પાકિસ્તાની પ્રેમી અને ભારતીય પ્રેમિકાની કહાની, રૉન્ગ નંબર લાગ્યો અને પ્રેમ થઈ ગયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિયાઝ ફારુકી
- પદ, બીબીસી ઉર્દૂ
ગુલઝાર અને દોલતની પ્રેમકહાણી કોઈ હિન્દી ફિલ્મથી જરાય ઓછી ઉતરે એવી નથી. એમની કહાણી અકસ્માતે રૉન્ગ નંબર પર કરવામાં આવેલા ફોન કોલથી શરૂ થઈ હતી.
ભારત અને પાકિસ્તાનમાં હાલ સીમા હૈદર અને અંજૂની પ્રેમકહાણીઓ વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે આંધ્ર પ્રદેશમાં સરહદપારના પ્રેમની વધુ એક કહાણી બહાર આવી છે.
આ કથાનાં બે પાત્ર છેઃ પાકિસ્તાનના ગુલઝાર ખાન અને ભારતનાં દોલતબી. આ બંને હવે નંદયાલ જિલ્લાના ગાદી વેમુલા ગામમાં પાંચ બાળકો સાથે ખુશખુશાલ વૈવાહિક જીવન માણી રહ્યાં છે.
ગુલઝાર ખાન 2011માં ભારત આવ્યા હતા, પરંતુ આઠ વર્ષ બાદ નાગરિકત્વ સંબંધી વિવિધ આરોપને કારણે તેમણે બે વાર જેલમાં જવું પડ્યું હતું. ગુલઝારને દેશની બહાર કાઢવા વિશેનો નિર્ણય કરવામાં આવે ત્યાં સુધી તેમને મુક્ત કરવાનો આદેશ તેલંગાણા હાઈકોર્ટે ગયા મહિને આપ્યો હતો.
‘ફોન પર વાત થઈ ત્યારે ગુલઝાર સારા માણસ લાગ્યા’
ગુલઝાર ખાન અને દોલતબીની કહાણી 2009માં શરૂ થઈ હતી. પાકિસ્તાનના પંજાબના સિયાલકોટ શહેરના ગુલઝાર એ સમયે સાઉદી અરેબિયામાં પેઇન્ટિંગ કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરતા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું હતં કે તેઓ થોડા મહિના પહેલાં રજા લઈને ભારત ગયેલા તેમના એક સાથી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ભારતીય સાથીનો સંપર્ક ન થયો ત્યારે ગુલઝારે વિચાર્યું કે તેમણે કદાચ ખોટો નંબર નોંધ્યો હશે. તેથી તેમણે એ નંબરથી મળતા આવતા કેટલાક અન્ય ફોન નંબર પર કૉલ કરવાના પ્રયાસ કર્યા. એ પ્રયાસ દરમિયાન નસીબે તેમનો સંપર્ક દોલતબી સાથે કરાવ્યો હતો. દોલતબી એક સ્થાનિક શાળામાં કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રેમ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુલઝારે દોલતબીને ફોન કરીને જણાવ્યું હતું કે તેમનું નામ ગુલઝાર ખાન છે અને તેઓ પાકિસ્તાનના પંજાબના રહેવાસી છે. યોગાનુયોગ જુઓ કે એ વાતચીત ટૂંક સમયમાં પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી.
બન્ને સતત ત્રણ વર્ષ સુધી એકમેકની સાથે ફોન પર વાતો કરતા રહ્યાં. એ પછી ગુલઝારે દોલતબી સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી હતી, પરંતુ એ સમયે દોલત પર જોરદાર માનસિક દબાણ હતું. દોલતબીએ બીબીસીને કહ્યું હતું, “હું ઘણા દિવસ ખોટું બોલી કે મારા પતિ છે, ચાર બાળકો છે, પરંતુ ગુલઝારે મને કહ્યું કે તમારા પતિ અને બાળકો સાથે મારી વાત કરાવો.”
હકીકત એ હતી કે દોલતબીના પતિનું થોડા મહિના પહેલાં અવસાન થયું હતું. તેમના જણાવ્યા અનુસાર, વાતચીતમાં તો ગુલઝાર સારા માણસ લાગ્યા હતા અને ધીમે-ધીમે જીવનસાથી જેવા જણાયા હતા. દોલતબીએ કહ્યું હતું, “મેં તેમને જણાવ્યું હતું કે લોકો મને ટોણાં મારે છે. હું મરી જાઉં તો સારું, પરંતુ એમણે કહેલું કે તું મારા માટે જીવતી રહેજે. હું કોઈ પણ રીતે ત્યાં આવી રહ્યો છું.”
એ પછી ગુલઝારે જે કર્યું તે સ્પષ્ટપણે ગેરકાયદે હતું. આ વાત તેઓ પણ સમજતા હતા અને તેમણે તેની કબૂલાત કરી છે. ગુલઝારના કહેવા મુજબ, તેમણે લગ્ન માટે ભારતના વીઝા મેળવવાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

ભારત કેવી રીતે પહોંચ્યા ગુલઝાર?

ગુલઝારે જણાવ્યું હતું કે તેમણે એક પરિચિત પાસેથી ભારતીય નાગરિકનું ઓળખપત્ર લીધું હતું. તે કાર્ડ લઈને તેઓ સ્થાનિક પોલીસ પાસે ગયા હતા અને દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નાગરિક છે. ગુલઝારે કહ્યું હતું, “મેં તેમને કહેલું કે આ મારું કાર્ડ છે. મારો પાસપોર્ટ ગૂમ થઈ ગયો છે. હું ભારતીય છું, ભારત પાછો જવા ઇચ્છું છું. હું અહીં નોકરી કરવા આવ્યો હતો.”
આ સાંભળીને સાઉદી પોલીસે તેમને જેલમાં નાખી દીધા હતા. તેમને 12 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા.
ગુલઝારનું કહેવું છે કે સાઉદી અરેબિયામાંના ભારતીય દૂતાવાસે તેમને પ્રોવિઝનલ પાસપોર્ટ આપ્યો હતો અને લગભગ 160 લોકો સાથે ભારત મોકલી આપ્યા હતા.
એ પહેલાં પણ તેઓ ભારત આવવા ઇચ્છતા હતા, કારણ કે કેટલાક ભારતીયો વિઝિટ વીઝા પર પાકિસ્તાનનો પ્રવાસ કરતા હોય છે એ તેમણે જોયું હતું. તેમણે પોતાનું સપનું આવી રીતે સાકાર કર્યું હતું. એ કારણે તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા.
ભારતીય પોલીસનું કહેવું છે કે ગુલઝાર બનાવટી દસ્તાવેજોના સહારે ભારત પહોંચ્યા હતા. અદાલતી દસ્તાવેજો અનુસાર, સરકારનું કહેવું છે કે ગુલઝારે ઇકબાલપુરના નિવાસી મોહમ્મદ આદિલના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા અને તેનો ઉપયોગ ખોટી રીતે અસલી દસ્તાવેજ તરીકે કર્યો હતો. ઇમરજન્સી સર્ટિફિકેટ લીધું હતું અને 2011ની 10 જાન્યુઆરીએ ભારત પહોંચ્યા હતા.
ગુલઝાર આ આરોપોનો ઇનકાર કરતા નથી.

‘ખુદને ભારતીય સમજવા માંડ્યો હતો’

મુંબઈ ઍરપૉર્ટ પર ઉતરાણ કર્યા બાદ ગુલઝારે દોલતબીના ઘરની સૌથી નજીકના શહેર હૈદરાબાદ જવા માટે ટ્રેન પકડી હતી. ગુલઝારના કહેવા મુજબ, “મારી પાસે માત્ર 150 રિયાલ હતા, જે મેં મુંબઈ ઍરપૉર્ટ પર ભારતીય ચલણમાં ઍક્સચેન્જ કર્યા હતા. દોલતબીના ઘરે પહોંચ્યો ત્યારે મારી પાસે માત્ર રૂ. 500 બચ્યા હતા.”
ભારત આવ્યાનાં લગભગ બે સપ્તાહ પછી ગુલઝારે દોલતબી સાથે શાદી કરી હતી. એ પહેલાં દોલતબીના સગાની ફરિયાદને લીધે પોલીસે ગુલઝારને પૂછપરછ કરી હતી અને તેમને મુક્ત કર્યા હતા. તેમની સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. દોલતબી માટે ગુલઝાર એક ફરિશ્તા જેવા હતા. દોલતબીનાં માતા-પિતા, પતિ અને મોટાભાઈ એક પછી એક મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે માનસિક રીતે અસ્થિર નાનો ભાઈ ગુમ થઈ ગયો હતો.
દોલતબીના જણાવ્યા અનુસાર, તેમને ગુલઝારમાં આદર્શ પતિ દેખાતા હતા, કારણ કે તેમનો વ્યવહાર સારો હતો અને પહેલા પતિથી થયેલાં સંતાનોને પણ તેઓ પોતાનાં સંતાનો જ ગણતા હતા.
સમય પસાર થતો રહ્યો. ગુલઝાર એ જગ્યાથી સારી રીતે પરિચિત થઈ ગયા. દોલતબી સાથેના સંસારમાં તેઓ વધુ ચાર બાળકોના પિતા બન્યા. એ દરમિયાન તેમણે થોડી-ઘણી તેલુગુ ભાષા પણ શીખી લીધી. તેઓ સ્થાનિક દારુ પીતા થયા અને પેઇન્ટર તરીકે ફરી કામ કરવા લાગ્યા. ગુલઝારે કહ્યું હતું. “હું પોતે પણ ખુદને ભારતીય સમજવા માંડ્યો હતો.”

દોલતે પતિની ઓળખ જાહેર કરી

ઇમેજ સ્રોત, Getty Images
રાવલપિંડીમાં રહેતા ગુલઝારનાં મોટાં બહેન શીલા લાલે બીબીસીને જણાવ્યું હતું કે તેમના ભાઈએ પરિવાર સાથેનો સંપર્ક વર્ષોથી તોડી નાખ્યો હતો. તેમને ખબર ન હતી કે ભાઇ કેવી હાલતમાં છે. તેમની સાથે કોઈ અકસ્માત તો નહીં થયો હોયને તેવો ડર પણ હતો.
શીલા લાલે જણાવ્યું હતું કે પરિવારજનો માનતા હતા કે ગુલઝાર સાઉદીમાં જ છે. એટલે તેમણે તેમની શોધ ચાલુ રાખી હતી. તેમણે તેમના એક ભાઈને સાઉદી અરેબિયા ગુલઝારને શોધવા મોકલ્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. પછી એક દિવસ ગુલઝારે પાકિસ્તાનમાં તેમનાં માતા તથા પરિવારનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે “હું ભારત આવી ગયો છું.”
વર્ષો સુધી દૂર રહ્યા પછી ગુલઝારને હવે ઘર યાદ આવતું હતું. તેમણે પોતે તેમના પરિવારજનો સાથે પોતાનાં પત્ની તથા બાળકોને વાત કરાવી હતી. ગુલઝાર ઇચ્છતા હતા કે તેઓ તેમના નવા પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા જાય. ગુલઝાર 2019માં પાકિસ્તાન જવા સાથે તેમનાં પત્ની તથા બાળકો સાથે દિલ્હી જવા નીકળ્યા હતા, પરંતુ હૈદરાબાદ પોલીસ સ્ટેશન પર તેલંગાણા પોલીસ તેમની રાહ જોઈ રહી છે એ તેમને ખબર ન હતી. ગુલઝારની તરત ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસની તપાસમાં સામેલ પોલીસે વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 'ધ વીક' વેબસાઇટ પરની માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓ તેમના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા ફોન કૉલ પર નજર રાખી રહી હતી.
ધરપકડ કર્યા પછી પોલીસે પાકિસ્તાન બાબતે પૂછપરછ કરી ત્યારે ગુલઝારે કબુલ્યું હતું કે તેઓ પાકિસ્તાની નાગરિક છે. ગુલઝારે કહ્યું હતું, “મેં બધુ પ્રમાણિકતાથી જણાવ્યું હતું. તેમને મારી વાત સાચી ન લાગી ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું તમારાથી થોડે દૂર પેશાબ કરી રહ્યો હતો અને જોયું તો તમે મારા પરિવારને ઘેરી લીધો હતો. મારે કંઈ ખોટું કરવું હોત તો હું ત્યાંથી ભાગી ગયો હોત. હું સ્વૈચ્છાએ તમારી સામે આવ્યો છું.”
ગુલઝારે ઉમેર્યું હતું, “મેં વિચાર્યું કે મેં પ્રેમ કર્યો છે. જોઈએ શું થાય છે.” ગુલઝાર પર ભારતીય દંડ સંહિતા, ફૉરેનર્સ ઍક્ટ અને પાસપોર્ટ ઍક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ બનાવટી આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગુલઝાર કહે છે, “મને કોઈ ફરિયાદ નથી. મેં ભૂલ કરી અને તેની સજા મને મળી.”
આ દરમિયાન પોલીસે દોલતે જણાવ્યું હતું કે તેમના પતિ પાકિસ્તાની છે. દોલત કહે છે, “હું પોલીસ સાથે ઝઘડો કરવા લાગી હતી કે નહીં, તેઓ પંજાબના છે. પછી પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પણ એક પંજાબ છે અને ગુલઝાર ત્યાંના છે.”

સચ્ચાઇ છુપાવી

ઇમેજ સ્રોત, Getty Images
દોલતને ત્યારે ખબર પડી હતી કે ગુલઝારને વાસ્તવમાં પાકિસ્તાની પંજાબના સિયાલકોટ જિલ્લાના કોલૂવાલ ગામની ખ્રિસ્તી કૉલોની સાથે સંબંધ છે. ગુલઝાર મુસ્લિમ નથી એ વાતની ખબર પણ દોલતને ત્યારે જ પડી હતી. ગુલઝારે તેમની અટક ખાન હોવાનું દોલતને જણાવ્યું હતું. એ કારણે દોલત તેમને મુસ્લિમ માનતાં હતાં, પરંતુ ગુલઝારે સચ્ચાઇ છુપાવી રાખી હતી. તેમનું અસલી નામ ગુલઝાર મસીહ હતું.
શીલા લાલે બીબીસીને જણાવ્યું હતું કે ભારતમાં ગુલઝાર સામે કેસ નોંધાયો ત્યારે તેમણે પાકિસ્તાન સરકારનો સંપર્ક કર્યો હતો અને સરકારે જણાવ્યું હતું કે તેઓ આ કિસ્સાની તપાસ કરશે. એ પછી પોલીસ તપાસ માટે તેમના ઘરે પણ ગઈ હતી. અહીં દોલતે પણ ઘરે પાછા આવીને ગુલઝારને જામીન પર છોડાવવા માટે પોતાના ગામના રહેવાસીઓ પાસેથી રૂ. દોઢ લાખ એકઠા કર્યા હતા.
ગુલઝારને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ 2022માં ઘૂસણખોરો સામેના એક અભિયાન વખતે તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. ગુલઝારની ફરી મુક્તિ માટે દોલતે જ વધુ રૂ. 80,000 એકઠા કર્યા હતા. ગુલઝારની બીજી વખતની ધરપકડને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. એ પછી હાઇકોર્ટના આદેશને પગલે ગુલઝાર જેલમાંથી બહાર આવ્યા હતા.
હવે ગુલઝાર ઇચ્છે છે કે તેમને પાકિસ્તાન પાછા મોકલવામાં આવે તો તેમની સાથે તેમનાં પત્ની તથા બાળકોને પણ લઈ જવાની પરવાનગી મળવી જોઈએ.














