એ ખતરનાક દરિયાઈ માર્ગ જેને જીવના જોખમે પણ પાર કરીને હજારો લોકો યુરોપ કેમ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેરોલિન ડેવિસ
- પદ, પાકિસ્તાન સંવાદદાતા
ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકો અમેરિકા અને પશ્ચિમના દેશોમાં ગેરકાયદે જાય છે. રોજગારી, ઊજળા ભવિષ્યની આશ લોકોને આવું કરવા પ્રેરે છે અને આ પ્રેરણાના વાટે ઘણી વખતે મૃત્યુનો ભેટો પણ થઈ જતો હોય છે.
ક્યારેક કૅનેડાના રસ્તે અમેરિકામાં પ્રવેશના પ્રયાસ તો ક્યારેક દરિયાવાટે યુરોપના દેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં આવા કેટલાય લોકો ભારે મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. ગાંધીનગરના ડીંગુચાના એક પટેલ પરિવારના અમેરિકાની સરહદ પર થયેલાં મૃત્યુની ઘટનાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ હતી. કૅનેડા થઈને અમેરિકામાં પ્રવેશવાના આવા કિસ્સાઓ સતત સમાચારમાં ચમકતા રહે છે.
કંઈક આવી જ રીતે લીબિયા થઈ મોટા પ્રમાણમાં લોકો ગેરકાયદે યુરોપના દેશોમાં ઘૂસે છે. હજારો પાકિસ્તાનીઓ યુરોપમાં રોજગાર મેળવવા માટે લીબિયાનો રૂટ અપનાવી રહ્યા છે અને તેમાં બોટની જોખમી મુસાફરીનો સમાવેશ થાય છે. બોટમાં પ્રવાસ કરવો કેટલી જોખમી છે તે ખીચોખીચ ભરાયેલું એક જહાજ આ વર્ષે જૂનમાં ગ્રીસ પાસે ડૂબી ગયું અને તેમાં મોટી જાનહાનિ થઈ ત્યારે ઉજાગર થયું હતું.
આ વર્ષે લગભગ 13,000 પાકિસ્તાનીઓ લીબિયા કે ઇજિપ્ત તરફ ગયા હતા અને એ પૈકીના મોટા ભાગના પાછા ફર્યા નથી. તેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે. આ કિશોરોએ તેમની માતા સાથે છેલ્લી વખત વાત કરી ત્યારે તેમણે માતાને ચિંતા ન કરવા જણાવ્યું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોલીસ સ્ટેશનમાં 35 ડિગ્રી ગરમી છે, બફારો છે. પરસેવો અમારી પીઠ પરથી નીચે ઊતરી રહ્યો છે અને પોલીસ અધિકારીનું કપાળ પણ પરસેવાથી ચમકી રહ્યું છે. ટૂંકા, ખુલ્લા કૉરિડોરમાં પસાર થઈને આગળ વધીએ છીએ ત્યારે જેમતેમ ગોઠવવામાં આવેલા કાગળિયાંની પાછળ અમને એક નાનકડી ઓરડી દેખાય છે. તે રૂમમાં સીમેન્ટની ફરસ પર 16 લોકો એકમેકની બાજુમાં બેઠા છે. દિવાલોમાંથી ભેજ ટપકી રહ્યો છે. ઓરડીના સળિયા પાછળ એક પંખો ચાલી રહ્યો છે અને નીચી દીવાલની પાછળ જ એક શૌચાલય છે.
આ તમામ લોકો માનવતસ્કરીમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. મોટા ભાગના લોકોને 14 જૂને લીબિયાથી રવાના થયેલા અને ગ્રીસ નજીક ડૂબી ગયેલા જહાજ સાથે સંબંધ છે. એ બોટ પર લગભગ 300 પાકિસ્તાની હતા અને તેઓ ગૂમ થઈ ગયા હોવાનું કે મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. તેમાં 15 વર્ષના ફરહાદ અને 18 વર્ષના તૌહીદનો પણ સમાવેશ થાય છે.

'કોઈ અમારી સાથે વાત કરશે?' એવું અમે પૂછ્યું ત્યારે હસ્નેન શાહ વચ્ચે કૂદી પડે છે. તેઓ જણાવે છે કે તે દસથી વધુ વર્ષથી દાણચોરીનું કામ કરે છે અને તેની આ ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી છે. અલબત, ગ્રીસ નજીક થયેલી જહાજ દૂર્ઘટનામાં પોતાની કોઈ સંડોવણી હોવાનો તે ઇનકાર કરે છે.
હસ્નેન કહે છે, “અહીં એટલી બેરોજગારી છે કે લોકો અમારા ઘરે આવે છે અને તેમના ભાઈઓ તથા દીકરાઓને વિદેશ લઈ જઈ શકે તેવી વ્યક્તિ સાથે સંપર્ક કરાવી આપવા કહે છે.” પોતે હજારો લોકોને આવી વ્યવસ્થા કરી આપી હોવાનું હસ્નેન સ્વીકારે છે.
એ કહે છે, “અહીં બીજો કોઈ ધંધો ન હતો એટલે મેં આ કામ શરૂ કર્યું હતું. મારી ભૂમિકા મુખ્ય નથી. લીબિયામાં મોટા અને પૈસાદાર લોકો બેઠા છે. તેમની ભૂમિકા મુખ્ય છે. અમને કુલ રકમનો માંડ દસમો ભાગ મળે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રૂટ પર ગયેલા લોકો મૃત્યુ પામ્યા તેને લીધે તમે દોષની લાગણી અનુભવો છો કે નહીં, એવું હું પૂછું છું ત્યારે તેનો સ્વર બદલાય જાય છે.
તે કહે છે, “મને બહુ દુઃખ થયું. અમને ખરેખર શરમ આવે છે, પણ અમે શું કરી શકીએ? આ કામ હું નહીં કરું તો બીજું કોઈ કરશે.”
અર્થતંત્રમાં કડાકા સાથે ફુગાવો લગભગ 40 ટકાના સ્તરે પહોંચ્યો છે અને પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે ત્યારે અહીંના ઘણા લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે. જેથી ત્યાં તેઓ ઓછો પગાર હોય તો પણ તેઓ થોડીઘણી કમાણી કરી શકે.
ગયા વર્ષના અંતે થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે 15થી 24 વર્ષની વયના 62 ટકા યુવાનો દેશ છોડવા ઇચ્છે છે. કેટલાક કાયદેસર રીતે જવાનો પ્રયાસ કરે છે, જ્યારે બીજા લોકો અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરે છે.

ગેરકાયદે સ્થળાંતરનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓએ અમને જણાવ્યું હતું કે તાજેતરની ગ્રીક જહાજની દૂર્ઘટનાને લીધે પાકિસ્તાનીઓ માટેના એક નવા માર્ગની ખબર પડી છે. અહીંથી લોકો દુબઈ થઈને ઇજિપ્ત અથવા લીબિયા સુધી પ્લેનમાં જાય છે. પછી પૂર્વ લીબિયાથી મોટી હોડીમાં યુરોપ તરફ જાય છે.
ગ્રીક જહાજદૂર્ઘટના સંબંધી પાકિસ્તાની તપાસનો હવાલો સંભાળતા મહમદ આલમ શિનવારીએ જણાવ્યું હતું કે તુર્કી જેવા દેશોએ ગેરકાયદે પ્રવેશતા પરદેશીઓને અટકાવવાનું શરૂ કર્યા પછી પાકિસ્તાનમાં હવે ઇરાન જેવા અન્ય માર્ગોથી નિર્વાસિતોની સંખ્યા ઓછી થઈ છે.
શિનવારીએ બીબીસીને જણાવ્યું હતું કે 2023ના પહેલા છ મહિનામાં લીબિયા કે ઇજિપ્ત જવા માટે લગભગ 13,000 લોકો પાકિસ્તાનથી રવાના થયા હતા. 2022માં તે પ્રમાણ આશરે 7,000 લોકોનું હતું. એ 13,000માંથી 10,000 લોકો પાછા ફર્યા નથી.
તેમણે કહ્યું હતું, “એ લોકો હજુ લીબિયામાં જ છે કે યુરોપના કોઈ દેશમાં પહોંચી ગયા છે તેની અમને ખબર નથી.”

ઘણા પાકિસ્તાનીઓ આ માર્ગે યુરોપ જાય છે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલા પાકિસ્તાનીઓ આ માર્ગે યુરોપ ગયા હતા તે પોલીસને જહાજદૂર્ઘટના થઈ ત્યાં સુધી પોલીસના ધ્યાનમાં આવ્યું ન હતું એ વાત આશ્ચર્યજનક લાગે છે. ફેબ્રુઆરીમાં તુર્કીથી લીબિયા થઈને ઇટાલી જઈ રહેલું એક જહાજ ડૂબી ગયું હતું અને તેમાં પાકિસ્તાનીઓ પણ હતા.
જોકે, શિનવારી એવી દલીલ કરે છે કે અકસ્માત બાબતે પૂછપરછ કરવા પીડિતોના પરિવારજનો પોલીસ પાસે ન આવતા હોવાથી આ માર્ગોની તપાસ જટિલ બની રહી છે.
તેમણે કહ્યું હતું, “લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી. તેને બદલે તેઓ 'આઉટ ઑફ ધ કોર્ટ સેટલમેન્ટ' કરી લે છે. તેને લીધે એવા કેસમાં તપાસ અને માહિતી એકત્ર કરવાનું અમારા માટે મુશ્કેલ બની જાય છે. પરિવારજનોએ ફરિયાદ કરવી પડે અને મોટા ભાગના કિસ્સામાં તેઓ અમને કહેતા નથી.”
અહીં બીજી ગૂંચવણ પણ છે. શિનવારીના જણાવ્યા મુજબ, એવા ઘણા પ્રવાસીઓ દુબઈ અથવા ઇજિપ્ત સુધી માન્ય વિઝા દસ્તાવેજો સાથે જતા હોય છે. તેથી તેમને રોકવાનું મુશ્કેલ બની રહે છે. આનો અર્થ એવો થાય કે આગલા રૂટ પરના પ્રવાસ કરતાં આ યાત્રા વધારે મોંઘી છે. પાકિસ્તાનમાંથી બહાર નીકળવા માટે લોકો 25-30 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર હોય છે.
ગેરકાયદે સ્થળાંતર રોકવા માટે પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે. શિનવારીના જણાવ્યા મુજબ, ગયા વર્ષે 19,000 લોકોને વિદેશ જતા અટકાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ માનવતસ્કરીનો ભોગ બનશે તેવી શંકા હતી. 20,000 પાકિસ્તાનીઓને પરદેશથી પરત મોકલી આપવામાં આવ્યા હતા.
શિનવારીએ કહ્યું હતું, “કેટલા લોકો જઈ રહ્યા છે તેનો અમને કોઈ ખ્યાલ નથી.”
આ રીતે પ્રવાસ કરીને લીબિયા પહોંચેલા લોકો હવે ત્યાં જ ફસાઈ ગયા છે. પાકિસ્તાની પંજાબના એક ગામમાં અમે એક પરિવાર સાથે વાત પૂરી કરી ત્યાં તો સમગ્ર વિસ્તારમાંથી અનેક પુરુષો આવી ગયા હતા.

અનેક યુવાનો અઠવાડિયા પહેલાં લીબિયા ગયા હતા અને હજુ પણ ત્યાં જ છે. તેઓ તેમના સંબંધીઓ, મિત્રોને વૉઇસ નોટ્સ તથા વીડિયો મોકલે છે અને વધુ પૈસા મોકલવાની વિનંતી કરે છે.
શ્વેત દિવાલો અને શ્વેત ફરસવાળા, બારી વિનાના એક ઓરડામાં રહેતા 100થી વધુ પુરુષનો વીડિયો એક પિતાએ અમને દેખાડ્યો હતો. ગરમીનો સામનો કરવા માટે મોટા ભાગના પુરુષોએ તેમનાં અન્ડરવેર કાઢી નાખ્યાં હતાં. કેટલાક તેમને ત્યાંથી ઉગારવા માટે કેમેરા સમક્ષ વિનંતી કરતા હતા.
પરિસ્થિતિ અત્યંત ગૂંચવાયેલી છે. જે લોકો પરદેશ ગયા છે તેમના પાકિસ્તાની પરિવારજનોને ખબર નથી કે તેમને દાણચોરોએ કે પછી લીબિયાના સત્તાવાળાઓએ કે પછી બીજા કોઈએ ગોંધી રાખ્યા છે? હજુ પણ નહીં પકડાયેલા લોકો પર તવાઈ ઊતરશે એવા ભયથી તેમણે અમને તેમની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી.
એક પિતાએ મને કહ્યું હતું, “મારા દીકરાને દર બે-ત્રણ દિવસે એક જ વખત ભોજન આપવામાં આવે છે. મારો દીકરો બહુ રડે છે. તે માત્ર 18 વર્ષનો છે. તે કહે છે કે અમે મોટી મુશ્કેલીમાં ફસાયા છીએ. અમે પૈસા આપ્યા હતા અને હવે અમે અહીં મરી રહ્યા છીએ.”
આ પરિસ્થિતિ છે. તેથી પરિવારજનોને ખબર નથી કે આગળ જતાં શું થશે. શરૂઆતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ સલામત માર્ગે યુરોપ જવા ઇચ્છતા હતા, પરંતુ બાદમાં તેમણે એવું કહ્યું હતું કે યુવાનો ઘરે પાછા ફરે એવું તેઓ ઇચ્છે છે.
પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમથી પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય વાકેફ છે અને એ દિશામાં કામ કરી રહ્યું છે.
પોલીસ આકરાં પગલાં લઈ રહી છે અને આવો પ્રવાસ જોખમી હોવા છતાં, સમગ્ર પાકિસ્તાનમાં અમે જે લોકો સાથે વાત કરી એ પૈકીના અનેકે જણાવ્યુ હતું કે તેઓ ગેરકાયદે મુસાફરી કરવાનું સક્રિય રીતે વિચારી રહ્યા છે.
યુરોપસ્થિત એક માનવતસ્કરે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી બહાર નીકળવાના માર્ગ હજુ પણ બંધ થયા નથી. પોલીસે પણ સ્વીકાર્યું હતું કે લોકો આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર રીતે છોડી રહ્યા છે.
પોતે પરદેશ જવા ઇચ્છતા હતા અથવા પોતાના પુત્રોને મોકલવા માગતા હતા એવા ઘણા લોકો સાથે અમે વાત કરી હતી. એ બધાએ બહેતર જિંદગીની આશા વ્યક્ત કરી હતી.
કેટલાકે સામાજિક દબાણની વાત કરી હતી. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના મોટા ભાગના પિતરાઈ અથવા સગા ભાઈઓ ક્યારના જતા રહ્યા છે. હવે સામાજિક પ્રસંગોએ તેમને સવાલ પૂછવામાં આવે છે કે તમે કેમ પરદેશ જતા નથી?
પરદેશમાંથી કમાયેલા પૈસાથી બનાવવામાં આવેલાં ઘર જોવાની વાત અન્ય લોકોએ કરી હતી. કેટલાકે તેમનાં સંતાનોને બહેતર ભવિષ્ય માટે પરદેશ જવા માનવતસ્કરો દ્વારા કરવામાં આવતા દબાણ વિશે વાત કરી હતી.
ફરહાદ અને તૌહિદના પિતા સહિતના કેટલાકને તો આ રીતે મુસાફરી કરવાનો વ્યક્તિગત અનુભવ પણ છે.

'ભૂખમરાથી મોત થવાનું હોય તો પણ આ રીતે પરદેશ ન જવું'

ફરીદ હુસૈન આઠ વર્ષ પહેલાં ગેરકાયદે જર્મની ગયા હતા. તેઓ ગ્રીસ, મેસેડોનિયા, સર્બિયા, ક્રોએશિયા, સ્લોવેનિયા અને તુર્કી થઈને જર્મનીમાં પ્રવેશ્યા હતા. તેમના પિતા બીમાર પડ્યા હતા અને પરિવારની જવાબદારી સંભાળવી જરૂરી હતી એટલે ચાર વર્ષ બાદ તેઓ પાછા ફર્યા હતા. એ પછી એક માનવતસ્કરે તેમને તેમના કિશોર વયના દીકરાઓને ગેરકાયદે પરદેશ મોકલવા રાજી કર્યા હતા.
ફરીદે કહ્યું હતું, “તેણે અમને ખાતરી કરાવી હતી કે યુરોપ તો સામે કાંઠે જ આવેલું છે. તમારાં બાળકો પરદેશ જશે અને પોતાનું ભવિષ્ય જાતે ઘડશે. પછી તમે જે જોઈએ તે ખરીદી શકશો.”
ફરીદે ઉમેર્યું હતું, “અમે ગરીબ છીએ. અમારાં સંતાનો અહીં ભણી લેશે તો પણ તેમને નોકરી મળવાની નથી. વળી અમારી પાસે વધારે જમીન પણ નથી. સંતાનો પરદેશ જશે, ભણશે અને નોકરી કરશે, એવું મેં વિચાર્યું હતું,”
ફરીદે તેમનો પારિવારિક પ્લૉટ વેચી નાખ્યો હતો અને તેના દીકરા ફરહાદ તથા તૌહીદ ઇજિપ્ત અને દુબઈ થઈને લીબિયા પહોંચ્યા હતા. તેમના દીકરાઓ ઉત્સાહપૂર્વક પ્લેનમાં ચડતા હોવાનો, લીબિયામાં સલામત ઘરમાં અન્ય ડઝનેક છોકરાઓ તથા યુવાનો સાથે ફરસ પર સુતા હોવાનો વીડિયો ફરીદે અમને દેખાડ્યો હતો. છોકરાઓ જે દિવસે રવાના થયા ત્યારે તેમણે એક વૉઇસ નોટ મોકલીને માતા નઝમાને જણાવ્યું હતું કે 'ચિંતા કરશો નહીં. '
“મારા દીકરાઓએ કોઈ અન્યના મોબાઇલ ફોન પરથી તેમના પિતાને મૅસેજ કર્યો હતો કે અમે રવાના થઈ રહ્યા છીએ. અમ્મીને કહેજો કે આ અમારો છેલ્લો મૅસેજ છે,” આટલું કહ્યા પછી નઝમા ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં.
થોડા દિવસ પછી માનવતસ્કરોએ પરિવારનો સંપર્ક સાધીને મીઠાઈ વહેંચવા જણાવ્યું હતું, કારણ કે તેમનાં સંતાનો લક્ષ્ય સ્થાને પહોંચી ગયાં છે. પરિવારજનોએ ઉજવણી શરૂ કરી દીધી હતી.
બીજા દિવસે તેમના પિતરાઈ ભાઈઓએ ફોન કર્યો હતો. સ્થળાંતર કરતા લોકોથી ભરેલું જહાજ ડૂબી ગયાના સમાચાર તેમણે વાંચ્યા હતા ત્યાં સુધીમાં તો માનવતસ્કરો નાસી છૂટ્યા હતા.
એ પછી પરિવારજનોને ફરહાદ અને તૌહીદના કોઈ સમાચાર મળ્યા નથી. એ બંને 14 જૂને ગ્રીસના પાણીમાં ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે. તેમના મૃતદેહોને તેમનાં માતા-પિતા ક્યારેય દફનાવી શકશે નહીં.
હવે તેમનાં માતા જણાવે છે કે એ દીકરાઓના વૉઇસ મૅસેજ સાંભળે છે અને કલાકો સુધી રડ્યા કરે છે.
ફરીદે કહ્યું હતું, “અહીં ભલે ગરીબી હોય અને ભૂખમરાથી મોત થવાનું હોય તો પણ કોઈએ આ રીતે પરદેશ જવું ન જોઈએ. કોઈ ગમે તેટલું સમજાવે તો પણ નહીં.”














