ભારત શું શેખ હસીનાને રાજકીય શરણ આપવા અંગે વિચારી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, દિલ્હી
લગભગ અઢી મહિના પહેલાં બાંગ્લાદેશમાં સત્તા ગુમાવ્યા પછી શેખ હસીને એક સૈન્ય વિમાનમાં દિલ્હી પહોંચ્યાં હતાં. એ પછી તેઓ જાહેરમાં જોવા મળ્યાં નથી.
સોશિયલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ પણ જોવા મળ્યા નથી. ફોન પર તેમણે કરેલી વાતચીતના કેટલાક ઑડિયો બહાર આવ્યા હોવા છતાં એવો કોઈ પુરાવો મળ્યો નથી કે તેમાં શેખ હસીનાનો જ અવાજ છે.
દિલ્હી પહોંચ્યા પછી શેખ હસીના કે તેમનાં નાના બહેન શેખ રિહાના ક્યાં છે, કેવી હાલતમાં છે તેના વિશે ભારત સરકારના એકેય પ્રવક્તા કે પ્રધાને એક શબ્દ કહ્યો નથી. કોઈ પત્રકાર પરિષદમાં કે ઇન્ટરવ્યૂમાં પણ તેમના વિશે કોઈએ કશી ટિપ્પણી કરી નથી.
ભારત સરકારે 17 ઑક્ટોબરની સાંજે ઔપચારિક રીતે એટલું જ કહ્યું હતું કે શેખ હસીના હાલ ભારતમાં છે. બીબીસી બાંગ્લાએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે શેખ હસીના સંયુક્ત આરબ અમીરાત કે મધ્ય પૂર્વના કોઈ દેશમાં ગયા હોવાના સમાચાર તદ્દન નિરાધાર છે. હવે ભારત સરકારે પણ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે.
શેખ હસીનાના ભારત પ્રવાસને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ગુપ્ત રાખ્યો છે તે વાત સાચી, પરંતુ તેમને કેટલા દિવસ ભારતમાં રાખવાં પડશે એ મુદ્દે સરકાર સ્પષ્ટ નથી.
દિલ્હીમાં સાઉથ બ્લૉકના ટોચના એક અધિકારીએ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું હતું, "તેઓ લાંબા સમય સુધી રહેશે."
તેમણે કહ્યું, શેખ હસીનાને ભારતમાં લાંબા સમય સુધી રહેવાની પરવાનગી આપવી પડશે, એ હકીકત માટે સરકાર ધીમે-ધીમે તૈયાર થઈ રહી છે.
ભૂતકાળમાં તિબેટના ધર્મગુરુ દલાઈ લામા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ નજીબુલ્લાહને સપરિવાર રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો. શેખ હસીનાના કિસ્સામાં પણ એવી જ વિચારણા કરવામાં આવી રહી છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલનો જવાબ મેળવવા બીબીસી બાંગ્લાએ વિવિધ વિભાગો અને મંત્રાલયોમાંના સરકારી અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમાં જે જવાબ મળ્યા તે નીચે મુજબ છે.
‘મહેમાન તો છે, પણ...’

ઇમેજ સ્રોત, Getty Images
ભારત માને છે કે શેખ હસીના "ગેસ્ટ, બટ અન્ડર કમ્પલ્શન" છે. એટલે કે તેઓ દેશના એક સન્માનિત મહેમાન છે, જેમણે ખાસ પરિસ્થિતિમાં મજબૂર થઈને ભારત આવવું પડ્યું છે.
પોતાના દેશમાં સલામતીનું જોખમ હોવાથી શેખ હસીના દિલ્હી આવ્યાં છે એ વાત ભારત સરકાર સારી રીતે જાણે છે.
આ અતિથિને તેના દરજ્જાના આધારે જ અહીં લાંબો સમય રાખી શકાય. તેમાં ભારત સરકારને કોઈ વાંધો નથી. દેશના જૂના દોસ્ત અને અતિથિ તરીકે તેમને તમામ આદર તથા સુવિધાઓ મળશે.
શેખ હસીનાને રાજ્યાશ્રય આપવાની હાલ ભારત સરકારની કોઈ યોજના નથી. સૌથી મોટી વાત એ છે કે શેખ હસીનાએ પણ રાજ્યાશ્રય માટે કોઈ અરજી કરી નથી.
જોકે, ભારત સરકાર જાણે છે કે ભવિષ્યમાં આવો કોઈ પ્રસ્તાવ આવશે તો આ મુદ્દે તમામ રાજકીય પક્ષો સહમત હશે અને શેખ હસીનાને રાજ્યાશ્રય આપવાના મુદ્દે રાજકીય સર્વસંમતિ સાધવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.
અત્યારે એવું લાગે છે કે ભારત શેખ હસીનાને અતિથિ તરીકે રાખવા ઇચ્છે છે, પરંતુ રાજ્યાશ્રય આપવા ઇચ્છતું નથી.
ભારતમાં શેખ હસીનાઃ જાણી-અજાણી વાતો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
17 ઑક્ટોબરે વિદેશ મંત્રાલયના સાપ્તાહિક બ્રિફિંગમાં પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું હતું, "બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ભારતમાં હોવા બાબતે તમે બધા જાણો છો. તેમણે સલામતીના કારણોસર બહુ ટૂંકી નોટિસ પર અહીં આવવું પડ્યું હતું."
આ નિવેદનથી સ્પષ્ટ છે કે શેખ હસીના હજુ પણ ભારતમાં જ રહે છે. તેમ છતાં શેખ હસીના સાથે સંકળાયેલા અનેક સવાલના જવાબ હજુ મળ્યા નથી.
એક સવાલ એ છે કે પાછલા અઢી મહિનામાં શેખ હસીનાની ગતિવિધિઓ વિશે કેટલી નક્કર માહિતી ઉપલબ્ધ છે અને કઈ ગતિવિધિને માત્ર અનુમાન કે અફવા ગણાવીને નકારી શકાય?
બીબીસી બાંગ્લાને શું જાણવા મળ્યું?
- શેખ હસીના ભારતમાં જ છે. મધ્ય પૂર્વના કોઈ દેશમાં ગયાં નથી. તેમણે ભારત છોડ્યાના સમાચાર નિરાધાર છે.
- પાંચમી ઑગસ્ટે હિંડન ઍરબેઝ પર પહોંચ્યાના બે-ત્રણ દિવસ બાદ જ તેમને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
- શેખ હસીનાએ ભારતે ટ્રાવેલ ડૉક્યુમૅન્ટ્સ ઉપલબ્ધ કરાવ્યાના સમાચાર છે, જેથી તેઓ જરૂર પડ્યે કોઈ ત્રીજા દેશમાં જઈ શકે. ભારત સરકારે આ સમાચારની પુષ્ટિ કે ખંડન કર્યું નથી.
- શેખ હસીના ભારતમાં હોવાની પુષ્ટિ સરકારે કરી છે, પરંતુ તેઓ દિલ્હીમાં છે કે નહીં તે સ્પષ્ટ નથી.
- શેખ હસીના ક્યાં હોઈ શકે, એ બાબતે બે રીતે અનુમાન કરવામાં આવી રહ્યું છે. પહેલું અનુમાન એ કે તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં પ્રાદેશિક નિર્દેશક તરીકે કામ કરતાં તેમનાં પુત્રી સાઈમા વાજિદના ઘરે રહે છે.
- બીજું અનુમાન એ છે કે તેઓ ઉત્તર પ્રદેશના મેરઠ કે હરિયાણાના માનેસરમાંના અર્ધ-લશ્કરી દળના એક ગેસ્ટ હાઉસ કે સેફ હાઉસમાં રહે છે.
- પહેલું અનુમાન નિરાધાર છે, પરંતુ બીજું અનુમાન સાચું હોઈ શકે છે, એવી ખબર બીબીસી બાંગ્લાને પડી છે.
- શેખ હસીનાને કડક સલામતી વચ્ચે રાખવામાં આવ્યાં છે એમ કહેવું યોગ્ય છે, પરંતુ તેમને હાઉસ ઍરેસ્ટ કે નજરકેદમાં રાખવામાં આવ્યાં હોવાની વાત સાચી નથી.
- તેના સમર્થનમાં એવી દલીલ કરી શકાય કે શેખ હસીનાના અંગત ફોન ચાલુ છે અને તેઓ અમેરિકા તથા દિલ્હીમાં રહેતા તેમનાં દીકરી અને દીકરા સાથે નિયમિત સંપર્કમાં છે.
- તેમના પક્ષ અવામી લીગના અનેક નેતાઓએ પણ શેખ હસીના સાથે તેમના પર્સનલ મોબાઈલ પર વાતચીત કરી છે.
- શેખ હસીના જે પરિસ્થિતિમાં ભારત આવ્યાં હતાં એવી પરિસ્થિતિમાં આવતા દરેક અતિથિએ ‘ડીબ્રીફિંગ સેશન’માંથી પસાર થવું પડે છે અને હસીના પણ તેમાં અપવાદ નથી.
બીબીસી બાંગ્લાને પાક્કી માહિતી મળી છે કે ભારતને શેખ હસીના પાસેથી શું અપેક્ષા છે તેનાથી ટોચના સલામતી અધિકારીઓને વાકેફ કરી દેવામાં આવ્યા છે.
તેમણે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ તેની માહિતી આપી દેવામાં આવી છે. તેમની સાથેની વાતચીતના આધારે કેટલીક નોટ્સ પણ લેવામાં આવી છે.
દિલ્હીમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી દુર્ગા પૂજાના પંડાલોમાં બંગાળીઓના સમૂહમાં સૌથી મોટો સવાલ એ હતો કે શેખ હસીનાને આ સીઝનમાં બાંગ્લાદેશની હિલ્સા માછલી ખાવા મળી છે? શેખ હસીના સંબંધી અનેક સવાલોની માફક આ સવાલ પણ રહસ્યના તાણાવાણામાં વિંટળાયેલો છે.
વણનોતર્યાં મહેમાન?

ઇમેજ સ્રોત, Getty Images
હિન્દીમાં કહેવત છે – બિન બુલાયા મહેમાન. એટલે કે આમંત્રણ વિના તમારા ઘરે પહોંચી જતા અતિથિ. ભારતીય વિદેશ મંત્રાલયના ટોચના એક અધિકારીએ બીબીસી બાંગ્લાને કહ્યું, "શેખ હસીનાએ ભલે આમંત્રણ વિના દિલ્હી આવવું પડ્યું છે, પરંતુ તેઓ અમારા મહેમાન છે તેમાં કોઈ શંકા નથી."
તેથી ભારત તેમની મહેમાનગતીમાં કોઈ કસર રાખી શકે નહીં.
ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અજય બિસારિયા પણ માને છે કે શેખ હસીનાને દિલ્હીમાં રહેવાની પરવાનગી આપવી તે ભારત માટે અત્યંત સંવેદનશીલ મુદ્દો બની શકે છે, પરંતુ સાચું કહીએ તો તેમને સંપૂર્ણ સન્માન સાથે આ દેશમાં રાખવા સિવાય ભારત પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.
દેશના રાજદ્વારી સમુદાય અથવા આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતો પણ એક વાતે સહમત છે કે ભારતે સંકટની આ ઘડીમાં શેખ હસીના સાથે ઊભા રહેવું પડશે. ભારત આવું નહીં કરે તો ભવિષ્યમાં દક્ષિણ એશિયાનો કોઈ નેતા કે પાડોશી દેશ ભારતની દોસ્તી પર ભરોસો કરી શકશે નહીં.
આ જૂની દોસ્તીની લાજ રાખવાનો સૌથી સન્માનજનક રસ્તો શેખ હસીનાને રાષ્ટ્રીય અતિથિ તરીકે જરૂરી હોય ત્યાં સુધી ભારતમાં રાખવાનો છે.
દિલ્હીના વિચારક મંડળ આઈડીએસએનાં સીનિયર ફેલો સ્મૃતિ પટનાયકે યાદ કરાવ્યું હતું કે 1975માં શેખ મુજીબ હત્યાકાંડ બાદ શેખ હસીનાએ સપરિવાર ભારતમાં આશરો લીધો હતો. એ વખતે પણ તેમને ટેકનિકલ રીતે રાજ્યાશ્રય આપવામાં આવ્યો ન હતો.
એ વખતે તેમની ઓળખ ગુપ્ત રાખીને તેમને રાષ્ટ્રીય અતિથિ તરીકે જ રાખવામાં આવ્યાં હતાં.
તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ આ નિર્ણય પર મહોર મારી હતી. એ ઘટનાની લગભગ અડધી સદી પછી વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર પણ બરાબર એ જ માર્ગે ચાલવાના સંકેત આપી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
1975થી 1981 એટલે કે લગભગ છ વર્ષ સુધી શેખ હસીના અને તેમના પરિવારની ઓળખ ગુપ્ત રાખીને મીડિયાની નજરથી બચાવવાનું શક્ય હતું. વર્તમાન સમયમાં એવું શક્ય નથી.
અલબત, મહેમાનગતીનું ચરિત્ર બદલાવા છતાં આજે પણ મહેમાનગતી જ છે. ભારતના માનવા મુજબ, શેખ હસીનાને અતિથિ તરીકે અહીં રહેવા દેવાં એ જ આ રાજદ્વારી સમસ્યાનું સૌથી વધુ સ્વીકાર્ય સમાધાન છે.
ઘણા નિરિક્ષકો માને છે કે દિલ્હીમાં શેખ હસીનાની ઉપસ્થિતિ ભારત અને બાંગ્લાદેશની નવી સરકાર વચ્ચેની સંબંધમાં અડચણ બની શકે છે.
લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના પ્રોફેસર અને દક્ષિણ એશિયાના રાજકારણના લેખક-સંશોધક અવિનાશ પાલીવાલ માને છે, "શેખ હસીના ભારતમાં જ રહેશે તો એ કદાચ બન્ને દેશો વચ્ચેના સંબંધમાં ડીલ-બ્રેકર નહીં હોય અને દ્વિપક્ષીય કૂટનીતિ જટિલ થઈ જશે."
તેમણે કહ્યું, "જેમના વિરુદ્ધ બાંગ્લાદેશમાં આંદોલન અને સત્તાપલટો થયો તેને ભારતમાં શરણ મળે તો બન્ને દેશ વચ્ચેના સંબંધમાં અસહજતા સર્જાશે, જેના લક્ષણ જોવા મળી રહ્યાં છે. વર્તમાન જટિલ પરિસ્થિતિમાં ભારત શેખ હસીનાને રાજ્યાશ્રય આપવાનું જાહેર કરશે તો તેનાથી રાજદ્વારી ઊથલપાથલમાં વધારો થશે."
શેખ હસીના હાલ જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહે તે ભારત માટે બહેતર હશે. એટલે કે શેખ હસીના અતિથિ તરીકે જેટલા દિવસ ઇચ્છે તેટલા દિવસ ભારતમાં રહે.
રાજ્યાશ્રયનાં પાસાં

ઇમેજ સ્રોત, ANI
આ બધા છતાં ભવિષ્યમાં ભારતે શેખ હસીનાને રાજ્યાશ્રય આપવાના મુદ્દે વિચાર કરવો પડે.
આ પહેલાં તિબેટના દલાઈ લામા, માલદીવના મોહમ્મદ નશીદ કે અફઘાનિસ્તાનના મોહમ્મદ નજીબુલ્લા જેવા અનેક વિદેશી નેતાઓને ભારતમાં રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો.
જોકે, રાજ્યાશ્રય મળવા છતાં નજીબુલ્લા પોતે ભારત આવી શક્યા ન હતા, પરંતુ તેમનાં પત્ની તથા સંતાનો લાંબા સમય સુધી દિલ્હીમાં રહ્યાં હતાં.
કોઈ હાઈ-પ્રોફાઈળ વિદેશી નેતાને રાજ્યાશ્રય આપવાનો હોય તો તેની જાહેરાત સંસદમાં કરવી પડે છે. આ વિશે નિર્ણય લેતાં પહેલાં વિવિધ રાજકીય પક્ષો સાથે મસલત કરવામાં આવે છે. અલબત, આવું કરવું અનિવાર્ય નથી.
દલાઈ લામાના કિસ્સામાં 1959માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પોતે સંસદમાં આવા નિર્ણયની જાહેરાત કરી હતી. થોડાં વર્ષો પછી મોહમ્મદ નજીબુલ્લાહના પરિવારના રાજ્યાશ્રય આપવાની માહિતી પણ તત્કાલીન વિદેશ પ્રધાન આઈ કે ગુજરાલે સંસદમાં આપી હતી.
શેખ હસીના 1975થી 1981 સુધી ભારતમાં રહ્યાં ત્યારે ટેકનિકલ રીતે તે રાજ્યાશ્રય ન હતો. તેથી સંસદમાં તેની જાહેરાત જરૂરી ન હતી.
એ વખતે તેઓ સ્વર્ગીય શેખ મુજીબનાં પુત્રી તરીકે આવ્યાં હતાં, જ્યારે હવે તેઓ ભૂતપૂર્વ વડાંપ્રધાન છે. હસીનાએ સ્વતંત્ર બાંગ્લાદેશ ઇતિહાસમાં લગભગ 21 વર્ષ સુધી વડાં પ્રધાન તરીકે ફરજ બજાવી છે.
કેટલાક નિરીક્ષકો માને છે કે આવી કોઈ રાજકીય હસ્તીને લાંબા સમય સુધી ભારતમાં રાખવાની જરૂર પડે તો આગળ જતાં "રાજ્યાશ્રય" આપવા વિચારી શકાય.

ઇમેજ સ્રોત, SIRAJUDDIN AHMED
શેખ હસીનાને રાજ્યાશ્રય આપવાની બાબતમાં સૌથી મોટી અનુકૂળતા એ છે કે ભારતમાં એકેય રાજકીય પક્ષ કદાચ આ પ્રસ્તાવનો વિરોધ નહીં કરે.
સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કૉંગ્રેસ બન્નેના શેખ હસીના સાથે મધુર સંબંધ છે. નરેન્દ્ર મોદી હોય કે ગાંધી પરિવારનાં સોનિયા અને રાહુલ ગાંધી, બધાની સાથે શેખ હસીનાની પર્સનલ કેમિસ્ટ્રી બની ગઈ છે.
દિલ્હી ખાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર સંજય ભારદ્વાજે કહ્યું, "ભારતમાં ડાબેરીઓએ દલાઈ લામાને રાજ્યાશ્રય આપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો એ આપણે યાદ રાખવું પડશે. એ વખતે ડાબેરીઓ ચીનની અત્યંત નજીક હતા."
જોકે, શેખ હસીનાને રાજ્યાશ્રય આપવાનો પ્રસ્તાવ આવશે ત્યારે તમામ પક્ષો તેનું સ્વાગત કરશે તે નક્કી છે. શેખ હસીના ભારતના બારમાસી દોસ્ત છે એ વાતે દેશમાં સર્વસંમતિ છે.
શેખ હસીનાને રાજ્યાશ્રય આપવામાં એક અનુકૂળતા એ હશે કે માત્ર તેના આધારે જ શેખ હસીનાના પ્રત્યર્પણ કે તેમને બાંગ્લાદેશને સોંપવાની માંગ ફગાવી શકાશે.
તેનો અર્થ એ કે ભારતે જેને રાજ્યાશ્રય આપ્યો છે તે વ્યક્તિ તેના દેશમાં રાજકીય બદલાનો શિકાર થવાની આશંકાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી તેને ન્યાય મળે એ માટે તેના દેશને સોંપવાનો સવાલ જ થતો નથી.
જોકે, આ નિર્ણયનું પ્રતિકૂળ પાસું એ છે કે શેખ હસીનાને ભારતમાં રાજ્યાશ્રય આપવાથી બાંગ્લાદેશ સરકાર સાથેના ભારતના સંબંધમાં કડવાશ સર્જાશે.
બાંગ્લાદેશમાં એક વર્ગના લોકોમાં ભારત-વિરોધી લાગણી ઉશ્કેરાશે.
હાલ બાંગ્લાદેશમાં ભારતનું રોકાણ અને ત્યાં ચાલતી યોજનાઓમાં ભારતની હિસ્સેદારી સેંકડો કરોડોમાં છે. તેથી દિલ્હી આ જોખમ લેશે કે નહીં એ પણ ધ્યાનમાં લેવું પડશે.
ધરપકડનું વૉરન્ટ

ઇમેજ સ્રોત, ANI
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યૂનલે (આઈસીટી) વર્તમાન પશ્ચાદ્ભૂમાં 17 ઑક્ટોબરે ‘ફરાર’ શેખ હસીના સામે ધરપકડનું વૉરંટ ઇશ્યુ કર્યું હતું. બાંગ્લાદેશ સરકારે પણ જણાવ્યું છે કે આઈસીટીના તે આદેશના અમલ માટે એ તરત પગલાં લેશે.
નિર્ધારિત સમયમર્યાદામાં એટલે કે એક મહિનામાં તે વૉરંટનો અમલ કરવાનો હોય તો માની શકાય કે બાંગ્લાદેશ સરકાર શેખ હસીનાનો કબજો સોંપવાની લેખિત માંગણી ટૂંક સમયમાં ભારત સમક્ષ કરી શકે છે.
જોકે, આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે ભારત સરકારે 17 ઑક્ટોબરે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પ્રવક્તા રણધીર જાયસવાલે એટલું જ કહ્યું હતું, "અમે પણ અહેવાલો જોયા છે, પરંતુ અત્યારે આ મુદ્દે અમારી પાસે કશું કહેવા જેવું નથી."
દિલ્હીના અનેક ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને વિશ્લેષકોએ એ પહેલાં બીબીસી બાંગ્લાને કહ્યું હતું, "બંને દેશ વચ્ચે થયેલી પ્રત્યર્પણ સંધિ હેઠળ શેખ હસીનાનો કબજો બાંગ્લાદેશને સોંપવાની વિનંતી કરવામાં આવશે તો ભારત ગમે તે સંજોગોમાં તેનો સ્વીકાર નહીં કરે અને જરૂર પડ્યે હજારો દલીલો કરીને આ મામલાને વર્ષો સુધી લટકાવી રાખશે એ નક્કી છે."
ઔપચારિક રીતે રાજ્યાશ્રય આપવો એ જ પ્રત્યર્પણની વિનંતીના અસ્વીકારનો એકમાત્ર માર્ગ નથી. બીજા ઘણા રસ્તા પણ છે.
સીધા શબ્દોમાં કહીએ તો શેખ હસીનાને ભારતમાં રાષ્ટ્રીય અતિથિ તરીકે રાખીને પણ ભારત પ્રત્યર્પણની વિનંતીનો અસ્વીકાર કરે તે શક્ય છે.
આ જ કારણસર દિલ્હીના નિરિક્ષકો માને છે કે શેખ હસીનાને ક્યા દરજ્જાના આધારે રાખવામાં આવ્યાં છે તે મહત્વનું નથી. મહત્ત્વની વાત એ છે કે ભારત સરકાર તેમને અહીં લાંબા સમય માટે રાખવા તૈયાર છે.
ઢાકામાં ભારતનાં ભૂતપૂર્વ હાઇ કમિશનર રીવા ગાંગુલી દાસે કહ્યું, "શેખ હસીના અતિથિ તરીકે રહે છે કે તેમને શરણ આપવામાં આવે છે એ મોટી વાત નથી. મોટી વાત એ છે કે તેમને ભારતમાં યોગ્ય સન્માન સાથે રાખવામાં આવે છે કે નહીં."
તેમના કહેવા મુજબ, "અંગ્રેજીમાં કહેવત છે કે અ રોઝ ઈઝ અ રોઝ. એટલે કે ગુલાબને તમે ગમે તે નામ આપો, પરંતુ આખરે તો તે ગુલાબ જ રહે છે. એવી જ રીતે શેખ હસીના ભારતમાં શરણ લઈને રહે કે અતિથિ તરીકે, તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારત માટે તેઓ શેખ હસીના જ રહેશે."
વર્તમાનમાં ભારતમાં શેખ હસીનાની સ્થિતિનું આ કદાચ સૌથી મોટું સત્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












