'પત્ની જતી રહી, સન્માન પણ ગયું', 100 રૂપિયાની લાંચનો આરોપ, 39 વર્ષ પછી નિર્દોષ છુટકારો

    • લેેખક, આલોક પુતુલ
    • પદ, રાયપુરથી, બીબીસી માટે

રાયપુરના અવધિયાપરાની વાંકીચૂંકી અને સાંકળી ગલીઓમાં એક જૂનું અને જર્જરિત મકાન ઊભું છે. અહીં 84 વર્ષીય જોગેશ્વરપ્રસાદ અવધિયા રહે છે.

આ મકાનની બિસ્માર દીવાલ ઉપર ન તો કોઈ નૅમપ્લેટ છે કે ન તો ઘરમાં વિજયનો કોઈ ઉત્સાહ. આમ છતાં જો ઘરની દીવાલો બોલી શકતી હોત, તો કહેત કે કેવી રીતે એક માણસે 39 વર્ષ સુધી ન્યાયનો દરવાજો ખખડાવ્યો અને જ્યારે તે દ્વાર ખુલ્યાં, ત્યારે જીવનની મોટાભાગની બારીઓ બંધ થઈ ગઈ હતી.

જોગેશ્વરપ્રસાદ અવિભાજિત મધ્ય પ્રદેશના સ્ટેટ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશનમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. વર્ષ 1986માં રૂ. 100ની લાંચ લેવાના આરોપ સબબ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આજે 39 વર્ષની કાયદાકીય લડાઈ બાદ અદાલતે તેમને નિર્દોષ જાહેર કરી દીધા છે.

વહીવટીતંત્રનું શુષ્ક વલણ અને ભાંગેલી આશાઓના પ્રતીકરૂપ અવધિયા કહે છે, "આ ચુકાદાનો કોઈ અર્થ નથી. મારી નોકરી ગઈ. સમાજે તિરસ્કૃત કર્યો, બાળકોને ભણાવી ન શક્યો. લગ્ન ન કરાવી શક્યો. સંબંધીઓએ છેડો ફાડી નાખ્યો. સારવારના અભાવે મારી પત્નીનું મૃત્યુ થયું. મારા એ સમયને કોઈ પરત કરી શકશે?"

'લાંચ લેવાનો ઇન્કાર કર્યો હતો'

અવધિયા દુ:ખ અને પીડા સાથે કહે છે કે હાઇકોર્ટે મને નિર્દોષ ઠેરવ્યો છે, પરંતુ શું અદાલતનું આ પ્રમાણપત્ર 39 વર્ષ સુધી મેં અને મારા પરિવારે જે કંઈ વેઠ્યું છે, તેનો ભાર હળવો કરી શકશે ?

અવધિયા વાત કરતાં-કરતાં અટકી જાય છે, જાણે કે વર્ષોના દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હોય. તેઓ જૂની ફાઇલના પીળા પડી ગયેલાં પાનાં દેખાડે છે. જેનું દરેક પૃષ્ઠ 39 વર્ષની કહાણી કહે છે.

જોગેશ્વરપ્રસાદ અવધિયા ધીમા અવાજે કહે છે, "મેં કશું નહોતું કર્યું, છતાં મારે બધું ગુમાવવું પડ્યું. હવે,કોને જઈને કહું કે મેં કશું નહોતું કર્યું? હવે, તો સાંભળનાર પણ કોઈ નથી રહ્યું. હું નિર્દોષ છું, એ વાત સાબિત કરવામાં મેં મારી આખી જિંદગી ખપાવી દીધી. હવે, જ્યારે એ સાબિત થયું છે, ત્યારે કંઈ વધ્યું નથી. ઉંમર પણ નહીં."

અદાલતી દસ્તાવેજોમાં જણાવ્યા પ્રમાણે, લોકાયુક્તની ટીમે ચાર રસ્તા ઉપરથી એસટીમાં બિલ સહાયક તરીકે કામ કરતા અવધિયાને રૂ. 100ની લાંચ લેતા પકડ્યા હતા.

અવધિયા કહે છે, "એક કર્મચારીએ પોતાની બાકી નીકળતી રકમનું બિલ બનાવવા માટે મારો સંપર્ક સાધ્યો હતો. મેં તેને કહ્યું કે ઉપરની કચેરીએથી લેખિત નિર્દેશ બાદ મારા સુધી ફાઇલ પહોંચશે અને તે પછી હું બિલ બનાવી શકીશ."

"એ પછી એ કર્મચારીએ મને વીસ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો. મેં આના વિશે નારાજગી વ્યક્ત કરી અને તેને ફરી ક્યારેય ઑફિસે ન આવવાની તાકિદ પણ કરી."

અવધિયાનું માનવું છે કે એ કર્મચારીને સમગ્ર વાતનું ખોટું લાગ્યું. તેણે પોતાના પોલીસકર્મી પિતાને કંઈક કહ્યું-જણાવ્યું હશે, એ ઘટનાના ત્રીજા દિવસે હું ઑફિસે જઈ રહ્યો હતો, ત્યારે એ કર્મચારી પાછળથી આવ્યો અને મારા ખિસ્સામાં કશુંક નાખ્યું.

અવધિયા ઉમેરે છે, "હું કંઈક સમજું-વિચારું, એ પહેલાં સાદાં કપડાંમાં તહેનાત પોલીસવાળાઓએ મને પકડી લીધો અને કહ્યું કે તેઓ વિજિલન્સ વિભાગમાંથી છે અને 100 રૂપિયાની લાંચ લેવાના આરોપ સબબ તમારી ધરપકડ કરીએ છીએ."

જોગેશ્વરપ્રસાદ અવધિયા કહે છે કે એ દિવસથી તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે જાણે કે સજાની શરૂઆત થઈ.

'બાળકોને ન ભણાવી શક્યો'

એ ઘટનાનાં બે વર્ષ પછી અદાલતમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું, એટલે વર્ષ 1988માં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. વર્ષ 1988થી 1994 સુધી તેઓ સસ્પેન્ડ રહ્યા.

એ પછી તેમની બદલી રાયપુરથી રીવા કરી દેવામાં આવી. અઢી હજાર રૂપિયાની અડધા પગારની નોકરીમાં ઘર ચલાવવું શક્ય ન હતું. પત્ની અને ચાર બાળકો રાયપુરમાં રહેતાં, જ્યારે જોગેશ્વર પ્રસાદ રીવામાં.

પ્રમૉશન અટકી ગયું, પગારવધારો બંધ થઈ ગયો. એક પછી એક ચારેય બાળકોનું ભણતર છૂટી ગયું.

જોગેશ્વરપ્રસાદના સૌથી નાના દીકરા નીરજ એ સમયે માત્ર 13 વર્ષના હતા અને આજે તેમની ઉંમર 52 વર્ષની છે. નીરજને અફસોસ છે કે તેમના પિતાની કાયદાકીય લડાઈમાં તેમનું બાળપણ અદાલતની સીડીઓ ઉપર જ છૂટી ગયું.

પોતાની ભીની આંખોને લૂંછતા નીરજ કહે છે, "મને એ સમયે રિશ્વત એટલે શું તે પણ નહોતી ખબર, પરંતુ લોકો કહેતા કે – લાંચખોરનો દીકરો છે. સ્કૂલમાં કોઈ ભાઇબંધ ન બન્યા, પાડોશના બધા દરવાજા પણ બંધ થઈ ગયા. સગાંઓએ પણ સંબંધ કાપી નાખ્યા. ફી નહીં ભરી શકવાને કારણે મને અનેક વખત શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો."

જોગેશ્વરપ્રસાદનાં પત્ની ઇંદુએ આ ભાર પોતાની અંદર સંગ્રહી રાખ્યો. ધીમે-ધીમે તેઓ પણ આ સામાજિક સજાથી રુંધાતાં ગયાં. 24 દિવસ સુધી સરકારી હૉસ્પિટલમાં દાખલ રહ્યાં બાદ તેમનું મૃત્યુ થઈ ગયું અને પરિવાર ભાંગી પડ્યો.

જોગેશ્વરપ્રસાદ કહે છે, "ચિંતાને કારણે જ મારી પત્નીનું મોત થયું. મારી ઉપરના રુશ્વતખોરીના આરોપો અને સસ્પેન્ડ થવાને કારણે તે લાંબા સમય સુધી અવસાદમાં રહી અને આ દુઃખે તેને ભાંગી નાખી. મારી પાસે એટલા પૈસા પણ ન હતાં કે હું તેની સારી સારવાર કરાવી શકું."

"મને યાદ છે કે જે દિવસે તેનું અવસાન થયું, એ દિવસે મારી પાસે કાટખાપણના પૈસા પણ ન હતા. એક મિત્રે ત્રણ હજાર રૂપિયા આપ્યા, એ પછી અંતિમસંસ્કાર અને ક્રિયાકર્મ થઈ શક્યાં."

વર્ષ 2004માં ટ્રાયલ કોર્ટે જોગેશ્વર પ્રસાદ અવધિયાને દોષિત ઠેરવ્યા. તમામ સાક્ષીઓએ તેમનાં નિવેદન ફેરવી તોળ્યાં હતાં, આમ છતાં કોર્ટે એક વર્ષની જેલ તથા રૂ. એક હજારના દંડની સજા ફટકારી.

જોકે, અવધિયાએ હાર ન માની. તેમણે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. ઉચ્ચ અદાલતમાં પણ 20 વર્ષ સુધી આ કેસ ચાલ્યો.

પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે જાત-જાતનાં છૂટક કામ કર્યા. ક્યારેક ટ્રાવેલ એજન્ટ તરીકે, તો ક્યારેક બસવાળાને ત્યાં. ઉંમર વધવા છતાં દરરોજ આઠ-આઠ, દસ-દસ કલાક કામ કરવું પડ્યું. રૂ. 100ની લાંચના આરોપે તેમને લગભગ 14 હજાર દિવસ સુધી અદૃશ્ય કેદમાં રાખ્યા.

એ પછી છેક વર્ષ 2025માં એક દિવસ હાઇકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા.

જોગેશ્વરપ્રસાદ કહે છે, "ન્યાય મળે પરંતુ સમય પાછો ન આવ્યો. પત્ની પરત ન ફરી, બાળકોનું બાળપણ ન આવ્યું."

"સન્માન ? કદાચ એ પણ પાછું નથી મળ્યું"

પોતાના દુઃખ અને દર્દની વાતો સહજતાથી બોલી જનારા જોગેશ્વરપ્રસાદ અવધિયાના ભાગમાં જીવનના નામે હવે થાક જ વધ્યો છે. અને યાદોના નામે દુઃખભર્યાં અનેક દૃશ્યો.

તેમનાં હાથમાં ફફડતાં કોર્ટના ચુકાદાનાં પાનાં, હવે દસ્તાવેજ બનીને રહી ગયા છે. કારણ કે તેમનું જીવનરૂપી પુસ્તક તો ક્યારનુંય બંધ થઈ ગયું છે. આ એ પુસ્તક છે, જેમાં વ્યક્તિ પોતાનું ભાવિ લખતો અને ઘડતો હોય છે.

હાઇકોર્ટનાં વકીલ પ્રિયંકા શુક્લ કહે છે, "જોગેશ્વર પ્રસાદ અવધિયા આ કેસમાં વળતર માંગી શકતા હતા, પરંતુ ફરી સવાલ એ જ છે. શું પૈસા ભાંગેલું જીવન ફરી જોડી શકે? શું કોઈ વળતર વીતેલો સમય પરત કરી શકે?"

"જોગેશ્વરપ્રસાદની કહાણી માત્ર એક વ્યક્તિની ત્રાસદી નથી. તે આપણી ન્યાયવ્યવસ્થાનો એ ચહેરો દેખાડે છે, જે ન્યાયમાં ઢીલને અન્યાય માને છે. કોઈકની યુવાની તો કોઈકનું ઘડપણ અદાલતમાં વીતે છે અને જ્યારે ચુકાદો આવે, ત્યારસુધીમાં બધું ખતમ થઈ ગયું હોય છે."

પ્રિયંકા કહે છે કે અદાલતોમાં પ્રાથમિકતા સાથે જૂના કેસોની સુનાવણી કરીને તેમાં ન્યાય મળે તે જોવું જોઈએ, જેથી કરીને લોકોએ જોગેશ્વરપ્રસાદ અવધિયા જેવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે.

જોગેશ્વરપ્રસાદ અવધિયાના કેસમાં 39 વર્ષે ચુકાદો આવ્યો છે, છતાં છત્તીસગઢમાં એવા હજારો કેસ છે, જેમાં વર્ષોથી સુનાવણી નથી થઈ.

છત્તીસગઢની અલગ-અલગ કોર્ટોમાં એવા સેંકડો કેસ છે, જે છેલ્લાં 30-30 વર્ષથી પડતર છે. કેટલાક કેસને તો 50 વર્ષ થઈ ગયાં છે, છતાં તે ન્યાયાલયે તેમાં ચુકાદો નથી આપ્યો.

સરકારી આંકડા ઉપર નજર કરીએ તો છત્તીસગઢ હાઇકોર્ટમાં હાલમાં 77 હજાર 600 જેટલા કેસ પડતર છે, જેમાંથી 19 હજાર 154 કેસ પાંચથી 10 વર્ષ જૂના છે. જ્યારે 10થી 20 વર્ષ જૂના કેસની સંખ્યા ચાર હજાર 159 છે. અને 105 કેસ 20 વર્ષ કે એથી પણ વધુ સમયથી ચાલી રહ્યા છે.

સરગુજા, બિલાસપુર, બલૌદાબજાર તથા દુર્ગ જેવા જિલ્લાઓની સ્થાનિક કોર્ટોમાં કેટલાક કેસ 30 વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે.

ન ફરિયાદી રહ્યા કે ન આરોપી

દુર્ગ જિલ્લાની સ્થાનિક અદાલતમાં તારાબાઈ વિરુદ્ધ ભગવાનદાસ નામનો કેસ વર્ષ 1976થી પડતર છે. મતલબ કે આ કેસને 50 વર્ષ થવા આવ્યા છે. ન તો કેસ દાખલ કરનારાં તારાબાઈ હયાત છે કે ન તો ભગવાનદાસ કે જેમની સામે ફરિયાદ કરી હતી. આ કેસમાં આજ દિવસ સુધી ચુકાદો નથી આવ્યો.

આવી જ રીતે સરગુજા જિલ્લાની અંબિકાપુર સ્થાનિક અદાલતમાં વર્ષ 1979થી એક કેસ ચાલી રહ્યો છે.

નંદકિશોરપ્રસાદ વિરુદ્ધ જગનરામ તથા અન્યો. આ કેસ અંગે ઑનલાઇન જે માહિતી ઉપલબ્ધ છે, તેના મુજબ, ગત 10 વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2015થી 2025 દરમિયાન 291 વખત આ કેસમાં તારીખો પડી છે, છતાં આ કેસનો ચુકાદો નથી આવ્યો.

આ કેસમાં ચુકાદો આવી જશે, એ પછી પણ તે હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લંબાય જાય તેવી શક્યતા છે. સ્વાભાવિક છે કે ત્યાં પણ વર્ષો સુધી આ કેસ પડતર રહેશે.

છત્તીસગઢ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ યતીન્દ્રસિંહ રાજ્યની અદાલતોમાં લાંબા સમય સુધી કેસો પડતર રહેવા અંગે દુઃખ વ્યક્ત કરે છે.

જસ્ટિસ (રિટાયર્ડ) યતીન્દ્રસિંહે બીબીસીને કહ્યું, "આની પાછળ અનેક કારણ જવાબદાર છે. જે પક્ષકારને લાભ મળી રહ્યો હોય, તે નથી ઇચ્છતો કે કેસનો ચુકાદો આવે. બીજું કે જ્યાર સુધી કોઈ પક્ષકાર, મુખ્ય ન્યાયાધીશ કે કાર્યવાહક ન્યાયાધીશ દ્વારા ફરજ પાડવામાં ન આવે, ત્યાર સુધી તેઓ જૂના કેસ હાથ નથી ધરતા."

જોગેશ્વરપ્રસાદ અવધિયા ઇચ્છે છે કે સરકાર કમ સે કમ એમનું પેન્શન ચાલુ કરે અને બાકી નીકળતી રકમ આપી દે. હવે, તેઓ કોઈ ન્યાય નથી ઇચ્છતા. બસ એટલું ઇચ્છે છે કે જીવનભર જે હાથે મહેનત કરી, તેને કોઈની સામે લંબાવવા ન પડે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન