રાજકોટ: 'ફરી લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા' 76 વર્ષના પિતા પર પોતાના દીકરાને ગોળી મારી હત્યા કરવાનો આરોપ, શું છે સમગ્ર મામલો?

જસદણમાં બીજા લગ્ન મુદ્દે પિતા દ્વારા પુત્રની હત્યા કે બીજું કોઈ કારણ જવાબદાર, ગેરકાયદેસર હથિયાર ક્યાંથી ખરીદ્યું ? કેટલામાં ખરીદ્યું ? બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, મૃતક પ્રતાપભાઈની ફાઇલ તસવીર અને પિતા રામભાઈ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં પોલીસ અધિકારીઓને વિચારતા કરી મૂકે એવો કેસ બન્યો છે. જસદણના ગીતાનગર વિસ્તારમાં વૃદ્ધે રવિવારે પોતાના જ દીકરાની ઘરની અંદર કથિત રીતે હત્યા કરી અને ત્યાર પછી તેમનાં પુત્રવધૂ તરફ પણ હથિયાર લઈને ધસી ગયા હતા.

કારણ? પાકટ વયે પિતાને બીજાં લગ્ન કરવાની ઇચ્છા હતી, પરંતુ તેમના પ્રૌઢ દીકરા અને પરિવારના અન્ય સભ્યો આ વાતની વિરુદ્ધમાં હતા.

આ સિવાયના મુદ્દે પણ પિતા-પુત્ર વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાના અહેવાલ છે, ત્યારે પોલીસે હત્યા મુદ્દે અન્ય એંગલથી પણ તપાસ ચાલુ રાખી છે.

પોલીસ તપાસમાં વૃદ્ધે ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે, જેથી કરીને પોલીસે હથિયાર ક્યાંથી ખરીદ્યું? કોની પાસેથી ખરીદ્યું? સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ચા આપવા ગયેલા પુત્રની હત્યા

જસદણમાં બીજા લગ્ન મુદ્દે પિતા દ્વારા પુત્રની હત્યા કે બીજું કોઈ કારણ જવાબદાર, ગેરકાયદેસર હથિયાર ક્યાંથી ખરીદ્યું ? કેટલામાં ખરીદ્યું ? બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, પોલીસ કસ્ટડીમાં રામભાઈ બોરિચા

જસદણ પોલીસ સ્ટેશનમાં આ મામલે એક અફઆઈઆર નોંધવામાં આવી છે.

એફઆઈઆર મુજબ રામભાઈ બોરિચા વ્યવસાયે ખેડૂત હતા. તેઓ પરિવાર સાથે જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા હતા.

પરિવારમાં તેમનો એકનો એક દીકરો પ્રતાપ, પ્રતાપનાં પત્ની જયા, પૌત્ર જયદીપ અન અન્ય લોકોનો સમાવેશ થાય છે. જયા રામભાઈનાં સગાં બહેનનાં દીકરી છે.

પ્રતાપ અને રામભાઈ બોરિયા બાજુ-બાજુનાં મકાનમાં રહે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રામભાઈ બોરિયા જે મકાનમાં રહે છે તે મકાનના હૉલનો એક દરવાજો પ્રતાપભાઈના મકાનના ફળિયામાં ખુલે છે.

એફઆઈઆર અનુસાર રવિવારે સવારે દસેક વાગ્યે જયદીપ બોરિયા ખરીદી કરવા બજારમાં ગયા હતા, ત્યારે જયા સાથે પ્રતાપ બોરિયા પોતાના પિતાને ચા આપવા ગયા. એ સમયે 76 વર્ષના રામભાઈએ પોતાના 52 વર્ષના દીકરાની હત્યા કરી હોવાનો આરોપ છે.

ગીતાબહેને પોલીસને જણાવ્યું, 'હું તથા મારા પતિ મારા સસરાને ચા આપવા ગયાં હતાં તે વખતે તેમના મકાનના ફળિયામાં લાદી નાખવાનું કડિયાકામ કરતા ગોરધનભાઈ પણ હાજર હતા.'

તેમણે ઉમેર્યું કે, 'ચા આપીને અમારા ઘરે પરત ફરવા બહાર નીકળી, ત્યારે બંદૂકથી ફાયરિંગનો અવાજ આવ્યો અને તરત જ મારા પતિ કણસતા હોય એવો અવાજ આવ્યો.'

એફઆઈઆર અનુસાર, 'હું ફરી મારા સસરાના ઘરના હૉલના દરવાજે પહોંચી પણ દરવાજો બંધ હતો. તેવામાં બીજી વખત ફાયરિંગનો અવાજ આવતા મેં આ હૉલનો દરવાજો ખખડાવ્યો અને મારા સસરાએ આ હૉલનો દરવાજો ખોલ્યો. તેમના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું જે લઈને મારી પાછળ દોડ્યા એટલે હું ત્યાંથી ભાગી અમારા મકાનમાં જઈને બંને મકાન વચ્ચે આવેલો દરવાજાને બંધ કરી દીધો.'

'તેવામાં મારો દીકરો જયદીપ પરત આવ્યો અને મેં તરત જ મારા દીકરાને કહ્યું કે- 'તારા પપ્પા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે.' હું તથા મારા દીકરા જયદીપે અમારા ઘરની સીડીએથી જોયું તો આ મારા પતિ લોહીલુહાણ હાલતમાં મારા સસરાના ઘરના ફળિયામાં પડ્યા હતા અને મારા સસરા બાજુમાં ટેબલ નાખી બેઠા હતા.'

બીજાં લગ્નના મુદ્દે હત્યા કે બીજું કારણ જવાબદાર?

જસદણમાં બીજા લગ્ન મુદ્દે પિતા દ્વારા પુત્રની હત્યા કે બીજું કોઈ કારણ જવાબદાર, ગેરકાયદેસર હથિયાર ક્યાંથી ખરીદ્યું ? કેટલામાં ખરીદ્યું ? બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, હત્યાને પગલે નાનકડા એવા જસદણમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી (નગરની ફાઇલ તસવીર)

એફઆઈઆર અનુસાર પિતા-પુત્ર વચ્ચે થોડો ગજગ્રાહ તો ઘણા સમયથી ચાલ્યો આવતો હતો, પરંતુ રવિવારે તે કરુણાંતિકામાં પરિણમ્યો.

'મારા સાસુ આશરે વીસેક વર્ષ પહેલાં ગુજરી ગયા હતા અને મારા સસરાને બીજાં લગ્ન કરવા બાબતે અમારા ઘરના સભ્યો સાથે અવાર-નવાર ઝઘડો કરતા. 'હું તને તથા તારા ઘરના બધા સભ્યોને મારી નાખીશ' એવી ધમકી વારંવાર આપતા હતા અને અવાર-નવાર 'ફાયરિંગ કરતા આટલી વાર લાગશે' તેમ કહી મારા પતિ સામે હથિયાર તાકતા હતા.'

'મારા સસરાની વધુ ઉંમર થઈ ગઈ હતી અને તેઓ બીજાં લગ્ન કરે, તો અમારા ઘરની આબરૂ જવાની બીક હોવાથી અમે પરિવારના સભ્યો તેમને બીજાં લગ્ન કરવાની ના પડતા હતા, જેનો ખાર રાખી મારા સસરાએ મારા પતિ ઉપર પિસ્તોલ જેવા હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને મોત નીપજાવ્યું છે."

'હથિયારનું લાઇસન્સ નહોતું'

જસદણમાં બીજા લગ્ન મુદ્દે પિતા દ્વારા પુત્રની હત્યા કે બીજું કોઈ કારણ જવાબદાર, ગેરકાયદેસર હથિયાર ક્યાંથી ખરીદ્યું ? કેટલામાં ખરીદ્યું ? બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, ગોંડલના ડી.વાય.એસપી. કિશોરસિંહ સરવૈયા

પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. જાનીએ જણાવ્યું, "ધરપકડ કરાયા બાદ પોલીસે રામભાઈને સોમવારે જસદણની એક અદાલતમાં રજૂ કરી તેના રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતા."

જે પૂર્ણ થતાં આરોપી રામભાઈ બોરિચાના ગોંડલ સબજેલ ખાતે મોકલી દેવાયા હતા.

"તપાસ કરતા માલૂમ પડ્યું છે કે પ્રતાપભાઈ તેમના પિતાની બીજીવાર લગ્ન કરવાની વાતનો સખત વિરોધ કરતા હતા. પિતા-પુત્ર વચ્ચે તેમની એક જમીનમાં કોને ભાગિયા રાખવા તે વિશે પણ તકરાર ચાલતી હતી. રવિવારે વાત વણસી જતા વૃદ્ધ પિતાએ તેમના એકના એક પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખી."

ટી.બી. જાનીએ ઉમેર્યું, "તપાસમાં એવી હકીકત પણ બહાર આવી છે કે એકલવાયું જીવન જીવતા રામભાઈ પાસે ત્રણેક વર્ષથી પિસ્તોલ હતી, પરંતુ તેમની પાસે હથિયાર રાખવાનું કોઈ લાઇસન્સ નથી. પૂછપરછ દરમિયાન આ પિસ્તોલ તેમણે ક્યાંથી અને કઈ રીતે મેળવી તે બાબતે ગોળગોળ જવાબ આપ્યા છે."

ટી.બી. જાનીએ ઉમેર્યું કે રિમાન્ડ કે પૂછપરછ દરમિયાન ક્યારેય રામભાઈને તેમના પુત્રની હત્યાનો પસ્તાવો હોવાનું જણાયું ન હતું.

પોલીસે રામભાઈ પાસેથી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કર્યાં છે અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપી વિરુદ્ધ હત્યા અને ગેરકાયેદેસર રીતે હથિયાર રાખવાનો ગુનો નોંધ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.