કપાસના અગ્રણી ઉત્પાદક ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કેમ ઘટી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
“2021માં કપાસનો મારો બધો જ પાક નષ્ટ થઈ ગયો હતો. અતિશય નુકસાન ગયું હતું. આ વખતે ફરી કપાસ કરી રહ્યા છીએ. ખેતી અત્યંત ખર્ચાળ છે અને ઘણા પડકારો છે, પરંતુ જો ભાવ સારો મળી જાય તો મહેનત ફળે છે. જોકે, હવે પહેલાં જેવું ઉત્પાદન નથી થતું. એ સતત ઘટી રહ્યું છે.”
દક્ષિણ ગુજરાતમાં આવેલા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામમાં કપાસની ખેતી કરતા સંજય પટેલ કપાસની ખેતીનાં પડકારો અને મુશ્કેલીઓ વર્ણવતાં આ વાત કહે છે.
‘સફેદ સોનું’ તરીકે જાણીતી ખેતપેદાશ એટલે કપાસ. તે એક રોકડિયો પાક છે. કપાસના ઉત્પાદન મામલે વિશ્વમાં ભારતની બોલબાલા રહી છે. ગુજરાત પણ કપાસ ઉત્પાદનમાં અગ્રણી રહ્યું છે.
પરંતુ અહેવાલો અનુસાર પાછલાં પાંચ વર્ષોમાં કપાસનું સરેરાશ ઉત્પાદન અગાઉનાં પાંચ વર્ષોની સરેરાશ કરતાં ઘટી રહ્યું છે.
આ મામલે બીબીસીએ કપાસની ખેતી કરતા ખેડૂતો સાથે વાતચીત કરી. અને તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો.
બીજા બાજુ એક વિપરિત પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે, ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો, પાછલા દસ મહિનામાં ભારત સરકારે આયાત કરેલા કપાસનું બિલ 1.34 બિલિયન ડૉલરને પાર કરી ગયું છે. આ વધારો એના અગાઉના વર્ષ કરતાં 200 ગણો વધુ હતો.
જોકે, તાજેતરના એક અહેવાલમાં આશંકા વ્યક્ત કરાઈ હતી કે ગુજરાતમાંથી ઑસ્ટ્રેલિયા પાસેથી અઢી લાખ ગાંસડી કપાસ આયાત કરવાના ઑર્ડર અપાઈ ચૂક્યા છે.
ઉપરાંત અહેવાલ પ્રમાણે કેટલાક વપરાશકારોએ આફ્રિકન દેશોમાંથી પણ કપાસ આયાત કરવાનું આયોજન કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાપડઉદ્યોગની જરૂરિયાત આ પાછળનું મુખ્ય કારણ હોવાનું અહેવાલમાં કહેવાયું છે.
જોકે, કાપડ ઉદ્યોગ માટે આયાત થઈ રહેલા કપાસ અને ગુજરાતમાં જે કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે તે બન્ને કપાસની ગુણવત્તા અને પ્રકાર અલગ-અલગ છે અને બન્ને કપાસનો વ્યાપારિક ઉપયોગ પણ અલગ અલગ છે.
નિષ્ણાતો અનુસાર ગુજરાતમાં લગભગ 25 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. પાછલાં પાંચ વર્ષમાં સરેરાશ 86 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. એટલું જ નહીં પણ વિશ્વમાં કપાસની નિકાસ કરવામાં પણ ભારત અગ્રણી દેશ રહેતો આવ્યો છે. કપાસનાં ઉત્પાદન અને ખપત બંને મોરચે ભારતની મહત્ત્વની ભૂમિકા છે. ભારત પાસેથી કપાસની સૌથી વધુ આયાત બાંગ્લાદેશ કરે છે.
એક સમયે જ્યાં ગુજરાત અને ભારત કપાસની મોટા પાયે નિકાસ કરતા હતા અને મબલખ ઉત્પાદન કરતા હતા, ત્યાં હવે આટલા મોટા પાયે કપાસની આયાત કેમ કરવી પડી રહી છે? ઊંચી કિંમતે કપાસની આયાત કેમ કરવી પડી રહી છે? શું ઘટતું ઉત્પાદન પણ એ પાછળનું કારણ છે કે કેમ? બીબીસીએ આ સવાલના જવાબ શોધવાની કોશિશ કરી.

ખેડૂતની વ્યથા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથેની વાતચીતમાં ભરૂચના ખેડૂત સંજય પટેલ કહે છે, “મેં કપાસની ખેતી માટે પિયતની વ્યવસ્થા જાતે કરી છે. કોઈ માર્ગદર્શનની વ્યવસ્થા નથી. બિયારણ, જંતુનાશક દવા અને ખાતરથી લઈને પાક વેચવા સહિતનાં કામોમાં ડગલેને પગલે સમસ્યા આવે છે. એકલા હાથે ખેડૂતે તમામ મોરચે લડવું પડે છે. સરકારની યોજનાઓ છે, મંડી છે પરંતુ પાયાના સ્તરે જુઓ તો ખરેખર ખેડૂત લાચાર હોય છે. એને કોઈ મદદ નથી મળતી.”
“અમે 70 વીઘા જમીનમાં કપાસ કરીએ છીએ. પહેલાં વીઘાદીઠ દસ-15 ક્વિન્ટલ કપાસ થતો પણ હવે તેનું પ્રમાણ માત્ર ચાર-છ ક્વિન્ટલ થઈ ગયું છે. વાતાવરણ ખરાબ હોવાથી પાક ખરાબ થઈ જાય છે અને ઉત્પાદન ઓછું થાય છે. સરેરાશ ક્વિન્ટલ દીઠ સાત હજાર રૂપિયાનો ભાવ મળી રહે છે.”
તેઓ કપાસની ખેતીમાં થયેલા જાતઅનુભવો વિશે વાત કરતાં કહે છે કે, “વર્ષ 2021માં તો અમારા વિસ્તારનો મોટા ભાગનો બધો જ કપાસ પાક નષ્ટ થઈ ગયો હતો. પ્રદૂષિત વાતાવરણના લીધે આવું થયું હતું. એ વખતે ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. મજૂરો મળતા નથી, બિયારણ મોંઘું છે, જંતુનાશક દવાઓ પણ એટલા પ્રકારની આવે છે કે એમાં કઈ સારી છે અને કઈ ખરાબ એ ઓળખવી મુશ્કેલ છે. એક રીતે આવી કંપનીઓનો રાફડો ફાટ્યો છે. એટલે એમાં ખેડૂતો ભરમાઈ જાય છે.”
સંજય પટેલ માળખાકીય સુવિધાઓ સંદર્ભે રહેલી મર્યાદાઓ અંગે વાત કરતાં કહે છે કે, “કોઈ સાયન્ટિફિક માર્ગદર્શન નથી મળતું. ખેડૂતે જાતે જેમ સમજાય એમ કરવું પડે છે. જેને સારી સમજ પડે એને પાક સરેરાશ સારો ઊતરે તો પૈસા મળે છે. નહીં તો નુકસાન જાય છે. કપાસમાં ગુલાબી ઇયળની સમસ્યા છે, એના લીધે પણ ઉત્પાદનને અસર થતી હોય છે.”
“અમારે ઈએલએસ કપાસ નથી થતો. અમે હાઇબ્રિડ કરીએ છીએ. મારે લગભગ સરેરાશ કુલ 250-300 ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે. મારી સરકારને એક જ વિનંતી છે કે દર મહિને ખેડૂતને 2,000 હજાર રૂપિયા આપો છો, એના કરતાં માત્ર એટલી વ્યવસ્થા કરી આપો કે ખેડૂતે માલ વેચવા માટે બજારમાં અને વેપારીને ત્યાં ભટકવું ન પડે. હું મારી ખેતપેદાશ વેચવા બે દિવસ ખાધાપીધા વગર બેસી રહ્યો હતો અંતે તો તેમાં નિષ્ફળ જ ગયો.”
પોતાની પેદાશ વેચવા માટે ખેડૂતે ભોગવવી પડતી મુશ્કેલી અંગે સંજય પટેલ કહે છે કે, “જો બજારમાં સારો ભાવ ન મળે તો, બધા ખેડૂતે એપીએમસી તરફ મીટ માંડવી પડે છે. એમાં લાઇનો લાગે છે અને વારો આવતા દિવસો નીકળી જાય છે. ઘણી વાર તો વારો આવતો પણ નથી. ટ્રેક્ટરમાં ખેતપેદાશ લઈને ત્યાં પડી રહેવું કપરું હોય છે.”
“અમે બાપ દાદાના સમયથી કપાસ કરીએ છીએ પણ હવે જે ઉત્પાદન મળે છે એ પહેલાં જેવું નથી. હવે તો આવી સ્થિતિ જોઈને દરેક ખેડૂત પોતાનાં બાળક ખેતી કરે એવી ઇચ્છા ધરાવતા જ બંધ થઈ ગયા છે. એટલે હવે ખેડૂતનાં બાળકો અન્ય નોકરીઓ તરફ વળ્યાં છે. કહેવા માટે તો ભારત ખેતીપ્રધાન દેશ છે પરંતુ ખેડૂતની પરવા કોઈને નથી.”

ઉત્પાદન વધારવાના સરકારના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન કપાસના ઘટતા ઉત્પાદન વિશે અને કપાસની ખેતી કરતા સંજય પટેલે રજૂ કરેલી ખેડૂતોને તાલિમ અને માર્ગદર્શનના અભાવના દાવા વિશે બીબીસીએ ભરૂચ અને સુરેન્દ્રનગરના જિલ્લા ખેતીવાડી અધિકારીઓ સાથે પણ વાત કરી. સુરેન્દ્રનગર ખેતીવાડી કચેરીના જિલ્લા ખેતીવાડી અધિકારી એમ. આર. પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, કપાસની ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં 80 ટકા ખેડૂતો કપાસ વાવતા હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે. એમ. આર. પરમારે કહ્યું કે, “કપાસ જ નહીં પણ તમામ ખેતી મામલે કૃષિમેળા અને ગ્રામસભાથી તેમને માર્ગદર્શન આપીએ છીએ. અમારે મોટાભાગે કપાસની વાવણી કરતા ખેડૂતો છે. અને જ્યાં સુધી કુલ ઉત્પાદન ઘટવાની વાત છે તો, એ અન્ય જિલ્લાઓમાં જ્યાં ઉત્પાદન ઘટે એની અસર કુલ ઉત્પાદન પર જોવા મળતી હોય છે.”
ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી પી. આર. માંડાણી સાથે પણ બીબીસીએ વાત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, “ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે. રાજ્ય સરકારની યોજનામાં નિર્દેશન કીટ આપવામાં આવે છે અને એમાં બિયારણ તથા પેસ્ટિસાઇડ વિશેની માહિતી અને ઇનપુટ્સ હોય છે. એ ઉપરાંત કેન્દ્ર સરકારની ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ કૉટન યોજના છે એમાં પણ માર્ગદર્શન આપવામાં આવે છે. વળી તેમાં ખેડૂતોને કેટલા અંતરે વાવણી કરવી એ વિશે શીખવવામાં આવે છે, જેમાં બીટી કપાસની પાસે 3-4 હરોળ દેશી કપાસ વાવવા પણ કહેવાય છે, જેથી જંતુઓનો ઉપદ્રવ ઓછો થાય. એટલે ઉત્પાદન સારું રહે.”

કપાસનું ઉત્પાદન કેમ ઘટ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કપાસના ઉત્પાદનમાં થતા ઘટાડા વિશે બીબીસીએ ગુજરાતના સૌપ્રથમ કપાસ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક સાથે વાતચીત કરી.
કપાસની પ્રજાતિ અને ગુણવત્તા વિશે તથા ખેતીને લગતા સંશોધન કાર્ય વિશે જણાવતાં કપાસ સંશોધન કેન્દ્રના વડાએ પણ એ વાત સ્વીકારી કે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના સુરતમાં કપાસનું મુખ્ય સંશોધન કેન્દ્ર આવેલું છે.
સુરત મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. મનહરલાલ પટેલ એ વાત માને છે કે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે.
તેઓ આ વલણ પાછળનાં કારણો જણાવતાં કહે છે, “ગુજરાતમાં કપાસની મુખ્ય ચાર પ્રજાતિ છે. અમારા કેન્દ્રની 1896માં સ્થાપના થઈ હતી. કપાસના સંશોધન ક્ષેત્રે ગુજરાતમાં ઘણું કામ થયું છે. જોકે ગુજરાતમાં 95 ટકા વાવેતર બીટી કપાસનું થાય છે. ઉપરાંત 65 ટકા વિસ્તાર બિન-પિયતવાળો છે. ગુલાબી ઇયળની સમસ્યા પણ છે. એની સાથે સાથે દેશી કપાસ વધુ થાય છે. કારણ કે જંબુસર, વાગરા સહિતનો વિસ્તાર ક્ષારવાળો છે અહીં એક નિશ્ચિત પ્રજાતિનો કપાસ જ થઈ શકે છે. દરેક વિસ્તારની ભૌગૌલિક મર્યાદાઓ હોય છે. એટલે ગુજરાતમાં શૉર્ટ સ્ટેપલ અને મીડિયમ સ્ટેપલ લૅન્થનો કપાસ વધુ થાય છે.”

ઇમેજ સ્રોત, Getty Images
કપાસને કેમ આયાત કરવો પડે છે એ વિશે જણાવતાં ડૉ. મનહર પટેલ વધુમાં જણાવે છે કે, “કપાસના ફાઇબરની લંબાઈ અને ગુણવત્તાના આધારે એનું વર્ગીકરણ થાય છે. જેમાં અત્યંત લાંબા રેસાવાળો, મધ્ય લંબાઈવાળો અને ટૂંકી તાર (ફાઇબર) લંબાઈવાળો કપાસ હોય છે. એમાં તારની મજબૂતી પણ ધ્યાને લેવામાં આવે છે.”
“આંતરરાષ્ટ્રીય બજારમાં જે ટેક્સટાઇલ ઉદ્યોગને ક્વૉલિટી જોઈએ તે મોટા ભાગે ઍક્સ્ટ્રા લૉંગ સ્ટૅપલ લૅન્થનો કપાસ હોય છે. એટલે ટૅક્સટાઇલ ઉદ્યોગે આ કપાસની જરૂર વધુ પ્રમાણમાં હોય તો એને બહારથી મંગાવવો પડતો હોય છે. ગુજરાતમાં મોટા ભાગે દેશી કપાસ થાય છે. દેશી કપાસ ગાદલા, સર્જિકલ કામકાજ અને જીન્સ માટે કામમાં આવી શકે છે. પરંતુ મુલાયમ વસ્ત્રો માટે ઊંચી ગુણવત્તાનો કપાસ જોઈતો હોય છે. ભારતમાં એનું ઉત્પાદન થાય છે. પણ ઉદ્યોગને જો વધુ પ્રમાણમાં આ માટેનો હાઇ ક્વૉલિટી કપાસ જોઈએ તો એ મુજબ તેઓ આયાત કરતા હોય છે.”
“કપાસમાં તારની લંબાઈ વધુ હોવી જોઈએ, બારીકાઈ પણ વધુ હોવી જોઈએ અને તેમાં સમાનતા પણ હોવી જોઈએ સાથે સાથે એ મજબૂત હોવા જોઈએ. આ પ્રકારનો કપાસ ઊંચી ગુણવત્તાવાળો ગણાય છે. અને ટૅક્સટાઇલ ઉદ્યોગને એવો કપાસ વધુ જોઈતો હોય છે. ભારતમાં તેલંગાણા ઉત્પાદનમાં મોખરે છે, જ્યારે ત્યાર પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાત કપાસના વાવેતર અને ઉત્પાદન બંને મોરચે નોંધપાત્ર છે.”

કપાસનું ગુજરાતમાં થતું ઉત્પાદન
વર્ષ 2012-2014 – 124 લાખ ગાંસડી
વર્ષ 2014-2015 – 112 લાખ ગાંસડી
વર્ષ 2015-2016 – 90 લાખ ગાંસડી
વર્ષ 2016-2017 – 95 લાખ ગાંસડી
વર્ષ 2017-2018 – 103 લાખ ગાંસડી
વર્ષ 2019-2020 – 89 લાખ ગાંસડી
વર્ષ 2020-2021 – 72.18 લાખ ગાંસડી
વર્ષ 2021-2022 – 74.82 લાખ ગાંસડી
વર્ષ 2022-2023 –91.83 લાખ ગાંસડી (કામચલાઉ)

બીટી કૉટનના લીધે ઉત્પાદન ઘટ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બીટી કૉટન એટલે કે જિનેટિકલી મૉડિફાઇડ કપાસ.
બીટી કૉટન વિશે સમજાવતાં ડૉ. મનહર પટેલ કહે છે કે, “કપાસમાં પ્રોટીન દાખલ કરાય છે અને તે એક ખાસ પ્રકારની ઇયળનો નાશ કરે છે એટલે ઉત્પાદન વધે છે.”
પરંતુ ઉત્પાદન મામલે સર્જાયેલી એક વિપરીત અસર વિશે તેઓ કહે છે કે, “બીટી કપાસમાં જિનેટિક વૈવિધ્યનું પ્રમાણ અને જૈવવિવિધતા ઓછી હોવાથી ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને તથા સાંકળા ગાળે વાવેતર પદ્ધતિથી ઉત્પાદનની સમસ્યાઓ નિવારી શકાય છે. ટૉપિંગ અને નિટીંગ દ્વારા માવજત કરીને સારું ઉત્પાદન મેળવી શકાય છે. આપણે ત્યાં પાંચ લાખ હેક્ટરમાં દેશી કપાસ (હર્બેસિયમ પ્રજાતિ) થાય છે. તથા 25 ટકા જ પિયતવાળી જગ્યા છે. એટલે ઉત્પાદનમાં એની અસર દેખાય એ સ્વાભાવિક છે.”
બીબીસીએ કપાસની ખેતી કરતા અન્ય ખેડૂત સાથે પણ વાત કરી જેમાં દક્ષિણ ગુજરાતના માંગરોળમાં કપાસની ખેતી કરતા જસંવતભાઈ પટેલ કહે છે કે તેમણે તાજેતરમાં જ બીટી કપાસના પાકની પહેલી ઊપજ વેચી છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “8,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળ્યો છે. જાન્યુઆરીમાં પેદાશ વેપારીને ત્યાં વેચી હતી. જોકે, મારી જમીનમાં હવે નીચે લિગ્નાઇટ નીકળ્યું હોવાથી જમીન સંપાદનમાં જઈ રહી છે.”
દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખેડૂત સમાજના આગેવાન રમેશ પટેલનું કહેવું છે કે કપાસની ખેતી અત્યંત ખર્ચાળ છે. એટલે ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં કપાસની જગ્યાએ ડાંગર તરફ વળ્યા છે.
તેઓ કહે છે, “કપાસની ખેતી પોસાતી નથી. 30 વર્ષ પહેલાં ખેતી કરતા હતા પણ હવે દક્ષિણ ગુજરાતમાં તો મોટા ભાગે ડાંગર જ લઈએ છીએ. વળી ડાંગર ઉનાળો અને ચોમાસું એમ બંને ઋતુમાં લઈ શકાય. પણ કપાસ એક જ વાર લઈ શકાય. એમાં જીવાતનું નુકસાન પણ મોટું હોય છે.”
વધુમાં અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, કેન્યા, યુગાન્ડા, સુદાન, ઇજિપ્ત, યુએસએ, પેરુથી ટેક્સટાઇલનો કાચો માલ આયાત કરે છે.
ભારત સ્વતંત્ર થયું ત્યારે લગભગ વર્ષે પાકતી રૂની 22 લાખ ગાંસડી સામે હવે દેશમાં 170થી 175 લાખથી વધુ ગાંસડી રૂ પાકે છે. આમ કપાસનું ઉત્પાદન ઘણું વધ્યું હતું. અગાઉ દેશની કપાસની જરૂરિયાત સામે અતિશય ખેંચ અનુભવાતી હતી. એ પરિસ્થિતિમાંથી દેશ હવે સ્વનિર્ભર થવા ઉપરાંત નિકાસ કરવાની સ્થિતિએ પહોંચ્યો હતો. પરંતુ પાછલાં પાંચ વર્ષોથી ઉત્પાદનમાં જોઈએ તેવો વધારો નથી થયો, ઊલટું હવે ઉત્પાદન ઘટી રહ્યું છે.

ELS કપાસનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં લગભગ 3.3 કરોડ ગાંસડી કપાસ (કૉટન) પેદા થાય છે. એમાંથી મોટા ભાગના ઉત્પાદનની સાઇઝ 26-30 મિલીમીટરની હોય છે. અને એમાંથી 80 ટકા કૉટન લગભગ 29 મિલીમીટરની સાઇઝના હોય છે જે મિડિયમ ગ્રેડના છે.
નિષ્ણાતો અનુસાર ઍક્સ્ટ્રા લૉંગ સ્ટૅપલ (ઈએલએસ) કપાસની માગ કાપડઉદ્યોગમાં વધુ હોય છે. જેની સાઇઝ 32-36 મિલીમીટરની હોય છે.
વળી નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે ક્લસ્ટર આધારિત વ્યૂહરચનાથી આ ઈએલએસ કપાસનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આથી ટેક્સટાઇલ ઉદ્યોગે આ કપાસની આયાત પર આધાર રાખવો પડે છે, એ આધાર હળવો થશે અને ઘરેલુ બજારમાંથી જ પૂરતા પ્રમાણમાં આ કપાસ (કૉટન) મળી શકશે.
કહેવાય છે કે ભારતમાં ઈએલએસ કૉટનની માગ દસ લાખ ગાંસડી જેટલી હોય છે. પરંતુ એનું ઉત્પાદન 3.5થી ચાર લાખ ગાંસડીનું જ હોવાથી એને બહારથી આયાત કરવું પડે છે.
ઇજિપ્ત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા આ ઈએલએસ કૉટનના સૌથી મોટા ઉત્પાદક છે. ભારતમાં આ કૉટન એટલે કે રૂની કિંમત અન્ય રૂ કરતાં 30-35 ટકા વધુ હોય છે. જેનું કારણ એની ઊંચી ગુણવત્તા છે.
કૉટન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા અનુસાર ઈએલએસ કૉટનની કિંમત એટલે વધુ હોય છે કેમકે એનાથી સારી ગુણવત્તાવાળો યાર્ન, જેનો કાઉન્ટ 60-120 હોય તે બનાવી શકાય છે. અને આ યાર્ન ઊંચા મૂલ્યની સાડી, ચાદરો વગેરે બનાવવા વપરાય છે.
ભારતમાં ઈએલએસ કૉટનની એક કૅન્ડી (1 કૅન્ડી = 356 કિલોગ્રામ)નો ભાવ લગભગ 70 હજાર રૂપિયાની આસપાસ છે. પણ વૈશ્વિક સ્તરે એ દોઢ લાખ રૂપિયામાં વેચાય છે. આમ જો દેશમાં જ આ કપાસનું ઉત્પાદન વધે તો ટેક્સટાઇલ ઉદ્યોગ વિદેશી હૂંડિયામણરૂપે ઘણી બચત કરશે અને આનાથી ખેડૂતોને પણ ફાયદો થઈ શકતો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઈએલએસ કપાસની માગ વધી રહી છે. એમાં ખાસ કરીને આયાતી કપાસની માગ વધી રહી હોવાના અહેવાલ છે.

કપાસની ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદકો

ઇમેજ સ્રોત, Getty Images
કપાસના સારા વિકાસ અને ઉત્પાદન માટે હિમમુક્ત ઋતુ, વિકાસક્રમ દરમિયાન પૂરતો વરસાદ અને ભેજ-ઉપલબ્ધિની અન્ય સુવિધા, વધુ પડતા વરસાદનો અભાવ, ફૂલ અને જીંડવાં બેસે ત્યારે સૂકું, વાદળ વિનાનું હવામાન, જમીનની ઊંચી ફળદ્રુપતા તથા છોડને ભરપૂર પોષણ મળી રહે તે માટે જરૂરી કારકોની ઉપલબ્ધિ મહત્ત્વની છે. એ ઉપરાંત વીણી વખતે વરસાદની ગેરહાજરી – રાત્રે ઝાકળ, દિવસે તાપ પણ એટલો જ મહત્ત્વનો રહે છે.
ફળાઉ ભાગોને નુકસાન કરતી ટપકાંવાળી ઇયળ, ગુલાબી ઇયળ, લીલી ઇયળ, રાતાં ચૂસિયાં, રૂપલાં વગેરે સમસ્યા છે. જેનું નિવારણ કરવું પડે છે.
કપાસ લોઢીને મુખ્ય પેદાશ રૂ અને ગૌણ પેદાશ કપાસિયા મળે છે. પાકમાંથી આડપેદાશ તરીકે કરસાંઠી મળે છે. કપાસના છોડમાંથી મળતા વિવિધ ભાગોના ઉપયોગથી ઘણા પ્રકારની ઉપયોગી વસ્તુઓ તૈયાર થઈ શકે છે. કાપડ અને સંબંધિત પેદાશો માટે રૂ કાચો માલ બની રહે છે.
કપાસિયામાંથી તેલ, ખાદ્ય પદાર્થો, પશુ-આહાર વગેરે તૈયાર થાય છે. કપાસિયામાંથી તેમજ છોડના અન્ય ભાગોમાંથી ગ્લિસરીન, ફિટિન, વિટામિન, સિલિકૉન, વિવિધ આલ્કોહૉલ, વિવિધ ઍસિડ, શર્કરા, ગ્લુકોઝ, લિગ્નાઇટ, લાખ, નાયલૉન, કાગળ, પાર્ટિકલ બોર્ડ, હાર્ડબોર્ડ, ફિલ્મ પ્લાસ્ટિક, કૃત્રિમ ઊન, કૃત્રિમ રેસા, ઇન્સ્યુલેટિંગ ટેપ, સિન્થેટિક ગુંદર, ફિલ્ટર પેપર, ઍમરી પેપર, પૅકિંગ મટીરિયલ, મિથાઇલ વગેરે વસ્તુઓ તૈયાર થઈ શકે.
રૂ-આધારિત બહોળો વેપાર તથા કાપડઉદ્યોગ તેમજ ખાદ્ય અને અન્ય તેલનો ઉદ્યોગ પણ કપાસની ખેતીને આભારી છે. અન્ય આડપેદાશો પણ ઘણા પ્રકારે ઉપયોગમાં લેવાય છે.














