બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને હચમચાવી દેનારા વિદ્યાર્થીઓ હવે શું કરી રહ્યા છે

- લેેખક, જુગલ પુરોહિત, દેબલીન રોય
- પદ, ઢાકા, બાંગ્લાદેશ
મીર મહફૂઝ ઉર રહેમાન 18 જુલાઈની બપોરે તેમના ઘરેથી નીકળ્યા હતા. તેઓ તેમના દોસ્ત સાથે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સરકાર-વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પર આ વિરોધ પ્રદર્શનનું સમર્થન તો કર્યું હતું, પરંતુ તેઓ તેમાં ભાગ લઈ શક્યા ન હતા.
મીરને તેમના ઘરના લોકો પ્રેમથી ‘મુગ્ધો’ કહેતા હતા.
એ બપોરે નીકળેલા મુગ્ધો તેમના ઘરને, પરિવારને ફરી જોઈ શક્યા ન હતા. જોકે, તેમની એક ક્લિપ એ દિવસે વાયરલ જરૂર થઈ હતી.
એ ક્લિપમાં મુગ્ધો પાણીની બોટલો ભરેલી ભારે થેલી પકડીને, ટીયર ગેસથી પરેશાન, માર્ગ પર ચાલતા દેખાય છે અને લોકોને વારંવાર પૂછે છે, "પાણી જોઈએ છે, પાણી?"
થોડી પળો બાદ મુગ્ધોના માથામાં ગોળી વાગી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા.
25 વર્ષના મુગ્ધો માસ્ટર્સની ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા હતા. ભણવાની સાથે ઑનલાઇન ઍપ્સ મારફત તેઓ પાર્ટ-ટાઇમ કામ પણ કરતા હતા અને તેમના પરિવારજનોના કહેવા મુજબ, દર મહીને સારી એવી કમાણી પણ કરતા હતા.
તેમના 30 વર્ષની વયના મોટાભાઈ મીર મહમૂદ ઉર રહમાન ઉર્ફે દીપ્તોએ કહ્યું, "મુગ્ધો સરકારી નોકરીની શોધમાં ન હતા. તેઓ ભાવિ પેઢીઓને ન્યાય અપાવવા માટે ત્યાં ગયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશમાં અનેક સપ્તાહ સુધી ચાલુ રહેલા વિરોધ પ્રદર્શનમાં મુગ્ધોની માફક અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. સામાન્ય લોકો પણ હિંસાને ઝપટમાં આવી ગયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં 16 જુલાઈ અને 11 ઑગસ્ટ દરમિયાન થયેલી હિંસામાં 600થી વધુ લોકોના જીવ ગયા હતા.
હિંસા અને લોકોના વધતા આક્રોશ વચ્ચે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું હતું અને પાંચમી ઑગસ્ટે શેખ હસીના રાજીનામું આપીને ભારત જવા રવાના થયાં હતાં.
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ એક શક્તિ સ્વરૂપે ઊભર્યા છે.
આ પરિસ્થિતિમાં દેશનું નેતૃત્વ કોણ કરશે? માર્ગો પર પોલીસની ગેરહાજરીમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કેવી રીતે થશે? આવા સવાલોના જવાબ મેળવવાના પ્રયાસ વિદ્યાર્થી નેતાઓ કરી રહ્યા છે.
વિદ્યાર્થી નેતાઓ કોણ છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતને બાંગ્લાદેશ સાથે ઐતિહાસિક સંબંધ છે અને બન્ને દેશો વચ્ચે 4,000 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે. આ વિદ્યાર્થીઓ ભારત સાથેના સંબંધ વિશે શું વિચારે છે? તેઓ ખુદને કઈ વિચારધારાની નજીક માને છે? કેટલાક લોકો વિદ્યાર્થીઓના કામ બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે તેનાં કારણો કયાં છે?
ઢાકા યુનિવર્સિટીના કૅમ્પસમાં અમારી મુલાકાત નુસરત તબસ્સુમ સાથે થઈ.
નુસરત વિરોધ પ્રદર્શન પહેલાં કૉલેજના એક સાધારણ વિદ્યાર્થિની હતાં. આજે આખું બાંગ્લાદેશ તેમને જાણે છે.
કેટલાક વિદ્યાર્થીઓ તેમની સાથે સેલ્ફી ક્લિક કરવા ઇચ્છતા હતા તો કેટલાક તેમનાં માતા-પિતા સાથે નુસરતની મુલાકાત કરાવવા ઇચ્છતા હતા.
મેં તેમને પૂછ્યું, વચગાળાની સરકારની રચના પછી તમારી સામે શું લક્ષ્ય છે?
નુસરતે કહ્યું, "અત્યારે તો મારું એકમાત્ર લક્ષ્ય છેઃ મારા દેશને આઝાદ તથા આબાદ કરવો."
"હું મારાં સપનાં ભૂલી ગઈ છું. દેશમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાની જરૂર છે. દરેક ક્ષેત્રમાં પરિવર્તન જરૂરી છે. તેમાં કેટલો સમય થશે એ તો લોકો પર નિર્ભર છે. લોકો ટેકો આપશે તો આ કામ જલદી થઈ શકે તેમ છે."
નુસરત રાજનીતિશાસ્ત્રમાં માસ્ટર્સ કરી રહ્યાં છે. તેમના કેટલાક સાથીઓ વચગાળાની સરકારમાં અલગ-અલગ પદો પર છે.
વિરોધ પ્રદર્શન સરકારી નોકરીઓમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયું હતું, પરંતુ સલામતી દળોની કાર્યવાહી અને રાજકીય પ્રતિક્રિયા બાદ આંદોલન સરકાર-વિરોધી બની ગયું હતું.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આ પ્રદર્શનમાં રાજકીય પક્ષોની હિસ્સેદારી પણ હતી.
ઢાકા યુનિવર્સિટીનાં પ્રોફેસર ઝોબૈદા નસરીને કહ્યું, "આંદોલનમાં પ્રારંભે સામેલ થયેલા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના ઢાકા યુનિવર્સિટીના જ હતા અને તેઓ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા, પરંતુ આંદોલન સમગ્ર દેશમાં પ્રસર્યું ત્યારે અલગ-અલગ સંગઠનોના લોકો તેમાં જોડાયા હતા. આંદોલનને મોટું બનાવવામાં જમણેરી સંગઠનો અને ભૂતપૂર્વ સરકારના વિરોધી રાજકીય પક્ષોની ભૂમિકા પણ હતી."

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશની સત્તા હાલ વચગાળાની સરકારના હાથમાં છે અને તેની રચનામાં વિદ્યાર્થીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
સરકાર સામે અનેક સવાલ છે, જેમ કે બાંગ્લાદેશમાં ચૂંટણી ક્યારે થશે? વારંવાર બનતી હિંસાની ઘટનાઓ ક્યારે અટકશે? દેશમાંના લઘુમતી સમુદાયમાં સલામતીની ભાવના કેવી રીતે સર્જાશે?
સરકારે વારંવાર જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિંસાને, ખાસ કરીને લઘુમતીઓ સામેની હિંસાને ચલાવી લેવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેઓ ભીડની તાકાતનો ઉપયોગ કરીને, આંદોલનમાં સામેલ ન થયેલા લોકોને હવે નિશાન બનાવી રહ્યા છે. બાંગ્લાદેશ મીડિયા આવી ઘટનાઓ રિપોર્ટ કરી રહ્યું છે.
પ્રોફેસર ઝોબૈદાએ કહ્યું, "અન્ય યુનિવર્સિટીઓમાંના અમારા પ્રાધ્યાપક સાથીઓ બહુ ચિંતિત છે. તેમને એવું કહીને ધમકાવવામાં આવી રહ્યા છે કે તમે વિદ્યાર્થીઓને ટેકો આપ્યો ન હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો બહિષ્કાર કરવામાં આવશે. કેટલાક લોકોએ રાજીનામાં આપવાં પડ્યાં છે."
જોકે, નુસરત માને છે કે અત્યારે જે થઈ રહ્યું છે તે 16 વર્ષની નીતિનો વિરોધ છે. તેમણે કહ્યું, "સમાજના અલગ-અલગ વર્ગોમાં ગુસ્સો છે. હું માનું છું કે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી જશે. વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસ પર ધ્યાન આપશે અને પરિસ્થિતિ સામાન્ય થશે."
બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય અને ખાસ કરીને હિંદુ સમુદાય દેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પક્ષના મજબૂત ટેકેદાર હોવાનું માનવામાં આવે છે, પરંતુ શેખ હસીનાના વિરોધમાં થયેલા પ્રદર્શનમાં અમને બાંગ્લાદેશના હિંદુ સમુદાયના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા હતા.

સજ્જલ કુમાર પ્રામાણિકે અકાઉન્ટિંગ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું છે.
તેમણે કહ્યું, "બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયને કોઈ બચાવતું હતું તો તે અવામી લીગની સરકાર હતી, એવું લોકો માનતા હતા, પરંતુ હું એવું માનતો નથી. તેમના શાસનકાળમાં પણ હુલ્લડ થયાં હતાં."
કોવિડ મહામારી પછી બાંગ્લાદેશનું અર્થતંત્ર તેની પહેલાંની ગતિએ આગળ વધી શક્યું નથી. આંકડાઓ દર્શાવે છે કે એ સમયગાળામાં મોંઘવારી પણ સતત વધતી રહી છે.
સજ્જલ જેવા યુવાનો તેમના ભવિષ્ય બાબતે ચિંતિત છે.
તેમણે કહ્યું, "નોકરી શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમાં અનેક ખામી જોવા મળી. એક્ઝામ પહેલાં ક્વેશ્ચન પેપર્સ લીક થઈ જતાં હતાં. આ બધી વાતોને કારણે સરકાર પ્રત્યેનો લોકોનો ગુસ્સો વધી ગયો હતો."
બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિથી યુવાઓ ખુશ છે?

નુસરતની માફક નજીફા જન્નત પણ વિદ્યાર્થી નેતા છે. તેમણે બાંગ્લાદેશની ખાનગી યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે કહ્યું, "નવી સરકારે સૌથી પહેલાં આ આંદોલન સાથે જોડાયેલા તમામ લોકોનો સંપર્ક સાધવો જોઈએ. અત્યાર સુધી તો એવું થયું નથી. કદાચ તેઓ સમય લઈ રહ્યા છે, કારણ કે તેમણે પણ હજુ શરૂઆત જ કરી છે."
અનિકા શર્મિલા નામનાં એક વિદ્યાર્થિનીએ કહ્યું, "રસ્તાઓ પર બહેતર સલામતી જરૂરી છે. મહિલાઓ માટે ઑફિસમાં સલામતી હોવી જોઈએ."
તેમના સાથી મુક્તસિમ અલવીએ કહ્યું, "અમારા લઘુમતી સમુદાયના લોકો સાથે જે થઈ રહ્યું છે તે જોઈને હું ખુશ નથી. ખાસ કરીને હિંદુ સમુદાયના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે."
અમે વિદ્યાર્થીઓને પૂછ્યું, દેશમાં ચૂંટણી ક્યારે થવી જોઈએ?
ખુદને આર્ટિસ્ટ ગણાવતા અભિજીત કર્મોકાર ઘણા સપ્તાહ સુધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું, "ચૂંટણી તો યોજાશે, પરંતુ હું માનું છું કે થોડા સમય પછી યોજાય તો સારું."

ફૈઝ હૈરુઝ નામના એક વિદ્યાર્થિનીએ કહ્યું, "આગામી ત્રણથી છ મહિનામાં ચૂંટણી યોજાય તેવું હું ઇચ્છતી નથી. મારી ઇચ્છા છે કે ચૂંટણી ત્રણ-ચાર વર્ષ પછી જ યોજાય."
શેખ હસીના અને ભારત વચ્ચે પણ ગાઢ સંબંધ છે. પાંચમી ઑગસ્ટે બાંગ્લાદેશથી તેમને લઈને નીકળેલું વિમાન ભારતમાં જ ઊતર્યું હતું. અલબત, વચગાળાની સરકાર ભારત સાથેના પોતાના સંબંધને મજબૂત બનાવવા ઇચ્છે છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું છે.
જોકે, નુસરતે કહ્યું, "ભારતને અમારી પાસેથી સારા પાડોશી બનવાની ઇચ્છા હોય તો તેણે પણ તેનું વર્તન સુધારવું પડશે. અત્યાર સુધીનો ભારતનો વ્યવહાર બરાબર રહ્યો નથી, કારણ કે એક દેશ કોઈ પક્ષ કે પરિવારનો નથી. ભારત એવું વિચારતું હોય કે એક નાના જૂથ સાથે સારો સંબંધ રાખીને, તેની દરેક ભૂલની અવગણના કરીને તેને પ્રોત્સાહન આપતું રહેશે તો હું કહીશ કે ભારત જેવા સારા દેશ પાસેથી મને આવી આશા નથી."
મુગ્ધોનો પરિવાર અન્યોની માફક આગળ નહીં, પરંતુ પાછળ જોઈને પોતાની પીડામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મેં મુગ્ધોના ભાઈ મીર મહબૂબ ઉર રહેમાન ઉર્ફે સ્નિગ્ધોને પૂછ્યું કે બાંગ્લાદેશે મુગ્ધોને કેવી રીતે યાદ રાખવા જોઈએ?
તેમણે કહ્યું, "અમે એટલું જ ઇચ્છીએ છીએ કે લોકો તેની કુરબાનીને યાદ રાખે. તેઓ કાયમ દેશની સેવા કરવા ઇચ્છતા હતા."
"તેઓ હવાઈ દળમાં પાઇલટ બનીને બાંગ્લાદેશની સેવા કરવા ઇચ્છતા હતા. તેમણે બે વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયા ન હતા."
"અલબત, હું માનું છું કે છેલ્લે જે થયું તેના આધારે કહી શકાય કે તેમણે દેશની સેવા કરી. ભવિષ્યમાં લોકો કદાચ તેમને ભૂલી જશે, પરંતુ હું મારો ચહેરો અરીસામાં જોઈશ ત્યારે મને તેઓ યાદ આવશે, કારણ કે અમારો ચહેરો એકસમાન છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












