You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશની કોર્ટે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી, તેમની સામે કેવા આરોપો હતા?
બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યૂનલે બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા ફટકારી છે.
ગયા વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં થયેલા બળવા દરમિયાન શેખ હસીના પર માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમની ગેરહાજરીમાં તેમનો કેસ ચલાવવામાં આવ્યો હતો, કારણ કે તેઓ ભારતમાં રહી રહ્યાં છે.
આ ચુકાદો જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યૂનલ-1 દ્વારા આપવામાં આવ્યો છે.
ટ્રિબ્યૂનલે શેખ હસીના સહિત ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યાં છે.
શેખ હસીના પર લાગેલા પાંચમાંથી બે કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, જ્યારે બીજા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાં ખાન કમાલને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભૂતપૂર્વ પોલીસ આઈજી અબ્દુલ્લા અલ મામૂનને સરકારી સાક્ષી બન્યા બાદ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
કોર્ટમાં વાતાવરણ કેવું હતું?
ઢાકામાં હાજર બીબીસી સંવાદદાતા અરુણોદય મુખરજીએ અહેવાલ આપ્યો છે કે જેવી શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવતા જ કોર્ટની અંદર અને બહાર મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી.
બીબીસીના એક સંવાદદાતાએ લોકોનાં ટોળાં "તેને ફાંસી આપો" ના નારા લગાવતાં જોયાં. કોર્ટની અંદર ઘણી સેકન્ડો સુધી આ નારાઓ ગૂંજ્યા હતા, ત્યાર બાદ કોર્ટે ભીડને શિષ્ટાચાર જાળવવા પણ કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
453 પાનાંનો ચુકાદો વાંચતા પહેલાં, ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારે કહ્યું હતું કે, "તે છ ભાગોમાં જાહેર કરવામાં આવશે"
ચુકાદાની જાહેરાત બાંગ્લાદેશ ટેલિવિઝન પર જીવંત પ્રસારિત કરવામાં આવી હતી.
જૂન મહિનામાં બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યૂનલમાં ફરિયાદ પક્ષે શેખ હસીના સહિત ત્રણ લોકો સામે સત્તાવાર રીતે પાંચ આરોપો દાખલ કર્યા.
આ આધારે, ટ્રિબ્યૂનલે શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાં ખાન કમાલ સામે ધરપકડ વૉરંટ પણ જાહેર કર્યા હતા.
ગયા વર્ષે, બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ શ્રેણીબદ્ધ હિંસક પ્રદર્શનો થયાં હતાં. તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીના પર માનવતા વિરુદ્ધના આ ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ આંદોલનને કારણે શેખ હસીનાએ ઑગસ્ટ 2024માં સત્તા ગુમાવી અને દેશ છોડીને ભાગી ગયાં હતાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
બાંગ્લાદેશે શેખ હસીનાને સોંપી દેવાની માગ કરી
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાને સોંપી દેવા માટેની માગ ભારતને કરી છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરતાં કહ્યું છે કે, "આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયના ચુકાદામાં ભાગેડુ શેખ હસીના અને અસદુઝ્ઝમાં ખાન કમાલ દોષી સાબિત થયાં છે. બંને દેશો વચ્ચેની પ્રત્યર્પણ સંધિ અનુસાર તેમને સોંપી દેવા એ ભારતનું દાયિત્વ બને છે."
વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે, "અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર શેખ હસીના અને અસદુઝ્ઝમાં ખાન કમાલને તરત જ બાંગ્લાદેશના અધિકારીઓને સોંપે. માનવતા સામેના અપરાધોના દોષી આ વ્યક્તિઓને કોઈપણ દેશ જો શરણ આપે છે તે અમિત્ર વ્યવહાર અને ન્યાયની અવમાનનાનું ગંભીર કૃત્ય ગણાશે."
બાંગ્લાદેશે શેખ હસીનાના પ્રત્યર્પણની વિનંતી કરતા અનેક પત્રો સત્તાવાર રીતે મોકલ્યા છે. જોકે, ભારતે આ વિનંતીઓનો કોઈ જવાબ આપ્યો નથી.
પત્રકારોના પ્રશ્નોના જવાબમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકારે ઘણી વખત જણાવ્યું હતું કે બાંગ્લાદેશે તેમના પરત મોકલવા માટે પત્રો મોકલ્યા છે, પરંતુ ભારત તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.
બીજી તરફ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ઢાકા કોર્ટના નિર્ણયની સખત ટીકા કરી છે અને તેને 'પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યો છે.
તેમણે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, "મૃત્યુદંડ એ વચગાળાની સરકારનો રાજકીય દળ તરીકે અવામી લીગને (શેખ હસીનાની પાર્ટી) ગેરકાયદેસર ઠેરવવાનો રસ્તો છે."
જૂનમાં આરોપો ઘડવામાં આવ્યા હતા
ગયા જૂનમાં જ્યારે આરોપો ઘડવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે દલીલ કરી હતી કે, ગયા વર્ષે જુલાઈ અને ઑગસ્ટ દરમિયાન 1,400 લોકો માર્યા ગયા હતા અને લગભગ 25,000 ઘાયલ થયા હતા.
ફરિયાદ પક્ષે ટ્રિબ્યૂનલને મૃતક વ્યક્તિઓની યાદી પણ સુપરત કરી.
ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના સહિત ત્રણ આરોપીઓ સામેના આરોપોના સમર્થનમાં ટ્રિબ્યૂનલમાં 747 પાનાંના દસ્તાવેજ પણ દાખલ કરવામાં આવ્યા હતા.
આ ત્રણ આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, કાવતરું, મદદ અને ઉશ્કેરણી જેવા પાંચ આરોપો મૂકવામાં આવ્યા છે.
તાજુલ ઇસ્લામે ટ્રિબ્યૂનલને જણાવ્યું છે કે આ પાંચ આરોપોમાં 13 લોકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.
તેમણે કહ્યું, "શેખ હસીનાએ વડાં પ્રધાન પદ સંભાળતી વખતે ગયા વર્ષે 14 જુલાઈના રોજ એક પ્રેસ કૉન્ફરન્સમાં ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને 'રઝાકાર'ના પુત્રો અને પૌત્રો ગણાવ્યા હતા."
બાંગ્લાદેશમાં, રઝાકર શબ્દનો ઉપયોગ અપમાનજનક શબ્દ તરીકે થાય છે જેનો અર્થ દેશદ્રોહી થાય છે અને તેનો ઉપયોગ 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના સાથે સહયોગ કરનારા અને જઘન્ય ગુનાઓમાં સામેલ લોકોનું વર્ણન કરવા માટે થાય છે.
ચાર્જશીટમાં જણાવાયું છે કે, "આરોપી અસદુઝ્ઝમાં ખાન કમાલ અને ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન સહિતના ઉચ્ચ સરકારી અધિકારીઓની ઉશ્કેરણી અને તેમની સહાયથી તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓ અને આવામી લીગના સશસ્ત્ર માણસોએ નિર્દોષ અને નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ અને નાગરિકો પર મોટા પાયે, સુનિયોજિત હુમલાઓ કર્યા, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ઉત્પીડનનો સમાવેશ થાય છે."
ષડયંત્રનો આરોપ લગાવતા એવું કહેવામાં આવ્યું કે આ બધા ગુનાઓ આરોપીઓની જાણકારીમાં કરવામાં આવ્યા હતા.
શેખ હસીના સહિત ત્રણેય પર, રંગપુરમાં બેગમ રોકૈયા યુનિવર્સિટીના વિદ્યાર્થી અબુ સઈદની ઉશ્કેરણી વિના હત્યા અને રાજધાનીના ચંખર બ્રિજ પર છ લોકોની હત્યાનો આરોપ હતો.
આ ઉપરાંત, તેમના પર ગયા વર્ષે 5 ઑગસ્ટના રોજ, જે દિવસે તેને બાંગ્લાદેશ છોડવાનું હતું, તે દિવસે આશુલિયામાં પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવાનો, તેમના મૃતદેહને બાળી નાખવાનો અને એક વ્યક્તિને જીવતી સળગાવી દેવાનો પણ આરોપ હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન