You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા, પણ જેલમાંથી બહાર નહીં આવે
દિલ્હીની આબકારી નીતિના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.
બે ન્યાયધીશોની બૅન્ચે કહ્યું કે આ મામલે કેટલાક સવાલો છે જેના વિશે ન્યાયધીશોની એક મોટી બૅન્ચે વિચાર કરવાની જરૂર છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, "અરવિંદ કેજરીવાલ 90થી વધારે દિવસોથી જેલમાં બંધ છે."
તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન જે શરતોના આધારે તેમને વચગાળાના જામીન મળ્યા હતા તે જ શરતોને આધારે તેમને વચાગાળાના જામીન મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે મે મહિનામાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે તાત્કાલિક રાહત આપી હતી અને તેમને 2 જૂન સુધી 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.
ન્યાયધીશોની બૅન્ચે કહ્યું કે તેઓ એક ચૂંટાયેલા નેતા છે. જોકે, બૅન્ચે કહ્યું કે કેજરીવાલ મુખ્ય મંત્રી રહી શકે કે નહીં તે વિશે નિર્દેશ આપી ન શકાય.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે આ વિશે આ નિર્ણય લેવાની જવાબદારી અમે અરવિંદ કેજરીવાલ પર છોડીએ છીએ.
જોકે, કેજરીવાલ વચગાળાના જામીન પર બહાર આવી નહીં શકે. કારણ કે સર્વોચ્ચ અદાલતે તેમને ઈડી તરફથી થયેલી ધરપકડ મામલે વચગાળાના જામીન મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીબીઆઈએ કેજરીવાલની થોડાક દિવસો પહેલાં ધરપકડ કરી હતી. કેજરીવાલે સીબીઆઈની ધરપકડને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનવણી 17 જુલાઈએ થશે.
ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલની ધરપકડની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થઈ હતી
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરકપકડની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ હતી.
કેજરીવાલની ધરપકડ પર જર્મની, અમેરિકા, અને સંયુક્ત રાષ્ટ્રએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકને કહ્યું હતું, "અમે આશા રાખીએ છીએ કે ભારતમાં પણ રાજકીય અધિકાર કે નાગરિક અધિકારોની સાથે-સાથે લોકોના હિતોની પણ એટલી જ રક્ષા થવી જોઈએ જે રીતે અન્ય ચૂંટણીવાળા દેશમાં થઈ રહી છે."
જોકે, ભારતના પૂર્વ વિદેશ સચિવ અને તુર્કી, ફ્રાન્સ, રશિયા જેવા દેશોમાં રાજદૂત રહી ચુકેલા કંવલ સિબ્બલે અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે યુએનની ટિપ્પણીને સુનિયોજીત ગણાવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર તેમણે લખ્યું, "શું કેજરીવાલની બહારથી મળી રહેલું આ સમર્થન કઈ ઇશારો કરે છે? સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટર સભ્ય દેશોના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવા પર રોક લગાવે છે. જોકે, યુએનએસજીની ઑફિસ જ આ વાતનું ઉલ્લંઘન કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પોતાની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યું છે."
આ ટિપ્પણીઓ પર ભારતે બન્ને દેશોના રાજદ્વરીઓને સમન્સ આપીને વાંધો વ્યકત કર્યો હતો. સમન્સમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલની ધરપકડ એ ભારતનો આંતરિક મામલો છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મૅથ્યુ મિલરે કહ્યું હતું કે તેઓ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિત થઈ રહેલી આવી કાર્યવાહી પર નજર રાખવાનું ચાલુ રાખશે.
અમેરિકાની ટિપ્પણીઓ પર ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું.
"અમે ભારતમાં થયેલી કેટલીક કાયદાકીય કાર્યવાહી વિશે અમેરિકાના વિદેશ વિભાગના પ્રતિનિધિઓએ કરેલી ટિપ્પણીઓની નિંદા કરીએ છીએ. એ જરૂરી છે કે એક દેશ બીજા દેશની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે."
"અમે લોકતાંત્રિક દેશ પાસેથી આ મૂલ્યોની વધુ અપેક્ષા રાખીએ છીએ. ભારતીય કાયદાકીય પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. આ ન્યાયતંત્ર સમયસર નિર્ણયો આપવા બંધાયેલ છે. આ બાબતે પ્રશ્નો ઊભા કરવા અયોગ્ય છે."
જ્યારે જર્મની વિદેશ મંત્રાલયના પ્રવક્તા સાથે અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ટિપ્પણી કરવાની ના પાડી દીધી.
જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું,"અમે પહેલાં જ આ મામલે જવાબ આપી દીધો હતો. હું બન્ને દેશો વચ્ચે થયેલી વાતચીતનો ખુલાસો નથી કરી શકતો. બન્ને દેશો સરકારના સ્તરે ચર્ચાની તૈયારી કરી રહ્યા છે. આ ચર્ચા આ વર્ષે જ થશે. ભારતીય સંવિધાન મૌલિક અધિકારો અને સ્વતંત્રતાની ગૅરંટી આપે છે. ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અમે આ મૂલ્યો માટે પ્રતિબદ્ધ છીએ."
કેજરીવાલે આ પહેલાં કોર્ટમાં કેવી દલીલો આપી હતી
દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના રિમાન્ડ એક એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં રહ્યા હતા.
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચની રાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
બીબીસીના કાયદાકીય બાબતોના સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા અનુસાર આ સુનાવણીમાં કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હી સરકારનાં મંત્રી આતિશી, સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતાં.
આ દરમિયાન કેજરીવાલે કોર્ટને કહ્યું હતું કે તેઓ રિમાન્ડનો વિરોધ નથી કરતા અને તેઓ ઈડી તરફથી લગાવવામાં આવેલા આરોપોની સંપૂર્ણ તપાસ માટે તૈયાર છે.
જોકે, કેજરીવાલના વકીલે કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ વિરોધ નથી કરી રહ્યા તેનો અર્થ એ નથી કે તેઓ ઈડી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારે છે.
કેજરીવાલે કહ્યું હતું, "સાચો ગોટાળો તો ઈડીની તપાસ પછી શરૂ થયો હતો. જેનો એક ઇરાદો હતો કે આમ આદમી પાર્ટીને તોડી નાખવી. એવો માહોલ બનાવવો કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારી છે."
તેમણે આરોપ લગાવ્યો હતો, "શરદ રેડ્ડીના કેસમાં તેમને જમાનત બે કારણોને લીધે મળી. સૌથી પહેલાં શરદ રેડ્ડીએ મારા વિરુદ્ધ નિવેદન આપ્યું અને તેમની ધરપકડ પછી 55 કરોડ રૂપિયાનો રાજકીય ફંડ ભાજપને આપ્યો."
"ધરપકડ થયા પછી 55 કરોડના બૉન્ડ (ઇલેક્ટોરલ બૉન્ડ) શરદ રેડ્ડીએ ખરીદ્યા અને ત્યારપછી તેમને જમાનત મળી ગઈ. આ રીતે મની ટ્રેલ સાબિત થાય છે. આ આખી તપાસનો ઈરાદો આમ આદમી પાર્ટીને તોડવાનો હતો."
કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ઈડીનો ઇરાદો આમ આદમી પાર્ટી પર દબાણ કરવાનો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે અદાલતમાં હાજર થતાં પહેલાં કેજરીવાલ પાસે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના નિવેદન વિશે પ્રતિક્રિયા માંગી હતી. વીકે સક્સેનાએ કહ્યું હતું કે જેલમાંથી દિલ્હીની સરકાર નહીં ચાલે.
આ વિશે કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય કાવતરું છે, લોકો તેનો જવાબ આપશે.
તેમણે અદાલતને કહ્યું હતું, "આરોપ લગાડવામાં આવ્યો કે 100 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. જોકે, સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે મની ટ્રેલના કોઈ પુરાવા નથી."
કેજરીવાલે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. 17 ઑગસ્ટ 2022ના રોજ સીબીઆઈએ પહેલા કેસ નોંધ્યો હતો અને 22 ઑગસ્ટે ઈડીએ મામલો નોંધ્યો.
તેમણે ઉમેર્યું હતું, "મારી ધરપકડ કરવામાં આવી છે. ન કોઈ કોર્ટે મને દોષી કરાર કર્યો કે ન કોઈ કેસ મારા પર ચાલ્યો. મારા વિરુદ્ધ કોઈ આરોપ નથી લાગ્યા અને નક્કી પણ નથી થયા."
"અત્યાર સુધીમાં સીબીઆઈ 31,000 પેજ કોર્ટમાં ફાઇલ કરી ચુકી છે અને 294 વિટનેસની તપાસ કરી છે. ઈડીએ લગભગ 162 વિટનેસની તપાસ કરી છે અને 25,000 પેજ ફાઇલ કર્યા છે. આ બધાને તમે વાંચો તો મારો સવાલ એ છે કે મારી ધરપકડ કેમ કરવામાં આવી છે? મારું નામ માત્ર ચાર લોકોનાં નિવેદનમાં આવ્યું છે."
કેજરીવાલે કહ્યું હતું કે, "મારી ધરપકડ માત્ર ચાર આરોપીઓનાં નિવેદનોના આધારે કરવામાં આવી છે, જેમને સાક્ષી બન્યા પછી માફી મળી ગઈ છે. શું આ ચાર આરોપીઓના નિવેદન એક સત્તાધારી મુખ્ય મંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે? જો દારૂ ગોટાળો થયો તો તેના રૂપિયા ક્યાં છે? આરોપ લગાડવામાં આવે છે કે 100 કરોડ રૂપિયા કોઈ સાઉથની લૉબીએ દારૂનીતિ બનાવવા માટે આમ આદમી પાર્ટીને આપ્યા."
કેજરીવાલે આરોપ લગાવ્યા હતા કે ઈડીની તપાસના બે ઉદ્દેશ્ય હતા. પહેલો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો અને બીજો ઉદ્દેશ્ય ખંડણી રૅકેટ ચલાવવાનો જેનાથી તે નાણાં એકત્ર કરી રહ્યા છે.
જોકે ઈડીના વકીલ એએસજી એસવી રાજૂએ કોર્ટને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલનાં નિવેદનો રેકૉર્ડ કરવામાં આવ્યાં છે, પરંતુ તેઓ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા. તેઓ પૂછપરછ દરમિયાન ઈડીનો સહયોગ નથી કરી રહ્યા.
તેમણે ઉમેર્યું હતું કે કેજરીવાલ પાસવર્ડ પણ નથી આપ્યો આ કારણે તેમની પાસે રહેલો ડિજિટલ ડેટા મળ્યો નથી. જો તેઓ પાસવર્ડ નહીં આપે તો ઈડીએ આ પાસવોર્ડને તોડવો પડશે.
જોકે કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પહેલાં કેજરીવાલની કોઈ પણ આધાર વગર ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રવર્તન નિદેશાલયે 21 માર્ચની રાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર પ્રદર્શન પણ કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કથિત દારૂ નીતિ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સંજયસિંહની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2024માં સંજયસિંહને આ મામલે જામીન આપ્યા હતા.
આતિશીએ પત્રકારોને કહ્યું હતું, “અરવિંદ કેજરીવાલની ધરપકડ એ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર છે. નરેન્દ્ર મોદીને જો કોઈ એક નેતાથી ડર લાગે છે તો એ અરવિંદ કેજરીવાલ છે.”
"પરંતુ તેમ છતાં આજ દિન સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. તેથી આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ થવી એ એક રાજકીય કાવતરું છે."
આતિશીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું હતું કે, "અમે ઈડી દ્વારા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અમે આજે રાત્રે જ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગ કરી છે."
અગાઉ 21 માર્ચના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કેજરીવાલને ઇડીની સંભવિત ધરપકડથી રક્ષણ આપવા માટેની આગોતરી અરજી ફગાવી દીધી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેને હાઇકોર્ટમાં પડકાર્યા હતા.
ઇડી તરફથી નવમું સમન્સ મળ્યા બાદ કેજરીવાલ હાઈકોર્ટ ગયા હતા.
અરવિંદ કેજરીવાલને સતત ઇડી તરફથી કથિત દારૂ નીતિ મામલે સમન્સ મળી રહ્યા હતા. આ સમન્સને ગેરકાયદે ગણાવીને કેજરીવાલે ઘણી વાર જાહેરમાં પત્ર લખીને ઇડીને પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે ઇડીને પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી પણ બતાવી હતી.
કેજરીવાલ આ સમન્સને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા રહ્યા છે.
શું હતી દિલ્હીની નવી દારૂ નીતિ?
ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને દારૂના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.
આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં દારૂની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને દારૂના વેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ જારી કરાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં દારૂ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.
નવી દારૂનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, સારો ગ્રાહક અનુભવ આપવાનો, દારૂ માફિયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.
આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.
દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા બરોબર હતો.
આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને દારૂની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી અપાઈ હતી. તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.
શું છે કથિત દારૂ ગોટાળો?
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની ઍક્સાઇઝ નીતિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો આદેશ 2022ની 22 જુલાઈએ આપ્યો હતો.
સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નખાઈ હતી. તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું.
ઉપરાજ્યપાલે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.
કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે દિલ્હીની દારૂ નીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયું છે, જેનાથી દારૂના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.
કુમારે આ નીતિ અંગે ઘણા પ્રક્રિયાસંબંધિત ત્રુટીઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.
જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે અને સામેની તરફે લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.
‘દિલ્હી એક્સાઇઝ રૂલ્સ, 2010’ અને ‘ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ, 1993’ અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.
જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી હતી.
લાઇસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને તે પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડવા માટે કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી સતત આ સમગ્ર મામલો રાજકારણથી પ્રેરિત હોવાનો દાવો કરતી રહી છે. આમ આદમી પાર્ટી અનુસાર ભાજપ પક્ષના તમામ નેતાઓને જેલમાં નાખી દઈ આપને ખતમ કરી નાખવા માગે છે.