અમદાવાદ: શાળામાં બાળકો પાસે નમાજ પઢાવવા અને શિક્ષકને મારવાના મુદ્દે થયેલો વિવાદ શું છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, અમદાવાદથી

"આ કાર્યક્રમમાં નમાજ પઢવામાં આવી ન હતી. શાળામાં ‘લબ પે આતી હૈ.. દુઆ…’ એ ગીત વગાડવામાં આવ્યું હતું. જેમાં મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ માટે માઇકનું સેટઅપ કર્યું હતું. જેના કારણે હું વીડિયોમાં દેખાયો હતો. સંગીતના શિક્ષક તરીકે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવું એ મારું કામ છે."

આ શબ્દો ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના સંગીત શિક્ષક મૌલિક પાઠકના છે જેઓ છેલ્લાં છ વર્ષથી ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે પણ તેમને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયો વાઇરલ થયા બાદ બનેલી સમગ્ર ઘટનાએ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.

અમદાવાદની કેલોરેક્સ શાળાનો વિવાદ શું છે?

તારીખ ત્રીજી ઑક્ટોબરના દિવસે સવારના સમયે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તાઓ અને અન્ય હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના પરિસરમાં ધસી આવ્યા હતા જ્યાં તેમણે "નહીં ચલેગા...નહીં ચલેગા...ધર્મપરિવર્તન નહીં ચલેગા..." એવા સૂત્રોચ્ચાર સાથે શાળાના પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

તે દરમિયાન વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ અને આગેવાનોની કેલોરેક્સ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત અન્ય હોદ્દેદારો સાથે બેઠક ચાલી રહી હતી. એ વખતે કેટલાક કાર્યકર્તાઓએ કેલોરેક્સ સ્કૂલના સંગીત શિક્ષક મૌલિક પાઠક ઉપર હુમલો કરી દીધો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો.

આ મારામારી દરમિયાન પોલીસના કર્મચારીઓ પણ હાજર હતા જેઓ સંગીત શિક્ષકને ટોળામાંથી છોડાવીને એક રૂમમાં લઈ ગયા હતા.

ઈદ-એ-મિલાદના દિવસે શાળાના પરિસરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે એક મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા કથિત રીતે નમાજનું નિદર્શન કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો હતો.

આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. જેના કારણે હિંદુ સંગઠનો વિરોધ નોંધાવવા માટે શાળાએ પહોંચ્યા હતા અને ત્યારબાદ આ મારામારીની ઘટના બની હતી.

આ કથિત નમાજ પઢવાની ઘટના 29 સપ્ટેમ્બરના રોજ બની હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, તા.29મી સપ્ટેમ્બરના દિવસે ઇદ-એ-મિલાદનો તહેવાર હતો પરંતુ તે દિવસે જ અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનનો દિવસ પણ હતો. જેના કારણે અમદાવાદ શહેરમાં ઈદ-એ-મિલાદનું સરઘસ 30મી સપ્ટેમ્બરના રોજ કાઢવામાં આવ્યું હતું.

શિક્ષકનું શું કહેવું છે?

સંગીત શિક્ષક મૌલિક પાઠકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "આ કાર્યક્રમમાં નમાજ પઢવામાં આવી ન હતી. આ કોઈ મદરેસા નથી પરંતુ શૈક્ષણિક સંકુલ છે. સ્કૂલમાં નમાજનું નિદર્શન પણ કરવામાં આવ્યું ન હતું."

"માત્ર એક ગીત ઉપર દુઆ કરવામાં આવી હતી જેનો વીડિયો વાઇરલ થયો હતો. હું ગીત વાગી રહ્યું હતું તે સમયે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી રહ્યો હતો અને માઇક સેટ કરી રહ્યો હોવાથી હું વીડિયોમાં દેખાતો હતો."

"જેના કારણે આ લોકોએ મારા પર હુમલો કર્યો છે. સ્કૂલમાં એસેમ્બલી પ્રોગ્રામમાં શું કરવું એ શાળાના અન્ય શિક્ષકો દ્વારા નક્કી કરવામાં આવે છે. સંગીતના શિક્ષક તરીકે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવું એ મારું કામ છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "એ દિવસે એબીવીપીના કાર્યકરો જય શ્રી રામના નારા લગાવીને આવ્યા હતા અને સીધા જ મને મારવા લાગ્યા હતા. તેમણે આવીને મારી સાથે ચર્ચા કરવી જોઈતી હતી પરંતુ તેઓ સીધા જ મને માર મારવા લાગ્યા હતા."

જોકે, આ ઘટનામાં હજુ સુધી પીડિત શિક્ષક દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

આ વિશે તેઓ જણાવે છે કે, "હાલ મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. મારું ડાયાબિટીસ વધી ગયું છે. ફરિયાદ અંગે સ્કૂલ મૅનેજમેન્ટ સાથે ચર્ચા કરીને આ અંગે નિર્ણય લઈશું. હું સાચો જ છું. ખોટું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે તે બંધ થાય એટલું જ હું ઇચ્છુ છું."

અમદાવાદ શહેરના સેક્ટર એકના જૉઇન્ટ પોલીસ કમિશનર (જેસીપી) ચિરાગ કોરડીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, " ફરિયાદીને ફરિયાદ નોંધવા અંગે અમે જાણ કરી છે. ફરિયાદી દ્વારા આ અંગે કોઈ અપડેટ આપવામાં આવેલ નથી. આ મામલામાં પોલીસ ફરિયાદી બનશે કે નહીં તેનો નિર્ણય ફરિયાદી અપડેટ આપશે ત્યારપછી કરવામાં આવશે."

શાળાનું શું કહેવું છે?

આ ઘટના બાદ ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, "કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં ભારત દેશમાં ઉજવાતા તમામ તહેવારો જેમ કે, ગણેશોત્સવ, જન્માષ્ટમી, નવરાત્રી, ઈદ, ક્રિસમસ, નવરોઝ, ગુરૂ પૂરબ, પર્યુષણ વગેરે તહેવારોની દિલથી ઉજવણી કરવામાં આવે છે અને અમે તેમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ."

"તાજેતરમાં ઈદના તહેવાર પ્રસંગે સ્કૂલમાં યોજાયેલા સમારંભમાં અમારા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ નમાજ કેવી રીતે અદા કરવામાં આવે છે તેનું નિદર્શન કરીને બતાવ્યું હતું."

"જ્યારે અન્ય વિદ્યાર્થીઓ નિદર્શન દરમિયાન તેમની સાથે ઊભા રહ્યા હતા. આ કરવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતના વિવિધ તહેવારો અંગે સમજ/ખ્યાલ આપવાનો હતો. અમારો ઇરાદો કોઈપણ ધર્મના અનુયાયીઓની લાગણીને દુભાવવાનો નથી હોતો."

આ સમગ્ર ઘટનાક્રમ બાદ કેલોરેક્સ સ્કૂલ દ્વારા પણ હિંદુ સંગઠનોને એક માફીપત્ર લખીને આપવામાં આવ્યું છે.

માફીપત્રમાં તેમણે જણાવ્યું છે કે, "તા. 29 સપ્ટેમ્બર2023ને શુક્રવારના રોજ અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ઈદની ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો. જે અમારી મોટી ભૂલ હતી. જે બાબતે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ની માફી માંગીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ પણ કાર્યક્રમ નહીં થાય એની બાંહેધરી આપીએ છીએ."

"અમે સર્વેની માફી માગીએ છીએ અને શાળામાં હવે હિન્દુ ધર્મના દરેક તહેવારની જ ઉજવણી થશે. અમે તારીખ પાંચ ઑક્ટોબરે રાણી દુર્ગાવતીના જન્મ દિવસની ઉજવણી કરીશું. જેમાં એબીવીપી આવકાર્ય છે."

"અમે દરેક હિંદુ તહેવારની ઉજવણી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે દર વર્ષે કરીએ છીએ તે ચાલુ રાખીશું."

વિદ્યાર્થી સંગઠન શું કહે છે?

એબીવીપીના પ્રવક્તા મીત ભાવસારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જ્યાં જે ધર્મના લોકોની વસ્તી વધારે હોય ત્યાં તેમના ધર્મની વિધિઓ શીખવાડી શકાય. મદરેસાઓ હોય તો ત્યાં તેમના ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે. ત્યાં અમે વિરોધ કરવા જતા નથી. હિન્દુ ધર્મના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ શીખવાડી શકાય. હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવવાની જરૂર શા માટે પડી?"

શિક્ષકને માર મારવાની જે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, "શિક્ષકોનું સન્માન એ અમારા માટે સર્વોપરી છે. જે કોઈ કાર્યકર્તા માર મારવાની ઘટનામાં સામેલ હતા તેમને અત્યારે કોઈપણ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેવા માટે એબીવીપી સંગઠન દ્વારા સૂચના આપવામાં આવેલ છે."

જિલ્લા શિક્ષણાધિકારીનું શું કહેવું છે?

આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ઈદ-એ-મિલાદ ઉજવણીમાં નમાજ અદા કરવાનો મામલો સામે આવ્યો હતો. જેના કારણે ઘણાં સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. અમને તેની જાણ થતાં અમે તરત જ શાળાને નોટિસ આપીને આ ઘટના મુદ્દે ખુલાસો કરવા કહ્યું હતું."

"શાળા દ્વારા જે ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે તેમાં શાળાએ માફીપત્ર રજૂ કર્યું છે અને તેમાં તેમનો કોઈ ખરાબ ઈરાદો ન હતો તેવું જણાવ્યું છે. વિદ્યાર્થીઓ સર્વધર્મ સમભાવ શીખે તેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું."

"કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવો એમનો કોઈ ઇરાદો ન હતો. શિક્ષક, નિરીક્ષક અને મદદનીશ શિક્ષક નિરીક્ષકની ટીમ શાળામાં નિરીક્ષણ કરવા માટે પણ ગઈ હતી."

"શાળાએ કરેલા ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે અલઅલગ હિન્દુ તહેવારોની પણ અમે ઉજવણી કરીએ છીએ."

જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતુ કે, "વાલીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી તે અંગે અમે વાલીઓને પણ પૂછ્યું હતું. સમગ્ર ઘટનાની તપાસનો જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે તેમાં આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે."

"કોઈ ખરાબ ઇરાદો ન હોય તેવું પણ જણાઈ આવે છે. છતાં પણ કોઇની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ પ્રવૃત્તિ કરાવવી નહીં એ અંગે અમે શાળાને તાકીદ કરીશું અને સંચાલક મંડળને સંબંધિતો સામે કાર્યવાહી કરવા માટે પણ જણાવીશું જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને."

અમે નિર્દેશ કરીએ છીએ કે, "શાળા કક્ષાએ આવો કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવે તો તેની પૂર્વ ચકાસણી કરવી અને સમીક્ષા કર્યા બાદ જ કાર્યક્રમ કરવો. જ્યાં સહમતી મેળવવાની જરૂર હોય ત્યાં સહમતી પણ મેળવવી. ખાસ કરીને સર્વધર્મ સમભાવ માટેના કાર્યક્રમોમાં કોઈ ભૂલ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ."

અહીં ઉલ્લેખનીય છે કે, ત્રીજી ઑક્ટોબરના દિવસે સંગીત શિક્ષકને માર મારવાની ઘટના બન્યા બાદ કેલોરેક્સ સ્કૂલમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ શક્યું નથી. તારીખ ચાર અને પાંચ ઑક્ટોબરના દિવસે કેલોરેક્સ સ્કૂલમાં રજા રાખવામાં આવી હતી.