વાવાઝોડું બિપરજોય ભયાનક બનશે, 170 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત પર કેટલો ખતરો?

હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અરબી સમુદ્રમાં આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું બિપરજોય સર્જાઈ ચૂક્યું છે. જે દરિયામાં જ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાને જોતાં ગુજરાતમાં પણ સાવચેતીનાં પગલાં લેવાનાં શરૂ થઈ ગયાં છે. રાજ્યનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે માહિતી આપી છે તે પ્રમાણે બિપરજોય વાવાઝોડું અતિ-ભીષણ ચક્રવાતમાં ફેરવાશે. એટલે કે તેના પવનની ગતિ લગભગ 170 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

દરિયો તોફાની બનવાની શક્યતાને જોતાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

માછીમારોને જણાવ્યું છે કે બુધવારથી તેઓ દરિયામાં પ્રવેશ ન કરે અને જે લોકો હાલ દરિયામાં છે એવા માછીમારો તાત્કાલિક ધોરણે કિનારે પરત ફરવાની સૂચના આપી દેવાઈ છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડાનો પ્રભાવ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પડે તેવી શક્યતા છે અને ઝડપથી પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.

GREY LINE

ગુજરાતમાં વાવાઝોડાની કેવી અસર થશે?

બિપરજોય વાવાઝોડાની દિશા

ઇમેજ સ્રોત, India Meteorological Department

વાવાઝોડું કયા વિસ્તારો પર લૅન્ડફૉલ કરશે એટલે કે ક્યાં ટકરાશે તે અંગે હજી પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા ત્રણ દિવસ સુધી તે દરિયામાં ઉત્તર તરફ આગળ વધશે.

આગળ વધવાની સાથે તે મજબૂત બનશે અને પવનની ગતિ લગભગ 170 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગે વાવાઝોડાનો ટ્રૅક પણ જાહેર કર્યો છે તે પ્રમાણે વાવાઝોડું હાલ ગુજરાત તરફ આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરંતુ જો વાવાઝોડું ગુજરાતની નજીકથી પસાર થશે તો પણ તેની અસર રાજ્ય પર વર્તાશે.

આમ છતાં પણ ગુજરાતના દરિયાકિનારાને સાવધ કરી દેવામાં આવ્યા છે અને 11 જૂનની આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે 10 જૂન બાદ પવનની ગતિ વધે તેવી પણ હાલની સ્થિતિ પ્રમાણે સંભાવના છે. ગુજરાતમાં ચોમાસા પહેલાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હાલ શક્યતા દેખાઈ રહી છે.

રાજ્યના દરિયાકાંઠાના નજીકના કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિ.મિ.ની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતા દેખાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સુરતના વિસ્તારો પર સૌપ્રથમ હવામાન બદલાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

GREY LINE

વાવાઝોડું ક્યાં ટકરાવાની સંભાવના છે?

હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વાવાઝોડું આગળ વધીને કયાં ટકરાશે કે દરિયામાં જ વિખેરાઈ જશે તે અંગે હજી પણ વિવિધ હવામાન એજન્સીઓ એકમત નથી.

હવામાનના વિવિધ મૉડલો અલગ અલગ ટ્રૅક બતાવી રહ્યાં છે અને કઈ દિશામાં આગળ વધશે તે મામલે પણ સ્પષ્ટતા જોવા મળતી નથી.

કેટલાંક મૉડલ ઓમાન કે મસ્કત તરફ વાવાઝોડું જશે તેવું દર્શાવી રહ્યાં છે. જ્યારે હવામાન વિભાગનું મૉડલ ગુજરાત પાસેથી પાકિસ્તાન તરફ વાવાઝોડું જશે તેવું દર્શાવી રહ્યું છે.

હજી ભારતના હવામાન વિભાગે પણ વાવાઝોડું ક્યાં ટકરાશે તેની કોઈ જાણકારી આપી નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 2 કે 3 દિવસ સુધી વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધશે. જે બાદ જ ખબર પડશે કે તે દરિયામાં કઈ તરફ વળાંક લેશે.

સ્કામેટ અનુસાર હાલની સ્થિતિને જોતાં વાવાઝોડું ભારતના ભૂ-ભાગ પર ટકરાય તેવી શક્યતા દેખાતી નથી પરંતુ બે-ત્રણ દિવસ બાદ ચોક્કસ માહિતી મળશે.

GREY LINE

વાવાઝોડાને કારણે ચોમાસા પર અસર થશે?

હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધીને જો ગુજરાત પાસેથી પસાર થશે તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.

સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની અસર ચોમાસા પર થાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં વરસાદ થશે પરંતુ ભારતની મધ્ય અને ઉત્તરના ભૂ-ભાગો પર ચોમાસું મોડું થાય તેવી શક્યતા છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ વાવાઝોડું સર્જાય તો તે ભેજને પોતાની તરફ ખેંચી લે છે અને બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીંવત્ થઈ જાય છે.

જેમ કે મોખા વાવાઝોડું સર્જાયું ત્યારે ભારતની અંદર હીટ વેવ જેવી સ્થિતિ બની ગઈ હતી અને ગુજરાતમાં ખૂબ ઝડપથી ગરમી વધી હતી.

હાલ ચોમાસું 1 જૂનના રોજ અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું અને 2 જૂનના રોજ અરબી સમુદ્રમાં જ આગળ વધ્યું હતું.

જોકે, તે બાદ ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે અને 6 જૂન સુધી ચોમાસું આગળ વધ્યું નથી. હવામાન વિભાગે આ વર્ષે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે 4 જૂનની આસપાસ ચોમાસું કેરળ પર પહોંચી જશે.

RED LINE
RED LINE