કતાર : દુનિયાના 'સૌથી ધનિક દેશ'માં ગરીબી કેવી છે?

    • લેેખક, બીબીસી ન્યૂઝ
    • પદ, મુંડો

કતારમાં ગરીબી જોવી અને તેના વિશે વાત કરવી એ સરળ બાબત નથી. જે લોકો તેની વાત પણ કરે છે, તેઓ બહુ સમજી-વિચારીને બોલે છે.

એક ટૅક્સી ડ્રાઇવરે નામ ન જાહેર કરવાની શરતે બીબીસી મુંડોને કહ્યું હતું કે, “આ ખૂબ મુશ્કેલ મુદ્દો છે અને સૌથી પહેલા તો તમારી સુરક્ષા અંગે ધ્યાન રાખવું પડશે, કેમ કે આ અંગે તંત્ર ઘણું કડક છે.”

કતાર દુનિયાના સૌથી ધનિક દેશોમાંથી એક છે, ત્યાં પણ ગરીબી છે. કતારની ગરીબી વિશે લોકો ઓછું જાણે છે, કેમ કે આ વિશે યોગ્ય વાત કરવામાં આવતી નથી.

પરદેશી કામદારોને અલગ-અલગ અને ઘણી દુર્ગમ જગ્યાઓએ રાખવામાં આવે છે, ખાસ કરીને એવા વિસ્તારોથી દૂર રાખવામાં આવે છે જ્યાં પ્રવાસીઓની અવર-જવર હોય.

કતારનું કુલ ઘરેલુ ઉત્પાદન 180 અબજ ડૉલર છે, જેનું મુખ્ય કારણ તેલ અને ગૅસથી મળતી આવક છે. આ જ કારણથી દસ લાખ પરપ્રાંતીય મજૂરો અહીં રણપ્રદેશમાં મોટા પાયે થઈ રહેલા બાંધકામ પ્રોજેક્ટમાં કામ કરવા માટે આકર્ષાય છે.

કતારમાં લગભગ 30 લાખ લોકો રહે છે. પરંતુ તેમાં માત્ર સાડા ત્રણ લાખ અથવા કુલ વસતીના 10 ટકા લોકો જ કતારના નાગરિક છે, બાકીના વિદેશી છે.

કતારમાં નાગરિકો અને પશ્ચિમી દેશોના વિદેશીઓ માટે ઉચ્ચ પગાર અને સારી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ છે.

સત્તાવાર આંકડા અનુસાર, “કતારે ગરીબી દૂર કરી દીધી છે, જોકે દક્ષિણપૂર્વ એશિયામાંથી આવેલા પરપ્રાંતીયો માટે વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે.”

પાકિસ્તાની ડ્રાઇવરે જણાવ્યું હતું કે, “ભારત, નેપાળ, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન જેવા દેશોમાંથી આવતા મોટા ભાગના લોકો ભણેલા-ગણેલા નથી હોતા અને અંગ્રેજી પણ સરળતાથી બોલી શકતા નથી.”

“જોકે તેમના પોતાના દેશ કરતાં અહીં તેમનું જીવનધોરણ સારું હોય છે. પરંતુ સૌથી મોટો મુદ્દો લઘુત્તમ વેતનનો છે અને આ લોકો ઘરે પૂરતા પૈસા મોકલી શકે એ માટે છ લોકો સાથે એક જ નાના રૂમમાં રહેતા હોય છે.”

અસમાનતા

અહીં કતારના નાગરિક અને વિદેશી અપ્રવાસીઓ એક વર્ષમાં દસ હજાર ડૉલર કમાવવાની સાથે અન્ય ઘણા લાભો મેળવતા હોય છે, સાથે મોટા ભાગના અપ્રશિક્ષિત કામદારો અંદાજે 275 ડૉલર પ્રતિ (લગભગ 22377 રૂપિયા)માં કામ કરે છે.

કતાર વિવાદાસ્પદ કફાલા પ્રથા (પ્રાયોજિત ભરતી)નો 2020માં અંત લાવનાર આરબ દુનિયાનો પ્રથમ દેશ બન્યો અને સમગ્ર દેશમાં એક સમાન લઘુતમ વેતન લાગુ કરનાર કુવૈત પછીનો બીજો દેશ બન્યો.

જ્યારે કફાલા પ્રથા અમલમાં હતી, ત્યારે જો કોઈ કર્મચારી પરવાનગી વગર નોકરી બદલે તો તેને ધરપકડ અને પ્રત્યર્પણનો સામનો કરવો પડતો હતો.

નોકરી આપનાર કંપનીઓ કેટલીક વાર તેમનો પાસપૉર્ટ પણ જપ્ત કરી લેતી હતી, જેથી મજબૂરીમાં તેમને અનિશ્ચિત સમય માટે દેશમાં રહેવું પડતું.

મોટા ભાગના અપ્રવાસીઓને પ્લૅસમૅન્ટ ફી તરીકે ભરતી કરતી એજન્સીઓને 500થી 3500 ડૉલર (40 હજારથી 2.84 લાખ રૂપિયા) ચૂકવવા પડતા હતા.

આ માટે તેમણે ભારે વ્યાજ પર લોન લેવી પડતી હતી, જેનાથી તેમની સ્થિતિ વધુ મુશ્કેલ બની જતી હતી.

શ્રમ કાયદાઓમાં સુધારા હેઠળ કતારે એક કાયદો ઘડીને એ કર્મચારીઓને નોકરી બદલવાની પરવાનગી આપી. જેમાં કર્મચારીઓના પાસપૉર્ટ જપ્ત કરતી કંપનીઓ પર દંડનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

આ સુધારા થયા પછી પણ હ્યુમન રાઇટ્સ વૉચ જેવાં સંગઠનોનો આક્ષેપ છે કે, અપ્રવાસી મજૂર કતારમાં પ્રવેશ મેળવવા, નોકરી કરવા માટે હજુ પણ તેમના ઍમ્પ્લૉયર પર નિર્ભર છે.

તેનો અર્થ એ છે કે કર્મચારીઓનાં રહેઠાણ, વર્ક-પરમિટનું નવીનીકરણ અને રદ કરવાનો અધિકાર હજુ પણ ઍમ્પ્લૉયરો પાસે જ છે.

હ્યુમન રાઇટ્સ વૉચના 2020ના એક રિપોર્ટ અનુસાર, “જો ઍમ્પ્લોયરો કામદારોની અરજીઓ પર કાર્યવાહી ન કરે તો મજૂરોએ કોઈ પણ ભૂલ વિના પણ તેનું નુકસાન ભોગવવું પડે છે, જેનું નુકસાન તેમના માલિકોને ભોગવવું પડતું નથી.”

સંગઠને ગયા વર્ષે કહ્યું હતું કે, “મજૂરોએ હજુ પણ ગેરકાયદેસર અને સજાના ભાગરૂપે વેતનકાપનો સામનો કરવો પડે છે. સાથે જ તેમને લાંબા કલાકો સુધી સખત મહેનત કરવા છતાં પણ પગાર વગર મહિનાઓ પસાર કરવા પડે છે.”

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, “કંપનીઓ હજુ પણ કર્મચારીઓ પર નોકરી ન બદલવા માટે દબાણ કરી રહી છે.”

કતાર સરકારના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, “દેશમાં જે શ્રમકાયદામાં સુધારા કરવામાં આવી રહ્યા છે, તેનાથી મોટા ભાગના વિદેશી કામદારોની કામ કરવાની સ્થિતિમાં સુધારો થયો છે.”

પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “સુધારાને અસરકારક રીતે લાગુ કરવાના મામલામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જેમ-જેમ સુધારા લાગુ કરાશે, તેમ કાયદાનું ઉલ્લંઘન કરતી કંપનીઓની સંખ્યામાં ઘટાડો થશે.”

ફીફા વર્લ્ડકપ

ફૂટબૉલ વર્લ્ડકપ માટે કતારે સાત સ્ટેડિયમ, એક નવું ઍરપૉર્ટ, મેટ્રો, રસ્તા અને હોટલ બનાવ્યાં છે. લુસાલ સ્ટેડિયમ છેલ્લાં પાંચ વર્ષમાં ફાઇનલ મૅચ માટે બનાવવામાં આવ્યું હતું.

કતાર સરકાર મુજબ, “સ્ટેડિયમ બનાવવા માટે 30 હજાર વિદેશી કામદારોને કામ પર રાખવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગના કામદારો બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને ફિલિપાઇન્સના છે.”

વર્લ્ડકપની તૈયારી દરમિયાન મૃત્યુ પામેલા કામદારોની સંખ્યાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

બ્રિટિશ અખબાર ગાર્ડિયનના અહેવાલ અનુસાર, “કતારસ્થિત તમામ દેશોના દૂતાવાસો પાસેથી મળેલા આંકડા દર્શાવે છે કે, વર્ષ 2010માં જ્યારથી વર્લ્ડકપની યજમાની કતારને સોંપવામાં આવી હતી, ત્યારથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના 6,500 કામદારોનાં મૃત્યુ થયાં છે.”

પરંતુ કતારે આ સંખ્યાને ‘ભ્રામક અને ખોટી’ ગણાવીને ફગાવી દીધી છે.

કતાર સરકારનું કહેવું છે કે, “મૃત્યુ પામેલા તમામ કામદારો વર્લ્ડકપના પ્રોજેક્ટ સાથે જોડાયેલા ન હતા અને તેમાંથી મોટા ભાગના મૃત્યુ વય-સંબંધિત રોગો અથવા કુદરતી કારણસર થયાં છે.”

કતારનું કહેવું છે કે, “તેમના રેકૉર્ડ અનુસાર, 2014થી 2020ની વચ્ચે 37 કામદારોનાં મૃત્યુ થયાં છે, જે સ્ટેડિયમ નિર્માણમાં સામેલ હતા અને તેમાંથી માત્ર ત્રણ મૃત્યુ કામ સાથે સંકળાયેલા છે.”

પરંતુ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (આઈએલઓ)નું કહેવું છે કે, “કતાર સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા વાસ્તવિક સત્ય દર્શાવતા નથી. કતારમાં હાર્ટ એટેક અથવા શ્વાસોચ્છવાસથી થતા મૃત્યુને કામ-સંબંધિત દુર્ઘટના સાથે ગણવામાં નથી આવતા, જોકે હીટ સ્ટ્રૉક અને આત્યંતિક તાપમાનમાં ભારે ભાર વહન કરવાથી પણ થઈ શકે છે.”

આઈએલઓ અનુસાર, 2021માં 50 કામદારોનાં મૃત્યુ થયાં અને 500 ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે 37,600 કામદારોને સામાન્ય અથવા સાજા થઈ શકે તેવી ઈજાઓ થઈ હતી.

બીબીસી અરેબિક સર્વિસે પણ કેટલાક એવા પુરાવા ભેગા કર્યા છે, જે સૂચવે છે કે કતાર સરકાર વિદેશી કામદારોનાં મૃત્યુની સંખ્યા ઓછી દર્શાવે છે.

સ્ટેડિયમના કામદારોની સારવાર અંગેના આંતરરાષ્ટ્રીય દબાવના કારણે કતારે પોતાના સુધારા કાર્યક્રમ હેઠળ એક લેબર કૅમ્પ બનાવ્યો છે, જ્યાં કામદારોના રહેવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

પરંતુ દસ લાખ ડૉલરથી બનાવવામાં આવી રહેલા આ લેબર કૅમ્પ દોહાથી બહાર અને વર્લ્ડકપ ટુર્નામેન્ટ દરમિયાન ટેલિવિઝન પર જોવા મળતી વૈભવી જગ્યાઓથી દૂર છે અને ત્યાં પ્રેસને જવાની બિલકુલ પણ પરવાનગી નથી.

(આ અહેવાલમાં કતારમાં બીબીસી ન્યૂઝ વર્લ્ડ તરફથી વિશેષ સંવાદદાતા જોસ કાર્લોસ ક્યૂટોના ઇનપુટ પણ સામેલ છે.)