શેખ હસીનાને બચાવવા શું મનમોહનસિંહે બાંગ્લાદેશમાં ઘૂસી જવા ભારતીય સેનાને આદેશ આપ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
તા. 25 ફેબ્રુઆરી, 2009ના ઢાકાનાં અખબારોમાં વડાં પ્રધાન શેખ હસીનાની તસવીર છપાઈ, જેમાં તેઓ બાંગ્લાદેશ રાઇફલ્સની વાર્ષિક પરેડમાં દેશના સૈનિકોને સલામી આપતાં દેખાયાં હતાં. આ સાથે જ 'બીડીઆર સપ્તાહ'ની શરૂઆત થઈ, જેમાં દેશના અર્ધલશ્કરી દળના અલગ-અલગ કાર્યક્રમ શરૂ થવાના હતા. બીજા દિવસે પણ દેશનાં અખબારોમાં બીડીઆરના સમાચાર હતા, અલબત નકારાત્મક રીતે.
25મી ફેબ્રુઆરીએ બીડીઆરના મુખ્ય મથક પર સૈનિકોએ સશસ્ત્ર બળવો કર્યો હતો તથા અનેક વરિષ્ઠ સૈન્યઅધિકારીઓ ઠાર મરાયા હતા. બળવાખોરો રાઇફલો, મશીનગનો, હૅન્ડગ્રૅનેડ તથા મોર્ટાર જેવાં હથિયારોથી સજ્જ હતા, તો બહાર બાંગ્લાદેશની સેના હતી.
એ સમયે બાંગ્લાદેશમાં બે વર્ષની સેનાસમર્થિત સરકાર બાદ હજુ બેએક મહિના પહેલાં જ શેખ હસીનાની સરકાર બની હતી. સમગ્ર ઘટનાક્રમને કારણે તેમની સત્તા ઉપર જોખમ ઊભું થયું હતું. એવામાં તેમણે ભારતમાં તેમના ઓળખીતા 'દાદા'ને ફોન કર્યો, જેમણે 'પ્રતિસાદ મળશે' એવી તૈયારી દાખવી.
આ 'દાદા' બીજા કોઈ નહીં, પરંતુ મનમોહનસિંહની સરકારના ટ્રબલશૂટર પ્રણવ મુખરજી હતા.
ભારતમાં બે મહિના પછી ચૂંટણીઓ યોજાવાની હતી, છતાં ડૉ. મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે ભારતીય સેનાની બહુપ્રતિષ્ઠિત ટુકડીને સજ્જ રહેવા આદેશ આપ્યા.
શેખ હસીનાએ મદદ ભારતની મદદ મેળવવા 'દાદા'નો સંપર્ક એટલા માટે કર્યો કારણ કે લગભગ 37 વર્ષ પહેલાં પણ આ કૉંગ્રેસી નેતાએ શેખ હસીનાને ખૂબ જ મદદ કરી હતી, એટલે તેમની પાસેથી શેખ હસીનાને ઘણી અપેક્ષાઓ હતી.
અર્ધસૈનિક દળ સામે બાંગ્લાદેશની સેના

ઇમેજ સ્રોત, Getty Images
હવે વર્ષ 2009માં બાંગ્લાદેશમાં પરિસ્થિતિ કેવી રીતે વણસી અને શેખ હસીનાને મદદ માટે 'દાદા'ને વાત કેમ કરી તેની વાત કરીએ, તો ઢાકાના 'પિલ્ખાના' (હાથીખાનું) વિસ્તારમાં આવેલા બાંગ્લાદેશ રાઇફલ્સના મુખ્ય મથક ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અર્ધલશ્કરી સંગઠનના ડાયરેક્ટર મેજર જનરલ શકીલ અહમદ તથા દેશભરમાંથી ઉચ્ચઅધિકારીઓ એકઠા થયા હતા.
એવામાં અર્ધસૈનિક દળના નીચેના સ્તરના સૈનિકોએ અધિકારીઓ સાથેના 'દરબાર'માં તેમના પગાર અને કામની સ્થિતિ અંગે રજૂઆતો કરી. તેમનું કહેવું હતું કે બાંગ્લાદેશ રાઇફલ્સના ઉચ્ચઅધિકારીઓ સેનામાંથી આવે છે, તેઓ થોડો સમય પછી જતાં રહે છે, એટલે તેમની સમસ્યાઓ ઉપર ધ્યાન નથી આપતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી, સેનામાંથી અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોવાથી બીડીઆરના જવાનો માટે પદોન્નતિની તકો ઘટી જાય છે. જોત-જોતામાં ચર્ચાએ ઉગ્રસ્વરૂપ ધારણ કરી લીધું. નીચેના દરજ્જાના અધિકારીઓ અને સૈનિકો હિંસક બની ગયા.
મેજર જનરલ શકીલ અહમદની હત્યા કરી દેવામાં આવી. અધિકારીઓના મોબાઇલફોન ખૂંચવી લેવામાં આવ્યા. એ પછી દેશની સેનાના અધિકારીઓની કત્લેઆમ શરૂ કરી. અધિકારીઓને શોધવા માટે તેઓ સમગ્ર મુખ્ય મથકમાં ફરી વળ્યા.
બચી ગયેલા સૈન્યઅધિકારીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે બીડીઆરના બળવાખોરોનો કોઈ નેતા નહોતો, પરંતુ 20-25 સૈનિકોએ અન્યોની ચડામણી કરી હતી. તેમણએ વૉશરૂમમાં પણ અધિકારીઓને શોધ્યા હતા અને દેખ્યા ત્યાં ઠાર માર્યા હતા.
મેજર જનરલ શકીલ અહમદ તથા અન્ય અધિકારીઓને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા, ત્યારે બીજા કેટલાક સૈનિકો આવ્યા અને તેમને ઠાર માર્યા. બળવાખોરોએ શસ્ત્રાગારના દરવાજા તોડીને નાનાં-મોટાં હથિયારોનો કબજો લઈ લીધો હતો.
બાંગ્લાદેશની સેના બીડીઆરના મુખ્ય મથક બહાર ગોઠવાઈ ગઈ હતી. દેશનાં અનેક સ્થળોએ બીડીઆર દ્વારા બળવાના છૂટાછવાયા સમાચાર પણ આવ્યા.
દિલ્હીમાં શેખ હસીનાના 'દાદા'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લેખક અવિનાશ પલીવાલ તેમના પુસ્તક 'ઇન્ડિયાસ નીયર ઇસ્ટ'માં સમગ્ર ઘટનાક્રમ ઉપર પ્રકાશ પાડ્યો છે. શેખ હસીનાએ નવી દિલ્હીમાં તેમના સૌથી વિશ્વસનીય વ્યક્તિને ફોન કર્યો, જેને તેઓ 'દાદા' તરીકે સંબોધતાં. આ દાદાએ એટલે તત્કાલીન નાણામંત્રી પ્રણવ મુખરજી.
પુસ્તકમાં ઉલ્લેખ છે કે 'દાદા'એ તેમને 'પ્રતિસાદ મળશે' એવી ખાતરી આપી હતી.
'દાદા' અને શેખ હસીના વચ્ચેના સંબંધો આ પહેલાંથી જ ગાઢ હતા. આ સંબંધો ઇંદિરા ગાંધીના સમયથી બંધાયા હતા.
વર્ષ 1975માં તા. 15મી ઑગસ્ટે 'બંગબંધુ' શેખ મુજીબુર રહેમાનની હત્યા કરી દેવામાં આવી. હજુ ચારેક વર્ષ પહેલાં પાકિસ્તાનથી અલગ થઈને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશના ગઠનમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
બંગબંધુ તરીકે ઓળખાતા મુજીબ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા હતા, છતાં ચાર વર્ષમાં તેમની હત્યા થઈ ગઈ હતી.
મુજીબની સાથે તેમના અન્ય પરિવારજનોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે શેખ હસીના તથા તેમનાં બહેન રેહાના યુરોપમાં હતાં, એટલે તેમનો જીવ બચી ગયો હતો. એવા સમયે બાંગ્લાદેશના વિદેશ મંત્રી કમાલ હુસેને હસીના તથા રેહાનાનાં રાજ્યાશ્રય માટે ઇંદિરા ગાંધીનો સંપર્ક સાધ્યો. ગાંધીએ તેને ગ્રાહ્ય રાખ્યો હતો.
24મી ઑગસ્ટે ઍર ઇન્ડિયાના વિમાનમાં બંને બહેનોનું ભારતમાં આગમન થયું. ઇન્ડિયા ગૅટ પાસે પંડારા પાર્ક વિસ્તારના એક ફ્લૅટમાં તેમના રહેવા તથા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શેખ હસીનાના પતિ ડૉ. વાજેદને ભારતના પરમાણુ વિભાગમાં ફેલોશિપ આપવામાં આવી.
તેમને વારંવાર બહાર નહીં નીકળવા તથા લોકો સાથે છૂટથી હળવું મળવું નહીં, તેવી તાકિદ પણ કરવામાં આવી હતી. તેમની નિકટતા પ્રણવ મુખરજી તથા તેમના પરિવાર સાથે કેળવાઈ હતી, જેઓ પણ મૂળ બંગાળી જ હતા.
જ્યારે હસીના શેખ અને તેમનાં બહેનને ઇંદિરા ગાંધીએ રાજ્યાશ્રય આપ્યો હતો તે વખતની વાત કરતાં પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠા તેમના પુસ્તક 'પ્રણબ માય ફાધર'માં લખે છે કે 'અમારા ઘરે જન્મદિવસની પાર્ટી હોય, ગૅટ-ટુ-ગૅધર હોય કે પિકનિક હોય. શેખ હસીના તથા તેમનો પરિવાર અમારી સાથે રહેતો.'
'તેઓ મારા પિતાને 'દાદા' તથા મારાં માતાને 'દીદી' કહીને સંબોધતાં, જેથી મને આશ્ચર્ય થતું, કારણ કે તેમણે મારાં માતાને 'બાઉદી' (ભાભી) કહીને સંબોધવા જોઇતાં હતાં.'
બહુ થોડાં લોકો બંને બહેનોની ઓળખ વિશે વાકેફ હતાં. અજાણ્યાં લોકોને તેમની ઓળખ પ્રણવ મુખરજીની સાળીઓ તરીકે આપવામાં આવતી.
બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીના મુશ્કેલીમાં મુકાયાં

ઇમેજ સ્રોત, Getty Images
હવે ફરી 2009માં બાંગ્લાદેશમાં શેખ હસીના જ્યારે મુશ્કેલીમાં મુકાયાં હતાં તેની વાત કરીએ.
અવિનાશ પલીવાલ તેમના પુસ્તકમાં પૅરાશૂટ રૅજિમેન્ટની છઠ્ઠી બટાલિયનના મૅજર કમલદીપ સંધૂને ટાંકતા લખે છે કે "તા. 26મી ફૅબ્રુઆરીના સાંજે પાંચેક વાગ્યે ઇમર્જન્સી કૉડ ઍક્ટિવેટ થયો હતો. આગલી રાત્રે પણ આવો જ કૉડ ઍક્ટિવેટ થયો હતો, પરંતુ આ વખતે સૈનિકોની હેરફેર થઈ શકે તે માટે પાંચ-છ જંગી વિમાન પણ સાથે હતાં. કંઇક મોટું અભિયાન હોવાનું મૅજર સંધુ પામી ગયા હતા."
આ પુસ્તકમાં ઉલ્લેખ છે કે, "ભારતને ઢાકામાં ભારતીય ડિપ્લૉમેટ સ્ટાફ તથા શેખ હસીનાની સુરક્ષા વિશે ચિંતા હતી. આદેશ મળ્યે ભારતીય પૅરાટ્રૂપર્સે ઢાકામાં ઊતરવું અને 'ગમે તે સ્થિતિ' માટે તૈયાર રહેવું એવા નિર્દેશ આપવામાં આવ્યા હતા."
"કલાઈકૂંડા (પશ્ચિમ બંગાળ), જોરાટ (આસામ) તથા અગરતલા (ત્રિપુરા) એમ ત્રણ જગ્યાએથી ભારતીય સૈનિકો બાંગ્લાદેશમાં પ્રવેશે તથા ઢાકા તથા તેજગાંવ ઍરપૉર્ટને પોતાના કબજા હેઠળ લે. એ પછી આ સૈનિકો બાંગ્લાદેશનાં વડાં પ્રધાનના નિવાસસ્થાને જઈને તેમને સલામત રીતે બહાર કાઢે."
"જો બાંગ્લાદેશના જનરલો શેખ હસીનાને બહાર કાઢવાના ભારતીય સૈન્યઅભિયાનનો વિરોધ કરે, તો શું કરવું, તેના વિશેની યોજના પણ તૈયાર રાખવામાં આવી હતી."
બાંગ્લાદેશ વિશે ભારતની ચિંતા અંગે અમેરિકાને પણ વાકેફ કરવામાં આવ્યું હતું. વિકિલિક્સમાં બહાર પડેલા અમેરિકાના કૅબલ પ્રમાણે, ભારતના તત્કાલીન વિદેશ સચિવ શિવશંકર મૅનને શનિવાર હોવા છતાં યુએસના ચાર્જ દ' અફૅયર્સને બોલાવ્યા હતા અને બાંગ્લાદેશ સંદર્ભે ભારતની ચિંતાથી વાકેફ કર્યા હતા.
ભારતને આશંકા હતી કે જમાત-એ-ઇસ્લામી જેવા સંગઠન બીડીઆરની અંધાધૂંધીનો ઉપયોગ કરીને બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા લાવી શકે છે.
હજુ બે મહિના પહેલાં 26/11ના મુંબઈહુમલામાં 165થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં પાકિસ્તાનનાં ચરમપંથી સંગઠનોની સંડોવણી હોવાનું ભારતનું માનવું હતું.
ભારતે આ મુદ્દે અમેરિકાના સહકારની અપેક્ષા કરી અને જાપાન, યુકે તથા ચીનની સાથે સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું. મુખરજી અને શેખ હસીના વચ્ચેની વાતચીતનો પણ કૅબલમાં ઉલ્લેખ છે.
પલીવાલ તેમના પુસ્તકમાં લખે છે કે અનેક સૈન્યઅધિકારીઓનાં મૃત્યુ થયાં હોવાથી જનરલ મોઇનુદ્દીન અહમદ ઉપર બીડીઆરના બળવાખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાનું દબાણ હતું.
જો એમ કરવામાં આવે તો અન્ય સ્થળોએ તહેનાત બીડીઆર તથા બાંગ્લાદેશના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળે અને સ્થિતિ વકરે તેવી આશંકા હતી. એ સમયે સમગ્ર બાંગ્લાદેશમાં બીડીઆરનાં 42 સ્થળોએ 72 હજાર જેટલા સૈનિક હતા, જેમાંથી 40 હજાર જેટલા ભારત અને બર્મા (મ્યાનમાર)ની સરહદે તહેનાત હતા.
બીડીઆર અને બાંગ્લાદેશની સેના વચ્ચેની અથડામણમાં શેખ હસીનાના જીવ ઉપર જોખમ ઊભું થાય કે તખ્તાપલટ થાય એમ હતું.
જોકે, વડાં પ્રધાન શેખ હસીનાએ બળવાખોરના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમની ઉગ્ર રજૂઆતોને સાંભળી અને ઉશ્કેરણીજનક વર્તણૂકનો સામનો કર્યો. સાથે જ શેખ હસીનાએ માગો ઉપર ધ્યાન આપવાનું વચન આપ્યું તથા તેમને ક્ષમાદાન આપવાની વાત પણ કહી.
લગભગ 30 કલાકની અંધાધૂંધી અને અનિશ્ચિતતા બાદ મુખ્યાલયમાં રહેલા બીડીઆરના સૈનિકોએ હથિયાર હેઠાં મૂકી દીધાં અને બાંગ્લાદેશની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. આથી ભારતે મેજર સંધૂને 'કૂચ કરો'ના આદેશ આપવાની જરૂર ન રહી.
બીડીઆર બન્યું BGB

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાક્રમમાં નાગરિકવેશે નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા બીડીઆરના અનેક બળવાખોર સૈનિકોને ઝડપી લેવામાં આવ્યા, જોકે અનેક હથિયારો જપ્ત નહોતાં થયાં અને બારોબાર પગ કરી ગયાં હતાં.
બળવાખોરોએ હંગામી કબરો બનાવીને તેમાં સૈન્યઅધિકારીઓના મૃતદેહો દફનાવી દીધા હતા. આ સિવાય કેટલાંક મૃતદેહોને ગટરમાં વહાવી દેવામાં આવ્યાં હતાં.
બાંગ્લાદેશભરમાંથી બીડીઆરના છ હજાર જેટલા સૈનિકોની ધરપકડ કરવામાં આવી. તેમની વિરૂદ્ધ મિલિટરી કાયદા હેઠળ બાંગ્લાદેશના ઇતિહાસનો સૌથી મોટો ખટલો ચલાવવામાં આવ્યો.
આ કાયદા હેઠળ મહત્તમ સાત વર્ષની સજા છતાં વર્ષ 2013માં અદાલત દ્વારા 152 સૈનિકોને મોતની તથા 161ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
આ સિવાય 256 જેટલા સૈનિકોને ત્રણથી લઈને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. જ્યારે 270ને છોડી મૂકવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
માનવ અધિકાર કાર્યકર્તાઓએ બાંગ્લાદેશની સેના ઉપર કબજામાં રહેલા બીડીઆરના સૈનિકોને પ્રતાડિત કરવાના આરોપ મૂક્યા. પૂછપરછ દરમિયાન બીડીઆરના 50 જેટલા સૈનિકનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું.
માનવાધિકાર સંસ્થાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે ટૉર્ચરને કારણે મૃત્યુ પામેલાં કેટલાક સૈનિકોને બીમારી કે હાર્ટઍટેકના કારણે મૃત્યુમાં ખપાવી દેવામાં આવ્યા હશે.
સત્તાવાર રીતે બાંગ્લાદેશનું કહેવું છે કે બે દિવસ દરમિયાન ત્રીસેક કલાકમાં 57 સૈન્યઅધિકારી તથા 17 નાગરિક સહિત 74 લોકો મૃત્યુ પામ્યાં હતાં. લગભગ બસ્સો વર્ષ પહેલાં જૂન-1795માં રામગઢ લૉકલ બટાલિયન તરીકે સ્થાપિત બાંગ્લાદેશ રાઇફલ્સને વર્ષ 2010માં બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ તરીકે નવી ઓળખ મળી. તેનાં ચિહ્ન, માળખા તથા ગણવેશમાં ફેરફાર કરવામાં આવ્યા.
પહેલી વાર પિતાની હત્યા થઈ ત્યારે શેખ હસીનાને ભારતે મદદ કરી હતી. 2009માં જ્યારે સૈનિકોએ બળવો કર્યો ત્યારે પણ ભારત તેમની મદદ માટે તૈયાર હતું. હવે શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડીને ભારત આવવાની ફરજ પડી છે ત્યારે પણ તેમને ભારતનો તેમને સાથ મળી રહ્યો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













