2024ની લોકસભા ચૂંટણીનો ગુજરાતમાંથી પ્રારંભ : પ્રમોદ સાવંત

પ્રમોદ સાવંત

ઇમેજ સ્રોત, TWITTER/PRAMOD SAWANT

ગુજરાતમાં આવતી કાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે ગુજરાત ચૂંટણીમાં જ 2024ની લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે.

રાજ્યમાં આયોજિત એક ચૂંટણીસભાને સંબોધતાં ભાજપના નેતા પ્રમોદ સાવંતે કહ્યું, "2024ની ચૂંટણીનો પ્રારંભ અહીંથી (ગુજરાત વિધાનસભાની ચૂંટણી) થઈ રહ્યો છે. "

તેમણે એવો દાવો પણ કર્યો છે કે ભાજપ પહેલાં કરતાં પણ વધારે બેઠકો મેળવશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડા પ્રધાન બનશે. નોંધનીય છે કે ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંત ગોવાના મુખ્ય મંત્રી બન્યા હતા.

મુખ્ય મંત્રી બન્યા એ પહેલાં પ્રમોદ સાવંત ભાજપના નેતા અને ગોવા વિધાનસભાના સ્પીકર હતા. તેઓ સાનક્વેલિમ વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના 89 બેઠકો પર મતદાન 63 ટકાથી વધારે મતદાન થયું હતું.પાંચમી ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન યોજાશે.

ગ્રે લાઇન

ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી

સી આર પાટીલ

ઇમેજ સ્રોત, @BJP

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પક્ષના બળવાખોર નેતાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું છે કે ગેરશિસ્તને ચલાવી નહીં લેવાય.

પાટીલે કહ્યું છે,"ભાજપના ઉમેદવારો સામે જો કોઈ બળવાખોર ચૂંટણી લડીને પક્ષમાં પરત આવવાનું વિચારતો હોય તો એનું સ્વાગત નહીં કરાય. " કોઈ બળવાખોર જીતશે નહીં એવી ખાતરી પણ પાટીલે ઉચ્ચારી છે.

તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નેતાઓએ બળવો કર્યો હતો એમને પરત લેવાયા નથી. તેમણે કહ્યું, "ગેરશિસ્ત સામે અમે 'ઝીરો ટૉલેરન્સ'ની નીતિ અપનાવી છે.ભાજપ શિસ્તમાં માને છે."

પાટીલે એવું પણ કહ્યું કે તેમણે 182 વિધાનસભાક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે અને જેમણે ટિકિટ નથી મળી એમને વિવાદો છોડીને પક્ષ માટે કામ કરવા મનાવ્યા છે.

આ દરમિયાન પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાં છતાં પાટીલે એને 'બમ્પર વોટિંગ' ગણાવ્યું છે.

ગ્રે લાઇન

દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના 250 વૉર્ડ માટે રવિવારે મતદાન થયું, કૉંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY

રવિવારે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (એમસીડી)ની ચૂંટણીનું મતદાન થયું.

એમસીડીના 250 વૉર્ડની ચૂંટણી માટે મતદાનનો સમય સવારના આઠથી માંડીને સાંજના સાડા પાંચ વાગ્યા સુધીનો હતો.

નોંધનીય છે કે આ વખત એમસીડીની ચૂંટણીનો જંગ પણ ગુજરાતના ચૂંટણીજંગ જેમ ત્રિપાંખિયો થવા જઈ રહ્યો છે.

આ ચૂંટણીનાં પરિણામો સાત ડિસેમ્બરના રોજ જાહેર કરાશે.

ચૂંટણીમાં માન્ય મતદારોની સંખ્યા 1.46 કરોડ છે. એમસીડીની ચૂંટણીમાં કુલ 1,349 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે.

નોંધનીય છે કે એમસીડીની ચૂંટણીમાં પાછલાં 15 વર્ષથી ભાજપ જીતતો આવ્યો છે.

વર્ષ 2017માં આમ આદમી પાર્ટીની એમસીડીની ચૂંટણીમાં ઍન્ટ્રી થવાની સાથે કૉંગ્રેસનું મુખ્ય વિપક્ષ તરીકેનું સ્થાન છીનવાઈ ગયું હતું.

રેડ લાઇન