અમદાવાદ : કાંકરિયા કાર્નિવલમાં સાન્તા ક્લોઝને માર મારવાના મામલે પોલીસને જ ફરિયાદી કેમ બનવું પડ્યું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલની એક રાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
  • ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હોવાના આરોપ સાથે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં સાન્તા ક્લૉઝ બનેલી બે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો
  • કથિત રીતે બજરંગદળના કાર્યકરોએ બે સાન્તા ક્લૉઝને ફટકાર્યા હોવાનો આરોપ લાગ્યો હતો પણ ઘટનાના ત્રણ દિવસ સુધી પીડિત ફરિયાદ કરવા સામે આવ્યા ન હતા અને આખરે ખુદ પોલીસ ફરિયાદી બની હતી
  • પીડિતોએ ફરિયાદ કેમ ના નોંધાવી અને બજરંગદળનું આ અંગે શું કહેવું છે?

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાન્તા ક્લોઝ બનેલી બે વ્યક્તિને મારવાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ મામલે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે. સાન્તા ક્લોઝને મારવાનો આરોપ બંજરંગદળ પર લાગ્યો છે, જોકે, ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પીડિતોએ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.

કાંકરિયા કાર્નિવલની એક રાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાના આરોપ સાથે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં સાન્તા ક્લોઝ બનેલી બે વ્યક્તિને લોકો મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના કાંકરિયા લેક ફ્રન્ટ ડિપાર્ટમૅન્ટ દ્વારા જ એક સંસ્થાની બે વ્યકિતને સાન્તા ક્લોઝ બની ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે આ બન્ને વ્યક્તિ અને સંસ્થાના ટ્રસ્ટીને શોધી કાઢી તેમનાં નિવેદનો નોંધ્યાં છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો?

ગત 30 ડિસેમ્બર, 2022ની રાતે 9 વાગ્યાની વચ્ચે સાન્ટા ક્લોઝનો ડ્રેસ પહેરેલી બે વ્યક્તિ સહિતના લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચારપ્રસાર કરતા હોવાના આરોપ સાથે બજરંગદળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો એવામાં સાન્તા ક્લોઝનો ડ્રેસ પહેરેલી એક વ્યક્તિને લાફા પડ્યા હતા.

આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ મણિનગર પોલીસે 2 જાન્યુઆરીએ ફરિયાદ નોંધી હતી અને ફરિયાદી મણિનગર પોલીસસ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી. ગોસ્વામી બન્યા હતા.

મણિનગર પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. પી. ઉનડકટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "સોશિયલ મીડિયામાં સાન્તા ક્લોઝને માર મરાઈ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જે અનુસંધાને અમે રાહ જોઈ કે આ અંગે કોઈ ફરિયાદ કરવા આવે. જોકે, કોઈ ફરિયાદી ન આવતાં કાયદો અને વ્યવસ્થાની વાત હોવાથી તપાસ હાથ શરૂ કરી હતી."

તેઓ ઉમેરે છે, "તપાસમાં જાણવા મળ્યું કે ખ્રિસ્તીઓ દ્વારા ચલાવાતી મણિનગરની ‘કુષ્ઠ સેવા સંસ્થા’એ કાંકરિયા લેક ફ્રન્ટ ઑથોરિટી પાસેથી કાર્નિવલ દરમિયાન બે વ્યક્તિને સાન્તા ક્લોઝ બનીને ચોકલેટ વહેંચવા દેવાની મંજૂરી મેળવી હતી."

તેઓ વધુમાં ઉમેરે છે, "અમને સાન્તા ક્લોઝ બનેલી બન્ને વ્યક્તિઓ મળી આવી પણ એ બન્ને કે સંસ્થા એમ કોઈ ફરિયાદ કરવા ઇચ્છતાં નહોતાં એટલે કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતિ હોવાના કારણે અમે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરી."

આ મામલે તપાસ ચાલી રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

બજરંગદળ અને ખ્રિસ્તી સંસ્થાનું આ અંગે શું કહેવું છે?

આ મામલે બજરંગદળના પ્રાંત પ્રમુખ જ્વલિત મહેતાએ સાથે પણ વાત કરાઈ.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં એમણે જણાવ્યું "કાંકરિયા કાર્નિવલ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ સાન્તા ક્લોઝ બનીને ધર્મનો પ્રચાર કરી રહ્યા હોવાની અમને માહિતી મળી હતી. જેથી અમે અમારા એક કાર્યકર્તાને ત્યાં મોકલ્યા હતા. સાન્તા ક્લોઝ અને તેમની સાથે 20 જેટલા લોકો હતા અને અમે પણ વીસ જેટલા કાર્યકર્તાઓ હતા. બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થતી હતી ત્યારે લોકો એકઠા થઈ ગયા અને લોકોએ સાન્તા કલૉઝ બનેલી બનેલી વ્યક્તીને માર માર્યો હતો."

જોકે, જ્યાં આ ઘટના ઘટી એ કાંકરીયા લેકના ફ્રન્ટના ડિરેક્ટર આર.કે. સાહુની ધ્યાનમાં આવી કોઈ ઘટના આવી નથી. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ ઘટના બની તે સમયે અમે કાંકરિયા કાર્નિવલના પ્રોગ્રામમાં ગેટ નંબર 1 પર હતા. જેથી આ ઘટના અમારા ધ્યાનમાં નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.તપાસમાં અમારી પણ પૂછપરછ કરી છે."

મણિનગરસ્થિત જે 'કુષ્ઠ રોગ સેવા સંસ્થા'ના બે લોકોને આ ઘટનામાં માર પડ્યો એમની સાથે પણ બીબીસીએ વાત કરી.

સંસ્થાના ટ્રસ્ટી કરસનભાઈ ખ્રિસ્તીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમે કાંકરિયા લેક ફ્રન્ટ ઑથોરિટી પાસે કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાન્તા ક્લોઝ બનીને બે લોકોને ઊભા રાખવા માટેની મંજૂરી લીધી હતી. 30 ડિસેમ્બરની રાતે આ ઘટના ઘટી. જોકે, આ ઘટનામાં અમારું કઈ નુકસાન થયું નથી. અમે આ અંગે કોઈ ફરિયાદ કરવા માંગતા નથી, તેમજ સાન્તા ક્લોઝ બનેલી બંને વ્યક્તિઓ પણ આ અંગે કોઈ ફરિયાદ કરવા માગતી નથી."

સાન્તા ક્લોઝ બનેલી વ્યક્તિઓ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરી હોવાના બજરંગદળના આક્ષેપ અંગે પૂછતાં કરસનભાઈએ જણાવ્યું હતું કે, " આ વાત ખોટી છે. માત્ર નાતાલની ઉજવણી કરવામાં આવી રહી હતી. આખા વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, એ રીતે અમે પણ ઉજવણી જ કરી રહ્યા હતા."

તેઓ ઉમેરે છે, "અમે કેટલાંય વર્ષોથી ક્રિસમસ ઉજવીએ છીએ પરંતુ આ પ્રકારનો અનુભવ ક્યારેય થયો નથી. ઈશ્વર સૌને સદ્બુદ્ધિ આપે તેવી પ્રભુને પ્રાર્થના."