અમેરિકાએ પાંચ મહિનામાં એક હજાર ભારતીયોને ડિપૉર્ટ કર્યા, ભારતના વિદેશ મંત્રાલયે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, US Govt/Representative
- લેેખક, નિયાઝ ફારુકી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકાએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એક હજાર ભારતીય નાગરિકોને અમેરિકાથી ડિપૉર્ટ કર્યા છે.
જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વિગતવાર માહિતી નહોતી આપી. પરંતુ તેમણે કહ્યું કે આમાંથી લગભગ 62 ટકા લોકો કૉમર્શિયલ વિમાન દ્વારા ભારત પાછા આવ્યાં છે.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતં કે તેઓ દેશમાં ડૉક્યુમેન્ટ વગર રહેતા લોકોને બહાર કાઢી મૂકશે.
અગાઉ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મામલે કહ્યું હતું કે ભારત "એ જ કરશે જે યોગ્ય હશે".

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાથી 100થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકાની સેનાના વિમાનમાં ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એવી ચર્ચા શરૂ થઈ કે જે લોકોને ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા તેમને હાથકડીઓ પહેરાવવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ઇમિગ્રેશનના મુદ્દે ભારત અને અમેરિકા નજીકના સ્તરે મળીને કામ કરી રહ્યા છે. ભારત કોઈને પણ પાછા લેતા પહેલાં તેની રાષ્ટ્રીયતાની ચકાસણી કરે છે.
અમેરિકાએ લગભગ 18 હજાર એવા ભારતીય નાગરિકોની ઓળખ કરી છે જેઓ ગેરકાયદે અમેરિકામાં રહે છે તેવું તેઓ માને છે.
દૂતાવાસ અનુસાર આ નિયમો એવા લોકો પર લાગુ નથી થતા જેઓ કાયદેસર રીતે અમેરિકા આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી મહિનામાં અમરિકાથી 104 ભારતીયોને અમેરિકન આર્મીના વિમાનમાં પાછા મોકલાવમાં આવ્યા હતા જેમાં 33 ગુજરાતીઓ પણ હતા.
અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને પાછા મોકલાયા પછી સંસદમાં ભારે હંગામો થયો.
ગુજરાતીઓ સહિતના ભારતીયોને અમેરિકાના સૈન્ય વિમાનમાં હાથકડી પહેરાવીને લાવવામાં આવતા અમેરિકા સહિત ભારત સરકારની પણ ટીકા થઈ હતી. તે વખતે ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ડિપૉર્ટ થયેલા લોકોને હાથકડી પહેરાવવા મામલે સંસદમાં જવાબ આપ્યો હતો.
અમેરિકાથી પાછા આવેલા લોકોએ પણ હાથકડી પહેરાવીને પાછા મોકલાયાની માહિતી આપી હતી.
યૂએસ બૉર્ડર પેટ્રોલના વડા વિલિયમ્સ બૅન્કે પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં લોકોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધેલા જોઈ શકાય છે. તેમણે લખ્યું હતું કે, "યુએસબીપી અને તેના સાથીઓએ ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને પાછા ભારત મોકલ્યા છે, આ વખતે સૈન્યના વિમાનમાં ડિપૉર્ટ થયેલા લોકોને સૌથી દૂર મોકલવામાં આવ્યા છે."
તેમણે વધુમાં લખ્યું કે, "જો તમે ગેરકાયદેસર રીતે આવશો તો તમને પરત મોકલી દેવામાં આવશે."

ઇમેજ સ્રોત, ANI
વિપક્ષે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, "આ બધાના હિતમાં છે કે આપણે કાયદેસર રીતે જવાને પ્રોત્સાહન આપીએ અને ગેરકાયદેસર રીતે જવાને પ્રોત્સાહિત ન કરવું જોઈએ. આ બધા દેશોની ફરજ છે કે તેઓ વિદેશમાં ગેરકાયદેસર રહેતા પોતાના નાગરિકોને પરત સ્વીકારી લે. ડિપૉર્ટેશનની પ્રક્રિયા નવી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












