'પ્રાણીઓનો ખોરાક ખાવા અને મીણબત્તી પર રાંધવા મજબૂર', મહાસત્તા રહેલા UKમાં ગરીબોની આપવીતી

યુકેમાં લાખો લોકો હાલમાં ખાવું કે વીજળી અને ઍનર્જી બિલ ચૂકવવું તેની મૂંઝવણમાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુકેમાં લાખો લોકો હાલમાં ખાવું કે વીજળી અને ઍનર્જી બિલ ચૂકવવું તેની મૂંઝવણમાં છે

યુકેમાં કેટલાક લોકો પાળેલાં પ્રાણીઓના ખોરાક પર નભે છે જ્યારે કેટલાક રેડિયેટર પર રાંધવાનો પ્રયાસ કરે છે.

વૅલ્સની રાજધાની કાર્ડિફના પૂર્વમાં આવેલા ટ્રોબ્રિજમાં કૉમ્યુનિટી ફૂડ પ્રોજેક્ટના ડિરેક્ટર માર્ક સીડ દ્વારા આ સ્થિતિની નિંદા કરવામાં આવી હતી.

2021ની વસ્તી ગણતરીના ડેટાનું બીબીસીનું વિશ્લેષણ સૂચવે છે કે જે ચાર રાષ્ટ્રો મળીને યુનાઇટેડ કિંગડમ બનાવે છે તેમાંના એક વૅલ્સમાં વંચિત લોકો રહે છે.

જો કે, ચૅરિટી ચેતવણી આપે છે કે ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારો લાંબા સમયથી જોવા મળી રહ્યા છે તે વિસ્તારો ઉપર નહીં પણ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નીતિઓની જરૂર છે.

ગ્રે લાઇન

ઊજળું એટલું બધું સોનું નથી

યુકેમાં તાજેતરમાં ફૂડ બૅન્કનું ચલણ વધ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુકેમાં તાજેતરમાં ફૂડ બૅન્કનું ચલણ વધ્યું છે

માર્ક સીડ ટ્રોબ્રિજ શહેરના પૂર્વથી પશ્ચિમના ભાગને "આર્ક ઑફ પૉવર્ટી (ગરીબીની ચાપ)" ગણાવે છે.

તેઓ કહે છે, "હું હજુ પણ એ જાણીને આઘાતમાં છું કે લોકો પાળેલાં પ્રાણીઓનો ખોરાક ખાય છે."

તેઓ ઉમેરે છે, "એવા લોકો છે જેઓ તેમના ખોરાકને રેડિયેટર પર અથવા મીણબત્તી વડે રાંધે છે. આ આઘાતજનક સત્ય ઘટનાઓ છે."

માર્ક સીડ કહે છે, "અમીર શહેર કાર્ડિફમાં વંચિતોની આવી વસાહતો છે એ હકીકત સ્વીકાર્ય નથી." સીડનું કહેવું છે કે લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકે એટલી પણ કમાણી કરી શકતા નથી.

મોંઘવારીએ એમાં માઝા મૂકી છે.

તેઓ કહે છે, "લોકો અમને કહે છે કે તેઓ એમનાથી બની શકે એટલું કામ કરે છે."

મહિલા

માર્ક સીડ ધ પેન્ટ્રી નામની ફૂડ બૅંક ચલાવે છે, જે 160થી વધુ લોકોને ખૂબ સસ્તા ભાવે સારી ગુણવત્તાનો ખોરાક પૂરો પાડે છે.

લાભાર્થી પૈકીના એક 54 વર્ષીય એલિઝાબેથ વિલિયમ્સ કહે છે કે આ પ્રોજેક્ટથી "ઘણો ફરક પડ્યો છે" અને લોકો એક થયા છે, પરંતુ એલિઝાબેથ સ્વીકારે છે કે સમય હજુ પણ મુશ્કેલીઓથી ભરેલો છે.

તેમણે કહ્યું, "હાલ, હું મારા ઘરના સમારકામ પાછળ ખર્ચ ન કરવાનો પ્રયાસ કરું છું."

એલિઝાબેથ અને તેમના પતિ કામ કરતા નથી, તેમનો પુત્ર તેમની સાથે રહે છે અને તેઓ મોડે સુધી કામ કરે છે.

ધ પેન્ટ્રી સંસ્થા અઠવાડિયે 30 પરિવારોને 6 પાઉન્ડના સસ્તા ભાવે ફૂડ બાસ્કૅટ પુરા પાડે છે
ઇમેજ કૅપ્શન, ધ પેન્ટ્રી સંસ્થા અઠવાડિયે 30 પરિવારોને 6 પાઉન્ડના સસ્તા ભાવે ફૂડ બાસ્કૅટ પુરા પાડે છે

એલિઝાબેથ કહે છે, "મારો પુત્ર કામ કરીને મુશ્કેલીથી અમારૂં પૂરું કરે છે. તેનું પણ જીવન છે અને જરૂરિયાતો છે. તેની તબિયત ખરાબ છે અને સર્જરી કરાવવી પડે તેમ છે."

દાયકાઓ સુધી વેસ્ટ વૅલ્સ અને ડૅલ્સને યુરોપિયન યુનિયન (ઈયુ) તરફથી વધારાનું ભંડોળ મળ્યું કારણ કે આ વિસ્તારો યુરોપના સૌથી ગરીબ વિસ્તારોમાં આવતા હતા. જોકે તેમાં કાર્ડિફનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો કારણ કે, સરેરાશ જીવનધોરણની દ્રષ્ટિએ તે ગરીબ વિસ્તારમાં આવતું ન હતું.

વૅલ્સની ગરીબોને દાન આપતી સંસ્થા ધ બેવન ફાઉન્ડેશનના ડિરેક્ટર વિક્ટોરિયા વિંકલેરે મોટા વિસ્તારો કે શહેરોને ગરીબ કે સમૃદ્ધ ગણાવવાની માન્યતાઓમાં રહેલા જોખમો વિશે ચેતવણી આપે છે.

તેઓ કહે છે, "માન્યતા એવી છે કે કાર્ડિફ સમૃદ્ધ છે અને વૅલી ગરીબ છે અને આંકડા દર્શાવે છે કે આવું બિલકુલ નથી."

"તમારી પાસે વૅલ્સની રાજધાની કાર્ડિફના એવા પણ વિસ્તારો છે જે સમૃદ્ધ છે અને તમારી પાસે કાર્ડિફના એવા પણ ઘણા વિસ્તારો છે જ્યાં લોકો ગરીબ છે."

ગ્રે લાઇન

વૅલ્સથી આગળ

સીડનું કહેવું છે કે વૅલ્સના કાર્ડિફ શહેરમાં લોકો માટે મોંઘવારીને કારણે પેટ ભરવાનું અને ઠંડી સામે રક્ષણ મેળવવાનું અઘરૂ થઈ રહ્યું છે
ઇમેજ કૅપ્શન, સીડનું કહેવું છે કે વૅલ્સના કાર્ડિફ શહેરમાં લોકો માટે મોંઘવારીને કારણે પેટ ભરવાનું અને ઠંડી સામે રક્ષણ મેળવવાનું અઘરૂ થઈ રહ્યું છે

યુનાઇટેડ કિંગડમના વિવિધ ભાગોમાં રહેતા અન્ય ઘણા નાગરિકો પાસે આવી જ જુબાની છે.

Which? નામની એક સંસ્થા દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી તપાસ મુજબ, દેશમાં મોંઘવારીને કારણ ઊભી થયેલી આપાતકાલીન સ્થિતિને પગલે બે છેડા ભેગા કરવા માટે આશરે ત્રીજા ભાગના સિંગલ પેરેન્ટ્સે દિવસમાં એક ટંકનું ભોજન છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે.

જેમણે ઇન્ટરવ્યૂ આવ્યો તેવા 10માંથી 3 સિંગલ-પેરેન્ટવાળા પરિવારોના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ ખોરાકની વધતી કિંમતોને કારણે એક ટંકનું ભોજન છોડી દીધું છે. કુલ મળીને, અભ્યાસમાં ભાગ લેનારા 14 ટકા પરિવારોમાં આવી પરિસ્થિતિ જોવા મળી છે.

Which?ના પોલીસી અને ઍક્ટિવિઝમના ડિરેક્ટર સોસિઓ કોન્ચા કહે છે, "અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સમગ્ર યુકેમાં પરિવારો જીવનનિર્વાહની વધતી કિંમતને કારણે મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે, જેમાં સિંગલ પેરન્ટ પરિવારો કટોકટીથી સૌથી વધુ પ્રભાવિત છે." 

ગરીબી ઘણીવાર પ્રછન્નરૂપે હોય છે તેને ઓળખવી મુશ્કેલ હોય છે એમ તજજ્ઞો કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગરીબી ઘણીવાર પ્રછન્નરૂપે હોય છે તેને ઓળખવી મુશ્કેલ હોય છે એમ તજજ્ઞો કહે છે

સંસ્થા માટે એ મહત્ત્વનું છે કે સુપરમાર્કેટ્સ ખાતરી કરે કે કિંમતોની તુલના કરવી સરળ છે અને વિવિધ બજેટ માટે વિવિધ પ્રકારની ઑફરો હોય.

કોન્ચાએ ઉમેર્યું કે, "કિંમતોમાં સતત વધારો થતો હોવાથી, દરેક વ્યક્તિને પોસાય તેવા ખોરાકની ઉપલબ્ધતા હોય તે જરૂરી છે અને તેમને અને તેમના પરિવાર માટે આરોગ્યપ્રદ છે."

તાજેતરના અધિકૃત આંકડા દર્શાવે છે કે યુકેનો ખાદ્ય ફુગાવો ઑક્ટોબરમાં 16.4 ટકા પર પહોંચ્યો હતો, જે 1977 પછીનું સર્વોચ્ચ સ્તર હતું.

જેમાં મુખ્યત્વે દૂધ, માખણ, ચીઝ, પાસ્તા અને ઈંડાં જેવા મૂળભૂત ખાદ્યપદાર્થોમાં ભારે વધારાને કારણે છે.

ગરીબી

ઇમેજ સ્રોત, Getty Images

સત્તાવાર ગણતરીઓ અનુસાર, "સિંગલ-પેરન્ટ પરિવારો અને પેન્શનરો તેમના બજેટનો લગભગ 30 ટકા જેટલો મોટો હિસ્સો ખોરાક, વીજળી અને ગેસોલિનમાં ખર્ચ કરે છે. બાળકો સાથેના પરિવારમાં આ ટકાવારી 25 ટકા થઈ જાય છે."

જોકે, તમામ પરિવારો આવશ્યક ઉત્પાદનો પર ગયા વર્ષ કરતાં ઘણો વધુ ખર્ચ કરી રહ્યા છે.

40 વર્ષની આસપાસના એક મહિલાએ તપાસકર્તાઓને કહ્યું કે તેમનાં બિલની કિંમતને જોતાં, કેટલાક અઠવાડિયા તેઓ ભાગ્યે જ તેમનાં બાળકોને પૂરતું ખવડાવી શકે છે.

અન્ય વ્યક્તિએ ઉમેર્યું: "મારાં બાળકોને ખવડાવી શકું અને કપડા પહેરાવી શકું અને વીજળીનું બિલ ભરી શકું એ માટે હું પૂરતું ખાતો નથી."

કૉન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રી દ્વારા આ સોમવારે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, "મોંઘવારી અને મોટી કંપનીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે યુકેની અર્થવ્યવસ્થા આગામી વર્ષે 0.4 ટકા સંકોચાઈ જશે. કંપનીઓનું રોકાણ ઘટશે."

રેડ લાઇન
રેડ લાઇન