શું ભારત બાંગ્લાદેશની 'મેગાફોન ડિપ્લોમસી'થી નારાજ છે?

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર મહમદ યુનૂસે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતને ચોંકાવ્યું છે
    • લેેખક, અનબરાસન એથિરાજન
    • પદ, બીબીસી સંવાદદાતા

બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવાયાના એક મહિના પછી પણ ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો ઠંડા છે.

શેખ હસીના અત્યારે ભારતમાં છે જેના કારણે બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તણાવ પેદા થયો છે.

પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મહમદ યુનૂસના તાજેતરના એક ઇન્ટરવ્યૂએ ભારતને ચોંકાવી દીધું છે.

છેલ્લા એક મહિનાની ઘટનાઓ પછી આજે આપણે ભારત-બાંગ્લાદેશના સંબંધોની સ્થિતિ કેવી છે તેનો અભ્યાસ કરીએ.

ભારતમાં શેખ હસીનાની હાજરીથી સંબંધોમાં અડચણ પેદા થઈ છે?

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેખ હસીના (ફાઇલ તસવીર)

શેખ હસીનાને ભારતના સમર્થક તરીકે જોવામાં આવતા હતા. તેમનાં 15 વર્ષના શાસન દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો રહ્યા હતા.

હસીનાનું શાસન ભારતની સુરક્ષા માટે પણ ઘણું ફાયદાકારક હતું, કારણ કે તેમણે બાંગ્લાદેશમાં સક્રિય ભારત વિરોધી કટ્ટરવાદી જૂથો સામે પગલાં લીધાં હતાં.

આ ઉપરાંત તેમણે સત્તામાં રહીને ભારત સાથે બાંગ્લાદેશ વચ્ચેના અનેક સરહદી વિવાદો પણ ઉકેલ્યા હતા.

પરંતુ ભારતમાં તેમની હાજરી (અને તેઓ કેટલો સમય રહેશે તેની અનિશ્ચિતતા)ના કારણે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવામાં મુશ્કેલી પેદા થઈ રહી છે.

ગયા સપ્તાહે મહમદ યુનૂસે સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતને અપીલ કરી કે શેખ હસીના પોતાના રોકાણ દરમિયાન કોઈ રાજકીય નિવેદનો ન આપે. ભારત તેમને આમ કરતા અટકાવે. યુનૂસના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે આ મામલે તણાવ છે.

યુનૂસે કહ્યું, "ભારત ઇચ્છતું હોય કે બાંગ્લાદેશ શેખ હસીનાને પાછા મોકલવાની વાત ન કરે ત્યાં સુધી તે તેમને રાખવા માગે છે, તો તેમણે મૌન રહેવું પડશે."

યુનૂસનો ઇશારો શેખ હસીના ભારત આવ્યાં ત્યાર પછી તેમણે આપેલા એક નિવેદન તરફ હતો. ત્યાર પછી તેમણે કોઈ જાહેર નિવેદન નથી આપ્યું.

યુનૂસનાં નિવેદનોથી ભારત નારાજ છે?

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહમદ યુનૂસ

બાંગ્લાદેશમાં જુલાઈ-ઑગસ્ટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હત્યાઓ બદલ શેખ હસીનાને પરત લાવવા અને તેમની સામે કેસ ચલાવવાની માંગણી કરવામાં આવી રહી છે.

યુનૂસે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બંને દેશોએ પરસ્પર સંબંધો સુધારવા માટે સાથે મળીને કામ કરવું પડશે. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો તળિયે છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ ઇન્ટરવ્યૂ વિશે કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ એવું કહેવામાં આવે છે કે ભારતીય અધિકારીઓ તેનાથી નાખુશ છે.

એક ભારતીય અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું, "ભારત હાલમાં બાંગ્લાદેશથી આવતા મહત્ત્વના લોકોનાં સત્તાવાર અને બિનસત્તાવાર નિવેદનોને ચકાસી રહ્યું છે."

'મેગાફોન ડિપ્લોમસી' શું છે?

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાંગ્લાદેશના મહમદ યુનૂસના વલણથી ભારતના ભૂતપૂર્વ રાજદ્વારીઓ ચોંકી ગયા છે. આ પ્રકારના વલણને 'મેગાફોન ડિપ્લોમસી' કહેવામાં આવે છે. એટલે કે તેઓ બંને દેશો વચ્ચેના વિવાદિત મુદ્દાઓ પર મીડિયા મારફત ચર્ચા કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર રહી ચૂકેલાં વીણા સીકરીએ કહ્યું કે, "ભારત બાંગ્લાદેશ સાથે વાત કરવા માંગે છે અને તેણે વચગાળાની સરકારને આ અંગે સંકેત આપ્યો છે."

તેમણે કહ્યું કે વર્તમાન મુદ્દાઓ પર એકબીજા સાથે ચર્ચા થઈ શકે છે, પરંતુ મને નથી સમજાતું કે બંને દેશો વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા છે એવું યુનૂસ શેના આધારે કહે છે.

પરંતુ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આવી ટીકાઓને નકારી કાઢી છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર તૌહીદ હુસૈને બીબીસીને જણાવ્યું કે, "શું ભારતીય નેતાઓ મીડિયા સાથે વાત નથી કરતા? ડૉ. યુનૂસને ચોક્કસ મુદ્દા પર પ્રશ્નો પૂછવામાં આવે તો તેઓ ચોક્કસપણે પોતાનાં મંતવ્યો આપશે. તમે ટીકા કરવાનું શરૂ કરો તો તમે કોઈપણ વસ્તુની ટીકા કરી શકો છો."

થોડાં અઠવાડિયા અગાઉ મહમદ યુનૂસ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હજુ સુધી મંત્રી સ્તરની કોઈ વાતચીત થઈ નથી.

શેખ હસીનાને પરત લાવવાનું બાંગ્લાદેશ માટે કેટલું સરળ છે?

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ

એવું લાગે છે કે ભારતમાં એક પ્રકારે વ્યાપક સહમતી છે કે જ્યાં સુધી બીજો કોઈ દેશ શેખ હસીનાને આશરો આપવા માટે સહમત ન થાય, ત્યાં સુધી શેખ હસીના અહીં રહી શકે છે.

જોકે, બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના નવ નિયુક્ત પ્રોસિક્યુટર મહમદ તાજુલ ઇસ્લામે જણાવ્યું કે તેઓ શેખ હસીનાને પરત લાવવા માટે પગલાં લેવાના છે, જેથી કરીને અહીં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હત્યાઓ બદલ તેમની સામે કેસ ચલાવી શકાય.

મહમદ તાજુલ ઇસ્લામે પત્રકારોને જણાવ્યું કે, "તેમને બાંગ્લાદેશમાં હત્યાકાંડના મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હોવાથી અમે તેમને કાયદેસર રીતે અહીં લાવવાનો પ્રયાસ કરીશું, જેથી તેમની સામે હત્યાનો કેસ ચલાવી શકાય."

પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે બાંગ્લાદેશ આ વિશે ઔપચારિક માગણી કરે તો પણ હસીનાને પાછા મોકલવાનું શક્ય જણાતું નથી.

રીવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર પણ રહી ચૂક્યાં છે.

તેમણે કહ્યું, “શેખ હસીના ભારતમાં મહેમાન તરીકે રહે છે. આપણે લાંબા સમયથી આપણા મિત્ર રહેલી વ્યક્તિ સાથે મૂળભૂત સૌજન્ય જાળવી ન શકીએ તો ભવિષ્યમાં કોઈ ભારતને વિશ્વાસપાત્ર મિત્ર તરીકે નહીં જુએ."

ભારત પર બાંગ્લાદેશના વિરોધપક્ષો સાથે વાત ન કરવાનો આરોપ

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસ. જયશંકર

યુનુસે પોતાના ઈન્ટરવ્યૂમાં બાંગ્લાદેશના વિપક્ષો સાથે વાતચીત ન કરવા બદલ ભારતની ટીકા કરી છે.

તેમણે કહ્યું, "ભારત માને છે કે બાંગ્લાદેશમાં બધા જ ઇસ્લામવાદી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ઇસ્લામવાદી છે. આ ઉપરાંત બધા ઇસ્લામવાદી છે અને તેઓ દેશને અફઘાનિસ્તાનમાં ફેરવી નાખશે. ભારત માને છે કે માત્ર શેખ હસીનાના હાથમાં જ બાંગ્લાદેશ સુરક્ષિત છે. ભારત આ ધારણામાં બંધાઈ ગયું છે."

પરંતુ ભારતીય વિશ્લેષકો મહમદ યુનૂસના આ અભિપ્રાય સાથે સહમત નથી.

વીણા સીકરી કહે છે, “હું મહમદ યુનૂસના આ નિવેદન સાથે જરાય સહમત નથી. બાંગ્લાદેશમાં આપણા હાઈ કમિશનર રાજકીય પક્ષો પર કોઈ લેબલ લગાવ્યા વિના તેમની સાથે વાતચીત કરે છે."

વાસ્તવમાં 2001 અને 2006 વચ્ચે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની ગઠબંધન સરકાર દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગડ્યા હતા.

ભારતે બાંગ્લાદેશ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે ઇશાન ભારતમાં બળવાખોરોને આશરો આપે છે.

પરંતુ બાંગ્લાદેશમાં ઘણા લોકો કહી રહ્યા છે કે ભારતે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સાથે સંપર્કમાં રહેવું જોઈએ. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને વિશ્વાસ છે કે બાંગ્લાદેશમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે તેઓ જ જીતશે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર કહે છે, "પાંચમી ઑગસ્ટ (શેખ હસીનાની સરકારના પતનનો દિવસ) પછી કોઈ પણ ભારતીય અધિકારીએ અમારી મુલાકાત નથી કરી. મને તેનું કારણ સમજાતું નથી."

બીજી તરફ બાંગ્લાદેશમાં ચીનના રાજદૂત અને યુરોપિયન દેશોના રાજદૂતો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતાઓને સતત મળી રહ્યા છે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી દેશમાં સુરક્ષાના અભાવે ધાર્મિક લઘુમતી પર હુમલા વધી ગયા છે. બાંગ્લાદેશમાં શંકાસ્પદ ઇસ્લામવાદીઓ દ્વારા હિન્દુઓ પર હુમલાના અહેવાલો વિશે ભારતે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ સૂફી મજારોમાં તોડફોડ કરી છે. બાંગ્લાદેશમાં સુન્ની મુસ્લિમો બહુમતીમાં છે. કટ્ટરપંથી ઇસ્લામમાં માનનારાઓ આવી મજાર અને મકબરાને ઇસ્લામની વિરુદ્ધ માને છે.

સિરાજગંજ જિલ્લામાં અલી ખ્વાજા અલી પગલા પીરની કબરના કૅર ટેકરનાં પત્ની તમન્ના અખ્તરે કહ્યું કે, "તાજેતરમાં કેટલાક લોકોએ મારા સસરાની કબરમાં તોડફોડ કરી હતી અને અમને કોઈપણ બિન-ઇસ્લામિક વિધિ ન કરવાનું કહીને ધમકાવ્યા હતા."

બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના મંત્રાલયના સલાહકાર એ. એફ. એમ. ખાલિદ હુસૈને કહ્યું કે ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ભારતને કટ્ટરપંથીઓનો ડર

મોહમ્મદ યુનુસ, બાંગ્લાદેશ, શેખ હસીના, ભારત-બાંગ્લાદેશ સંબંંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પરંતુ નિષ્ણાતો કહે છે કે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરશે તો ભારત માટે તે ખતરાની ઘંટી હશે, ભલે પછી આવા કટ્ટરવાદીઓની સંખ્યા ઓછી હોય.

છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં અલગ અલગ ગુનામાં જેલવાસ ભોગવતા એક ઇસ્લામિક કટ્ટરવાદીને મુક્ત કરવામાં આવ્યો હતો.

ગયા મહિને શેખ હસીનાની સરકાર સામે વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનો દરમિયાન નવ શંકાસ્પદ ઇસ્લામિક કટ્ટરપંથીઓ જેલ તોડીને ભાગી ગયા હતા. જોકે, તેમાંથી ચારને પછી પકડી લેવાયા હતા.

અંસારુલ્લા બાંગ્લા ટીમના વડા જશીમુદ્દીન રહેમાનીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શેખ હસીનાની સરકારે આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

2015માં તેમને એક નાસ્તિક બ્લૉગરની હત્યા બદલ પાંંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તેમની સામે કેટલાય બીજા કેસ પૅન્ડિંગ હતા. તેથી સજા પૂરી થયા પછી પણ તેઓ જેલમાં હતા.

રીવા ગાંગુલી દાસ કહે છે કે, “છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ઉગ્રવાદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક વિશે ભારત જાણે છે."

તેમણે કહ્યું કે આ એક 'ગંભીર બાબત' છે.

(બીબીસી બાંગ્લા સેવા, ઢાકાના મુકીમુલ અહસાનના પૂરક અહેવાલ સાથે)

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.