બનાસકાંઠામાં એકસાથે 45 પાકિસ્તાની હિન્દુ નાગરિકો ક્યાંથી આવી પહોંચ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
બનાસકાંઠાના વાવના અકોલી ગામથી 45 પાકિસ્તાની હિન્દુ સમુદાયના નાગરિકોની અટકાયત કરાઈ હોવાના સમાચારો મીડિયામાં વહેતા થયા હતા. જોકે, બીબીસી ગુજરાતીએ જ્યારે આ અંગે તપાસ કરી તો માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ સ્પષ્ટતા કરી કે "આ નાગરિકોની માત્ર પૂછપરછ કરાઈ છે. તેમની ન તો ધરપકડ કરાઈ છે. ન તો અટકાયત કરાઈ છે."
બે મહિના પહેલાં હિન્દુ સમુદાયના લોકો પ્રવાસી વિઝા પર ભારત આવ્યા હતા.
ઈન્ટેલિજન્સ બ્યૂરો પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ ડાભીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું "તમામ પાકિસ્તાની હિન્દુ નાગરિકો ભારતમાં ઉત્તરાખંડ અને હરિદ્વારમાં દર્શન માટે આવ્યા હતા. તેઓ છેલ્લા બે મહિનાથી ભારતમાં યોગ્ય વિઝાના આધારે હતા. બાદમાં તેઓ બનાસકાંઠામાં આવી પહોંચ્યા હતા. તેમના વિઝાનો સમય પૂર્ણ થઈ ગઈ હતો અને લૉન્ગ ટર્મ વિઝાની અરજી નામંજૂર કરી દેવાઈ હતી. છતાં તેઓ ભારતમાં રહેતા હતા."
વધુમાં તેમણે ઉમેર્યું બનાસકાંઠામાં તેઓ ચાર-પાંચ દિવસથી રહેતા હતા.
મીડિયા અહેવાલો મુજબ 'માવસરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાંથી આ પાકિસ્તાની નાગરિકો રહેતા હતા. તેમનો વિઝાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ ખેતરમાં ભાગિયા તરીકે કામ હતા.'

લૉન્ગ ટર્મ વિઝાની અરજી કેમ થઈ નામંજૂર?

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
સમગ્ર બાબતે વધુ વિગતો મેળવવા બીબીસી ગુજરાતીએ જ્યાં આ નાગરિકોની પૂછપરછ કરાઈ હતી તે માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનપી સોનારા સાથે વાતચીત કરી.
તેમણે માહિતી આપતા જણાવ્યું, "પાકિસ્તાનથી આવેલા 45 હિન્દુ લોકોમાંથી નવ મહિલા, આઠ પુરુષ અને 29 બાળક હતાં. જેમાં એક વર્ષથી માંડીને 12-13 વર્ષનાં બાળકોનો સમાવેશ થાય છે. જ્ઞાતિએ તેઓ ઠાકોર હતા. તેમણે વિઝા પૂર્ણ થયાના સાત દિવસ પહેલાં જ લૉન્ગ ટર્મ વિઝાની અરજી કરી હતી. પણ બનાસકાંઠા અને પાટણ સરહદી વિસ્તાર હોવાથી આ જિલ્લામાં કોઈ પણ પાકિસ્તાની નાગરિકને લૉન્ગ ટર્મ વિઝાની પરવાનગી નથી આપવામાં આવી. માટે તેમના આ વિઝાની અરજી નામંજૂર કરવામાં આવી હતી."
પીએસઆઈએ વધુમાં ઊમેર્યું કે "આકોલીમાં રહેતા ભેમાભાઈ રબારીને ત્યાં તેઓ ખેતમજૂર તરીકે કામ કરતાં હતાં. હાલ મોરબીમાં તેમના અન્ય કોઈ સંબંધી રહે છે તેમને ત્યાં તેઓને મોકલવામાં આવ્યા છે. અને અન્ય જિલ્લામાંથી તેઓ લૉન્ગ ટર્મ વિઝાની અરજી કરી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના બનાસકાંઠાના સહયોગી પત્રકાર પરેશ પઢિયારે જણાવ્યું હતું કે "તમામ પાકિસ્તાની નાગરિકોનાં નિવેદન લઈને તેમને છોડી મૂકવામાં આવ્યા છે. બનાસકાંઠા અને પાટણમાં નહીં જવાની શરતે તમામને છોડાયા છે."
પીએસઆઈ સોનારાએ વધુમાં જણાવ્યું હતું કે "શરૂઆતમાં તેઓ પ્રવાસી વિઝા પર આવ્યા હતા. પણ બાદમાં અહીં તેઓ સુરક્ષિત અનુભવતા તેમણે અહીં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. અને આવા પાકિસ્તાની નાગરિકોને લૉન્ટ ટર્મ વિઝા આપવામાં પણ આવે છે."

ગુજરાતમાં આવતા પાકિસ્તાની નાગરિકો માટે શું હોય છે નિયમો?

ઇમેજ સ્રોત, Getty Images
બનાસકાંઠા જિલ્લામાં રહેતા અનેક લોકોના સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. તેમને મળવા માટે પારિવારિક કારણસર અનેક પાકિસ્તાનીઓ બનાસકાંઠા જિલ્લામાં આવતા રહે છે.
પણ તેમને ટૂંકા ગાળાના વિઝા પર રહેવા માટે કેટલીક પ્રક્રિયા અનુસરવાની હોય છે. બનાસકાંઠા જિલ્લાની પોલીસ અધીક્ષકની કચેરીની વેબસાઈટ પર આ માટે આપેલી માહિતી અનુસારઃ
- ભારતીય દૂતાવાસ પાકિસ્તાનમાંથી 30, 45 અને 90 દિવસની ટૂંકી મુદતના વિઝા આપે છે. મુખ્યત્વે તેઓ અટારી બૉર્ડર, મુનાબાઓ રેલવે ચૅકપોસ્ટથી ભારતમાં પ્રવેશે છે. પાકિસ્તાનથી પ્રવાસી વિઝા પર આવતા લોકોએ ભારતના નિયમો અનુસરવાના હોય છે.
- સૌથી પહેલા જિલ્લામાં વિઝિટર સ્થળે આવીને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે. ત્યાર બાદ 24 કલાકમાં જે તે જિલ્લાના ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઑફિસર તથા પોલીસ અધીક્ષકની કચેરીએ વિદેશી નાગરિક તરીકે પોતાની નોંધણી કરાવવી પડે છે.
- આ નોંધણી કરાવતી વખતે આ નાગરિકોના પાસપૉર્ટની કૉપી, ચૅકપોસ્ટ પરથી આપેલી રૅસિડેન્ટની પરમિટની કૉપી, પાસપૉર્ટની કૉપી જમા કરાવવાની હોય છે. તેઓ જે વ્યક્તિને ત્યાં રોકાય તેમણે પણ રૂબરૂ જવું પડે છે. અને તેમના પણ ઓળખના પુરાવાની કૉપી જમા કરાવવી પડે છે.
- આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પાકિસ્તાની નાગરિકનું ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઑફિસરની કચેરીએ રજિસ્ટ્રેશન કરીને તેને રૅસિડેન્ટ પરમિટ આપવામાં આવે છે. જેમાં તેમના મુલાકાતનાં સ્થળો તથા કેટલો સમય ભારતમાં રહેવાનું છે તે દર્શાવવામાં આવેલું હોય છે. જો નાગરિક તેનો ભંગ કરે તો તેના વિરુદ્ધ ફોરેનર્સ ઍક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તેમજ તેને પાકિસ્તાન પરત મોકલી શકાય છે.
- જોકે, ટૂંકી મુદત માટે આવ્યા બાદ કોઈ અન્ય પરિસ્થિતિ ઊભી થાય, જેમ કે કોઈ ગંભીર બીમારી હોય, મુસાફરી ન કરી શકે એમ હોય, કોઈ અંગત સંબંધીનું લગ્ન હોય અથવા તેમનું મૃત્યુ થયું હોય તો તેમને વધુ રોકાવવા માટેની સગવડ અપાય છે. પણ તેના માટે તેમને ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઑફિસરની કચેરીએ અરજી કરવી પડે છે અને તેને લગતા પુરાવા પણ આપવા પડે છે.














