અફઘાનિસ્તાનની જીત પછી ઇરફાન પઠાણે કરેલા ડાન્સની પાકિસ્તાનમાં ટીકા કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, IRFANPATHAN/X
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અફઘાનિસ્તાને મેળવેલી જીતથી અફઘાનીઓ ગદગદિત છે.
તેમની ઉજવણીના વીડિયો દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી આવી રહ્યા છે અને એવું લાગે છે કે જાણે રાજનૈતિક રૂપે વિભાજિત અફઘાનિસ્તાનને ક્રિકેટની જીતે એક કરી દીધા છે.
અફઘાનિસ્તાનના મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે મળેલી આ જીતને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
આ જીત અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક હતી કારણ કે એ પહેલાં ક્યારેય તેમણે પાકિસ્તાનને વર્લ્ડકપમાં હરાવ્યું ન હતું. વળી, આ મૅચમાં ક્યારેય એવું ન લાગ્યું કે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન કરતાં નબળી હોય. દરેક મામલે એ પાકિસ્તાન કરતાં મજબૂત સાબિત થઈ.
ઉજવણીનો માહોલ

ઇમેજ સ્રોત, ANI
પાકિસ્તાન સામેની જીતને અફઘાનિસ્તાનના મીડિયામાં પણ મહત્ત્વનું સ્થાન મળ્યું છે.
અફઘાનિસ્તાનના કાબુલના રહેવાસી અશરફ આલમે ટોલો ન્યૂઝને જણાવ્યું, "ગઈ રાત્રે મેં મારા પરિવાર સાથે ટીવી પર આખી મૅચ જોઈ. મારા ઘરનાં નાનાં બાળકો પણ ખૂબ ખુશ હતાં. દરેક જણ ઉજવણીના મૂડમાં હતા."
કાબુલના કબીરે પણ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે, "ક્રિકેટ જ આપણા માટે ખુશીનો એકમાત્ર સ્ત્રોત છે. અથવા તો ક્રિકેટ જ એ એકમાત્ર કારણ છે જેના કારણે આપણને ખુશી મળે છે."
અફઘાનિસ્તાનના ક્રિકેટ નિષ્ણાત રહેમાન રહીમીએ ટોલો ન્યૂઝને કહ્યું, "જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મૅચ હોય છે, ત્યારે રાજકીય મુદ્દાઓ પણ તેમાં સામેલ થઈ જાય છે. આ જ કારણ છે કે મૅચ દરમિયાન અફઘાનિસ્તાનના ખેલાડીઓએ એક પણ ભૂલ ન કરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનની હાર બાદ સામાન્ય અફઘાન લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લોકો ગાતાં અને નાચતાં હતા અને આનંદમાં બંદૂકો ચલાવતાં પણ જોવા મળ્યા હતા.
અફઘાનિસ્તાનના અમુ ટીવીએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે અહીંના તાલિબાન શાસકો પણ પાકિસ્તાન સામેની જીતથી ખુશ છે.
તાલિબાનના વડા પ્રધાન કાર્યાલયના પૉલિટિકલ ડેપ્યુટી મૌલવી અબ્દુલ કબીરે ટ્વિટર પર લખ્યું, "અમે આ જીત માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ, ક્રિકેટ બોર્ડ અને તમામ અફઘાનસ્તાનવાસીઓને અભિનંદન આપીએ છીએ. આ જીત સાબિત કરે છે કે અફઘાન યુવાનો કોઈપણ ક્ષેત્રમાં જીત મેળવી શકે છે. તેમને સફળતા માટે અમારી શુભેચ્છાઓ."
ઇરફાન પઠાણના ડાન્સથી થયો વિવાદ
અફઘાનિસ્તાનની જીત બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ અફઘાન ખેલાડી રાશિદ ખાન સાથે સ્ટેડિયમમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને પાકિસ્તાનમાં પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની ટીવી પ્રોગ્રામમાં ઇરફાન પઠાણની જોરદાર ટીકા થઈ હતી.
ઇરફાન પઠાણને લઈને એક ઍન્કરે કહ્યું કે, "ક્રિકેટમાં ઇરફાન કંઈ કરી શક્યા નહીં એટલે તેઓ રાશિદ ખાન સાથે મેદાનમાં ભાંગડા કરી રહ્યા છે. ઇરફાન ખાન કઈ ખુશીમાં ભાંગડા કરી રહ્યા છે?"

ઇમેજ સ્રોત, Abdulhaqomeri/X
તેના પર ટીવી સ્ટુડિયોમાં બેઠેલા એક ઍક્સપર્ટે કહ્યું કે, "જીત અફઘાનિસ્તાનની થઈ છે અને એટલે તમે ડાન્સ કરો છો? આ બિલકુલ થવું જોઈતું ન હતું."
આ વાત પર ત્રીજા ઍક્સપર્ટે કહ્યું, "ઇરફાન જે રીતે ડાન્સ કરતા જોવા મળ્યા એ નફરતનો જ પ્રકાર છે જે આપણે વર્લ્ડકપની શરૂઆતથી જોઈ રહ્યા છીએ. ન તો અમારા પત્રકારોને વિઝા આપવામાં આવ્યા કે ન અમારા ક્રિકેટ ચાહકોને. એક પત્રકાર ભારત જઈને આવ્યા છે તેમનું કહેવું છે કે ભારતમાં હવે પહેલાં જેવો પ્રેમ નથી જોવા મળતો."

ઇમેજ સ્રોત, @cricketpakcompk/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે ‘ક્રિકેટ પાકિસ્તાન’ નામની વેબસાઇટના ટ્વિટર હૅન્ડલ પર પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, "ઇરફાન પઠાણ કે જેઓ એક બ્રૉડકાસ્ટર તરીકે કામ કરી રહ્યા છે તેઓ પાકિસ્તાન સામે મળેલા વિજયને કારણે અફઘાનિસ્તાન સામે ડાન્સ કરી રહ્યા છે."
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર કામરાન અકમલે કહ્યું હતું કે, "મને ઇરફાન પઠાણના ડાન્સથી નવાઈ લાગે છે. મને યાદ છે કે ભારતે જ્યારે પાકિસ્તાનને ઑસ્ટ્રેલિયામાં હરાવ્યું હતું ત્યારે આવું કંઈ બન્યું ન હતું."
ઇરફાન પઠાણનો ડાંસ પાકિસ્તાનમાં લોકોને ન ગમ્યો એ તનવીર હસન નામના ટ્વિટર યૂઝરના ટ્વીટ પરથી ખબર પડે છે. તેમણે ઇરફાન પઠાણ અને રાશિદ ખાનનો ડાંસ કરતા ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું છે કે "ભારતે જાણીજોઈને ચેન્નઈમાં પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની મૅચ રાખી અને હવે ભારતીય બ્રૉડકાસ્ટર્સ અફઘાનિસ્તાનની પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરી રહ્યા છે. બેવડા ધોરણો."












