમાનું ભોજન આરોગનારી ઘણી મહિલાઓએ પણ રસી લેવા માટે હૉસ્પિટલમાં લાંબી કતાર લગાવી હતી. ગામની એક મહિલા કમલેશે કહ્યું હતું, "અમે તેરમાની વિધિમાં સામેલ થયા હતા. જમણમાં ભેંસના દૂધનું રાયતું હતું. તે ભેંસ મરી ગઈ, આથી અમે અહીં રસી લેવા આવ્યાં છીએ."

સીએમઓ રામેશ્વર મિશ્રાએ જણાવ્યા પ્રમાણે, 28મી ડિસેમ્બર, શનિવાર સુધીમાં 166 લોકોએ હડકવા વિરોધી રસી લીધી હતી.

રસી લેનારા લોકોની કુલ સંખ્યા આશરે અઢીસોની આસપાસ હશે. આરોગ્ય વિભાગના અધિકારીઓના મતાનુસાર, હડકવા એક ગંભીર બીમારી છે અને કોઈપણ પ્રકારની શંકા જાય, તો તકેદારી લેવી જરૂરી છે.

આરોગ્ય વિભાગની ટીમ 27મી ડિસેમ્બરે ગામમાં પહોંચી હતી અને લોકોને સમજાવ્યા હતા કે ગભરાવાની જરૂર નથી, પણ રસીના તમામ ડોઝ સમયસર લેવા અત્યંત જરૂરી છે. સાથે જ ગામના લોકોને એ પણ જાણકારી આપવામાં આવી કે હજી સુધી કોઈ વ્યક્તિમાં હડકવાનાં લક્ષણો જોવા મળ્યાં નથી.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, ગામની સ્થિતિ હવે સામાન્ય છે અને લોકોને ધીમે-ધીમે વિશ્વાસ બેસી રહ્યો છે.

બદાયુના સીએમઓ રામેશ્વર મિશ્રાએ કહ્યું હતું, "રાયતું આરોગનારા લોકોને રસી આપવામાં આવી રહી છે. આ રસી લેવાથી કોઈ નુકસાન થતું નથી. તકેદારીના પગલારૂપે રસી લેવામાં કોઈ નુકસાન નથી, કારણ કે હડકવાનો કોઈ ચોક્કસ ઈલાજ નથી."

હડકવાને લગતા આંકડા

આ દરમિયાન, ગોરખપુરથી પણ સમાચાર મળ્યા હતા કે ત્યાં આશરે 200 લોકોએ હડકવા વિરોધી રસી લીધી હતી.

'ઇન્ડિયા ટુડે' સામયિકના એક અહેવાલ અનુસાર, ગોરખપુરના ઉરુવા બ્લૉકના રામડીહ ગામમાં એક હડકવાગ્રસ્ત ગાય મરી ગઈ હતી.

અહેવાલ પ્રમાણે, ગામના કોઈ કાર્યક્રમમાં તે ગાયનું કાચું દૂધ વપરાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આશરે 200 લોકોએ તે દૂધનું સેવન કર્યું હતું.

ત્રણેક મહિના પહેલાં તે ગાયને રખડતું કૂતરું કરડ્યું હતું અને તે પછી તે ગાય અસાધારણ તથા આક્રમક વર્તન કરવા માંડી હતી. તે પછી ડૉક્ટરોએ તેનાં લક્ષણોને હડકવા સાથે જોડ્યાં હતાં.

ગાયના મોત બાદ આરોગ્ય વિભાગે તે ગાયનું દૂધ પીનારા તમામ લોકોને હડકવાવિરોધી રસી લેવાની સલાહ આપી હતી. ઉરુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇનચાર્જ ડૉક્ટર એ. પી. સિંહે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 170 કરતાં વધુ લોકોને રસીનો ડોઝ અપાયો છે.

હડકવાથી સંક્રમિત પશુ કે ઢોરનાં ઉત્પાદનોનું સેવન કરનારા લોકો પર તેની શું અસર પડે છે?

લખનૌના ડૉક્ટર બાબર રઝા જણાવે છે, "સંક્રમિત પશુ કે ઢોરના માંસ કે કાચા દૂધનું સેવન કર્યા પછી હડકવા વિરોધી ઇન્જેક્શન લેવાં જરૂરી બની રહે છે. ઉકાળેલા દૂધનું સેવન કરવાથી આ જોખમ ઓછું રહે છે, તેમ છતાં તકેદારી માટે રસી લઈ લેવી જોઈએ, કારણ કે હડકવાનો કોઈ ઇલાજ નથી."

બલરામપુરની સરકારી હૉસ્પિટલના ડૉક્ટર ગૌરીશંકર વર્માએ જણાવ્યું હતું કે, "ઉકાળેલા દૂધને કારણે જોખમ ઘટી જાય છે, તેમ છતાં હડકવા થવાની શક્યતા નાબૂદ થતી નથી, કારણ કે દૂધને કેટલા તાપમાને અને કેટલા સમય સુધી ઉકાળવામાં આવ્યું છે, તે જાણી શકાતું નથી."

ડૉક્ટર વર્માએ આપેલી માહિતી અનુસાર, "તમામ લોકોને તકેદારીના ભાગરૂપે હડકવાવિરોધી રસીના પાંચ ડોઝ આપવામાં આવે છે. પ્રથમ ડોઝના ત્રણ દિવસ પછી બીજો ડોઝ, સાતમા દિવસે ત્રીજો, ચૌદમા દિવસે ચોથો અને 28મા દિવસે છેલ્લો ડોઝ આપવામાં આવે છે."

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હડકવા જીવલેણ બીમારી છે, જેને સમયસર રસીકરણ દ્વારા સદંતર નિવારી શકાય છે. આવા કિસ્સામાં જાગૃતિ અને સતર્કતા દાખવવી આવશ્યક બની રહે છે.

બીજી એક હકીકત એ છે કે દેશમાં કૂતરું કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. 2023માં આ આંકડો અંદાજે 30 લાખ પર પહોંચ્યો હતો અને તે હવે વધી ગયો છે.

22મી જુલાઈ, 2025ના રોજ લોકસભામાં એક લેખિત જવાબ આપતાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી એસ. પી. સિંહ બઘેલે જણાવ્યું હતું કે, "2024માં દેશભરમાં કૂતરું કરડવાના 37 લાખ કરતાં વધુ કેસ નોંધાયા હતા. તે ગાળા દરમિયાન હડકવાથી 54 લોકોનાં મોત નીપજ્યાં હોવાની આશંકા છે."

આ માહિતી 'નેશનલ રેબીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ' હેઠળ એકત્રિત કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન