You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીએ મેટ્રોના ગાંધીનગર ફેઝનું ઉદ્ઘાટન કર્યું, પણ અમદાવાદ મેટ્રોની ટીકા કેમ થઈ રહી છે
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1 સુધીની મેટ્રોરેલના ફેઝ-2નું લોકાર્પણ થયું છે. મેટ્રો ફેઝ-2ના રૂટની લંબાઈ કુલ 20.08 કિલોમીટરની છે. મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 5,384 કરોડ છે.
આ રૂટમાં મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1 સુધીમાં આઠ સ્ટેશન તૈયાર કરાયાં છે, જ્યાં મેટ્રો ઊભી રહેશે. સ્ટેશનોમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટસિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1 સામેલ છે.
વર્ષ 2014ના ડિસેમ્બર મહિનામાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટનો ડીપીઆર મંજૂર કરવામાં આવ્યો હતો. એટલે કે ત્યારે અમદાવાદ-ગાંધીનગરના મેટ્રોરેલ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. ત્યારબાદ આ મેટ્રોરેલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોરેલ પ્રોજેક્ટના ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. ફેઝ-1માં મેટ્રો થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને વાસણાથી મોટેરા સુધીનો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મેટ્રોરેલ પ્રોજેક્ટ ફેઝ- 1નો ખર્ચ કુલ 10,773 કરોડ રૂપિયા હતો. આ પહેલાં વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેઝ-1ના 6 કિલોમીટર લંબાઈના વસ્ત્રાલ ગામથી ઍપરલ પાર્ક સુધીના રૂટનું લોકાર્પણ કરાયું હતુ.
જોકે, મેટ્રોરેલ પ્રોજેક્ટનો ફેઝ-1 શરૂ કર્યાને આટલો સમય વીતી ગયા પછી હજી પણ મેટ્રોરેલને મુસાફરોને આકર્ષવામાં સફળતા મળી નથી. ઘણા લોકો મેટ્રોરેલ માટે જરૂરી અન્ય સુવિધાઓ અંગે પણ સવાલો ઉઠાવતા રહ્યા છે. આ અંગે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને તેનાં કારણો સમજવાનો પ્રયાસ કર્યો હતો.
રસ્તા પર ટ્રાફિક ઘટાડવાના ઉદ્દેશ્યમાં ખરેખર સફળતા મળી?
આ અંગે ગુજરાત રોડ સેફ્ટી ઑથૉરિટીના ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અમિત ખત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “મેટ્રોરેલ પ્રોજેક્ટના ફેઝ -1ને શરૂ થયાને હવે ઘણો સમય વીતી ચૂક્યો છે અને હવે ફેઝ- 2નું પણ ઉદ્ઘાટન થયું છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, મેટ્રોરેલની સુવિધા પાછળનો મૂળ ઉદ્દેશ્ય રોડ પરનો ટ્રાફિક ઘટાડીને વધુ મુસાફરો ખેંચી લાવવાનો હતો. મારા મતે તેમાં હજુ સફળતા મળી નથી.”
તેઓ કહે છે, “શહેરમાં જે સ્થળો ઉપર પબ્લિક ટ્રાન્સપૉર્ટની પહેલેથી જ મજબૂત વ્યવસ્થા હતી, તેવી જગ્યાએ મેટ્રોરેલના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તેના કારણે જે મુસાફરો એએમટીએસ કે બીઆરટીએસમાં મુસાફરી કરતાં હતાં, એ જ મુસાફરો પૈકી કેટલાક લોકો મેટ્રો તરફ વળ્યા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે અમિત ખત્રી પાસે તેમના આ અવલોકનની પુષ્ટિ કરી શકે તેવો કોઈ ડેટા કે અભ્યાસનાં તારણો નથી.
નવા મુસાફરોને મેટ્રોરેલની સુવિધા કેમ આકર્ષી શકી નથી? તેના જવાબમાં અમિત ખત્રીએ કહ્યું, “કોઈપણ મુસાફર જાહેર પરિવહનમાં આવવા માટે ત્યારે જ પ્રેરાય જ્યારે તેને પાર્ક ઍન્ડ રાઇડની વ્યવસ્થા મળતી હોય. જેમાં મુસાફર પોતાના ઘરેથી પોતાનું વાહન લઈને નજીકનાં મેટ્રો સ્ટેશન ઉપર પહોંચી ત્યાં પોતાનું વાહન પાર્ક કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે."
તેમણે ઉમેર્યું, "આપણે જોઈ શકીએ છીએ કે, અમદાવાદમાં મેટ્રો ટ્રેનનાં સ્ટેશનોની આસપાસ પાર્કિંગ અંગે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જોકે, મેટ્રોસ્ટેશનની આસપાસ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી હતી, છતાં હજુ આ અંગે કંઈ કામગીરી થયેલી હોય તેવું દેખાતું નથી.”
તેમણે વધુમાં જણાવ્યું, “આ ઉપરાંત કોઈપણ મુસાફર મેટ્રોમાંથી ઊતરે એટલે તેને જે સ્થળે જવું છે એ સ્થળે જવા માટે મેટ્રો સ્ટેશન ઉપરથી જ શટલની વ્યવસ્થા હોવી જોઈએ. જ્યાં સુધી લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે ફીડર બસની વ્યવસ્થા નહીં હોય, ત્યાં સુધી મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરશે નહીં.”
જોકે, મેટ્રોરેલ પ્રોજેક્ટના ચીફ જનરલ મૅનેજર પુષ્કર સિંગલા મુસાફરોની સંખ્યા અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી અને પાર્કિંગ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું, "જેમ નેટવર્કમાં વધારો થશે તેમ તેમાં મુસાફરો પણ વધશે. પાર્કિંગ અંગે અમે ભવિષ્યમાં વિચારીશું.”
'મેટ્રોનું સિટીબસ સુવિધા સાથે સંકલન જરૂરી'
અમદાવાદના જાહેર પરિવહનની વાત કરીએ તો એએમટીએસ અને બીઆરટીએસ અત્યાર સુધી સૌથી મહત્ત્વનાં હતાં. મેટ્રોરેલની શરૂઆત પછી એ સતત ચર્ચાઓ થતી રહે છે કે શું મેટ્રોના આવવાથી બસ પરનો ભાર હળવો થયો કે નહીં?
આંકડાઓ પર જો નજર ફેરવીએ તો એએમટીએસમાં વર્ષ 2022માં દરરોજ સરેરાશ 4.30 લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે વર્ષ 2023માં સરેરાશ 4.25 લોકોએ મુસાફરી કરી હતી. તેમજ ઑગસ્ટ 2024 સુધીમાં જ સરેરાશ 4.90 લાખ લોકોએ મુસાફરી કરી છે.
બીઆરટીએસની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં દરરેજ સરેરાશ 1.70 લાખ લોકોએ મુસાફરી કરી હતી. વર્ષ 2023માં દરરોજ 1.85 લાખ લોકોએ મુસાફરી કરી છે. તેમજ 2024 (ઑગસ્ટ સુધીમાં) 1.62 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે.
આંકડાઓ પરથી એ સ્પષ્ટ છે કે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા વધતી જાય છે.
જોકે, મેટ્રોના આંકડાઓ પણ કહે છે કે તેમાં પણ દૈનિક મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
વર્ષ 2022માં મેટ્રો ટ્રેનનો ફેઝ-1 શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી મેટ્રો ટ્રેનના મુસાફરોમાં પણ નિયમિતરૂપે વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં મેટ્રો ટ્રેનમાં દરરોજ સરેરાશ 69,586 લોકોએ મુસાફરી કરી હતી. જે વર્ષ 2024માં ઑગસ્ટ મહિના સુધી કાયમી સરેરાશ 95,092 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ઋતુલ જોશી પબ્લિક ટ્રાન્સપૉર્ટ વિષયના વિશેષજ્ઞ છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટેના મુસાફરોમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ એટલું પૂરતું નથી. આપણે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. મેટ્રોટ્રેનના મુસાફરોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મળી શકે તેના માટે મેટ્રો અને એએમટીએસ-બીઆરટીએસની સિટીબસ વચ્ચે સંકલન ખૂબ જ જરૂરી છે."
તેના માટે મેટ્રોસ્ટેશનથી એએમટીએસ પોતાના ફીડર રૂટ ચલાવી શકે છે. મેટ્રો, બીઆરટીએસ અને એએમટીએસ સાથે એક ટેબલ ઉપર બેસીને અમદાવાદને 'ટ્રાન્સપૉર્ટ ફૉર અમદાવાદ' જેવી એક કૉમન સિસ્ટમ, એક કૉમન મોબિલિટી કાર્ડ, એક કૉમન ટાઇમટેબલ અને એક કૉમન ઍપની તાતી જરૂર છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “આ ઉપરાંત મેટ્રો રૂટની આસપાસના વિસ્તારનું ડેવલપમેન્ટ થાય તે અંગેની પણ પૉલિસી બનાવવા પર ભાર મૂકવો જોઈએ. તેના કારણે મેટ્રોસ્ટેશનની આસપાસ રહેણાંક કે કૉમર્શિયલ બિલ્ડીંગ વધારે બને. પછી આ બિલ્ડીંગમાં રહેવા કે ઑફિસમાં કામ કરવા આવનાર લોકો મેટ્રોનો ઉપયોગ કરશે. મેટ્રોરૂટની આસપાસ સારી ફૂટપાથ હોવી જોઈએ તેમજ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ.”
મુસાફરોને કેવી મુશ્કેલી પડે છે?
અમરાઇવાડીમાં રહેતાં હિતાક્ષી વાઘેલા આશ્રમ રોડ પર કૉલેજમાં જવા આવવા માટે મેટ્રો ટ્રેનમાંજ અપડાઉન કરે છે. તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, “હું દરરોજ અમરાઇવાડીથી ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરું છું. હું ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી ઇન્ટરચેન્જ કરીને ગાંધીગ્રામ જાઉં છું. અમારા રૂટમાં મેટ્રો સોમથી શુક્રવાર સુધી દર સાત મિનિટે આવે છે. જ્યારે શનિ અને રવિવારે દર 12 મિનિટે આવે છે. શનિ અને રવિવારે મુસાફરી કરનારા પણ વધારે જ મુસાફરો હોય છે. જેથી અમારી લાગણી છે કે આ શનિ અને રવિ પણ દર સાત મિનિટે મેટ્રો આવવી જોઈએ.”
હિતાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે “શરૂઆતમાં મેટ્રોમાં ટોકન આપવામાં આવતા હતા. હવે ટિકિટ આપવામાં આવે છે. ટિકિટની સરખામણીમાં ટોકન ખૂબ જ સરળ હતા. ટિકિટમાં ક્યૂઆર કોડ હોય છે. પરંતુ તે કોડ ક્યારેક રીડ ન થવાને કારણે મુસાફરોને પરેશાની થાય છે.”
એલ. જે. યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જીજ્ઞેશ વિદાનીએ એપ્રિલ, 2024માં ‘પૅસેન્જર સેટિસ્ફેક્શન ઇન અમદાવાદ મેટ્રો’ શીર્ષકથી એક સંશોધનપત્ર પ્રકાશિત કરેલું છે.
આ સંશોધનપત્રમાં લોકોના ફીડબૅકને આધારે મેટ્રો અંગે કેટલાંક સૂચનો પણ આપવામાં આવ્યાં છે.
આ સૂચનોમાં કહેવામાં આવ્યું છે, “મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી વધારવી જોઈએ. મેટ્રોટ્રેનનાં પ્લૅટફૉર્મ પર કચરાપેટીની વ્યવસ્થા નથી તો તે અંગેની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ટોકન આપવા માટે મેટ્રો સ્ટેશન ઉપર વધારે કૅબિન છે, પરંતુ એક જ કૅબિનથી સંચાલન થતું હોય છે. આથી મુસાફરોએ ટોકન ખરીદવા માટે લાંબી લાઇનમાં રાહ જોવી પડે છે. આમ, ટોકન આપનાર કર્મચારીઓમાં પણ વધારો કરવાની જરૂરિયાત છે. આ સંશોધન અનુસાર, મેટ્રોસ્ટેશનમાં આવેલાં ટોઇલેટમાં ખૂબ ગંદકી જોવા મળી હતી.”
વિશે પુષ્કર સિંગલા કહે છે, “મેટ્રોના દરેક સ્ટેશન પર સ્વચ્છતા અંગે ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ટોઇલેટ ગંદા હોવા અંગે અમને ક્યારેય ફરિયાદ મળી નથી. તેમજ ટોકન માટે દરેક સ્ટેશન પર ચાર કૅબિન હંમેશાં ખુલ્લી હોય છે.”
મેટ્રોરેલ પ્રોજેક્ટના સત્તાવાળાઓનું શું કહેવું છે?
મેટ્રોરેલ પ્રોજેક્ટના ચીફ જનરલ મૅનેજર પુષ્કર સિંગલા કહે છે, “મેટ્રોરેલ ફેઝ-1માં મુસાફરોમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટ્રો નેટવર્કમાં વધારો થશે એમ મુસાફરોમાં પણ વધારો થશે. અત્યારે મેટ્રોટ્રેનના ફેઝ-1માં મુસાફરો વધતાં 10થી12 મિનિટની ફ્રિક્વન્સીએ ટ્રેન ચાલી રહી છે. પૅસેન્જર વધશે તો આ ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવશે. ક્રિકેટ મૅચ દરમિયાન 8 મિનિટની ફ્રિક્વન્સી પર મેટ્રોટ્રેન ચાલી હતી."
તેઓ કહે છે કે, "મુસાફરો ઓછા હોય ત્યારે ખાલી ટ્રેન ચલાવવાથી લોકોના પૈસાનો વ્યય થશે. આથી, જેમ જરૂરિયાત વધતી જશે તેમ મેટ્રોટ્રેનની ફ્રિક્વન્સી પણ વધારવામાં આવશે. હાલ ટ્રેનમાં ત્રણ કોચ હોય છે, જ્યારે મુસાફરો વધશે ત્યારે તેને વધારીને 6 કરવામાં આવશે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે અમે અમદાવાદમાં ત્રણ સ્થળો રાણીપ, એઈસી તેમજ વાડજથી બીઆરટીએસની સુવિધા શરૂ કરી છે. આ ઉપરાંત રેલ્વેનાં ગાંધીગ્રામ સ્ટેશન, કાલુપુર સ્ટેશન અને સાબરમતી સ્ટેશન ઉપર મેટ્રોની સુવિધા છે."
મેટ્રોરેલના ફેઝ -2 અંગે જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં મેગા કંપનીએ જણાવ્યું છે, “અમદાવાદ વાસણા એપીએમસીથી ગિફ્ટસિટી પહોંચવામાં 65 મિનિટ લાગશે. તેમજ 35 રૂપિયા ભાડું રહેશે. મેટ્રોનું સૌથી વધું ભાડું 35 રૂપિયા છે.”
“ભવિષ્યમાં મેટ્રો ફેઝનું ઍક્સ્ટેન્શન પણ કરવામાં આવશે. ફેઝ 2-A અને B પણ શરૂ કરવામાં આવશે. જેમાં ગિફ્ટસિટીમાં સર્ક્યુલરરૂટ શરૂ કરવામાં આવશે. જેથી મુસાફરો પોતાની ઑફિસ કે ઘરની આસપાસથી જ મેટ્રોમાં બેસી શકશે. આ ઉપરાંત મોટેરા કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધી પણ મેટ્રો શરૂ કરવામાં આવશે. જેથી કરીને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બુલેટ ટ્રેન અને ઍરપૉર્ટની કનેક્ટિવિટી મળશે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)